નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૭

મંદિર તો પૂજારીનું વૈભવસ્થાન છે; ભગવાનનું ઘર નહીં

નલિન શાહ

શશીએ ઊભા થઈ સ્વામીજીને પ્રણામ કર્યા અને સુનિતાની સામે પણ હાથ જોડ્યા, ‘હું જે અત્યારે અનુભવી રહી છું એને વ્યક્ત કરવા અસમર્થ છું. આ હકીકત છે કે સપનું એ જ સમજાતું નથી. મને અમિતકુમારજીએ દેવી કહી સંબોધી ત્યારે મને બહુ જ અચરજ થયું. હું દેવીદેવતાઓની કક્ષામાં બેસવાને લાયક નથી. રહી વાત પદ્મશ્રીનાં સંબોધનની તો મારે કહેવું જરૂરી છે કે એ એક ખિતાબ છે. એને વિશેષણ તરીકે વાપરવાની સરકારે મનાઈ કરી છે. એ વાત જુદી છે કે સરકાર પોતે જ એની સૂચનાઓનું ઉલ્લંઘન કરે છે. એ ખિતાબને મારી કોઈ મોટી ઉપલબ્ધિ નથી માનતી. પણ એણે મારા કામને થોડું આસાન જરૂર બનાવ્યું છે. તુમાખીભર્યા લાંચ-રુશ્વતના આદિ સરકારી અમલદારોએ પણ મારી વાત શાંતિથી સાંભળવી પડે છે અને શક્ય હોય ત્યાં અમલ પણ કરવો પડે છે. જ્યારે કામની શરૂઆત કરી, ત્યારે મારા પતિ સુધાકર સિવાય મેં કોઈ પાસે મદદની અપેક્ષા નહોતી રાખી. પણ ધીરેધીરે સેવાભાવી કાર્યકર્તાઓની સંખ્યામાં વધારો થતો ગયો અને આજે એક સબળ સંસ્થાનું નિર્માણ થઈ શક્યું. સુનિતાબેન તો દાનવીર પહેલેથી હતાં. અમારો કેવળ પત્રો મારફત પરિચય હતો, પણ એમણે જે મદદ અને સહકાર આપ્યાં છે એનું ઋણ હું કદી ચૂકવી નહીં શકું. એક ઉર્દૂ શાયરે કહ્યું છે ‘મૈં અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ (મંઝીલની તરફ) મગર, લોગ સાથ આતે ગયે ઓર કારવાઁ બનતા ગયા.’ બસ, એવી જ રીતે લોકોનો સાથ સાંપડતો ગયો, જેવા કે માનસી અને અમિતકુમારજીની સફળતાનો બધો શ્રેય મારે ભાગે આવ્યો. આ બધા દાનવીરો પાયાના પથ્થર જેવા છે, જે દેખાય નહીં પણ એમના વગર ઇમારતનું ચણતર પણ શક્ય ના બને. મેં જે કાંઈ કર્યું છે તે કેવળ મારા સંતોષ ખાતર કર્યું છે ને એમાં કોઈને આડકતરી રીતે લાભ થયો હોય તો એ મારું સદ્‍ભાગ્ય છે. હું તો નિમિત્ત માત્ર છું. હું નસીબદાર છું કે મને મારા જેવી વિચારશ્રેણી ધરાવતા પતિનો સાથ સાંપડ્યો અને વહાલસોઈ બહેન અને માબાપની શુભેચ્છા પ્રાપ્ત થઈ. મારે માટે આ બધું સુખની પરાકાષ્ટા જેવું છે. આ પ્રસંગે હું એટલું જ ઇચ્છું છું કે મારા પછી પણ સેવાના દરિયામાં કદી ઓટ ના આવે. ધન્યવાદ.’

