પુરુષાર્થીના પિતા એટલે ‘નિરમા’વાળા કરસનભાઈના પિતા

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

એમને જ્યારે જ્યારે મળું છું ત્યારે મનમાં એક સવાલ જાગે છે. તેનો જવાબ મેળવવાના અનેક તરફોડા પછી પણ એ અનુત્તર જ રહે છે. એ કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો આટલું વિસ્મય ન થાત. નિરમા ગ્રુપ સ્થાપીને દેશ અને દુનિયામાં એક નક્ષત્રની જેમ ચમકી રહેનાર કરસન પટેલની બાબતમાં તો એ વિસ્મય સદાય રહે જ છે. એ આટલા બધા ઓછાબોલા, ટૂંકાબોલા, ધીમાબોલા અને બોલાવો ત્યારે માંડ બોલે એવા કેમ ? પચીસ વર્ષ પહેલાં એક સંજોગે મારે અને એમને વારેવારે મળવાનું થતું ત્યારે પચાસ ઉપરની વયના એ હતા છતાં લાગતું હતું કે આટલી વયમાં હજુ ચહેરા પરની ચમક બરકરાર છે, પણ આંખોમાં નજરમાં ઊંડાણ અતાગ છે. અકળ, સ્વામી સચ્ચિદાનંદ સાથે નર્મદા આંદોલન વેળા ‘ચિત્રલેખા’ માટે એમનો ફોટો મેં પાડેલો. ફોટો જ્યારે જ્યારે હાથમાં આવે છે, ત્યારે ફરી મૂળ સવાલ બેઠા થાય છે. આ સામાન્ય જણાતા વ્યક્તિત્વમાં અસામાન્ય એવું શું છે ? એનું મૂળ શું હશે ?

એમના એક બહુ નજીકના મિત્રે મને વાતવાતમાં કહ્યું હતું : ‘એ એમના બાપા જેવા છે. એ પણ એવા જ. કદી મળ્યા છો ?’

‘મોકો જ મળ્યો નથી.’ મેં કહ્યું: ‘બાકી ઈચ્છા ખરી. મને કોણ જાણે કે, વિશિષ્ટ વ્યક્તિઓનાં માબાપને મળવાનું મન હંમેશાં રહ્યા કરે છે. હંમેશા એમ મનમાં થયા કરે કે જે ક્યારીમાં આ સુગંધી ફૂલ ખીલ્યું એમાં એવી તે કઈ નવીનતા હશે ?’

‘એમનાં બાને તો હવે નહિ મળી શકો – કારણ કે એ તો ૧૯૮૭ માં જ એક એક્સિડન્ટમાં ગુજરી ગયાં ને! જાત્રાએ નીકળ્યાં હતાં. ઉદેપુરથી જરી આગળ એક રાજસ્થાની મેટાડોરે એડફેટે લઈ લીધી એમની ગાડીને. એમાં મુસાફરોમાંથી એક માત્ર એમનાં બા જ ગયાં.’

જો કે, મને પણ યાદ તો આવ્યું જ. એમની જિંદગીમાં આ એક બીજો જબરદસ્ત પ્રહાર આવ્યો. એક એક્સિડન્ટમાં એમણે જેના પરથી ‘નિરમા’ નામ મળ્યું એ વહાલસોયી પુત્રી નિમાને ખોઈ. તેનું હાસ્ય ફોટામાં જોઈને તો મૃત્યુની કલ્પનાથી હૃદય ચિરાઈ જાય. એ પહેલાં આ અકસ્માત થયો એમાં બાને ખોયાં. યાદ આવ્યું. અકસ્માત થયા પછી થોડું જીવ્યાં. ઉદેપુર હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. કરસનભાઈ ત્યાં દોડી પણ ગયા. પણ બાજી હાથ ન રહી. આ બે જીવલેણ અકસ્માતોમાં એકમાં જનેતા ખોઈ, બીજામાં દુહિતા. માણસના ચહેરા પર આના છૂપા જખમ દેખાવા જોઈએ, પણ કરસનભાઈનો ચહેરો એ જ. સ્વસ્થ, એક પણ રેખા-ફરકવિહોણો ગોળ ચહેરો. ઓછા વાળવાળું કપાળ, જે ચહેરાના નીચેના ભાગ કરતાં પ્રમાણમાં થોડું મોટું લાગે. ન હાસ્ય, અટ્ટહાસ્યની તો વાત જ નહિ, સ્મિતરેખા પણ જવલ્લે જ. ન ઉદાસી, હા. ગંભીરતા ખરી. જે પાછી ધીર.

