નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૮

કાલની ચિંતા કરી આજનો આનંદ ના ગુમાવ

નલિન શાહ

ભોજન પહેલાંની ફંક્શનની વિધિની પૂર્ણાહુતિ થઈ. અમિતકુમાર માનસીની રજા લઈ રવાના થયા. માનસીએ સુનિતા અને શશીને જમવા રોકાવા આગ્રહ કર્યો પણ તેઓએ હાથ જોડીને માફી માંગી. શક્ય છે કે રાજુલની નારાજગી તેઓ વ્હોરવા ના માગતાં હોય! સ્વામી અને સુનિતા રવાના થયાં. શશી અને સુધાકર સાગરની સાથે જવાનાં હતાં. સાગર દરવાજા પાસે પરાગ સાથે વાત કરતો એમની પ્રતીક્ષામાં ઊભો હતો. શશી અને સુધાકરે જવા માટે દરવાજા ભણી પગ માંડ્યા.

ધનલક્ષ્મીની સહેલીઓએ ફંક્શન ખૂબ માણ્યું હતું. તેઓ ધનલક્ષ્મીને માનસી જેવી તેજસ્વી પુત્રવધૂ માટે ધન્યવાદ આપી રહ્યાં હતાં. ત્યાં જ ધનલક્ષ્મીની નજર શશી અને સુધાકર પર પડી. સામસામે આંખો મળી. શશીએ સુધાકરને ઇશારો કર્યો. બંને પાસે આવી ધનલક્ષ્મીની ચરણરજ લેવા નીચે વળ્યાં. ધનલક્ષ્મીએ આશા નહોતી સેવી. અનાયાસે એના બંને હાથ આગળ થયા અને શશી અને સુધાકરના માથાને કાંપતા હાથનો આછો સ્પર્શ કર્યો. જે થયું તે યંત્રવત્‍ થયું. બંનેએ હાથ જોડીને માનભેર વિદાય લીધી. માનસીએ દૂરથી આ દૃશ્ય જોયું ને ખૂબ માણ્યું. ધનલક્ષ્મીની સહેલીઓ તો અચરજથી આભી બનીને જોઈ રહી. આ સંત કહેવાતી, મુખ્ય અતિથિના રૂપમાં આવેલી શશી ધનલક્ષ્મીની ચરણરજ લેવા નીચી વળી એ લોકો માટે આશ્ચર્ય પેદા કરે એવી વાત હતી. સમારંભમાં પહેલી વાર ધનલક્ષ્મીએ પ્રતિષ્ઠાની ઊંચાઈ આંબવા જેવી લાગણીનો અનુભવ કર્યો, ને તે પણ એ જ શશીના થકી, જેને એણે અપમાનિત કરીને ઘરમાંથી કાઢી હતી. એને માટે ‘આ મારી નાની બેન છે’ કહીને અભિમાન લેવાનો મોકો સરી ગયો હતો. હવે એ ઓળખાણ છતી કરવા જતાં ઘણા સંકોચજનક સવાલોના જવાબ આપવા પડત. માનસીએ રાજુલને આપેલું વચન પાળવા કરેલી સમારંભની યોજના સફળ રીતે પાર પડી હતી અને ફંક્શનનો આંખે જોયેલો અહેવાલ અમિતકુમારે કરેલી જોગવાઈથી ફિલ્મમાં મઢાઈ ગયો હતો.

**** **** ****

સાસુ પાસે સમારંભનું વૃત્તાંત સાંભળી રાજુલ આનંદવિભોર થઈ ઊઠી. એ અત્યંત આતુરતાથી બધાના આવવાની વાટ જોઈ રહી હતી. થોડા સમય બાદ જ્યારે શશી દાખલ થઈ કે રાજુલ એને વળગીને રડી પડી.

‘આમાં રડવા જેવું શું છે તારે?’ શશીએ પ્રેમથી પૂછ્યું.

‘એ તો આનંદના આંસુ છે.’ રાજુલે એની ભીંસ વધારે મજબૂત કરી કહ્યું.

રાજુલ માનસીનો આભાર વ્યક્ત કરવા ફોન કરવા જતી હતી, ત્યાં જ માનસીનો ફોન આવ્યો.

‘હમણાં જ બધાં વિદાય થયાં.’ માનસી બોલી, ‘બધાએ ફંક્શન ખૂબ માણ્યું. સ્વામીજીએ શશીબેન સામે માથું ઝુકાવ્યું ને તારી ‘એ’ તો સડક થઈને જોઈ રહી. એનો ચહેરો એટલો ફિક્કો પડી ગયો તો જાણે બધું લોહી સૂકાઈ ના ગયું હોય! ને છેલ્લો સીન તો સુનિતાબેન જોવા રોકાયાં નહોતાં.’

‘શું?’ રાજુલે આતુરાતાથી પૂછ્યું.

‘શશીબેન અને સુધાકર મારી સાસુને પગે લાગ્યાં.’

‘શું….શું કહ્યું? રાજુલ ચમકી ગઈ.

