ભિખારી પીડિત છે, અપરાધી નહીં કેમ કે ભૂખ ભૂંડી છે, ભીખ નહીં

નિસબત

ચંદુ મહેરિયા

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે જાહેર સમારંભમાં વડોદરાના મેયરને શહેરને ગાયો અને ભિખારીઓથી મુક્ત કરવા તાકીદ કરી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના મંત્રી મનોજ શુકલે નેરલા વિધાનસભા મત વિસ્તારના મંદિરો બહાર ભીખ માંગતા ડઝનેક મહિલાઓ સાથે ભોપાલની ફાઈવ સ્ટાર હોટેલમાં બપોરનું ભોજન લઈને ભાઈબીજ મનાવી.છે. દેશના બે ટોચના  રાજકીય પક્ષોના નેતાઓ ભિક્ષા જેવા સામાજિક કલંકના મુદ્દે કેવો અસંવેદનશીલ અને દેખાડાનો અભિગમ ધરાવે છે, તે આ બે પ્રસંગોમાં જણાઈ આવે છે.

ભરેલા પેટવાળા શહેરી સંપન્નો માટે ભિખારીઓ એક દૂષણ છે. તેમને મન ભિખારી એટલે કોઈ કામ ધંધો કર્યા વિના, વગર મહેનતે ટેસથી જીવન ગુજારો કરતા આળસુ લોકો. જાહેર રસ્તાઓ, ધર્મસ્થળો, પર્યટન સ્થળો જ નહીં છેક ઘર સુધી આવીને ભીખ માંગતા લોકો માટે મોટેભાગે તેમનું વલણ સહાનુભૂતિનું નહીં, સૂગ અને તિરસ્કારનું હોય છે. વળી તેઓ બે ઘડી ગુસ્સો, ઉપેક્ષા કે તિરસ્કાર વ્યકત કરીને જ અટકી જતાં નથી પણ જાહેર સ્થળોએથી ભિખારીઓને હઠાવવા છેક સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગે છે. જોકે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય.ચન્દ્રચૂડ અને એમ.આર.શાહની બેન્ચે થોડા મહિના પહેલાં  આ બાબતે એલીટ વર્ગના દ્રષ્ટિકોણનો છેદ ઉડાડી, માનવીય સંવેદના દર્શાવતો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું હતું કે ભીખ માંગવી એ સામાજિક-આર્થિક સમસ્યા છે. શિક્ષણ અને રોજગારીના અભાવે, આર્થિક વિકાસથી વંચિત લોકો પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા ભીખ માંગવા મજબૂર છે. સમાજને ભિખારીઓ પ્રત્યેનો તેનો દ્રષ્ટિકોણ બદલવા જણાવી કોર્ટે સરકાર અને સમાજને સવાલ કર્યો હતો કે આખરે લોકો ભીખ કેમ માંગે છે ? ગરીબીને કારણે જ ને?

સંસારી મોહમાયા ત્યાગી ‘ભિક્ષાન્ન દેહિ’ કહી ભિક્ષા માંગતા સાધુ અને ‘માબાપ બહુ ભૂખ્યો છું’ કહીને બટકુ રોટલાની યાચના કરતા ભિખારી વચ્ચે માત્ર ઐચ્છિક અને અનૈચ્છિક ભિક્ષાનો જ તફાવત નથી. એથી વધુ મોટો તફાવત છે. નિરાધાર, લાચાર, ગંભીર શારીરિક-માનસિક બીમાર,, અસાધ્ય રોગનો ભોગ, રોજી ન રળી શકે તેવી વિકલાંગતા, વૃધ્ધાવસ્થા, ગરીબી, બેરોજગારી, દુર્ઘટના, કુદરતી આફત અને વિસ્થાપનનો ભોગ બની સર્વસ્વ ગુમાવી ચૂકેલા લોકો કે જેમની પાસે જીવનગુજારાનું કોઈ સાધન નથી તેઓ ભીખ માંગીને જીવવા મજબૂર છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૪,૧૩,૬૭૦ ભિખારી હતા. તેમાં પુરુષ ૨,૨૧,૬૭૩ અને મહિલા ૧,૯૧,૯૯૭ હતા. આઘાતજનક બાબત એ પણ છે કે ૨૧ ટકા ભિખારીઓ શિક્ષિત અને વ્યવસાયી પદવી ધરાવનારા છે. તેના પરથી અંદાજ આવે છે કે દેશમાં શિક્ષિત બેકારી કઈ હદની છે.સૌથી વધુ ૮૧,૨૪૪ ભિખારી પશ્ચિમ બંગાળમાં છે. તે પછીના ક્રમે ઉત્તરપ્રદેશ અને  બિહાર આવે છે. ગુજરાતમાં ૧૩,૪૪૫ ભિખારી છે. વડાપ્રધાનના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં દસ હજાર ભિખારીઓ છે.તેમાં આશરે પાંત્રીસ સો બાળકો હોવાનો અંદાજ છે. દેશમાં બાળ ભિક્ષુકોનું મોટું પ્રમાણ ચિંતાનો વિષય બનવું જોઈએ. દેશમાં ઠેરઠેર ભિખારીઓ જોવા મળતાં હોય ત્યારે આખા દેશમાં માંડ ચાર લાખ જ ભિખારી હોવાનો સરકારી આંકડો જરાય સાચો લાગતો નથી.