‘માતા તો નથી હવે, પણ પિતા છે.’ મને માહિતી મળી : ‘સો વરસ ઉપર પાર કરી ગયા છે.’

‘એમ ?’ મેં પૂછ્યું : ‘તો તો મળવું પડે.

‘કહો ત્યારે લઈ જાઉં.’

‘એમ ?સેટેલાઈટ રોડ પર સુંદરવન નજીકના એમના કિલ્લા જેવા બંગલામાં એમ સહેલાઈથી મળે?’

‘કેમ નહિ ? બંગલામાં શું, બંગલાની બહાર પણ મળે. આ ઉંમરે એ જ્યારે ગામડાગામમાં….’

‘કયું ગામ ?’

‘ઉત્તર ગુજરાતમાં ચાણસ્મા પાસે રૂપપરા ગામ. એ લોકો ત્યાંના. ત્યાં એમને નાની એવી ખેતી હતી. પંદરેક વીઘાં હશે. ત્યાં સાડા પાંચ છએ ઊઠી ખેતરે જતા ને છેક સાંજે પાછા આવતા, જમવાનું, રોંઢો બધું જ ખેતરમાં. સેવા-શ્રમ તો આજે કરી શકે નહિ ને કરવાની જરૂર પણ શી ? પણ અહીં પણ સો વરસની ઉંમરે પગ વાળીને બેસતા નથી. એમની ઉંમરના મિત્રો સાથે બહાર ફરવા જાય એ વખતે કાર ન વાપરે. સવારે જતા રહે. બપોરે જમવાના સમયે પાછા આવે. જમીને આરામ કરીને પાછા સાંજે જાય, રાતે પાછા આવે. પૂરા સ્વસ્થ છે. નથી ડાયાબિટીસ, નથી બી.પી. આંખના તેજ પણ પ્રમાણમાં સારાં. ચાલવાની ઝડપ સારી. મળવું હોય તો એ બહાર રસ્તા પર ચાલતા પણ મળી જાય.’

આટલી માહિતી પછી મળવાનો મનસૂબો કર્યો. પણ સમય બધા જ મનસૂબાનો રિંગ-માસ્ટર છે. રહી ગયું તે રહી જ ગયું. કરસનભાઈને મળવાનું થાય ત્યારે મને એમને જોતાંવેંત એમના પિતાને મળવાનું યાદ આવે પણ એ નાનકડું મનમોજું પાછું શમીય જાય.

અચાનક એક દિવસ એમની તરવરાટ ભરેલી સેક્રેટરી હર્ષા પંચાલનો ફોન આવ્યો, ‘જાણ્યું તમે ?’

‘બોલ ને ?’

‘બાપા ગયા.’

આવું તો કેટલી વાર બન્યું ? જેને મળવાના ઘોડા ઘડયા હોય એ આપણા એ ઘોડાની પરવા કર્યા વગર જ દુનિયા છોડીને ચાલ્યું જાય. એ ક્ષણે જાત પર પળભર માટે અણગમો ઊપજે. પણ પછી બધો ઓળિયોઘોળિયો ‘વિધિના લેખ’ની કેપ્સુલ પર. પછી તો દિવસોના થરચડી જાય. બધું સમથળ. પણ એક દિવસ એકાએક સોલો ચડ્યો. મારાં પુસ્તક ‘આપ કી પરછાઈયાં’માં કલ્યાણજી આણંદજીના પિતા વીરજીબાપા ઉપર એક લેખ મેં લખ્યો. વીરજીબાપાને કદી પણ મળ્યા વગર, એ બે ભાઈઓએ માત્ર સામાન્ય વાતચીતમાં મતલબ કે ઈન્ટરવ્યૂની સભાનતા વગર એમની જે ચરિત્રરેખાઓ દોરી આપી એના પરથી છબી તૈયાર થઈ ગઈ. ‘લંકેશ’ અરવિંદ ત્રિવેદીનાં – ઉપેન્દ્ર ત્રિવેદીનાં – ભાલચંદ્ર ત્રિવેદીનાં બા તો હયાત છે ને એમને મળ્યા પછી એમની શબ્દછબી દોરી હતી. જ્યારે આ તો એમને મળ્યા વગર જ. કલ્યાણજી – આણંદજી બંને એ નીચે મત્તું મારી આપ્યું રાજી થઈને, તો કરસનભાઈને મળીને કેમ આ કામ ન થાય ?

