બાળ ગગન વિહાર : મણકો – ૭ : બ્રીટની

શૈલા મુન્શા

“સદા માટે ચાલી બચપણ ગયું તોપણ કદી,
રહું છું માણી હું શિશુસહજ ભાવો અવનવા”

-સુરેશ દલાલ

જ્યારે પણ નાનકડાં દેવદૂતો જેવા બાળકોને કોઈપણ જાતની તકલીફમાં જોઈએ ત્યારે મન દ્રવી જાય છે, એમાં પણ જ્યારે એ બાળક કોઈ માનસિક અથવા શારિરીક કમીથી જન્મ પામ્યું હોય ત્યારે સવાલ થાય છે કે પ્રભુ આ બાળકનો શું વાંક છે??

અમારે રોજેરોજ આવાં અનેક બાળકો સાથે કામ કરવાનુ, એમની તકલીફો જોવાની, અનેક અનુભવોમાંથી પસાર થવાનુ, છતાં એમના પ્રત્યે દયા કે કરુણા બતાવવાને બદલે પ્રેમ, ધીરજ અને સહજતાથી એમને પણ એક સહજ સામાન્ય બાળકની અનુભૂતિ કરાવવા એમને કેળવવા અને આગળ જતાં એ સામાન્ય જનપ્રવાહમાં ભળિ સુખદ જીવન માણી શકે એ જ અમારો સતત પ્રયાસ હોય છે.

અમારા માટે પણ એ વરદાન છે કે આ બાળકો અમને પણ અનેક અનુભવોથી ઘડી જીવન જીવવાનો એક નવો જ અભિકોણ સમજાવે છે.
ત્રણ વર્ષની બ્રીટની થોડા દિવસ પહેલાં ક્લાસમાં આવી. સાવ નાનકડી, કાંડુ તો એટલું નાજુક કે કાનમાં પહેરવાની કડી જરા મોટી હોય તો બંગડી ની જેમ હાથમા આવી જાય. એની નાની બેન એના કરતાં મોટી લાગે. પહેલા દિવસથી જ હળી ગઈ રડવાનુ નામ નહિ. હા જરા ચુપ ચુપ રહી પણ એકાદ બે દિવસમાં બરાબર ગોઠવાઈ ગઈ. એના માતાપિતા બન્ને મુકવા આવે. મા જરાય અંગ્રેજી ના બોલે પણ પિતાને સમજ પડે એટલું આવડે.

અમારી ધારણા કરતાં ઝડપથી બ્રીટની ક્લાસના બધા નિયમ નુ પાલન કરવા માંડી. પહેલે દિવસે જ એને બાથરૂમ લઈ જતા મેં જ્યારે એનુ પેટ જોયું ત્યારે જ મને કાંઈક જૂદું લાગ્યું. આંતરડાં જાણે ગણી શકાય. મેં મીસ સમન્થાને તરત બોલાવી દેખાડ્યું પણ બીજી કોઈ તકલીફ ના જણાઈ. થોડા દિવસમાં બ્રીટનીબેન ક્લાસના રંગે રંગાઈ ગયા. તોફાની ડેનિયલ અને ડુલસે જેવા બાળકોની સોબતમાં થોડા તોફાન મસ્તીમાં પણ ભાગ લેવા માંડી. ડેનિયલની સોબતે મને તરત મુન્શા મુન્શા કરી બોલાવવા માંડી, અને થોડી થોડીવારે મમ્મી આવશે નો રાગ આલાપવા માંડી.
ચાર પાંચ દિવસ પહેલા મીસ સમન્થાની માતાપિતા તથા નર્સ, સાયકોલોજીસ્ટ C.P.S.(child protection service) બધા સાથે મીટિંગ હતી. અમારા ક્લાસમા જ્યારે પણ નવું બાળક આવે ત્યારે આ બધી વિધિ થતી હોય.