‘અરે સાંભળ તો ખરી, એણે બહુ સારુ કર્યું. એની ઉદારતા બતાવી. પણ મહત્ત્વની વાત તો એ છે કે મારી સાસુને એમને આશીર્વાદ આપવા પડ્યા. ભલે એ ક્રિયા નાછૂટકે કરવી પડી હોય, પણ એ એની સૌથી મોટી હાર હતી. સ્વામીજીએ જે ચર્ચા શશીબેન સાથે કરી એમાં શશીબેનના સ્પષ્ટ જવાબોએ બધાંને અચંબામાં નાખી દીધાં અને સર્વેની પ્રશંસાનું પાત્ર બની ગયાં. સ્વામીજીએ પણ માત અનુભવી હશે. એને સંતનું બિરુદ આપ્યું અને એની સામે નમ્યા. હાશ, મારૂં ધાર્યું બધું સફળતાથી પાર પડ્યું. શશીબેનની હજી સાચી ઓળખાણ પરાગને થઈ નથી. મારાં સાસુ તો એની બહેન તરીકે ઓળખાણ આપી પ્રતિષ્ઠા પામવા માંગતાં હશે, પણ લાચાર હતાં. શું થાય? સમસમીને બેસી રહ્યાં હશે. શશીબેનને મળેલાં માનપાન અને માનભેર વિદાય તારા દિલને ઠંડક આપવા પૂરતાં છે. હવે તારે મને ઇનામમાં એક સરસ મસાલાવાળી ચા પાવી પડશે.’

‘અરે રે માનસી, તું પણ દીદીના જેવી જ છે. માગી માગી ને બસ એક કપ ચા! તું પણ મને અહીં છોડીને એક દિવસ એની ગ્રામસેવામાં જોડાઈ જાય તો નવાઈ નહીં.’

‘અત્યારે તો કુટુંબની વ્હોરી લીધેલી જંજાળમાંથી છૂટાય એમ નથી. ને ઘરમાં એક સદસ્યનો વધારો થશે પછી તો નહીં જ.’

‘એટલે?’ રાજુલ સમજી નહીં.

માનસીથી એક નિસાસો નીકળી ગયો જે રાજુલ સાંભળી ગઈ.

‘સમજી, મે’મા…. તો ખુશ થવા જેવું છે. કેટલા મહિના થયા?’

‘ત્રણ’

‘અરે વાહ, એક ડૉક્ટરનો વધારો થશે.’

‘એ તો જે થાય તે, પણ આ કુટુંબના કુસંસ્કારોથી દૂર રાખવા જે અવરોધોનો સામનો કરવો પડશે એ વિચારે કંપારી છૂટે છે.’

‘તું અત્યારથી શેની ચિંતા કરે છે? ત્યારની વાત ત્યારે. તેં તારી નાનીની વિદાય સહન કરી છે એનું ધ્યેય સિદ્ધ કરવા પરાગની નારાજગીનો પણ હિમ્મતથી સામનો કર્યો છે. જ્યારે સમય આવશે ત્યારે તારું આંતરિક બળ તને જરૂરી હિંમત પ્રદાન કરશે. એટલે કાલની ચિંતા કરી આજનો આનંદ ના ગુમાવ અને જ્યારે જરૂર પડે ત્યારે અમે સૌ તારી પડખે છીએ એ ના ભૂલતી.’

‘તારી વાત સાચી છે. આ તો દિલનો ઊભરો હતો, જે તારી સામે ઠલવાઈ ગયો.’

**** **** ****

શશીની ધનલક્ષ્મીની ચરણરજ લેવાની ક્રિયા ધનલક્ષ્મીની મહત્તા પુરવાર કરવા પૂરતી હતી. એને ફંક્શનનો કરેલો ખર્ચો સાર્થક થયેલો લાગ્યો. માનસી પ્રત્યે ઉપજેલો ગુસ્સો પ્રશંસામાં પલટાઈ ગયો. દુઃખ હતું તો કેવળ એક જ વાતનું કે જેનાં પગલે, સ્વામીજીએ કહ્યું, ઘર પાવન થયું હતું એની બહેન તરીકેની ઓળખ આપવા એ અસમર્થ હતી. જ્યારે પહેલી વાર એના આશીર્વાદ લેવા આવી હતી ત્યારે જો એને અપનાવી હોત તો અમિતકુમાર અને સુનિતાબેનની સાથે એને પણ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરવાની તક સાંપડી હોત. શહેરના અગ્રગણ્ય આમંત્રિતોની હાજરીમાં એ પણ માનપાનની હકદાર બની હોત. એને પણ માઇકની સામે બોલવાનું કહેવામાં આવ્યું હોત. ‘પણ હું બોલત શું?’ એ વિચારે મૂંઝાઈ ગઈ. ‘કાંઈ જરૂરી નહોતું બોલવાનું. મેં ઊભી થઈ શશીને આશીર્વાદ આપ્યા હોત ને લોકોએ તાળીઓ પાડી હોત’ એ વિચારે એને સાંત્વના મળી. પણ આવી અમૂલ્ય તક ગુમાવ્યાનું દુઃખ અનુભવ્યા વગર ના રહી.

 

 

 

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.