પણ કલ્યાણજી અને કરસનભાઈ વચ્ચે ઘણો ફેર. તે તો એમને મળ્યા પહેલાં આટલા પરિચયે મને સમજાઈ જવું જોઈતું હતું તે મળ્યા પછી વધુ કોઠે પડ્યું. આશ્રમ રોડ પર ઈન્કમટેક્ષ સર્કલની લગોલગ આવેલી એમની ‘નિરમા હાઉસ’ની ઓફિસે એમણે ‘તમે ફાવે તેટલો સમય લો’ એમ મને ફોનમાં કહ્યું ત્યારે હું ખુશ થઈ ગયો. પિતાની વાત કરતાં કરતાં તો એ ખીલવાના જ. માણસને વતનનું પૂછો, વહાલાનું પૂછો, એ ખીલ્યા વગર રહે જ નહિ. પરંતુ હું ગયો ત્યારે એ જ નિર્વિકાર, સ્વસ્થ, ધીરગંભીર ચહેરે એ બેઠા હતા. વિશાળ ખંડમાં એમનું વિશાળ ટેબલ ને સામે ખુરશીઓ પર અમે બે જ. તખ્તો સરસ. મેં પૂછ્યું : ‘બાપા ગયા – બહુ ખોટું થયું.’

રજનીકુમાર પંડ્યા (ડાબે) અને કરસનભાઈ પટેલ

એમણે પાંપણ ઝપકાવી. દુઃખની એક લકીર ઝબકીને છુપાઈ ગઈ. પણ જીભેથી એક શબ્દ બોલ્યા નહિ. પેપરવેઈટને ગોળગોળ રમાડી રહ્યા. થોડી પળો એમને એમ પસાર થઈ. વળી બે સવાલ એમણે મને મારી વિદેશયાત્રા કે નવાં પુસ્તક વિશે પૂછ્યા – ઔપચારિક જ ગણાય. કારણ કે એક માત્ર મારી ‘કુંતી’ સિવાય બીજું કશું એમને પહોંચાડ્યું હતું તે છતાં, વાંચવાનો ઉલ્લેખ નથી કર્યો. જાણીએ કે એમને રુચિ નહિ હોય. સમય નહિ મળતો હોય.

‘આ તમે આજે કંઈ છો એમાં તમારા પિતાનો ફાળો કેટલો ?’

‘આજે હું જે કાંઈ છું એમાં કોઈનો ફાળો નથી. પણ એથી કરીને મારા બાપા તરફના મારા આદરમાં એક ટકોય ઘટાડો નથી થવાનો.’

આગળ શું પૂછવું ? નિખાલસપણે કહ્યું એમણે જે છે તે કહ્યું ને નથી તે પણ કહ્યું.

‘જરાક વિગતે સમજાવો !’ મૂળ સવાલને ઘૂંટી લીધો મેં.

’એમનું નામ ખોડીદાસ વનમાળીદાસ પટેલ. એ પચાસ-પંચાવનના હતા ને મારો જન્મ થયો. 1944ની સાતમી જાન્યુઆરી. ત્રણ બહેનો. જડીબહેન, ડાહીબહેન, શાંતાબહેન પછીનો ચોથો હું. પછી એક ભાઈ રામજીભાઈ અને એ પછી એક બહેન રતનબહેન. સાધારણ ખેતી હતી. મધ્યમ ગણાય. વાણિયાનું થોડું દેણું હોય – આમાં અમારે સૌએ બાપાને ખેતીના કામમાં ટેકો દેવો પડે. એ રીતે મેં ખેતરમાં જઈને બહુ શારિરીક શ્રમ કર્યો છે… અમે બધાએ કર્યો છે. પણ…’

ખોડીદાસ વનમાળીદાસ પટેલ

વળી એ બોલતાં અટક્યા. આટલું બધું પહેલી વાર એક સાથે બોલવાનો થાક લાગ્યો હશે. મેં નજર નોંધીને જોયું – લેશમાત્ર કંટાળો નહિ કે થાક પણ નહિ. એક છૂપો મર્મ ચહેરા પર છવાઈ ગયેલો તે તરત જ મારી નજરમાં આવી ગયો. તરત પૂછ્યું : ’કેમ બોલતાં અટકી ગયા ?’

‘મારી વાત મારા મનમાં આવી એટલે – એ શું કહેવી વળી ?’

‘તોય ?’