શશીનું ભાષણ શ્રોતાઓનાં હૃદય પર અસર કરી ગયું ને લોકોએ ઊભા થઈ એને તાળીઓથી વધાવી. નીચું મોં રાખી બેસી રહેલી ધનલક્ષ્મીને પણ એની સહેલીઓએ હાથ પકડી ઊભી કરી. આજે એને જીવનના સૌથી મોટા પરાજયની અનુભૂતિ થઈ.

છેલ્લું વક્તવ્ય સ્વામીનું હતું. માનસીએ માનભેર સ્વામીને સંત તરીકે સંબોધી બોલવાનું આમંત્રણ આપ્યું. એમની બેઠકની સામે માઇક ગોઠવાયું ત્યારે ઇશારાથી એમણે એક માઇક શશીની સામે પણ મૂકવાનું સૂચન કર્યું. એમણે હાથ જોડી મનમાં સ્તુતિ કરી ને એમના પ્રચલિત ધીરગંભીર અવાજમાં બોલવાની શરૂઆત કરી.

‘વર્ષો પહેલાં જ્યારે શશીબહેને ગ્રામસેવાના કામમાં ઝંપલાવ્યું ત્યારે એમના કપરા સંઘર્ષોની વાતો મારા કાને આવતી. તે સમયમાં પછાત ગામોમાં દયાજનક સ્થિતિમાં જીવતા ગ્રામજનોની દશા વર્ણવવી મુશ્કેલ છે. ધૂળ-માટી અને કાદવથી છવાયેલાં, દૂર દૂર પથરાયેલાં એ ગામોમાં ગરમી, શરદી ને વરસાદની પરવા કર્યા વિના પગપાળો કરવો એ એક ભગીરથ કામ હતું. એનાથીયે વધુ કપરું કામ હતું એ ગરીબ, અભણ અને અંધશ્રદ્ધાળુ પ્રજાને સમજાવવાનું. રોગચાળો તો સામાન્ય બાબત હતી ને સારવારના અભાવે મરણને શરણે જવું એ તો યાતનામાંથી છૂટકારો પામવા જેવી વાત હતી. માંડ શરીર ઢાંકવા છીતરાં જેવાં કપડાંમાં ખુલ્લા પગે બે-ત્રણ માટલાં પાણી માટે દૂર દૂર ખાબોચિયાં જેવા કૂવા સુધી પ્રવાસ ખેડવો પડતો હતો. બળતણ માટે જંગલ જેવા પ્રદેશમાં લાકડાં વીણવા જવું પડતું હતું, અને કદાચ જાનવરો પણ ના અડે એવા સડેલાં અનાજ માટે સંઘર્ષ કરવો પડતો હતો. જ્યાં ભૂખમરો રોજિંદી બાબત હતી ત્યાં ચોખ્ખાઈની તો વાત ક્યાં કરવી! બાળકોને રખડતાં ઢોરોની જેમ છોડી દેવાતાં અને કામના અભાવે પુરૂષો દેશી દારૂ પી પડી રહેતા હતા. એવી દયાજનક સ્થિતિમાં સબડતા લોકોને સમજાવતા પહેલાં શશીબહેને એમને માટે જીવવાનાં સાધનો ફાળવ્યાં, સરકારી તંત્રને સાબદું કર્યું અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સજાગ કર્યા, સારવાર કેન્દ્રો અને શિક્ષણની જોગવાઈ કરી. આ વર્ણન તો ઉપરછલ્લું છે. હકીકત કંપાવનારી છે. અવદશામાં જીવવાનો ડોળ કરતી એ પ્રજાને ઉગારવા શશીબેનની નિઃસ્વાર્થ સેવાનું કાર્ય એક કઠિન તપસ્યાથી ઓછું નથી. કહેનારા આ દેવી જેવી સૌમ્ય મહિલાને પાગલ પણ કહેતા. ત્યારે મને ખ્યાલ આવ્યો કે કોઈ પણ ભગીરથ કામ પાર પાડવા, ભયનો સામનો કરવા આંતરિક બળ જોઈએ ને એ ત્યારે જ શક્ય બને જ્યારે મગજમાં ઝનૂન પાગલપણની હદ સુધી છવાયું હોય. ભગવાન બુદ્ધે સુખ-સમૃદ્ધિનો ત્યાગ કર્યો, ગાંધીબાપુ બેરિસ્ટરી છોડી ફકીર બન્યા અને રવિશંકર મહારાજની સેવાઓ તથા રક્તપિત્તપીડિતોને ઉગારવાનો બાબા આમ્ટેનો સંઘર્ષ પણ એક વાસ્તવિકતા છે. આવા સ્વાર્થરહિત ભાવનાથી પ્રેરાયેલા મહાનુભાવોને સુખમાં રાચતા અને ડાહ્યા કહેવાતા લોકો પાગલ કહે એમાં કોઈ નવાઈ નથી.

