ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૦ – બંગાળ અને પંજાબ ભાગલા માટે તૈયાર

દીપક ધોળકિયા

કેટલાયે વખતથી ગાંધીજી એકલા પડતા જતા હતા. એમને મન ભારતીય નેતાઓના હાથમાં સત્તા આવે તેના કરતાં કોમી વૈમનસ્ય ઓછું થાય તેનું વધારે મહત્ત્વ હતું. માઉંટબૅટન, અને એમનાથી પહેલાં વેવલ, કોંગ્રેસમાં આવેલાં આ પરિવર્તનથી વાકેફ હતા. પરંતુ ખાસ કરીને માઉંટબૅટનને એ પણ ખબર હતી કે જનતાની નાડી પારખતા હોય તેવા એકમાત્ર ગાંધીજી હતા અને એમની વાત મનાવવા માટે જો  હઠ કરે કે અલગ રસ્તો લે તો કોંગ્રેસે એમની પાછળ જવું પડે તેમ જ હતું. તેમાં પણ નહેરુ સાથે મિત્રભાવ હોવા નહેરુ પર ગાંધીજીનો પ્રભાવ કેટલો હતો, તેનો પણ માઉંટબૅટનને ખ્યાલ હતો. માઉંટબૅટન ગાંધીજીને બરાબર સમજ્યા હતા કે ભારતના રાજકારણમાં ગાંધીજીની આધ્યાત્મિક (નૈતિક) અને રાજકીય, એમ બે પ્રકારની અસર હતી. એ કારણે એ જનતાના માનસ પર રાજ કરતા હતા.

પરંતુ બ્રિટને આઝાદી આપવાની જાહેરાત કરી દીધી તે પછી સ્થિતિ બદલાઈ ગઈ હતી. હવે આંદોલનનો માર્ગ લેવાનો સવાલ નહોતો. ગાંધીજી જાણતા હતા કે લોકોમાં પણ હવે “આઝાદી કોઈ પણ રીતે”ની ભાવના હતી. કોંગ્રેસે ભાગલા સ્વીકારી લીધા હતા અને જનતામાં એનો વિરોધ નહોતો. એટલે જિન્નાના હાથમાં સત્તા સોંપવાથી ભાગલા નહીં પડે, એવી ગાંધીજીની ભાવનાનું પ્રતિબિંબ ક્યાંય પડતું નહોતું.

કોંગ્રેસ આખું બંગાળ કે આખું પંજાબ પાકિસ્તાનમાં ન જાય તેવા પ્રયાસ કરતી હતી એટલે જ એણે જિન્નાનો જ સિદ્ધાંત આગળ ધરીને બન્ને પ્રાંતોના ભાગલાની માગણી કરી હતી. કોંગ્રેસે એ માગણી ન કરી હોત તો બ્રિટનની યોજના તો ભારતના બે કરતાં વધારે ટુકડા કરવાની હતી. જનતા આઝાદી માટે તલપાપડ થઈ રહી હતી અને કોંગ્રેસ વધારે નુકસાનથી બચાવવાની કોશિશ કરતી હતી. આ સંજોગોમાં ગાંધીજી કંઈ કરી શકે તેમ નહોતા એટલે એમણે  છેલ્લા પ્રયાસ તરીકે જિન્નાના હાથમાં સત્તા સોંપવાનું સૂચન કર્યું પણ વ્યહવારમાં જિન્ના માટે પણ એ સ્વીકારવાનું મુશ્કેલ હતું કારણ કે એનો અર્થ એ થાય કે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતનું પોતાના જ હાથે ખૂન કરવું.