‘મને ભણવાની જબ્બર રુચિ હતી. ફર્સ્ટ ક્લાસ જ રહેતો. એટલે મારું વિશેષ ધ્યાન ભણતરમાં. જ્યારે મારા બાપાની ઈચ્છા હું ખેતીમાં પલોટાઉં એવી. આમાં ક્યારેક અમારે બાપદીકરા વચ્ચે થોડો મતભેદ થતો. વડચડ થતી. હું પાંચ ધોરણ સિદ્ધપુર ભણ્યો. ચાણસ્મા સાતથી દસ. બસ, અહીં થોડી મુશ્કેલી થઈ. ફાધર કહે કે હું પૈસા નહિ આપું. મેં કહ્યું તમે મને પૈસા ન આપતા. હુંય તમને ભણીશ ત્યાં લગી ઘરમાં રાતો પૈસો નહિ કમાઈ દઉં. પણ ભણવાનો ખર્ચો જાતે જ કરીશ. તમારી પાસે નહિ માગું. તમે મારી આશા ન રાખતા. આમ પહેલી વાર એમની અને મારી વચ્ચે એક અંતર ઊભું થયું.’

‘પછી તમે કેટલું ભણ્યા ?’

‘હું બી.એસ.સી. થયો ને થયા પછી નોકરી કરી ઈન્ડક્ટોથર્મમાં. પછી કોટન મિલમાં હતો. ત્રણેક વરસ નોકરી કરી.’

‘પણ ફાધરે ભણવાની ના પાડી હતી એ ડંખ મનમાં રહ્યો કે ?’

‘લેશમાત્ર નહિ.’ એમણે દરેક દરેક શબ્દ પર ભાર મૂકીને કહ્યું : ‘પોતે બિલકુલ સાચા હતા. ભણવાની ના ફક્ત એટલા માટે જ પાડતા હતા કે પૈસા ક્યાંથી લાવીને આપવા? એટલું પોસાણ નહોતું. એમનો આ મુદ્દો હું સમજતો હતો એટલે બલકે એ સાચા છે એટલે એમના ખર્ચે મારે ન ભણવું. મારે આગળ ભણવું છે એ પણ એટલું જ સાચું છે. માટે મારે મારા ખર્ચે ભણવું.’

મારા મનમાં ઝબકાર થયો. લોકો જેને વિઝડમ-ડહાપણ કહે છે તે આવી જ સમજણનું બીજું નામ હશે ? એમની આ વિઝડમે જ એમને આ સ્થાને પહોંચાડ્યા હશે ? ખેર, તો પછી પિતા સાથેના એમના સંબંધો જિંદગીભર કેવા રહ્યા હશે ? એમના ચરિત્રની કેટલી, કેવી અને કઈ રીતની છાપો એમણે ગ્રહણ કરી હશે? મેં નવા સવાલની તૈયારી કરી.

જે નવા સવાલની મેં તૈયારી કરી એમાં મારી થોડી સંશોધનની ભાવના હતી. ‘બાપ એવા બેટા’ એમ તો કહેવાય, પણ બધે એવું નથી મળતું. એક બાપના બે બેટા પણ પૂર્વ-પશ્ચિમ જેવા હોય. આમાં પેલી કહેવતનું સ્થાન ક્યાં?

નિરમાના સર્વેસર્વા સંસ્થાપક કરસનભાઈ પટેલ એમ પેટ દેવા માગતા નહોતા એમ નહિ, પણ બહુ બોલવું એમના સ્વભાવમાં જ ન મળે. એટલે વારંવાર અમારી વાતચીત ખોડંગાયા કરે. મારે જ બંધ પડેલી ગાડી ફરી સેલ્ફ સ્ટાર્ટ કરવી પડે. એ વગર નાળિયેરનું પાણી કેમ પીવાય ?

‘તમારા પિતા ખોડીદાસભાઈ સો ઉપરના થઈને પછી અવસાન પામ્યા. એમના આટલા લાંબા આયુષ્યનું રહસ્ય તમને શું લાગે છે ?’

‘કુદરતી મહેરબાની.’

પછી મારે જ એમને બે-ચાર સંકેતો દેવા પડ્યા :’નિર્વ્યસની હતા એટલે ?’

‘નિર્વ્યસની તો હતા જ.’

‘બી.પી., ડાયાબિટીસ કે એવા મનના ઉધામાને કારણે થતા રોગ?’

’મનના ઉધામા જ ક્યાં રાખતા ?’

