“સ્ટારી નાઈટ્સ” : આ ચિત્ર જોયા બાદ તમારા મનમાં કેવા ભાવ જાગે છે?

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

ચિત્રોની વાત આવે ત્યારે આ લખનારને એના પૂર્વાશ્રમનો એક કિસ્સો અચૂક યાદ આવતો રહે છે. એ સમયે હું આર્કિટેક્ટ્સ અને ઇન્ટીરિયર ડિઝાઈનર્સ માટે ગ્રાફિક વિઝ્યુઅલાઈઝર તરીકે કામ કરતો. એક વાર એક નવી સવી, છતાં કેટલાક મોડર્ન શબ્દો શીખીને પ્રેક્ટિસમાં ઉતરેલી ઇન્ટીરિયર ડિઝાઈનર બેબલી અને ક્લાયન્ટ વચ્ચેની મીટિંગના સાક્ષી થવાનું બન્યું. ક્લાયન્ટના બેડરૂમની ડિઝાઈન ઉપર ડિસ્કશન ચાલતું હતું. બેબીએ નેટ પરથી ડાઉનલોડ કરેલી એક ઈમેજ કોમ્પ્યુટર સ્ક્રીન પર બતાવીને ક્લાયન્ટને કહ્યું, “આ તમારા બેડની સામે ગોઠવો. મસ્ત પિક છે, બેડરૂમમાં આવી પિક (ચિત્ર) હોય તો ઊંઘ સારી આવે!” અંગ્રેજી ઉચ્ચારોમાં થયેલી રજૂઆતથી પીગળીને ક્લાયન્ટે તરત જ પોતાના બેડરૂમમાં મૂકવા માટે એ ચિત્રની પ્રિન્ટ કઢાવવાનો ઓર્ડર આપી દીધો. આ વાર્તાલાપ દરમિયાન હું વિચારતો હતો કે આ બન્નેમાંથી એક્કેયને ખબર નહિ હોય… ‘સારી ઊંઘ લાવવા’ના આશય સાથે એ લોકો જે પિક, એટલે કે ચિત્રને બેડરૂમની શોભા બનાવવા જઈ રહ્યા છે, એની પાછળની કહાણી ઊંઘ ઉડાડી દે એવી છે!

એ ચિત્રનું નામ હતું ‘સ્ટારી નાઈટ’.

સ્ટારી નાઈટ

’. મહાન ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગને જ્યારે પાગલખાનામાં ભરતી કરવામાં આવ્યો, ત્યારે એણે ચિત્તભ્રમના લગાતાર હુમલાઓ વચ્ચે આ ચિત્ર દોરેલું! ઓવર ટુ વિન્સેન્ટ વાન ગોગ.

***   ***   ***

 

van gogh – blue, 02/03/2016, 11:12, 16C, 3446×4057 (2426+3205), 100%, Repro 2.2 v2, 1/15 s, R39.7, G13.4, B25.7

૩૦ માર્ચ, ૧૮૫૩ને દિવસે નેધરલેન્ડના ગ્રૂટ ઝુન્ડર્ટ ગામે વિન્સેન્ટનો જન્મ. પિતા પાદરી અને ઘરની સ્થિતિ સાધારણ. વિન્સેન્ટના જન્મ પહેલા જ એનો એક મોટો ભાઈ ગુજરી ગયેલો. માતા આ આઘાત જીરવી ન શકી અને વિન્સેન્ટના જન્મ પછીય ડિપ્રેશનમાં જ રહી. એની સીધી અસર વિન્સેન્ટના ઉછેર પર પડી. વિન્સેન્ટનું બાળપણ એકલવાયું બની રહ્યું. એકલતા તમને ભાવનાત્મક રીતે અસંતુલિત બનાવી મૂકે છે, ખાસ કરીને તમે બાળક હોવ ત્યારે! જિંદગીના શરૂઆતના વર્ષોમાં જ એકલતા અને નકારાત્મક લાગણીઓથી ઘેરાઈ ગયેલા વિન્સેન્ટની સંવેદનશીલતા બહુ આળી થઇ ગઈ. આસપાસના વાતાવરણ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ જ નહોતો. એ ખેતરોમાં એકલો રખડ્યા કરતો. બાળક તરીકે એ કદાચ પોતાની આસપાસની ઘટનાઓ પ્રત્યે તીવ્ર સંવેદન અનુભવતો હશે. એક નોંધનીય બાબત એ હતી કે કુટુંબ તરફથી એને કળા વિશેના સારા સંસ્કારો મળ્યા હતા. આથી કુદરતી દ્રશ્યો અને વ્યક્તિઓને એ જરા જુદી નજરે જોતા શીખ્યો. જો આવું ન થયું હોત તો એની એકલતા અને તીવ્ર લાગણીશીલતાએ એને બાળપણમાં જ તોડી નાખ્યો હોત. નસીબજોગે એક પછી એક એવા સ્થળોએ ફરવાનું બન્યું, જ્યાં વિન્સેન્ટની અંદર ઢબુરાયેલા કળા-સંસ્કારોને પોષણ મળ્યું.

