ફિલ્મસંગીતના નકશીકારો (૨૦) ભાનુ ગુપ્તા

પીયૂષ મ. પંડ્યા

આ શૃંખલામાં જે કલાકારોનો ઉલ્લેખ થતો આવ્યો છે એમાંના મોટા ભાગના એક કરતાં વધારે વાદ્યો ઉપર મહારથ કેળવી ચૂકેલા હતા. ઉદાહરણ તરીકે એનૉક ડેનીયલ્સ એકૉર્ડીયન તેમ જ પિયાનો વગાડતા રહ્યા હતા. એ જ રીતે કિશોર દેસાઈ મેન્ડોલીન અને સરોદ ઉપર પ્રાવિણ્ય ધરાવતા હતા. મનોહારીસિંહ એમની સેક્સોફોન વગાડવાની અસાધારણ કુશળતા માટે તો જાણીતા હતા જ, સાથે સાથે તે મેન્ડોલીન તેમ જ મોઢેથી સીટી પણ વગાડતા હતા. એવાં જ નામોમાં એક વધુ નામ ઉમેરીએ જે ભાનુ ગુપ્તાનું છે. રાહુલ દેવ બર્મનનાં બનાવેલાં અનેક લોકપ્રિય ગીતોમાં ભાનુ ગુપ્તાએ હાર્મોનિકા(માઉથ ઓર્ગન) અને ગીટારવાદન થકી અનોખા રંગો ભર્યા છે.

ગુપ્તાના પરિચયની શરૂઆત એમણે એક ગીતની તૈયારી કરતી વખતે કરેલી એક ભૂલ વડે કરવી છે. એક એવી ભૂલ કે જે સુધારવાને બદલે એમની એમ રાખવામાં આવી અને એ અમર બની ગઈ. સામાન્ય રીતે થયેલી ભૂલને શક્ય ઝડપથી સુધારી, એ ભૂલને ભૂલી જવાની હોય. પણ અપવાદરૂપના કિસ્સાઓમાં એ ભૂલમાંથી કશુંક અસાધારણ નીપજી જતું હોય છે. સાવ અલાયદા ક્ષેત્રનું એક ઉદાહરણ બહુ જાણીતું છે. પહેલા વિશ્વયુદ્ધના અરસામાં ન્યુમોનિયા માટેનો ઉપાય શોધવા મથી રહેલા  એલેક્ઝાન્ડર ફ્લેમીંગ નામના એક સ્કોટીશ તબિબ એક ચોક્કસ પ્રકારનાં બેક્ટેરીયા ઉપર કામ કરી રહ્યા હતા. એ દરમિયાન ભૂલથી એ બેક્ટેરીયાની સાથે સાથે જેની જરૂર નહોતી એવી એક ફૂગ પણ ઉગી ગઈ! પણ, ફ્લેમીંગે નોંધ્યું કે જ્યાં ફૂગ ઉગી હતી ત્યાં એની આસપાસ પ્રયોગ માટે જરૂરી એવાં બેક્ટેરીયા નાશ પામી ગયાં હતાં. પેનીસીલિયમ પ્રકારની એ ફુગ બેક્ટેરીયા માટે ઘાતક નીવડતી હતી. આ પ્રયોગને પરિણામે એ ફૂગના ઉપયોગથી આધુનિક વિશ્વનું પ્રથમ એન્ટીબાયોટીક- પેનીસીલિન– વિકસ્યું. આમ, એ ભૂલ સમગ્ર વિશ્વ માટે એક સોનેરી અવસર બની ગઈ. એને આધુનિક મેડીકલ વિજ્ઞાનની સોનેરી ભૂલના નામે ઓળખાય છે. આમ, કોઈ કોઈ વાર નિષ્ફળતા અનોખું, અનપેક્ષિત સર્જન કરવામાં નિમીત્ત બની જાય છે.