બંગાળના ભાગલા

૧૧મી એપ્રિલે લક્ષ્મીકાન્ત મોઇત્રાની આગેવાનીમાં સેંટ્રલ લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના બંગાળથી ચુંટાયેલા હિન્દુ સભ્યોએ વાઇસરૉયને મળીને નિવેદન આપ્યું. એમણે બંગાળમાં ભારત સંઘની હસ્તક અલગ સ્વાયત્ત પ્રાંત બનાવવાની માગણી કરી. તાત્કાલિક ઉપાય તરીકે એમણે એક જ ગવર્નર નીચે બે પ્રાદેશિક વહીવટી તંત્ર બનાવવાની પણ માગણી કરી. આ નિવેદન એમણે ગાંધીજી, નહેરુ રાજાજી અને કોંગ્રેસના બીજા નેતાઓને પણ આપ્યું.

સમયની બલિહારી એ છે કે ૧૯૦૫માં કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા ત્યારે હિન્દુ ક્રાન્તિકારીઓએ એનો વિરોધ કર્યો હતો અને ૧૯૪૭માં હિન્દુઓ કર્ઝને પાડેલા ભાગલા સ્વીકારવા તૈયાર હતા.

બંગાળ કોંગ્રેસ

એનાથી પહેલાં ચોથી તારીખે, કલકત્તામાં બંગાળ કોંગ્રેસની કારોબારી સમિતિએ ઠરાવ પસાર કર્યો કે સરકાર હમણાંની પ્રાંતિક સરકારને સત્તા સોંપવાનું વિચારતી હોય તો એ ધ્યાનમાં લેવું જરૂરી છે કે આ સરકાર બંગાળને ભારતથી અલગ કરીને સાર્વભૌમ રાજ્ય બનાવવા માગે છે અને એ કોમવાદી સરકાર છે. પરંતુ બંગાળનો એક ભાગ ભારત સંઘમાં રહેવા માગે છે અને એમને એ પસંદગી કરવાની છૂટ હોવી જોઈએ. સંઘના ભાગ તરીકે બંગાળ પ્રાંત પોતાના માટે જે બંધારણ બનાવે તેમાં જે પ્રદેશમાં લઘુમતીના રક્ષણની વ્યવસ્થા સાથે સંયુક્ત મતદાર મંડળ અને પુખ્ત મતાધિકારની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય તો બંગાળ પ્રાંતના બે ભાગ કરવા જોઈએ અને જે ભાગ આ આધારે બંધારણ બનાવવા માગતો હોય તેને એમ કરવાની છૂટ આપવી જોઈએ.

બ્રિટન સરકારે ૨૦મી ફેબ્રુઆરીએ નિવેદન કરીને સત્તાની સોંપણી એક કે તેથી વધારે કેન્દ્રોમાં કરવાની શક્યતા પણ દેખાડી હતી. તેનો કારોબારી સમિતિએ વિરોધ કર્યો અને કહ્યું કે સત્તા એક જ કેન્દ્રને આપવી જોઈએ. સમિતિનો મત હતો કે પૂર્વ બંગાળ, દક્ષિણ-પૂર્વ બંગાળ, ગારો પર્વતીય પ્રદેશ અને ચિત્તાગોંગમાં અમુક ભાગ ભારત સંઘમાં રહેવા માગે છે અને એને એ સગવડ આપવી જોઈએ.

બંગાળ કોંગ્રેસની આ બેઠકમાં  હિન્દુ મહાસભાના નેતા ડો. શ્યામા પ્રસાદ મુખરજીએ પણ ભાગ લીધો.