હવે શું બોલવું ? વિચાર જ કરતો હતો ત્યાં ફિલસૂફીનો થોડો સ્ટોક મેં કરી રાખ્યો છે એ કામમાં આવ્યો. મેં કહ્યું :‘ઉધામા કંઈ નેગેટિવ જ હોય છે એવું થોડું છે ?ઉધામા સારું કામ કરવાના પણ હોય. મારા જેવાને જગતમાં સારા દેખાવાનો બહુ ભડભડિયો હોય. ન હોય ત્યાંથી ‘સારાં કામ’ માગું. એમાં ક્યારેક સારાંને બદલે સાંસતુંય પામું. ક્યારેક દાઝું. ધરમ કરતાં ધાડ પડે. પછી ‘તીસરી કસમ’ ખાવી પડે. પાછી તોડવીય પડે. આવું બધું મતલબ કે તમારા પિતા હવે તમે આટલા સમૃદ્ધ થયા છો તો પછી સમાજમાં બે કામ સારાં કરવા નીકળી પડ્યા હોય એવું બનેલું કે ?’

મારાં આટલાં બધાં વાક્યો પછી પણ કરસનભાઈ એક- બે વાક્ય બોલ્યા : ‘એવું તો નહિ. જે ખુદ સારા હોય એમણે સારાં કામ કરવા નીકળવું જ પડે.’

મને ચોટ કરી ગઈ આ વાત – પણ મારે પાકનો ઉતારો ઉપર ઉપરથી નહોતો લેવો. મૂળ લગી જવાની ઈચ્છા હતી.

‘એટલે? નાનપણમાં તમે જોયેલો કોઈ એમની સારપનો કિસ્સો ?’

‘કિસ્સો પૂછો તો કિસ્સો યાદ ન આવે. જીવનપદ્ધતિ યાદ આવે.’

‘મતલબ?’

‘ઠંડા પાણીના સરોવર જેવું. કોઈ એક ભાગ જ ઠંડો થોડો હોય ? એ જ્યાં હાથ બોળો ત્યાં ઠંડું લાગે. જુઓ અમારે ખેતી હતી, ગાડું હતું, બળદ હતા. હવે કોઈનું કામ બગડતું હોય તો એ વ્યક્તિ ફાધરને પૂછવાય ન આવે ને બળદ છોડી જાય ગાડામાંથી. બારોબાર લઈ જાય ને પછી મૂકવા હોય ત્યારે મૂકી જાય. આમ છતાં ફાધરનું લોહી ક્યારેય ન ધગે. પરોપકારી એવા કે વૃત્તિ જળમાં જેમ શીતળતા પેસી ગઈ હોય એમ એમના જીવનમાં પેસી ગયેલી.’

પાણીને શીતળ કરવાથી તેનું વજન નથી એમ જ સમજવું ને ?ગાડે બાંધેલો બળદ કોઈ બીજું પોતાના કામસર લઈ જાય ત્યારે જ બોલે. પાછા મૂકી જાય ત્યારે ન બોલે કે કેમ પૂછ્યા વગર લઈ ગયો હતો. આવી વ્યક્તિને બૂરાઈના તો શું પણ સારપનાય ઉધામા ન હોય. કરસનભાઈ પટેલે એ ગુણ ગ્રહણ કર્યો હતો ? વાત તો ઘણી સાંભળી હતી. ભણતર માટે, સંશોધન માટે, સદ્‍પ્રવૃતિ માટે બેઠક, અને કોકને છૂપે હાથે દાન દે છે, પણ એનો પ્રચાર ક્યારેય કરાવતા નથી. હજુ હમણાં જ ‘નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન’ના નેજા નીચે કોઈ કશા પ્રચારફંફેડા વગર ગુજરાતી પહેલી જ ખાનગી ભંડોળવાળી ડિગ્રી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ સ્થાપી. સરકારી એક પણ પાઈની ગ્રાન્ટ લીધા વગર. પંદર કરોડની યોજના રૂપપરા ગામના એવા ખેડૂતપુત્રે કરી કે જેના બાપાના બળદ ગમે તે માણસ ગમે તે ઘડીએ છોડી ને લઈ જઈ શકતું હતું.

‘તમને એવું થયું કે કદીયે મનમાં કે તમે આજે કોઈ સરસ કામ કરો છો તે ગુણ તમને તમારા પિતા તરફથી વારસામાં મળ્યા છે?’

‘હા’ એમના ગોળ ચમકતી ત્વચાવાળા ચહેરા પર જરી શરમના શેરડા વરતાયા :’હા, એ વૃત્તિનો વારસો મને બાપાએ આપ્યો છે એ વાત સાચી. પણ તમે –‘ એમણે વિનંતી કરી,‘આવું લખતા નહિ. એમનામાં એ સ્વભાવ હતો. આમ કરવાથી પુણ્ય થાય માટે કરીએ એવું પણ એમને ન મળે. જ્યારે આપણને તો હજુ થોડી સભાનતા રહે છે કે આપણે આ એક સારું કામ કરીએ છીએ.’