શશીબેન જો સ્વર્ગપ્રાપ્તિના લોભે ડાહ્યા હોવાનો ડોળ કરી મંદિર જાતે ને પૂજાપાઠમાં સમય વ્યતીત કરતે તો શક્ય છે કે પૂજારીઓને આનંદ પ્રાપ્ત થાય ને એમનું સ્થૂળ શરીર વધુ સ્થૂળ થાત અને શશીબહેન પણ એક પામર માનવીની જેમ ભૌતિક સુખમાં રાચતાં હોત, ને બધાં જ જો એવું વિચારતાં હોત તો ન જીસસ ક્રાઈસ્ટ હોત, ન બુદ્ધ, ન મહાવીર કે ન ગાંધીબાપુ હોત. અને ગીતાનું એ કથન ‘સંભવામિ યુગે યુગે’ કદી સાર્થક ન થાત.

અમિતકુમારે એમને દેવી કહી સંબોધ્યાં એ યોગ્ય હતું. દેવી તો એક કલ્પનાનો વિષય છે પણ શશીબેનને જાણીને એ વાતનો અણસાર જરૂર આવે છે કે દેવી કેવી હોય. રહી પદ્મશ્રીની વાત તો મારું માનવું છે કે એ તો પદ્મશ્રીની મહત્તા વધારવા જ એમને અર્પણ થયો છે. એમની મહત્તા એ ખિતાબ થકી નથી.

શશીબેનનું વ્યક્તિત્વ, નેતૃત્વ ને કાર્યક્ષમતા સાચે જ અચરજ પમાડે એવાં છે. કોઈએ સાચું કહ્યું છે કે

“મૂલ્ય નેતા કા નહીં, નેતૃત્વ કા હોતા હૈ,
મૂલ્ય વક્તા કા નહીં વક્તૃત્વ કા હોતા હૈ,
કર્તવ્ય કે બિના કિંમત ક્યા હૈ કાર્યકર્તા કી,
મૂલ્ય વ્યક્તિ કા નહીં, વ્યક્તિત્વ કા હોતા હૈ.”

આવી વિલક્ષણ વ્યક્તિત્વવાળી શશીદેવીને એની સંસ્થા માટે આ પચ્ચીસ લાખ રૂપિયાની નાની સરખી ભેટ આમંત્રિત મહેમાનો તરફથી એમને અર્પણ કરું છું. જે સ્વીકારી એમનાં સેવાકાર્યનું થોડું પુણ્ય પ્રાપ્ત કરવાનો એમને મોકો આપે.’

શશીએ ઊભા થઈ સ્વામીની સામે મસ્તક નમાવી ચેકનું પરબીડિયું સ્વીકાર્યું. શ્રોતાઓ સામે પણ માથું ઝુકાવી નમસ્કાર કર્યા ને એનું સ્થાન ગ્રહણ કર્યું.

સ્વામીએ શશીની સામે હાથ જોડી નિવેદન કર્યું, ‘શશીબેનને જો વાંધો ના હોય તો હું એમની સાથે થોડો વાર્તાલાપ કરવા ઇચ્છું છું.