બંગાળ હિન્દુ કૉન્ફરન્સ

એ જ દિવસે કલકત્તાથી ૩૫ માઇલ દૂર તારકેશ્વરમાં હિન્દુ મહાસભાના બંગાળ એકમની બેઠકમાં પ્રમુખસ્થાનેથી એન. સી. ચૅટરજીએ કહ્યું કે મુસ્લિમ લીગ બંગાળમાં પાકિસ્તાન બનાવવાની તરંગી યોજનાને વળગી રહી છે તે સંજોગોમાં હિન્દુઓને પણ પોતાનું અલગ વતન માગવાનો અધિકાર છે. એમણે કહ્યું કે દાર્જીલિંગ, માલદાનો અમુક ભાગ, દિનાજપુર, ફરીદપુર અને બારીસાલ જિલ્લાઓને ભેળવીને એક નવો પ્રાંત બનાવી શકાય છે. આમ કરવાથી હિન્દુ બંગાળમાં મુસલમાનોની વસ્તી ૩૦ ટકા જેટલી હશે અને સામે પક્ષે  પાકિસ્તાનમાં જનારા ભાગમાં હિન્દુઓની વસ્તી ૩૦ ટકા હશે. આમ બન્ને પ્રાંતોમાં વસ્તીમાં કોમોનું પ્રમાણ સમાન રહેશે. બીજા દિવસે કૉન્ફરન્સે ડૉ, શ્યામા પ્રસાદ મુખરજીના પ્રમુખપદે ‘કાઉંસિલ ઑફ ઍક્શન’ બનાવી અને આ ઠરાવનો પ્રચાર કરવા માટે એક લાખ સ્વયંસેવકોને ગામેગામ મોકલવાનો નિર્ણય કર્યો.

ડો. શ્યામા પ્રસાદ મુખરજીએ ફરીથી ૨૨મી ઍપ્રિલે દિલ્હીમાં બંગાળી હિન્દુઓની રૅલીમાં બોલતાં આ માગણી દોહરાવી અને ઉમેર્યું કે     પાકિસ્તાનની માગણી ન સ્વીકારાય તો પણ હિન્દુઓ માટે અલગ પ્રાંત બનાવવો જોઈએ.

સુહરાવર્દી અને શરત ચંદ્ર બોઝ

સુહરાવર્દીએ જાન્યુઆરીથી જ બંગાળનું અલગ રાજ્ય બનાવવાની ઝુંબેશ શરૂ કરી દીધી હતી અને શરત ચંદ્ર બોઝ પણ એમની સાથે જોડાયા હતા. એમણે પણ જાન્યુઆરીમાં જ કોંગ્રેસની વર્કિંગ કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે ભાગલાનો સ્સિદ્ધાંત સ્વીકાર્યો તેનાથી એ વિરુદ્ધ હતા. એમનું કહેવું હતું કે બંગાળના કોમી ધોરણે ભાગલા પાડવાથી એની કોમી એકતા અને સમૃદ્ધિનો અંત આવશે. એમણે બન્નેએ અવિભાજિત બંગાળ માટે એક મંચ પણ બનાવ્યો હતો પણ ભાગલાની જોરદાર આંધીમાં એમનું સાંભળનાર કોઈ નહોતા. બન્ને ગાંધીજીને પણ મળ્યા હતા.

પંજાબમાં ભાગલાની માગણી

બંગાળમાં હિન્દુઓ અલગ પ્રાંતની અને ભારતના સંઘમાં રહેવાની માગણી કરતા હતા, એ જ ટાંકણે પાંચમી ઍપ્રિલે પંજાબના શીખ નેતાઓ, પંથિક પાર્ટીના નેતા સરદાર સ્વર્ણ સિંઘ અને બંધારણ સભાના સભ્ય સરદાર ઉજ્જલ સિંઘે લાહોરમાં એસોસિએટેડ પ્રેસને આપેલા ઇંટરવ્યુમાં કહ્યું કે પંજાબમાં સામાન્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય તો શીખો પંજાબના ભાગલા પાડવાની શરતે વાતચીતો માટે તૈયાર છે. પંજાબમાં નવેસરથી ચૂંટણી કરાવવાની મુસ્લિમ લીગની માગણીને રદ કરતાં એમણે કહ્યું કે જ્યાં સુધી તોફાનો ચાલુ હોય ત્યાં સુધી ચૂંટણી ન થઈ શકે.