‘પણ એ વિશે મતલબ કે સારા કોઈ કામ વિશે તમને એ ક્યારેક ઉપદેશ તો આપતા હશે ને ?’

‘ના, ફાધર સાથે મારે ડિસ્ક્સ કરવાનું બને જ નહિ ને !’

‘બીજા કોઈની સાથે વાત કરતાં એ કાંઈક સલાહ શિખામણ આપતા હોય…’

‘ના, એ બોલતા જ ઓછું.’

‘તમારી જેમ’– મારા મનમાં ઝબક્યું, પણ વળી માંડ બે વાક્ય બોલતા થયા હતા, એમાં ક્યાં ઝોલ નાખવો? એ આગળ બોલ્યા : ‘નાનપણમાં મને આંગળીએ વળગાડીને બહાર લઈ જાય ત્યારે કદાચ કોઈ સાથે વાતચીતમાં એમ બોલ્યા હોય કે આ દુનિયામાંથી જઈએ ત્યારે સાથે શું લઈ જવાનું છે ?પણ આવું તો સૌ બોલતા હોય. ફરક એટલો જ કે એ એમ વરતતા પણ ખરા. જીવનભર નિર્ભય રહ્યા…. ભક્તિ કરતા કૃષ્ણ ભગવાનની.’

‘કથા વાર્તા? ભાગવત ?’

‘કૃષ્ણ ભગવાનની આખી કૃષ્ણલીલા એમને મોઢે હતી. સંગીતમય…..’

‘ગાતા?’

‘હા, પોતે ગામમાં ગાતા પણ ખરા, હાર્મોનિયમ સાથે કે એવું કશું નહિ, પણ એ ગાતા તો એવું તાનમાં ને તાનમાં કે બીજા લોકો સાથે તબલાંમંજીરા વગાડે. એમ થાય કે જાણે કે કોઈ રેકોર્ડ સાંભળી રહ્યા છીએ.’

‘ગામમાં ગાતા, એટલે ચોરા પર ?’

‘ના, મંદિરમાં. મંદિરમાં જ ગાતા, કારણ કે સ્વભાવ ચોરાપરાયણ નહિ, પણ ભક્તિપરાયણ વધારે.

એમના પિતાની કેવી ધીરે ધીરે છબી ઊપસી ? જાણે કે ખળભળ ખળભળ થતું પાણી સ્થિર થાય. સપાટી પકડે ને પછી ધીરેધીરે એમાં તેલનું ટીપું પાડીએ. રંગના વર્તુળો વિકસે અને પૂરી સપાટીને ભરી દે. પછી નાનપણમાં બાપદીકરા વચ્ચે જે પરિમાણ સંબંધોનું હોય છે. એ મોટપણે નથી રહેતું. દીકરો શક્તિશાળી સાબિત થાય એટલે ધીરે ધીરે એને OWN કરવાનું –‘દીકરો તો મારો ને !’ એવી ભાવના સેવવાનું મન થાય. આ ભાવના ક્યારેક ખુદ પુત્રના અહમ સાથે જ ટક્કરમાં આવે. તણખા ઝરે, ને બાપદીકરા વચ્ચેની ખાઈ પહોળી ને પહોળી થતી જાય.

‘આવું બન્યું હતું?’

‘હા, પણ તમને ફરી કહું.’ એ બોલ્યા : ‘મારા ફાધરનો એમાં કોઈ જ હિસ્સો નહિ. જરૂર એમણે મને બક્ષેલી સૂઝ મને ક્યાંય કામ આવી હોય.’

‘ખરું, પણ મારો પૂછવાનો આશય બીજો છે.’ મેં કહ્યું : ‘તમે જ્યારે કંઈક નવું કરી રહ્યા હતા ત્યારે તમે એમનો મત લેવા, મૂડી લેવા કે સલાહ લેવા ગયા હતા ? કે એમણે પણ વગર માગ્યે આપી હતી ?’

‘મૂડી તો એ આપી શકે એમ હતા જ નહિ, મત કે સલાહ લેવાનો પણ સમય નહોતો. કારણ કે મેં ચાલુ કર્યું, ત્યારે તો એ ગામડે રહીને ખેતી કરતા હતા ને હું અહીં હતો – ખેતી તો એમણે અઠ્ઠોતેરની સાલ સુધી કરી. મારું જામી ગયું હતું તોય –‘

‘જામી તો પછી ગયું – પહેલાં તો નવુંનવું હોય ને ? આવા સમયે સૌ કોઈ વડીલની સલાહ માંગે જ.’