આટલી પૂર્વભૂમિકા પછી વાત ભાનુ ગુપ્તાની ભૂલની. ફિલ્મ ‘અમર પ્રેમ’ના ગીત ‘ચિનગારી કોઈ ભડકે’ની સ્વરબાંધણી કરી લીધા પછી રાહુલ દેવ બર્મન એને માટે અનુરૂપ વાદ્યસંગીતની તૈયારી કરાવી રહ્યા હતા. સાથે એમના સહાયક સંગીતકારો અને કેટલાક વાદકો પણ હતા. ગીતના પૂર્વરાગ/Prelude ની સાવ શરૂઆતમાં ગુપ્તાએ ગીટારનો નાનકડો કોર્ડ (અલગઅલગ સ્વરોને એકસાથે છેડતાં એમના સાયુજ્યથી નિપજતો ધ્વનિ) વગાડવાનો હતો. રીહર્સલ દરમિયાન એમનાથી એ છેડવામાં ગફલત થઈ ગઈ. એ એકદમ છોભીલા પડી ગયા. પણ રાહુલદેવના કાન ચમક્યા. એમણે એ જ કોર્ડનો આગ્રહ રાખ્યો અને એ યાદગાર ગીતનો એ ગીટારનો ટૂકડો ખુબ જ યાદગાર બની ગયો છે. એક કરતાં વધારે વખત રાહુલદેવે કહ્યું છે કે ભાનુ (ગુપ્તા)એ નાનકડી ક્ષતિ કરી, એ ભારે ફળદાયી નીવડી. એ ક્ષતિ ફિલ્મી સંગીતની Million Dollar Mistake તરીકે ઓળખાય છે. નીચેની ક્લીપમાં એની વિસ્તૃત જાણકારી ઉદાહરણ સહિત છે.

હવે એ ગીત પણ સાંભળી લઈએ.

૧૨ ડીસેમ્બર ૧૯૩૦ના રોજ તત્કાલિન બર્માના રંગૂન શહેરમાં જન્મેલા ભાનુ ગુપ્તાના કુટુંબમાં કોઈનેય સંગીતની સૂઝ કે શોખ નહોતાં. એમની કિશોરવયે બીજું વિશ્વયુધ્ધ ચાલી રહ્યું હતું ત્યારે રંગૂન બંદરે વિવિધ દેશોનાં સૈન્યનાં યુધ્ધજહાજો લાંગરેલાં રહેતાં હતાં. યોગાનુયોગે જાપાનીઝ જહાજના સૈનિકોને સ્થાનિકો સાથે વ્યવહાર કરવામાં ભાષાનો અવરોધ નડતો હતો. બારેક વર્ષના કિશોર ભાનુને થોડીઘણી જાપાનીઝ ભાષા આવડતી હોવાથી તેને માસિક રૂ.૪૦૦/-ના દરમાયાથી દુભાષિયાનું કામ મળી ગયું. તે નિયમિત ધોરણે બંદર ઉપર જવા લાગ્યો. એ સમયે એને કોઈક બ્રીટીશ નાવિક પાસે હાર્મોનિકા જોવા મળ્યું. આ નાનકડા વાદ્ય સાથે એને પહેલી નજરે જ પ્રેમ થઈ ગયો અને તક જોઈને એણે બ્રીટીશ નાવિકો સાથે દોસ્તી કેળવી. થોડા સમય પછી ભાનુએ હાર્મોનિકા વગાડતાં શીખવા માંડ્યું. તક મળે ત્યારે મહાવરો કરતા રહેવાની ધગશ વડે એણે ઝડપથી પ્રાવિણ્ય કેળવી લીધું. આથી ખુશ થઈને એક નાવિકે એને પોતાનું હાર્મોનિકા ભેટ આપી દીધું અને આમ શરૂ થઈ ભાનુ ગુપ્તાની સાંગીતિક સફર.

થોડા સમય માટે સુભાષચંદ્ર બોઝ સાથે પણ ભાનુ જોડાયેલા રહ્યા. એ દરમિયાન પણ હાર્મોનિકા વાદન નિયમિત ધોરણે ચાલુ રાખ્યું. આખરે વિશ્વયુધ્ધને લીધે બર્માની કથળતી જતી રાજકિય પરિસ્થિતિને કારણે તેમણે ૧૯૫૦માં કલકત્તા ખાતે સ્થળાંતર કર્યું. એ પહેલાં એમણે ઓઈલ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હતો. આથી ત્યાંની કાલટેક્સ ઓઈલ કંપનીમાં નોકરી મળી ગઈ. કલકત્તાનિવાસના શરૂઆતના અરસામાં ભાનુ ગુપ્તાને ક્રિકેટનો નાદ લાગ્યો અને સ્થાનિક ક્લબોની સ્પર્ધાઓમાં નોંધપાત્ર દેખાવ કરવા લાગ્યા. જે કેટલીક ફર્સ્ટ ડીવીઝન મેચ તે રમ્યા એમાં એમના સાથે/સામે રમનારાઓમાં પંકજ રોય, બાપુ નાડકર્ણી, સુબ્રાતો ગુહા અને વેસ્ટ ઈન્ડીઝના ફાસ્ટ બોલર રોય ગિલક્રીસ્ટ જેવા ધૂરંધરો સામેલ હતા. આમ, ગુપ્તાના જીવનના પ્રારંભિક ગાળામાં સંગીતક્ષેત્રે કારકીર્દિ બનાવવાની કોઈ દિશા પકડાઈ નહોતી. જો કે એ નવરાશની પળોમાં હાર્મોનિકા વગાડતા રહેતા અને એમની મહારત સતત વધતી જતી હતી. એના આધારે એમને કલકત્તાની કેટલીક ક્લબોમાં વગાડવા માટેના કરારબધ્ધકરવામાં આવ્યા. એ રીતે સંગીતના ક્ષેત્રે એમનું વ્યવસાયિક પદાર્પણ થયું. ધીમેધીમે એમની વ્યસ્તતા એટલી વધવા લાગી કે ભાનુએ ઓઈલ કંપનીની નોકરી છોડી દીધી અને પૂર્ણ સમયની સાંગીતિક કારકીર્દિ અપનાવી લીધી.