શશીએ સંમતિસૂચક નમસ્કાર કર્યા. સ્વામી શશીને ઉદ્દેશીને બોલ્યા, ‘એક ધર્મપ્રચારક તરીકે હું કેવળ ધર્મને લગતી ચર્ચામાં વધુ રસ લઉં છું એટલે પૂછું છું કે તમે કયા ધર્મમાં વધુ શ્રદ્ધા ધરાવો છો?’

શશી: ‘ધર્મના તો ઘણા જીવો છે ને અલગ-અલગ ઓળખો છે. હું કેવળ માનવધર્મમાં વિશ્વાસ ધરાવું છું, જેમાં બધા ધર્મોનો સારાંશ સમાયેલો છે.’

શશીના જવાબથી શ્રોતાઓ અને સ્વામી સુદ્ધાં પ્રભાવિત થયાં.

સ્વામી : ‘સુનિતાબેને કહ્યું કે તમે કદી મંદિરમાં નથી જતાં?’

શશી : મંદિર પણ અન્ય ઇમારતોની જેમ એક ઇમારત છે. દેલવાડાના દહેરા અને કોણાર્ક જેવાં કેટલાંક મંદિરો છે જેમાં સ્થાપત્યકળાના ઉત્કૃષ્ટ નમૂના જોવા મળે છે. તે તરફ જવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે એ કલાકૃતિ જોવા મંદિરમાં જરૂર ગઈ છું.’

સ્વામી: ‘ભગવાનના દર્શન કરવા નહીં?’

શશી : મંદિર તો પૂજારીનું વૈભવસ્થાન છે; ભગવાનનું ઘર નહીં. હું નથી માનતી કે ભગવાન ભક્તોની પ્રતીક્ષામાં મંદિરમાં બેઠા છે. ને જો એમ જ હોય તો બહારની દુનિયામાં રખેવાળી કોણ કરે? ભગવાન તો સર્વવ્યાપી છે. ને બીજી આડવાત. કેટલીક વાર ધર્મના નામે થતા હિંસક વાદ-વિવાદો, ધતિંગ ને અવદશામાં જીવતા માનવીઓને જોઈ મનમાં શંકા પણ ઉદ્‌ભવે છે કે શું સાચે જ આ દુનિયા ભગવાને બનાવી છે!’

સ્વામી: ‘તો તમે ભગવાનમાં માનો છો ખરાં.’

શશી : ભગવાનનું અસ્તિત્વ તો શ્રદ્ધાનો વિષય છે. બાકી ભગવાનમાં માનવું ન માનવું એ મારી શક્તિ બહારની વસ્તુ છે. એક અંગ્રેજી લેખકે કહ્યું છે કે ““It’s hard to say, ‘I don’t believe in God.’ I would love to know if God exists. But it’s a very difficult thing for me to believe.” કહેવાનો ભાવાર્થ એ કે ક્યારેક કોઈ વિકટ પરિસ્થિતિમાં ભગવાનના અસ્તિત્વમાં માનવું મુશ્કેલ બને છે, પણ એના અસ્તિત્વને નકારીને જીવવું એથીયે વધુ મુશ્કેલ છે. ભગવાન ન હોવાના વિચારે માનવી વ્યથિત થઈ જાય છે, ‘હું સંકટમાં કોને સંભારીશ?’ બીજા લેખકે એમ પણ કહ્યું છે કે If there were no God, it would be necessary to invent him. ભાવાર્થ એ કે ભગવાન જો ના હોય તો (જીવવા માટે) એને ઉપજાવવા જરૂરી છે. ભગવાનનો કોઈ આકાર નથી, એનું કોઈ સ્વરૂપ નથી, એ તો એક અનુભવ છે. જ્યાં સુધી મારી માન્યતાનો સવાલ છે હું એટલું જ કહીશ કે જ્યારે કોઈ અતિ સંકટમાં સપડાઈ હોઉં ને કોઈ ઉપાય સૂઝતો ન હોય ત્યારે કોઈ હાથ ઝાલી ઉગારે ત્યારે પ્રતીતિ થાય છે કે એટલા સમય માટે ભગવાન એનું સ્વરૂપ લઈને પ્રગટ્યા હતા. ભલે એ હાથ ઝાલનાર અજાણ્યો હોય, દુષ્ટ હોય, કે કોઈ પણ હોય. ભગવાનની અનુભૂતિ એવા સમયમાં છતી થાય છે. જેનામાં દૃઢ વિશ્વાસ છે, પ્રેમની ભાવના છે એ તો ભગવાનનું સાન્નિધ્ય ક્યાંય પણ અનુભવી શકે છે- વરસાદનાં ટીપામાં, સૂર્યના કિરણમાં, સમીરની મંદ લહેરમાં અને બાળકનાં નિર્દોષ હાસ્યમાં. એ તો સર્વવ્યાપી છે. એને મંદિરના ઓરડામાં કેદ કરવા એની અવગણના કરવા જેવું છે. કદાચ આપને નહીં રૂચે પણ હું મંદિર જઈ મારી જાતને છેતરવા નથી માંગતી.’

