‘ગરવાઈ’ : મહિલા ચરિત્રોનું આલેખન

પુસ્તક પરિચય

રજનીકાંત સોની

સ્ત્રી સશક્તિકરણની વાતો તો ઘણા સમયથી સંભળાતી જ રહે છે, એના માટે પ્રયત્નો પણ થતા રહે છે, પણ આ કામ ખરેખર તો સ્ત્રીઓ જ કરી શકે છે અને કરે પણ છે. એનું ઉત્તમ ઉદાહરણ પૂજા કશ્યપની હાલમાં પ્રગટ થયેલી ‘ગરવાઈ’ છે. આમ તો ‘કચ્છમિત્ર’ના વાચકો માટે આ બંને નામ નવાં નથી, બહેન પૂજા દ્વારા ‘કચ્છમિત્ર’માં ‘ગરવાઈ’ કટાર લાંબો સમય પ્રગટ થતી રહેલી અને પોંખાઈ પણ હતી.

આ કટારના લેખોમાંથી પૂજાએ ચૂંટીને ૯૧ લેખ અહીં આપ્યા છે. આ સંગ્રહ ને આવકારતાં જાણીતા લેખક કિરીટ દુધાતે આ બધા લેખોનું મહત્વ સમજાવ્યું છે અને નોંધ્યું છે કે, અહીં આપેલા વ્યક્તિત્વો તો હતાં જ, પણ ધૂળધોયાની જહેમતથી આપણી સમક્ષ લાવવા પૂજાબેનને ખાસ અભિનંદન. સ્વાભાવિક છે કે, આ બધાં એમને રસ્તામાં નહીં મળ્યાં હોય….. ખૂબ મહેનત કરીને લેખિકાને આ કામ કરવું પડ્યું હશે. અહીં જ પૂજાબેનની પ્રતિબદ્ધતા દેખાય છે.

જયારે ‘કચ્છમિત્ર’ના તંત્રી  દિપકભાઈ માંકડે રાજીપો વ્યક્ત કરતાં લખ્યું છે કે, પૂજાબેનનાં આ કાર્યનું મહત્વ ઔર એટલા માટે છે કે, અહીં માત્ર સમસ્યાઓનું નિરુપણ જ નથી, પરંતુ અખબારી લખાણોના પ્રત્યાઘાતરૂપે સકારાત્મક પરિણામ પણ પ્રાપ્ત થયા છે. પ્રા. દર્શનાબેન ધોળકિયાએ પણ આ સંગ્રહનાં પ્રકાશન બદલ આનંદ વ્યક્ત કર્યો છે.

મહિલાઓની વેદનાઓને, સંઘર્ષને, ખુમારીને વાચા આપવાની પૂજાની કામગીરીની કદર પણ થઇ જ છે. ૨૦૧૨ના વર્ષમાં તેને લાડલી મીડિયા એવોર્ડ એનાયત કરાયો. ઉપરાંત એ જ વર્ષમાં લાડલી મીડિયા નેશનલ ફેલોશીપ પણ મળી. એ રીતે તેમની ઉત્કૃષ્ટ કામગીરીને ઉચ્ચ સ્તેરેથી પોંખવામાં પણ આવી છે.

આ સંગ્રહમાં કુલ ૯૧ લેખ છે, જેણે ચાર વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ છે ‘જેનો સમાજમાં પડઘો પડ્યો’. અહીં એવા લેખો છે, જેની આમસમાજે ગંભીરતાથી નોંધ લીધી હોય અને જરૂરતમંદ મહિલાઓ સુધી ‘ગરવાઈસભર’ મદદનો હાથ પણ પાહોંચાડ્યો હોય. આ રીતે આ ‘ગરવાઈ’ની મહત્તા વિશેષ સમજાઈ શકે એમ છે.

