ઈનકારથી મળે છે મોત, એકરારનો અંત આવી શકે કેદખાને

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

તાજેતરમાં રજૂઆત પામેલી તમિળ ભાષાની ‘જય ભીમ’ વિશે અનેક ચર્ચા થઈ રહી છે, અને ‘કસ્ટોડિયલ ડેથ’નો મુદ્દો ફરી એક વાર ચર્ચાના કેન્‍દ્રમાં આવ્યો છે. ગામના એક આગેવાનને ઘેર થયેલી ચોરી માટે ગામને સીમાડે રહેતા એક જનજાતિના માણસની ધરપકડ, ચોરીની કબૂલાત કરવા માટે પોલિસ ચોકીમાં તેની પર આચરવામાં આવતો શારિરીક સિતમ અને તેને પગલે થતા આરોપીના મૃત્યુની દુર્ઘટના ફિલ્મમાં મુખ્ય મુદ્દો છે. એવું નથી કે આ મુદ્દો પહેલવહેલી વાર ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યો હોય. ફિલ્મોમાં પોલિસપાત્રોનું ચિત્રણ સામાન્ય રીતે બે અંતિમો પર કરવામાં આવે છે. કાં તેમને એકદમ ભ્રષ્ટ અને ખલનાયક જેવા ચીતરવામાં આવે છે, કાં એકદમ વીરરસથી ભરપૂર. ફિલ્મોના આ ચિત્રણનો પ્રભાવ એવો હોય છે કે ફિલ્મોમાં દર્શાવાયેલાં પોલિસપાત્રોનાં ઉપનામ વાસ્તવ જીવનનાં પોલિસોને આપવામાં આવે છે.

‘કસ્ટોડિયલ ડેથ’ જેવો, પૂરેપૂરો અંગ્રેજી શબ્દ પણ હવે જાણે કે આપણી ભાષાનો બની ગયો છે. તેની સામાન્ય વ્યાખ્યા એટલે પોલિસની અટકાયતમાં હોય એવા આરોપીનું એ દરમિયાન થતું મૃત્યુ. આરોપી પાસે ગુનાની કબૂલાત કરાવવા માટે પોલિસ દ્વારા ઘણી વાર તેની પર શારિરીક અત્યાચાર ગુજારવામાં આવે છે. તેને પગલે આરોપી મૃત્યુ પામે છે. અટકાયતમાં રહેલી વ્યક્તિ આરોપી છે, ગુનેગાર નહીં, અને આપણી ન્યાયપ્રણાલિ અનુસાર વ્યક્તિ ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ ગણાય છે. ‘કસ્ટોડિયલ ડેથ’ને બે મુખ્ય શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે. પહેલી શ્રેણીમાં જેમની ધરપકડ કરાયેલી હોય, પણ અદાલત સમક્ષ રજૂ ન કરાયા હોય એવા આરોપીઓનો સમાવેશ કરવામાં આવે છે. બીજી શ્રેણીમાં રિમાન્‍ડ પર હોય એવા આરોપીઓનો સમાવેશ કરવામાં આવે છે.

આ બાબત ગંભીર અવશ્ય છે, પણ તેને કેટલી ગંભીર ગણવી એ જોનારની દૃષ્ટિ પર આધાર રાખે છે. પોલિસ સ્ટેશનોમાં ચોપડે નોંધાતા અપરાધના આંકડાનો રેકોર્ડ રાખનાર સરકારી એકમ ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો’ (એન.સી.આર.બી.) દર વરસે વિવિધ આંકડા જાહેર કરે છે. એ અનુસાર છેલ્લા વીસ વરસમાં એટલે કે 2001થી 2020 દરમિયાન દેશભરમાં કુલ 1,888 લોકોનાં ‘કસ્ટોડિયલ ડેથ’ થયેલાં છે. કુલ 893 પોલિસકર્મીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે, 358 લોકો સામે આરોપનામું ઘડવામાં આવ્યું છે, પણ કેવળ 26 પોલિસકર્મીઓને જ શિક્ષા કરવામાં આવી છે. 2020માં 76 આરોપીઓ આ રીતે મૃત્યુ પામ્યા છે, જેમાં સૌથી વધુ આંકડો ગુજરાતમાં, 15 લોકોનો છે. આંકડા અનુસાર કુલ 1,888માંથી 1,185 લોકો એવા હતા જે રિમાન્‍ડ પર ન હતા, જ્યારે 703 લોકો રિમાન્‍ડ પર હતા ત્યારે મૃત્યુને ભેટ્યા.

‘એન.સી.આર.બી.’ દ્વારા છેલ્લાં ચાર વરસથી આ પ્રકારના કેસમાં સંડોવાયેલા પોલિસોની થયેલી ધરપકડના આંકડા પણ જાહેર કરવામાં આવે છે. એ મુજબ આ ગાળામાં કુલ 96 પોલિસકર્મીઓની ધરપકડ કરવામાં આવેલી છે.