અમેરિકામાં પેપર વર્કનુ જબરું તૂત છે.જાતજાતના રેકોર્ડ અમારે સાચવવાના હોય. મીટિંગ પતીને મીસ સમન્થા ક્લાસમાં આવી મને કહે મીસ મુન્શા બ્રીટનીનું આપણે ખાસ ધ્યાન રાખવાનુ છે. મને કાંઈ સમજ ના પડી તો કહે “બ્રીટનીનુ લીવર ખરાબ છે, એ લિવર ટ્રાન્સપ્લાન્ટ ના waiting list પર છે.” હું તો સ્તબ્ધ જ બની ગઈ. એટલું જ નહિ એનુ વજન ઘટી રહ્યું હતું એટલે એને ચોક્કસ આહાર આપવાનો હતો જેમાં ૨૪ ગ્રામ પ્રોટીન દરરોજ એના શરીરમાં જવું જોઈએ. માતાપિતાને સ્વાભાવિક જ બ્રીટની ની ઘણી ચિંતા હતી એ બિચારા બધું કરવા તૈયાર હતા પણ C.P.S.એમને ધમકી આપતું હતું કે વજન નહિ વધે તો બ્રીટનીનો કબ્જો અમે લઈ લેશું. મા એટલી બધી ગભરાયેલી લાગતી હતી.બ્રીટની નુ શું થશે એ ચિંતા તો સ્વભાવિક જ હતી ઉપરાંત આ બધી કાયદાને કાનૂનની વાતોમાં એને બહુ સમજ ના પડતી. એને તો એક જ ચિંતા થતી કે ખરેખર આ લોકો મારી દીકરીને મારી પાસેથી છીનવી લેશે??

માતાપિતા ડોક્ટરની સૂચના પ્રમાણે તરત પ્રોટીન પાવડરનો ડબ્બો લઈ આવ્યા અને સ્કૂલમાં અમને આપી ગયા અને અમારે દિવસમાં ત્રણ વાર બબ્બે ઔંસ પાવડર પાણીમાં ભેળવી બ્રીટનીને આપવાનો.

પહેલે દિવસે જ જ્યારે બ્રીટની ને પ્રોટીન પાવડર વાળું પાણી આપ્યું તો એણે જરાય પીધું નહિ. મીસ સમન્થા એ જરા ચાખી જોયું તો મને કહે ” મીસ મુન્શા આનો સ્વાદ એટલો ખરાબ છે કે મારા ગળે ન ઉતર્યું તો બ્રીટની કેવી રીતે પીવાની છે?” શું કરીએ અને કેમ કરીએ એનો વિચાર કરતાં મને એક વાત સુઝી. મે સમન્થાને કહ્યું “આપણે એને દહીંમાં ભેળવીને આપીએ.” અહિં અમેરિકામાં જાતજાતની ફ્લેવર વાળા તૈયાર દહીંના નાના કન્ટેનર મળતા હોય છે. સ્કૂલમાં પણ સવારના નાસ્તામા દહીં ની નાની ડબ્બીઓ બાળકોને આપવામાં આવે.

બીજે દિવસે દહીંમાં પાવડર ભેળવી બ્રીટનીને આપ્યો. જાતે તો એણે ખાવાનો પ્રયાસ ન કર્યો પણ મેં એને બાજુમાં બેસાડી એક એક ચમચી કરી પુરું કરાવ્યું. દિવસમાં બે વાર આવી રીતે ખવડાવી બને એટલો પ્રોટીન પાવડર એના શરીરમાં જાય એનો પુરો પ્રયત્ન અમે કરીએ છીએ. ધીરે ધીરે બ્રીટની પ્રેમથી પ્રોટીન પાવડર ભેળવેલું દહીં ખાવા લાગી. બ્રીટનીની મા એટલી આભારવશ બની ગઈ. એને બિચારીને બીજા કયા પર્યાય હોઈ શકે બ્રીટનીને પ્રોટીન પાવડર ખવડાવવાના એની સમજ નહોતી. મીસ સામન્થા પણ નવાઈ પામી ગઈ. મને કહે “ખરેખર મીસ મુન્શા તારા અનુભવ અને આટલા વર્ષો બાળકો સાથે કામ કરવાથી તું કોઈપણ સમસ્યા નો ઉકેલ જલ્દી લાવી શકે છે.”

હમેશ ફક્ત શિક્ષકના જ નહિ પણ એક ભારતીય માતાના અનુભવ પણ કામ લાગે છે એની સમન્થાને ખબર નહોતી. બાળકોને ન ભાવતી વસ્તુ પણ કેવી રીતે સ્વાદિષ્ટ કરી ખવડાવવી એ માટે પુસ્તકનું નહિ પણ અનુભવનુ જ્ઞાન કામ લાગે છે.

બસ અમારી બ્રીટની જલ્દી સ્વસ્થ બને અને તંદુરસ્તી ભર્યું જીવન જીવે એજ પ્રાર્થના સહિત,

અસ્તુ.


સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.