શશી પ્રત્યે માન અને અહોભાવની લાગણી સ્વામીના પ્રસન્ન ચહેરા પર છતી થતી હતી. શ્રોતાઓ પણ શશીએ નિખાલસતાથી રજૂ કરેલા વિચારોને શુદ્ધ અંગ્રેજી ઉચ્ચારણો સાંભળી દિગ્મૂઢ થઈ સાંભળી રહ્યાં.

સ્વામી: તમે રામાયણ વાંચ્યું છે?’

શશી: ‘ના, સમય નથી મળ્યો, પણ વાતો જરૂર સાંભળી હતી સ્કૂલમાં હતી ત્યારે.’

સ્વામી: ‘કાંઈ ના ગમ્યું હોય એવું ખરું?’

શશી: સીતાની અગ્નિપરિક્ષા ને રામની નહીં? એ ના રુચ્યું.’

સ્વામી: રામાયણનો કોઈ પ્રસંગ જેણે તમારા મન પર અસર કરી હોય?’

શશી: રામે શબરીનાં ચાખેલાં એઠાં બોર પ્રેમથી આરોગ્યાં. એમાં જ મારા મતે રામાયણનો સારાંશ સમાયેલો છે ને તે એ કે ભગવાન પ્રેમના ભૂખ્યા છે, કેવળ પ્રેમના, બીજું કશું નહીં.’

શશીનો ઇશારો વરદાનની લાલચે ભગવાનની સામે મોંઘીદાટ મીઠાઈના થાળ ધરનારની સામે હતો. પણ એ કાંઈ બોલી નહીં.

ધનલક્ષ્મી મનમાં ને મનમાં ગુસ્સો ઠાવલતી રહી. ‘સાવ નાસ્તિક છે. નરકમાં જશે ને પાછી સ્વામીજી સાથે જીભાજોડી કરે છે. પણ એના વિચારોને વાચા આપવાની શક્તિ શશીને મળેલાં માન-પાને છીનવી લીધી હતી. સમારંભના બહાને એ વહુ મને છેતરી ગઈ. ખર્ચો કર્યો બધો મેં ને માન ખાટી ગઈ એ ગામડીયણ, જેને મેં હડધૂત કરીને ઘરમાંથી કાઢી હતી.’

સ્વામી: ‘એક છેલ્લો સવાલ, તમે ભલે મંદિર ન જાઓ, પણ પૂજામાં માનો છો?