આ આંકડા નોંધાયેલા હોય એવા કેસના છે. ન નોંધાયા હોય એવા કેસ કેટલા હશે એની અટકળ કરવી રહી. એ પણ હકીકત છે કે આ તમામ કેસનું સામાન્યીકરણ કરીને પોલિસને ખલનાયક ચીતરી દેવાની જરૂર નથી. પોલિસદળે અનેક દબાણ અને તાણ હેઠળ કામ કરવું પડતું હોય છે. આરોપી મરણને શરણ થાય એટલી હદ સુધી તેની પર જુલમ ગુજારવામાં આવે એ કઈ પરિસ્થિતિ હેઠળ બનતું હોય છે એ જાણવાની કોશિશ ભાગ્યે જ કરવામાં આવે છે. આમ છતાં, કોઈ પણ સંજોગોમાં આરોપીના મૃત્યુને ન્યાયી, વાજબી યા ક્ષમ્ય ગણી શકાય નહીં.

દલીલ ખાતર કહી શકાય કે આપણા દેશની વિશાળ વસતિની સરખામણીએ આ આંકડા મામૂલી ગણી શકાય. એટલું યાદ રાખવું ઘટે કે આંકડા એ રોગ નહીં, બલકે રોગનું લક્ષણ છે. મૂળ રોગ પોલિસ દ્વારા અટકાયતમાં લેવાતા લોકો પર આચરવામાં આવતા શારિરીક અત્યાચારનો છે. આરોપી પર શારિરીક બળજબરીને પોલિસ પોતાનો અધિકાર માની લે છે, અને ઘણાખરા કિસ્સામાં એમ જ માને છે કે આ ઉપચાર કારગર છે. પોલિસખાતાની કામગીરીમાં સુધારા કરવાની વાત છાશવારે ચર્ચાતી રહે છે, પણ એ દિશામાં પહેલ થઈ હોય તોય એ અતિશય ધીમી છે. પોલિસ વિભાગ રાજકારણીઓના હાથમાંનું પ્યાદું બની રહ્યું હોય એ બાબત હવે નવાઈ પમાડનારી નથી. રાજકારણીઓ પોતાના સ્વાર્થ અને અંગત હિત માટે પોલિસ વિભાગનો ઉપયોગ કરતા હોય એ ઉઘાડું સત્ય છે.

સમાજનો ભદ્ર ગણાતો વર્ગ અને પ્રભાવશાળી કહેવાતા લોકોને આ સમસ્યા ખાસ સ્પર્શતી નથી. આવા અમુક લોકો તેઓ ‘કસ્ટોડિયલ ડેથ’ને વાજબી ગણાવતા હોય તો નવાઈ નહીં. એવું નથી કે આ સમસ્યા આજકાલની છે. પ્રત્યેક સરકારના કાર્યકાળમાં આવા બનાવો બનતા રહ્યા છે. આવી કોઈ ફિલ્મ રજૂઆત પામે યા કોઈક મામલો હાથથી બહાર જઈને પ્રસારમાધ્યમોમાં ચગે ત્યારે એટલા સમય પૂરતું એ સૌનું ધ્યાન ખેંચે છે. થોડા સમયમાં બધું ઠરી જાય છે અને ફરી વખત આવી દુર્ઘટના ન બને ત્યાં સુધી આ મુદ્દો કોરાણે મૂકાઈ જાય છે.

‘નેશનલ કેમ્પેઈન અગેઈન્‍સ્ટ ટોર્ચર’ (એન.સી.એ.ટી.) નામનું સ્વૈચ્છિક સંગઠન આ મુદ્દે અવારનવાર અવાજ ઉઠાવે છે, જરૂર પડે ત્યાં ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવે છે. ભારત ઉપરાંત અન્ય પાડોશી દેશોમાં પણ તે કાર્યરત છે. અલબત્ત, સમસ્યાનો એ ઊકેલ નથી. તેના ઊકેલ માટે અનેક સ્તરે કામ કરવું પડે એમ છે. શરૂઆત માત્ર ઉપરથી નહીં, ઉપરથી અને નીચેથી એમ બન્ને સ્તરે કરવી પડે. એ યાદ રાખવું ઘટે કે પ્રત્યેક ‘કસ્ટોડિયલ ડેથ’ કોઈકના સ્વજનનું અકાળ મૃત્યુ છે. એવું મૃત્યુ જે તેને પોતે ‘ગુનેગાર’ હોવાને કારણે નહીં, પણ ગુનેગાર હોવાની કેવળ આશંકાને કારણે મળેલું છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬-૧૨ –૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ: તસવીર નેટ પરથી, તેના પ્રકાશાનાધિકાર મૂળ કર્તાના અબાધિત રહે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.