વિન્સેન્ટના એક કાકા હેગ શહેરમાં આર્ટ ગેલેરી ‘ગોપિલ’ (અથવા ગૌપિલ) સાથે સંકળાયેલા હતા. ૧૮૬૯માં એમણે સોળ વર્ષના વિન્સેન્ટને કમાતો કરવાના હેતુસર પોતાની પાસે બોલાવી લીધો. કાકા સાથે ગેલેરીમાં ચારેક વર્ષ કામ કર્યા બાદ ગોપિલની લંડન ખાતેની શાખામાં પહોંચ્યો. આ વર્ષો દરમિયાન યુવાની અને સાહિત્ય, બન્ને સાથે લોહીમાં ઘૂંટાઈ રહ્યા હતા. વિન્સેન્ટે ફ્રેંચ, અંગ્રેજી, અમેરિકન ભાષાના લેખકોને વાંચી નાખ્યા. સાથે જ બાઈબલનું પણ અધ્યયન કર્યું. નવરાશના સમય દરમિયાન મ્યુઝિયમના આંટાફેરા માર્યા. વીસ વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો વિન્સેન્ટ પોતાના પિતા કરતા વધુ કમાણી કરતો થઇ ગયો! આ ચાર વર્ષો સુખનો સમય લઈને આવ્યા. કોઈ પણ યુવાન માટે આવી પરિસ્થિતિ ઇચ્છનીય છે. કમાણી વધે એમ સમાજમાં જ નહિ, પણ ઘર-પરિવારમાં પણ મોભો બનતો હોય છે. લોકો તમને ગંભીરતાથી લેવાનું શરુ કરે છે. વિન્સેન્ટે જો જરા સરખો વ્યવહારુ અભિગમ દાખવ્યો હોત તો લાઈફ બરાબર સેટ થઇ જવાની અણી પર જ હતી. પણ…

તમારી અંદર રહેલી સર્જનાત્મકતા-સંવેદનશીલતાને આશીર્વાદ ગણવી કે અભિશાપ? સર્જનાત્મકતા ઘણીવાર તમને આળા બનાવી મૂકે છે. તમે જગતના સામાન્ય વ્યવહારોમાં જાતને ગોઠવવામાં નિષ્ફળ જાવ છો. કોઈક વાર તો સર્વસામાન્ય ઘટના પણ તમને અંદરથી લોહીલુહાણ કરી નાખે! વિશ્વમાં એવા કેટલા યુવાનો હશે જેને પ્રથમ પ્રેમમાં જ સફળતા મળી ગઈ હશે? સામાન્ય યુવાનો માટે પ્રથમ પ્રેમમાં મળેલી નિષ્ફળતા તરુણવય ત્યજીને પૌરુષ તરફ – મેચ્યોરિટી મેળવવા તરફ આગળ વધવાની ઘટના બની રહે છે. પણ વિન્સેન્ટના કિસ્સામાં સાવ ઉંધુ બન્યું.