શશી: ‘મારી પૂજાની વ્યાખ્યા કોઈને રુચે કે ના રુચે પણ હું કોઈ સંસ્કૃતના ગોખેલા શ્લોકો નથી બોલતી. હું માળા ફેરવતી નથી કે નથી મારા ઘરમાં ભગવાનની કોઈ પ્રતિમા, મારા ઘરની દીવાલ ઉપર કેવળ મારાં મા-બાપની છબી છે. ને સૂવાના ખંડમાં મારી વહાલસોઈ નાની બહેન, સેવાભાવી ડો. માનસી ને દાનવીર સુનિતાબેનની છબીઓ છે, જે મારા મનમાં સંતોષની લાગણીઓ પ્રેરે છે. મારું ગ્રામસેવાનું કામ અને પીડિતોની સમસ્યાઓ નિવારવા કરવો પડતો સંઘર્ષ મારી પૂજા છે. બીજા કોઈ પ્રકારની પૂજાની મારામાં આવડત નથી કે નથી એનો મને કોઈ અફસોસ. હા, એક વાત જરૂર કહીશ કે પ્રાતઃકાળ ને સંધ્યાટાણે દીવો પ્રગટાવી તુલસીક્યારા સામે બે ઘડી મારું મસ્તક જરૂર નમાવું છું. એ એટલા માટે કે મને સતત એ વાતનું ભાન રહે કે હું નહીંવત્ છું, સંજોગોની ગુલામ છું. મારા થકી કોઈનું ભલું થયું હોય તો હું માનું છું કે હું તો નિમિત્ત માત્ર છું. બનવાકાળે બધું બને છે ને લોકો શ્રેય મને આપે છે. એ લોકોની ઉદારતા છે, મારી મહત્તા નહીં.’

સ્વામી: ‘તમારા જવાબો એટલા રસપ્રદ ને સચોટ છે કે વધુ સવાલો પૂછવાની લાલચ ટાળી નથી શકતો. તમને વાંધો ના હોય તો એક વધુ છેલ્લો સવાલ પૂછવા માંગુ છું.’

શશીએ હાથ જોડી હકારમાં માથું નમાવ્યું.

સ્વામી: ‘તમે તુલસીક્યારા સામે દીવો પ્રગટાવી મસ્તક નમાવો છો તો પ્રભુને કોઈ યાચના તો કરતાં જ હશો. શેની અપેક્ષા રાખો છો પ્રભુ પાસે?’

શશી: ‘હું મસ્તક નમાવું છું. કોઈ ન કળાય એવી અલૌકિક શક્તિમાં મારી શ્રદ્ધાના પ્રતીકરૂપે. તમે એને પૂજાનું નામ આપી શકો છો. પણ કાંઈ માંગવા માટે પૂજા કરવી એ તો શ્રદ્ધા અને વિશ્વાસની ભાવનાને ખંડિત કરવા બરોબર છે. એ પૂજા નહીં, દુકાનદારી કહેવાય. અંતર્યામીને તો મારી અપેક્ષાઓની જાણ હોય જ ને એની નજરમાં હું લાયક ઠરી હોઉં તો વગર માગે મારી અપેક્ષા પૂરી થાય.’ ને હસતાં હસતાં ઉમેર્યું, ‘જુઓ ને તમારા જેવા પૂજનીય સંત સાથે ધર્મની ચર્ચા કરવાની ને તે પણ જાહેરમાં મારી ક્ષમતા નથી છતાં એ અમૂલ્ય તક મને વગર માંગે મળી છે. એ પરમાત્માની દેન છે. જીવનમાં મને જે પ્રાપ્ત થયું છે એને માટે મેં પ્રભુનો પાડ માન્યો છે, પણ કાંઈ ના મળ્યાનો અફસોસ કરવો એ તો કૃતજ્ઞતા કહેવાય.’

સ્વામી આભા બનીને સાંભળી રહ્યા. એમણે પાછળ બેઠેલા એના શિષ્યને કાંઈક સૂચના આપી ને શ્રોતાઓ તરફ નજર કરી બોલ્યા ‘હું સુનિતાબેનને વિનંતી કરીશ કે અહીં હાજરી આપવા માટે મારો ઉપકાર માનવાની ઔપચારિક વિધિ ના કરે. આભાર તો મારે એમનો માનવાનો છે કે આવી દેવી જેવી ત્યાગમૂર્તિનો પ્રત્યક્ષ પરિચય કરવાનો ને એના અલૌકિક વિચારો જાણવાનો મોકો મને પ્રદાન કર્યો. શશીબેનના વિચારોમાં નમ્રતા, સચ્ચાઈ ને નિખાલસતા ભારોભાર છલકે છે. જીવનમાં ઉતારવાં જેવાં છે. એ વિચારોને વિસ્તૃતરૂપે એક પ્રેરણાદાયક ગ્રંથનું નિર્માણ કરવા જેવા છે.’