૧૯૫૯માં એમણે મુંબઈ જવાનો નિર્ણય લીધો અને તાત્કાલિક અમલમાં મૂક્યો. તે સમયે ફિલ્મીસંગીતની દુનિયામાં ભાનુએ હાર્મોનિકા વાદક તરીકે પ્રવેશ કર્યો. એમની કુશળતા અને ધગશને લીધે નાનું મોટું કામ મળી રહેતું હતું. સૌ પ્રથમ તક બીપીન દત્ત નામના એક સંગીતકારે આપી. પણ એ ફિલ્મની ક્યારેય નોંધ ન લેવાઈ. આગળ જતાં સી. રામચન્દ્રના કાને ગુપ્તાનું વાદન પડ્યું. તેઓ એટલા પ્રભાવિત થઈ ગયા કે એમણે તે જ સમયે ફિલ્મ ‘પૈગામ’ (૧૯૫૯)નાં ગીતો માટેના વાદ્યવૃંદમાં જોડાઈ જવા માટે ગુપ્તાને બોલાવી લીધા. સલિલ ચૌધરી ભાનુને એમના કલકતા નિવાસના દિવસોથી જાણતા હતા. એમનાં રેકોર્ડીંગ્સ માટે પણ ગુપ્તાને કામ મળવા લાગ્યું. એકવાર કોઈ ગીતના રેકોર્ડીંગ સમયે ભાનુની નજર સ્ટુડીઓના એક ખૂણામાં પડી રહેલી નધણિયાતી ગીટાર ઉપર પડી. એમણે એ ગીટારની મરમ્મત કરી, એની ઉપર હાથ અજમાવવાનું શરૂ કર્યું. પોતે પણ નહીં ધાર્યું હોય એટલી ઝડપથી ગુપ્તાએ ગીટારવાદન ઉપર અસાધારણ કૌશલ્ય મેળવી લીધું. એના પરિણામે એક સારા ગીટારવાદક તરીકેની એમની છાપ ઉપસી. ફિલ્મી સંગીત માટે ગીટારવાદનની સૌપ્રથમ તક એમને એ જ વર્ષે મળી. પછી તો મદનમોહન, સચીન દેવ બર્મન, સલિલ ચૌધરી જેવા વરિષ્ઠ સંગીતકારોથી લઈને રાહુલ દેવ બર્મન, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, બપ્પી લાહીરિ, અનુ મલિક અને નદીમ-શ્રવણ સુધીના સંગીતકારો સાથે તે સંકળાયા. આ પૈકી રાહુલ દેવ સાથે ભાનુનો નાતો રાહુલના અવસાન સુધી વણતૂટ્યો જોડાયેલો રહ્યો.

ગુપ્તાની કારકીર્દિના એક સીમાચિહ્નરૂપે ફિલ્મ ‘શોલે’(૧૯૭૪)ને ગણાવી શકાય. આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકની શરુઆતમાં કાને પડતા ગીટારના અંશ ભાનુ ગુપ્તાએ વગાડ્યા હતા. એક પછી એક બે ક્લીપ્સ માણીએ. પહેલાં મૂળ ટાઈટલ મ્યુઝીક સાંભળીએ. તે પછીની ક્લીપમાં જૈફ વયના ભાનુ એ વાદન વિશે વાત પણ કરે છે અને એ વગાડી પણ સંભળાવે છે.