એ પોતાની મકાન માલકણની દીકરીના પ્રેમમાં પડ્યો. કહેવાય છે કે પોતાના પ્રેમની ઉત્કટતા દર્શાવવા માટે એણે સળગતી મીણબત્તી પર હાથ ધરી દીધેલો! જાહેરમાં ભલે ગમે એવી ડાહી ડાહી વાતો થતી હોય, પણ કદરૂપી વ્યક્તિના પ્રેમમાં ભાગ્યે જ કોઈ પડે છે. આપણા વિન્સેન્ટભાઈનો દેખાવ પણ જરા દબાતો, અને પેલી છોકરીનું મન ક્યાંક બીજે વસી ગયેલું, એમાં વાત બની નહિ. પહેલા હાથ બળ્યો, પછી હૃદય… એમ વિન્સેન્ટના ભાગે નકરો બળાપો જ વેઠવાનો આવ્યો. આ ઘટનાક્રમ બાદ સુખ સતત હાથતાળી આપતું રહ્યું. વિન્સેન્ટના ‘પરાક્રમ’ વિષે જાણ થતા જ મકાન માલકણે ઘરમાંથી કાઢી મૂક્યો, અને પછી વિન્સેન્ટ ક્યાંય સ્થાયી ન થઇ શક્યો!

ગૌપિલ નામક આર્ટ ગેલેરી સાથે એ સંકળાયેલો હતો. ગેલેરીની લંડન શાખાથી બદલી લઇ પેરિસ ગયો. પણ ત્યાં ય વાંધાવચકા ઉભા થતા એને પાણીચું આપવામાં આવ્યું. કદાચ એ સમયે જો એ ચિત્રો દોરતો હોત, તો એની અંદર ભડકતી અશાંતિ અને અસંતોષ કેનવાસ પર રેલાઈને શાંત થઇ ગઈ હોત. તમારી અંદર કશુંક ચસોચસ ભરાઈ ગયું હોય, ત્યારે એ બહાર ઠલવાઈ જાય એ ખૂબ જરુરી હોય છે. માનસશાસ્ત્ર આ ઘટનાને ‘કેથાર્સિસ’ તરીકે ઓળખે છે. કળાકારો એને ‘અભિવ્યક્તિ’ તરીકે ઓળખાવે છે. વિન્સેન્ટ પાસે એ સમયે અભિવ્યક્ત થવાનો કોઈ રસ્તો નહોતો, પરિણામે એ અંદરને અંદર ગૂંગળાતો ગયો. દુનિયા સાથેના વહેવારમાં એની આ ગૂંગળામણ અને છટપટાહટ છલકાતા રહ્યા. પેરિસથી ઇંગ્લેન્ડ આવીને સ્કુલમાં સામાન્ય નોકરી કરી. એ ય છોડીને ફરી એક વાર માતા-પિતા સાથે રહેવા આવી ગયો અને બુક શોપમાં ક્લાર્કની નોકરી કરવા માંડયો. બાઈબલ પ્રત્યેના આકર્ષણને કારણે ધાર્મિક શિક્ષણ લેવા ગયો, પણ એની પરીક્ષામાં ય નાપાસ થયો. અશાંત મન ક્યાંય સ્થિર થવા નહોતું દેતું.

અશાંતિ જેમ વધતી ગઈ એમ એ ધર્મ તરફ ઢળતો ગયો. ખોરાક બહુ ઓછો થઇ ગયો અને માંસ ખાવાનું લગભગ બંધ કર્યું. નવરાશના સમયમાં એ બાઈબલના ફકરાઓનો અંગ્રેજી, ફ્રેંચ અને જર્મન ભાષાઓમાં અનુવાદ કર્યા કરતો. આ બધું જોઈને પરિવારને થયું કે જો વિન્સેન્ટ બીજી બધી જફા મૂકીને ધાર્મિક શિક્ષણ મેળવી લે, તો પાદરી તરીકેની સ્થાયી નોકરી મળી જાય. આવું વિચારીને પરિવારે એને કાકા પાસે આમ્સટરડેમ મોકલી આપ્યો, જેથી ત્યાંની યુનિવર્સીટીમાં એ પદ્ધતિસરનું ધાર્મિક શિક્ષણ મેળવી શકે. માણસ ધાર્મિક થાય, એની પાછળ ઘણા કારણો હોય છે. દરેક જણ કંઈ અધ્યાત્મ તરફ ખેંચાણ થવાથી સાધુ નથી બનતો! બલકે મોટા ભાગના લોકો તો સંસારથી ભાગી છૂટવા માટે અધ્યાત્મના માર્ગે વળી જાય છે. દુનિયાઓ દરેક ધર્મ આવા બાવાઓથી ઉભરાય છે. વિન્સેન્ટના અધ્યાત્મ તરફના ઝુકાવમાં પણ કદાચ દુનિયાદારી સામેની એની હતાશા અને નિષ્ફળતા જવાબદાર હતી. અને એટલે જ બાઈબલ અને ધર્મ પ્રત્યે લાવ હોવા છતાં એ યુનિવર્સીટી ઓફ આમ્સટરડેમની એન્ટ્રન્સ એક્ઝામમાં જ નાપાસ થયો! એ પાદરી બની શકે એમ નોટો, પણ ધર્મ પ્રચાર કરનાર મિશનરી બનવાના સંજોગો હતા. ૧૮૭૯ના જાન્યુઆરીમાં બધું છોડીને બેલ્જીયમના બોરીંજે ખાતે પહોંચ્યો. બોરીંજેમાં ખાણમાં કામ કરતા મજૂરો વચ્ચે મિશનરી તરીકેની નોકરી લીધી.