‘લોકો હજારોની સંખ્યામાં મારાં વ્યાખ્યાનોમાં હાજરી આપે છે. કેટલાંક સ્વર્ગપ્રાપ્તિની લાલચે, કેટલાંક ફરજ સમજીને ને કેટલાંક ભગવાનના ડરથી આવે છે. સાચી શ્રદ્ધાથી પ્રેરાઈને આવતા જવલ્લે જોવા મળે છે. હું એક કથાકાર છું, છતાં મને સંત માનનારાઓનો તોટો નથી. શક્ય છે કે વાક્‌ચતુરતા-બોલવાની કળા મેં થોડે ઘણે અંશે સિદ્ધ કરી હશે જેના થકી હું શ્રોતાગણોમાં ધર્મ પ્રત્યે રસનું સિંચન કરી શકતો હોઉં પણ સંત થવા જેટલી કક્ષાએ હું હજી પહોંચી નથી શક્યો. સંત તો આને કહેવાય, આ ત્યાગમૂર્તિ શશીબહેનને જેમણે ભૌતિક સુખોની પરવા કર્યા વગર પીડિતોને ઉગારવા ભગીરથ સંઘર્ષ કર્યો. નથી એમને પ્રસિદ્ધિની લાલચ ન માન-પાનની. એ તો રણમાં ખીલેલાં ગુલાબ જેવી છે. એમનું કામ ખીલવાનું ને સુગંધ ફેલાવવાનું છે. કોઈ જોનાર કે માણનાર હોય કે ના હોય. એનાં પુનિત પગલે આ ઘર પાવન થયું છે ને એના વિચારો શ્રોતાઓને નવી દૃષ્ટિ આપે એવા છે. લોકો મને સંત માની મારી સામે મસ્તક ઝુકાવે છે એનો મને કોઈ ખાસ આનંદ પ્રાપ્ત નથી થતો. પણ હું આજે હૃદયપૂર્વક આ સંત જેવી દેવીની સામે મારું મસ્તક નમાવું છું.’ કહીને એમણે ઊભા થઈ શશીની સામે હાથ જોડી માથું નમાવ્યું.

શશી ડઘાઈ ગઈ. આખો હોલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો. લોકોએ ઊભાં થઈ શશીનું અભિવાદન કર્યું.

સ્વામીના શિષ્યે એમની સૂચના મુજબ એક પરબીડિયું એમના હાથમાં મૂક્યું. સ્વામી ઊભા ઊભા જ બોલ્યા, ‘એક છેલ્લી વિધિ કરી લેવા દો. અમારી સંસ્થામાં જે ડોનેશન આવે છે એ બધું સેવાના કાર્યમાં વપરાય છે. ઘણું આવેલું પણ કદી પૂરતું નથી હોતું એટલે અમે ડોનેશન સ્વીકારીએ છીએ પણ આપવાની હમારી ગુંજાઈશ નથી હોતી. આજે આ પહેલો પ્રસંગ છે કે અમારી પ્રણાલિકા તોડીને એક ટોકનના રૂપે ફૂલની પાંદડી જેવો એકાવન હજારનો ચેક શશીબેનની સંસ્થાને નમ્રતાના ભાવે પ્રદાન કરું છું. શશીએ સંકોચ અનુભવ્યો. એણે હાથ જોડી માથું નમાવ્યું અને અચકાતાં અચકાતાં ચેક સ્વીકાર કર્યો. હોલ તાળીઓના અવાજથી ગૂંજી ઊઠ્યો.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.