૧૮મી ઍપ્રિલે માસ્ટર તારા સિંઘ, સરદાર ઉજ્જલ સિંઘ અને ગિયાની કરતાર સિંઘ વાઇસરૉયને મળ્યા. એમણે કહ્યું કે પંજાબના ભાગલા પાડવા એ જ કોમી સમસ્યાનો ઉકેલ છે.

૨૨મીએ લાહોરમાં કોંગ્રેસ અને શીખ પ્રતિનિધિઓએ સંયુક્ત બેઠકમાં ઠરાવ પસાર કર્યો કે પંજાબના બે અને જરૂર પડે તો ત્રણ ભાગ પાડવા જોઈએ. પંજાબની ભૂતપૂર્વ મિશ્ર સરકારના બે મંત્રીઓ ભીમસેન સચ્ચર અને સરદાર સ્વર્ણ સિંઘે જવાહરલાલ નહેરુને એક મેમોરેન્ડમ મોકલીને પંજાબમાં જવાબદાર સરકારની પુનઃસ્થાપના કરવા અપીલ કરી.

મે મહિનાની બીજી તારીખે દિલ્હીમાં પંજાબમાંથી પ્રાંતની ઍસેમ્બ્લી અને બંધારણ સભામાં ચુંટાયેલા હિન્દુ અને શીખ સભ્યો એકઠા મળ્યા અને પંજાબના ભાગલા પાડવાની માગણી કરી. એમણે કહ્યું કે હાલની હિંસાએ દેખાડ્યું છે કે લઘુમતીઓ મુસ્લિમ લીગના હાથમાં સલામત નથી.

વાઇસરૉય પાસે એ વખતે એક યોજના હતી તેમાં પંજાબના ભાગલા ઝોન પ્રમાણે કરવાનું સૂચન હતું, પણ હિન્દુ-શીખ કૉન્ફરન્સે એનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે એક ઝોનમાં ૧૨ અને બીજા ઝોનમાં ૧૭ જિલ્લાઓ મૂકેલા છે અને કોઈ એવા જિલ્લા પણ હશે જેના વિશે હજી કયા ગ્રુપમાં મૂકવા તેનો નિર્ણય ન થયો હોય.. એટલે ઝોનવાર ભાગલા સ્વીકારી શકાય તેમ નથી કારણ કે આમાં શીખોની વસ્તીનું વિભાજન થઈ જશે. તે સાથે કોન્ફરન્સે પોતે પણ ૯૦ ટકા હિન્દુ વસ્તી અને ૯૦ ટકા શીખ વસ્તી એક બાજુ રહે તેવી યોજના દેખાડી.

જિન્ના ભાગલાનો  વિરોધ કરે છે!

મુસ્લિમ લીગના પ્રમુખ જિન્ના પંજાબ અને બંગાળના ભાગલાની તીવ્ર બનેલી માગણીઓથી અકળાયા અને ૩૦મી ઍપ્રિલે એમણે દિલ્હીમાં નિવેદન બહાર પાડીને એનો વિરોધ કર્યો.

એમણે કહ્યું કે પંજાબ અને બંગાલના ભાગલા પાડવાની ભયાવહ માગણીની પાછળ નફરત અને કડવાશ છે. મને આશા છે કે વાઇસરૉય આ વાત માનશે નહીં. એમણે ૬ પ્રાંતોમાં પાકિસ્તાનની સરકાર અને બાકીના પ્રાંતોમાં હિન્દુસ્તાનની સરકાર બનાવીને એમને સત્તા સોંપવાની માગણી દોહરાવી. એમણે કહ્યું –