‘મેં કર્યું ત્યારે માત્ર સાઈડ ઈન્કમ તરીકે કરેલું. એટલે સલાહ લેવાનો સવાલ જ નહોતો. હું માલ બનાવતો. હું જ સાયકલ પર વેચવા નીકળતો – ઓળખીતા-પાળખીતામાં કે ફ્રેન્ડસર્કલમાં આપતો. શરૂશરૂમાં અઠવાડિયે પાંચસો કિલો માંડ બનાવતા. જાતે જ કોથળીઓ સ્ટિચ કરીને વેચતા. આવા બધામાં વડીલની સલાહ લેવાની જરૂર પડે એવું ક્યાં કંઈ કમઠાણ હતું જ ?’

‘પણ વિકાસ થયા પછી ? પછી તો એમણે હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન નહિ કર્યો હોય ?’

‘લેશમાત્ર નહિ – મારી વાતમાં એમણે કદી માથું માર્યુ નથી. મને કદી રોકવા-વારવાનો કે ટોકવાનો પ્રયત્ન કર્યો કે નથી તો અમસ્તી ટીકાટિપ્પણી પણ કરી.અલગારી આત્મા હતો એમનો. જાણે કે મન પર કોઈ બિનજરૂરી ભાર જ વેંઢારવા નહોતા માગતા. અહીં મારે ત્યાં આવ્યા પછી કદી એમણે મારા કામમાં – ધંધામાં ક્યાંય પણ મારી પડપૂછી કરી નથી. પણ એનો અર્થ એમ નહિ કે એમને મારા ઉપર લાગસ્ણી નહિ. લાગણી તો મારા પર એકદમ નાનપણથી જ. પણ અમારા વ્યક્તિત્વની આડે રૂંધામણ થાય એ રીતનો એમનો પ્રેમ કદી ન જોયો.’

કોક નસીબદારોને જ બાપનો એવો પ્રેમ મળે છે. ક્યારીમાં એકવાર રોપી દે. પછી એની મેળે જ પાંગરતાં જુએ સંતાનને ને પોતે આનંદ પામે. ઉત્તર ગુજરાતના ચાણસ્મા પાસેનું એક નાનકડું ગામ રૂપપરા, જેની વસતી આજે પણ ત્રણ હજાર જેટલી જ છે, ત્યાં જન્મેલા સાવ શ્રમજીવી કહેવાય એવા ખેડૂત ખોડીદાસ વનમાળીદાસનો, એમની પંચાવન વરસની વયે જન્મેલો પુત્ર કરસનદાસ પટેલ ઉર્ફે કે. કે. પટેલ આજે વિશ્વના નકશા ઉપર ભારતનું નામ ઝળકતું કરી આપે એવો પાકે, છતાં સો વરસના આયુષ્યને તદ્દન નિર્ભાર રીતે, અંગ્રેજીમાં જેને ‘અનએઝયુમિંગ’ કહેવાય એવી રીતે પાર કરીને આ જગતના પટ પરથી શાંત રીતે સરકી જાય, ત્યારે ગીતામાં વર્ણવેલા સ્થિતપ્રજ્ઞતાના લક્ષણની આછીપાતળી રેખાઓ ચિત્તમાં ઝબકી જાય. પિતા-પુત્ર વચ્ચેના સંબંધોની આ એક નવી રંગછટા હતી, જે બોલકી ઓછી હતી, મૌનમય ગરિમા અને સૌ સૌના સ્વત્વવાળી વધારે હતી.

કરસનભાઈથી નાનાભાઈ રામજીભાઈ થોડાં વર્ષ પહેલાં જ અવસાન પામ્યા. એ સાત ધોરણ સુધી જ ભણ્યા હતા, પણ પિતાની જેમ કરંદા ભારે હતા. એમનો પુત્ર પેલા, કરસનભાઈની પુત્રી નિમા જે અકસ્માતમાં અવસાન પામી તેમાં જ અવસાન પામ્યો. એનું નામ હરેશ હતું. યુવાનીમાં જ ચાલ્યો ગયો. કરસનભાઈની બીજી પુત્રી પુનિતા કરસનભાઈના જ એક વખતના જનરલ મેનેજર અને હવે તો ડાયરેક્ટર પણ, એવા ખંત અને ઉદ્યમની મૂર્તિ જેવા અંબુભાઈ પટેલના પુત્રને પરણી. એમને બે બાબા છે. કરસનભાઈના બે પુત્રો એક રાકેશ અને વિવેક. વિવેક તો અમેરિકામાં ભણે છે. જ્યારે રાકેશ ધંધામાં કરસનભાઈ સાથે જ છે.