બીજો વિભાગ છે ‘સંઘર્ષમય સફરના સાક્ષી’. અહીં સંઘર્ષને જીવનમાં અનિવાર્ય ગણીને વેઠતી છતાં  તેમાંથીયે માર્ગ કાઢીને સમસ્યાને પડકારતી ખુમારીભરી નારીશક્તિની વાત છે. સામાન્ય રીતે જે સંજોગોમાં મરદ પણ તૂટી જાય એવામાં આ વીરાંગનાઓ સતત ઝઝૂમીને જીતતી પણ દર્શાવાઈ છે.

ત્રીજા વિભાગમાં ‘કલા જગતના કલાપ્રેમીઓ’. અહીં વિવિધ કલાનાં માધ્યમથી પોતાનાં જીવનને સાર્થક કરતી મહિલાઓની વાત છે. તેઓ જુદી જુદી કલાઓ દ્વારા અન્ય કાબેલ મહિલાઓને પ્રેરણા આપી જાય છે અને આપી રહી છે.

જ્યારે અંતિમ ચોથા વિભાગમાં ‘આગવી ઓળખનાં અધિકારી’ એવી મહિલાઓ છે. આ સ્ત્રીઓ એવી છે, જેમને પોતપોતાનાં ક્ષેત્રમાં આગળ રહીને સમાજમાં પોતાની ગરિમાપૂર્ણ તેમજ આગવી ઓળખ સ્થાપિત કરી છે.

વાસ્તવમાં આ મહિલાઓની કહાણીનું આલેખન કોઈ કલ્પના કરી શકે એનાથી પણ વધુ કઠિન છે. કઈ સ્ત્રી એવી હોય, જે પોતાની દર્દભરી કથા આમ જાહેર કરે, છતાં ઉષ્માસભર રીતે, આત્મીયતા કેળવીને અને ક્યાંક અપમાન સહન કરીને તેમજ ધક્કા ખાઈને પૂજાએ આ ગરવાઈને આપના બધા સમક્ષ મૂકી છે. તેમણે પોતે પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે, આં બધાં ચરિત્રોનાં આલેખન વખતે હું રડી પણ છું, હરખાઇ પણ છું, એક મહિલા માટે અન્ય મહિલાઓની યાતનાઓની કથની સાંભળવી અને આલેખવી કેટલી કઠિન બાબત છે એ તો જે કરે તે જ જાણે! એ રીતે પણ આ ગરવાઈની વશેકાઈની નોંધ લેવી પડે.

અહીં આપેલાં ચરિત્રો આપણા કચ્છનાં જ છે, એ બધાંની કથનીમાંથી પસાર થવા તો આ સંગ્રહ વાંચવો જ પડે,પરંતુ એકંદરે એટલું જ કહી શકાય કે, સ્ત્રીને પુરુષો સમોવડી ગણીને તેમનું એક રીતે અપમાન કરવામાં આવે છે. કઠિન સ્થિતિમાં જયારે પુરુષ ભાંગી પડતો જોવા મળે ત્યારે સ્ત્રી ખુમારીથી લડી લેતી જોઈ શકાય છે. આ બધાં ચરિત્રો એ હકીકતની શાખ પૂરે છે. અહીં દરેક અગર તો કેટલીક વિરાંગનાઓનો વિગતે પરિચય આપવાનું તો સંભવ નથી, પરંતુ એટલું તો ચોક્કસ છે કે, આ કથાઓનું પઠન કરવાથી પુરુષોને પાઠ ભણવા તો ભલે મળે, પણ અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે. પૂજા, કચ્છમિત્ર તેમજ પ્રકાશકને ધન્યવાદ.

પુસ્તક અંગે:

ગરવાઈ – પૂજા કશ્યપ

પ્રકાશક વિવેકગ્રામ પ્રકાશન, વિવેકાનંદ રૂરલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ, નાગલપર રોડ, માંડવી- ૩૭૦૪૬૫ ફોન- ૦૨૮૩૪૨૨૩૨૪૩,

પૂજા કશ્યપ –  મો. ૯૪૨૬૮૧૯૬૬૩,

પ્ર.આ. ૨૦૨૧, કિંમત રૂ|.૨૬૦)


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.