“ અખબારોના રિપોર્ટમાંથી મને જાણવા મળે છે કે કોંગ્રેસે હવે એ કહેવાનું શરૂ કર્યું છે કે પાકિસ્તાન અને હિન્દુસ્તાન બનશે તો પંજાબના ભાગલા થશે; અને હિન્દુ મહાસભાએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે કે બંગાળના પણ ભાગલા પાડવા જોઈએ. હું કહેવા માગું છું કે ભાગલાના હેતુ બાબતમાં ભારે ગૂંચવાડો પેદા કરવામાં આવ્યો છે. મુસ્લિમ લીગે ભારતના ભાગલા પાડવાનું સૂચવ્યું તેની પાછળનો સિદ્ધાંત એ છે કે અમને અમારી કોમ માટે વતન જોઈએ છે જેમાં અમારું રાજ્ય હોય. જે પ્રાંતોમાં મુલિમ બહુમતી હોય તે – પંજાબ, વાયવ્ય સરાહદ પ્રાંત, સિંધ, બલુચિસ્તાન, બંગાળ અને આસામમાં અમારું રાજ્ય બને. બ્રિટિશ ઇંડિયાનો પોણો ભાગ હિન્દુસ્તાન બને.

પંજાબ અને બંગાળના ભાગલાનો મુદ્દો માત્ર બ્રિટિશ સરકારના રસ્તામાં વધારે અડચણો ઊભી કરવાનો, અને મુસલમાનોને એ દેખાડવાનો છે કે પાકિસ્તાન તૂટેલુંફૂટેલું અને કપાયેલું હશે. આ માગણીનો કોઈ સધ્ધર આધાર નથી, બસ એક જ કે પંજાબ અને બંગાળની હિન્દુ લઘુમતીએ બૂમરાણ મચાવીને પોતાના જ પ્રાંતના લોકોને અલગ પાડવાની માગણી કરી છે. બ્રિટિશ સરકારે આ માગણી માનવી ન જોઈએ કારણ કે તર્કની નજરે તો એમ કરવાથી બધા પ્રાંતોમાં આવા ભાગલા પાડવા પડશે.

એ દેખીતું છે કે હિન્દુઓને હિન્દુસ્તાન જવાની અને મુસલમાનોને પાકિસ્તાન જવાની ઇચ્છા રહેશે; એમને એમ કરવાની છૂટ રહેશે. મોડે વહેલે વસ્તીની અદલાઅબાદલી કરવી જ પડશે,”  જિન્નાએ સંરક્ષણ દળોના ભાગલાની પણ માગણી કરી.

રાજેન્દ્ર પ્રસાદનો તીખો જવાબ

બંધારણ સભાના પ્રમુખ રાજેન્દ્રબાબુએ તરત જ જિન્નાને જવાબ આપ્યો. એમણે કહ્યું કે ભાગલા થવાના જ હોય તો એ સંપૂર્ણ થવા જોઈએ. મુસ્લિમ લીગે પોતે જ લાહોર ઠરાવ દ્વારા ભાગલા માગ્યા છે. કોંગ્રેસે, કે હિન્દુઓ અને શીખોએ તો ભાગલા માગ્યા જ નથી. મુસ્લિમ લીગને જ્યાં મુસલમાનોની બહુમતી હોય તે વિસ્તારો જોઈએ. હવે એમના જ ઠરાવ પ્રમાણે, જ્યાં મુસલમાનોની બહુમતી ન હોય તે પ્રદેશો એ માગી ન શકે. હવે હિન્દુઓ અને શીખોએ લીગની ભાગલાની માંગ માની લીધી છે અને એના જ પ્રમાણે એમણે પંજાબ અને બંગાળના ભાગલા માગ્યા છે. અને જિન્ના કહે છે તેમ સંરક્ષણ દળોને પણ બન્ને વચ્ચે વહેંચવાનાં હોય તો એ પણ કરો, જેમ જલદી થાય તેમ સારું.

000

સંદર્ભઃ

The Indian Annual Register Jan-June 1947 Vol. 1


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

2 thoughts on “ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૦ – બંગાળ અને પંજાબ ભાગલા માટે તૈયાર

Leave a Reply

Your email address will not be published.