બાપાને છેવટ સુધી કોઈ મોટી શારીરિક તકલીફ નહોતી. હાર્ટ જ્યારે ચેક કરાવ્યું ત્યારે સિત્તેર વરસના માણસનું હોય તેવું નીકળ્યું. 100 વર્ષની ઉંમરે મગજ પણ એવું ને એવું સાબૂત અને સ્મૃતિસતેજ. પ્રશ્ન માત્ર ખોરાકના પાચનનો હતો. જાણે કે હોજરી કહેતી હોય, ખોરાક પચાવી આપવાનો સો વરસનો મારો કોન્ટ્રાક્ટ હતો. હવે એક્સટેન્શનની મારી તૈયારી નથી.

એમણે અમદાવાદની કર્ણાવતી હોસ્પિટલમાં પ્રાણ છોડ્યા ત્યારે જીવનની કોઈ જ કામના વણપૂરી નહોતી. એમના નામે દીકરાએ શાળા, આઈ.ટી.આઈ. અને સંસ્થાઓ ખોલી હતી એનો એમને સંતોષ હતો. એક નાનકડી ઝંખના જો કે, વારંવાર વ્યક્ત કર્યા કરતા હતા. શી ? રાકેશને હવે પરણાવો –હવે પરણાવો.

યાને હવે બીજી સુંદર ક્યારી, સુંદર છોડ, સુંદર ફળ. મારા આત્માનું એક્સ્ટેશન.


( ત્રણ દાયકા ઉપર લખાયેલો આ લેખ છે. પારિવારિક બેકગ્રાઉન્ડમાં અત્યારે ફેરફાર હોઇ શકે – લેખક)


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “પુરુષાર્થીના પિતા એટલે ‘નિરમા’વાળા કરસનભાઈના પિતા

 1. ખૂબ સરસ આલેખન.નિરમા નાં રચઈતા વિશે વિસ્તાર થી જાણવા મળ્યું.આજ ની યુવા પેઢી માટે પ્રેરણા સ્રોત. કરસન દાસ નાં પિતાજી અમારા જેવા માટે પ્રેરણા સ્ત્રોત.

 2. વાહ રજનીભાઈ,
  ખુબ સરસ તલસ્પર્શી માહિતી…. ઇન્ટરવ્યૂ લેવાની તમારી ઘરેડ 👌, અને મન ને વાંચતા રહી તેને ઉઘાડ વા ના જાદુગર છો. નવાં શબ્દો, જેવા કે
  પડપૂછી
  નિર્ભાર
  વણપૂરી
  સાંસતુંય
  જાણવાનો ખૂબ આનંદ થયો…
  આભાર સહ..
  ભારતેંન્દુ ની સ્નેહ યાદ.

 3. માનનીય રજનિકુમાર જી,
  આપનો કરસનભાઈ ના પિતાશ્રી ખોડીદાસભાઈ ઉપર લખાયેલ લેખ ખુબજ ગમ્યો. વળી એમનું આ શબ્દચિત્ર આપે એમને મળ્યા વગર ફક્ત એમના પુત્ર સાથેની વાતચીત ઉપરથી જ જે રચેલ છે અને તે પણ આટલા ઓછા બોલા વ્યક્તિ સાથે ની વાતો પરથી જે એક અઘરું કામ ગણાય. તો પણ જે ચિત્ર રચાયું છે તે જાણે કે અમે જ રૂબરૂ તેને મળી રહ્યા હોઈએ એવો ભાસ ઉભો કરે છે. અતિ સુંદર.
  ર્ડો દિનેશ ભરાડ

 4. મોર ના ઈંડા ને ચીતરવા ના પડે, એવું વ્યક્તિત્વ ધરાવતા આપણા દેશ ના અનોખા ઉદ્યોગપતિ શ્રી કરસનભાઈ નું અને એમના પિતાશ્રી ની વિગત જાણવા મળી એ અહોભાગ્ય કહેવાય સલામ સાહેબ આપને અને કરસનભાઈ ને

 5. ઓછું બોલતી વ્યક્તિ પાસેથી પણ સવિસ્તર માહિતી કઢાવીને રસપ્રદ શબ્દચીત્ર
  આલેખવાની કળા આપશ્નીને સહજસાધ્ય છે . કરસનદાસ પટેલ અને તેમના પૂજ્ય પિતાશ્રીનું graceful વ્યક્તિત્વ લેખમાં ઉપસી આવે છે. અભિનંદન .

Leave a Reply

Your email address will not be published.