જાકો રાખે સાંઇયા માર સકે ન કોઇ

હકારાત્મક અભિગમ

-રાજુલ કૌશિક

કહેવત છે ને…. જાકો રાખે સાંઇયા માર સકે ન કોઇ.

કેટલાય સમયથી સાંભળવામાં આવતી આ ઉક્તિ જ્યારે નજર સામે જ તાદ્રશ્ય થાય ત્યારે ? એ દ્રષ્ય, એ પળ અને ક્યારેક તો એ સ્થળ પણ યાદ આવી જાય ત્યારે ય શરીરમાં કંપારી છુટી જાય છે.

નવા વર્ષની શરૂઆત થાય એટલે સ્વભાવિક ઈશ્વરના આશિષ લેવાનું ના ચૂકાય. એ દિવસ હતો ભાઇ-બીજનો અને અમે નિકળ્યા હતા મહુડી ઘંટાકર્ણ મહાવીરના દર્શનાર્થે. નવા વર્ષની શરૂઆત અને સવારની તાજગીના લીધે કારમાં બેઠેલા અમે સૌ અત્યંત પ્રફુલ્લિત હતા. એ દિવસની સવાર સાચે જ ખુબ ખુશનુમા હતી. વાતાવરણમાં આછી ઠંડક હતી. કાર સોળાના ભરચક રસ્તાઓ પાર કરીને હાઇવે પકડવાની તૈયારીમાં હતી. સોળા રોડથી ગાંધીનગર તરફ વળવાના રસ્તા પર ચઢતા પહેલા આવતા ચાર રસ્તા પર ટ્રાફિકના લીધે અમારી કાર લગભગ ગોકળગાયની જેમ ધીમી ગતિએ હતી.

હાઇવે પર પસાર થતો સડસડાટ ટ્રાફિક દેખાતો હતો. હાઇવે હોવાના લીધે મેઇન રોડ પર ગાડીઓની ગતિ જે રીતે હોવી જોઇએ એવી જ તેજ હતી. દૂરથી એક સાઇકલ સવાર એની મધ્યમ ગતિએ આવી રહેલો નજરે પડતો હતો. કામદાર –મજૂર હોવો જોઇએ એવા એના દેદાર પરથી પારખી શકાતું હતું. સાઇકલના હેન્ડલ પર ત્રણ ખાનાનું ટિફિન પણ લટકતું દેખાતું હતું. સામાન્ય કાઠી ધરાવતો આ માણસ ખુબ આરામથી આગળ વધી રહ્યો હતો અને અચાનક પાછળથી આવતી ટ્રકે એને હડફેટમાં લીધો. એ માણસ એની સાઇકલ સાથે રસ્તા પર પછડાયો અને ટ્રકની બરોબર વચ્ચે ફસાયો અને ટ્રકની સાથે થોડો ઘસડાયો પણ ખરો. ટ્રક ચાલકને એની જાણ સુધ્ધા હશે કે એ તો રામ જાણે.

હવે જે દ્રશ્ય નજર સામે આવશે એના કલ્પના કરતાં ય મન થથરી જતું હતું. ટ્રક નીચે ઘસડાયેલી વ્યક્તિના શા હાલ હશે? એનું કયું અંગ બચ્યું હશે? અરે! એ વ્યક્તિ પણ બચી હશે કે કેમ એ વિચારીએ તે પહેલા તો ટ્રક એના પરથી પસાર થઈને આગળ વધી અને એ માણસ હળવેથી ઉભો થયો, જાણે કશું જ બન્યું ના હોય એમ એની સાઇકલ ઉભી કરીને એની પર સવાર થઈને હાલવા લાગ્યો. કદાચ એના ભાગ્ય પર અથવા જેણે એને બચાવ્યો એવા ઈશ્વરની મહેર વિચાર કરવા જેટલી ય એની સૂધ રહી હશે કે કેમ? કે પછી ખરેખર એ એટલો મજબૂત હશે કે આવી કોઇ ઘટના એને સ્પર્શે જ નહીં કે પછી એટલો મજબૂર હશે કે એવા વિચારો પાછળ સમય પણ વેડફી શકે તેમ નહોતો?

આજે એ ઘટનાને વિતે પંદર વર્ષ પસાર થઈ ગયા પણ આ સવાલોનો જવાબ મળ્યો નથી પણ એક વાત તો મનમાં નિશ્ચિત થઈ ગઈ કે જાકો રાખે સાંઇયા માર સકે ન કોઇ.. આ આખી ઘટનામાં સૌથી સ્પર્શી ગઈ એક વાત કે જે બન્યું હતું એની પાછળ કોઈ રાવ નહીં- કોઈ ફરિયાદ નહીં અને જાણે કશું જ બન્યું નથી એવી અજબ જેવી સ્વસ્થતા, માનસિક સ્થિરતા, તટસ્થતા. એ જો કેળવી શકાય તો તો બસ શાંતિ જ શાંતિ….


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.>

Author: Web Gurjari

1 thought on “જાકો રાખે સાંઇયા માર સકે ન કોઇ

  1. સરસ વાત. આવી શાંત સહનશક્તિ આપણા દેશમાં ઘણીવાર જોઈ છે અને આશ્ચર્ય-આનંદ થાય છે.
    સરયૂ

Leave a Reply

Your email address will not be published.