અહીં વિન્સેન્ટના જીવનમાં એક પાત્ર અપ્રત્યક્ષ રીતે પ્રભાવક બને છે. એ પાત્ર એટલે એનો નાનો ભાઈ થીઓ. એ સમયે વિન્સેન્ટને સૌથી વધારે જો કોઈ સમજી શકતું હોય તો એનો આ નાનો ભાઈ થીઓ. થીઓ જાણતો અતો કે એના મોટા ભાઈમાં કળા અને સર્જનાત્મકતા ફૂટી ફૂટીને ભર્યા છે. એણે મોટા ભાઈને નવરાશના સમયમાં ચિત્રો દોરવાની સલાહ આપી. આ સલાહ માનીને વિન્સેન્ટે ખાણીયા મજુરોના સ્કેચ બનાવવાનું શરુ કર્યું. મિશનરી તરીકે કામ કરવાથી સામાન્ય, છતાં પ્રમાણમાં ઠીક ગણાય એવું રહેઠાણ અને પૂરતો ખોરાક મળે એમ હતું. પણ અંતરમાં ઉછાળા મારતી સંવેદનશીલતા જપવા દે તો ને?! વિન્સેન્ટ તો બધી સગવડ છોડીને ખાણમાં કામ કરનારા મજૂરો વચ્ચે રહેવા માંડયો. અહીં એણે મજુરોને ભોગવવી પડતી તમામ પ્રકારની હાડમારી વેઠી, તમામ દુઃખો સહન કર્યા. પોતાની આસપાસ વસતા મજૂરોની યાતનાઓને આ સંવેદનશીલ સર્જકે એટલી તીવ્રતાથી અનુભવ્યા કે એક તબક્કે એનું પોતાનું શરીર શારીરિક-માનસિક યાતનાઓ સહન કરી કરીને બેડોળ બની ગયું! દુઃખી મજૂરો રાત્રે અંધકારમાં જે કંઈ કાચું-પાકું ખાતા, એ જોઈને વિન્સેન્ટ એક ચિત્ર બનાવે છે, ‘પોટેટો ઈટર્સ’. આ ચિત્ર પાછળથી ભલે વિન્સેન્ટ વાન ગોગના ડાર્ક માસ્ટરપીસ તરીકે આખા વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યું, પણ એ સમયે તો વિન્સેન્ટની નોકરી ગઈ! કારણકે ચર્ચ ઓથોરિટીને લાગ્યું કે મિશનરી તરીકેની નોકરી કરતો વિન્સેન્ટ આ રીતે મજૂરો વચ્ચે રહીને ભૂખે મારે, એમાં ‘મિશનરી’ તરીકેની ડિગ્નીટી જળવાતી નથી!

પોટેટો ઈટર્સ

વિન્સેન્ટની વારંવારની નિષ્ફળતાઓ અને એની પાછળના વિચિત્ર કારણોને લીધે એના પિતાને લાગ્યું કે આ છોકરો કોઈ મોટી માનસિક સમસ્યાથી પીડાય છે, કદાચ એ પાગલ થઇ રહ્યો છે. પિતાએ એને સારવાર આપવાના હેતુસર પાગલખાનામાં દાખલ કરાવ્યો! દુન્યવી વ્યવ્હારુતાના અભાવે એક તરફ વિન્સેન્ટ તૂટી રહ્યો હતો, બીજી તરફ એની અંદરનો ચિત્રકાર ફાટીને બહાર આવી રહ્યો હતો! આ દ્વંદમાં આગળ શું થયું, એની વાત આવતા અંકમાં.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.