નોંધનીય છે કે આ મ્યુઝીકમાં ગીટાર ઉપરાંત સેક્સોફોન અને ટ્રમ્પેટનો પ્રભાવક ઉપયોગ થયો છે. એ વગાડનારા વાદકો અનુક્રમે મનોહારી સિહનો અને કિશોર સોઢાનો વિસ્તૃત પરિચય આ લેખમાળાના અગાઉના હપ્તાઓમાં અપાઈ ચૂક્યો છે. આ ઉપરાંત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન હાર્મોનિકા ઉપર એક ધૂન વગાડતા જોવા મળે છે. એ વાદન આજે પણ ખુબ જ લોકપ્રિય બની રહ્યું છે, જે ભાનુની કમાલ છે. નોંધનીય છે કે રાહુલ દેવ પોતે પણ એક હોનહાર હાર્મોનિકા વાદક હતા. તેમ છતાં પણ તેમણે આ અંશ ગુપ્તા વગાડે એવો આગ્રહ રાખ્યો. ફરી બે ક્લીપ્સ માણીએ, જે પૈકી એકમાં એ મૂળ વાદન અને બીજીમાં ગુપ્તાને એ જ ધૂન છેડતા માણીએ.

 

ફિલ્મ ‘પરિચય’(૧૯૭૨)ના જાણીતા ગીત ‘મુસાફીર હૂં યારો’ની શરૂઆત માટે રાહુલ દેવને કેવી રીતે પ્રેરણા મળી હતી એ રસપ્રદ કિસ્સો ગુપ્તાના મોઢે સાંભળીએ.

રાહુલ દેવ બર્મનના વાદ્યવૃંદમાં એક કરતાં વધારે ગીટારીસ્ટ્સ કાર્યરત હતા. આથી ભાનુ ગુપ્તા ઘણી વાર લીડ ગીટારીસ્ટ તરીકે નહીં વગાડતાં ગીટાર ઉપર કોર્ડ્સ અને તાલ થકી સંગત કરતા હતા. એમનું નૈપૂણ્ય એટલું ઊંચું હતું કે જરૂર પડ્યે એ ગીટારવાદનનાં સઘળાં પાસાં ઉપર એકસમાન કૌશલ્ય ધરાવતા હતા. નીચેની છબીમાં રાહુલ દેવના નિર્દેશનમાં ગીટાર વગાડી રહેલા (ડાબેથી જમણે) દીલિપ નાયક, ગોરખનાથ અને ભાનુ ગુપ્તા નજરે પડે છે.

હવે ભાનુ ગુપ્તાના વાદનના અંશો ધરાવતાં કેટલાંક ગીતો.

ફિલ્મ ‘તીસરી મંઝીલ’(૧૯૬૬)નું ‘દેખીયે સાહેબોં’

‘પડોસન’(૧૯૬૮)નું ‘ઈક ચતુર નાર’

૧૯૭૪ની ફિલ્મ ‘આપ કી કસમ’નું ‘સુનો, કહો’

ફિલ્મ ‘આંધી’(૧૯૭૫)નું ‘તેરે બિના જીંદગી સે’

‘ઐસે ના મુઝે તુમ દેખો’, ફિલ્મ ‘ડાર્લીંગ ડાર્લીંગ’ (૧૯૭૭)

ફિલ્મ રોકી’ (૧૯૮૧)નું ક્યા યેહી પ્યાર હૈ’

૧૯૬૪માં આવેલી ફિલ્મ ‘દોસ્તી’માં એક પાત્ર સતત હાર્મોનિકા વગાડતું રહે છે. ગીતોમાં પણ એક કરતાં વધારે વખત હાર્મોનિકાના અંશો વાગતા રહે છે. એ ફિલ્મના ગીત ‘મેરી દોસ્તી મેરા પ્યાર’માં વાગેલા અંશો અવિસ્મરણિય બની રહ્યા છે. એના વાદક કોણ એ વિશે જુદાજુદા મત છે. પણ, એક પ્રત્યક્ષ મુલાકાતમાં ભાનુ ગુપ્તા એ ટૂકડાઓ પોતે વગાડ્યા હોવાનું કહે છે. પ્રસ્તુત છે એ ક્લિપ.

ભાનુ ગુપ્તા અવારનવાર કલકત્તા ખાતે રહેવા જતા. છેવટે અસાધ્ય બિમારી લાગુ પડ્યા પછી જીવનનો છેલ્લો તબક્કો મુંબઈ ખાતે જ ગાળ્યો. ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ તેમણે મુંબઈ ખાતે આખરી શ્વાસ લીધો.

એક પ્રત્યક્ષ મુલાકાતમાં ભાનુ ગુપ્તા પોતાની દીર્ઘ સાંગીતિક સફર વિશે ખાસ્સી માહીતિ આપે છે.


નોંધ……
તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.
વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.
મૂલ્યવર્ધન…. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

2 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો (૨૦) ભાનુ ગુપ્તા

  1. Alike bhanuji MD Shankarji was also playing tabla,harmonium, according, piano,Sitar,guitar and many other instruments

Leave a Reply

Your email address will not be published.