દેશના પ્રવર્તમાન કાયદા ભીખને ગુનો ગણે છે.બાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં  ભીખ અટકાવ કાયદા ઘડાયેલા છે. આ તમામ કાયદાનો આધાર ૧૯૫૯નો બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એકટ છે. આ કાયદાઓ ભિખારીઓની દ્રષ્ટિએ અમાનવીય છે કેમ કે તેમાં પોલીસ અને પ્રશાસનને ભીખ માંગનારને વગર વોરંટે પકડવાની, પ્રથમવાર પકડાયેલાને ત્રણ વરસની અને બીજીવારનાને દસ વરસની સજાની જોગવાઈ છે. દેશમાં ભીખ અંગે કોઈ કેન્દ્રીય કાનૂન નથી. ભિક્ષા નાબૂદી અને ભિખારીઓનું પુનર્વસન વિધેયક ૨૦૧૮ સંસદમાં પડતર છે.

રાજધાની દિલ્હીમાં ભિખારીઓ પર પ્રતિબંધ મૂકવા દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૧૮માં વડી અદાલતે તેના ત્રેવીસ પાનાંના ચુકાદામાં ૧૯૫૯ના બોમ્બે ભીખ અટકાવ ધારાની પચીસ કલમોને ગેરબંધારણીય ઠેરવી કાયદાને રદ કરવા આદેશ કર્યો હતો. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ભીખ માંગવી તે અપરાધ નથી અને ભીખ માંગવા બદલ કરાતી સજા ગેરબંધારણીય છે. આ કાયદો બંધારણના અનુચ્છેદ ૧૪ના સમાનતા, અનુચ્છેદ ૧૯ના સ્વતંત્રતા અને અનુચ્છેદ ૨૧ના ધંધા-રોજગારના મૂળભૂત અધિકાર પર તરાપ મારે છે. ભીખ માંગવી તે એક વિવશતા છે., ભૂખ ભાંગવાનો અંતિમ ઉપાય છે.  જો સરકાર લોકોને પેટ ભરવા ખાવાનું મળે તેવી રોજી ન આપી શકતી હોય તે કારણે જો એ ભીખ માંગે તો તેના પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. સામાજિક સુરક્ષા પૂરી પાડવાની રાજ્યની નિષ્ફળતાનું કારણ ભીખ છે. દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી ભિખારીઓને ભીખ માંગીને ભૂખ મિટાવવાની આઝાદી મળી હતી.

જોકે અદાલતોએ ભીખને ધંધો બનાવી બેઠેલા લોકો અંગે કાયદો ઘડવાની સરકારને છૂટ આપી છે. એ સાચું કે કેટલાક લોકો માટે ભિક્ષા એક વ્રુતિ કે વ્યવસાય પણ છે. લોકોની દયા,ધરમ અને કરુણાની વ્રુતિની રોકડી કરી લેવા કેટલાક તત્વો સક્રિય છે. દર વરસે લગભગ અડતાળીસ હજાર બાળકો ગુમ થાય છે અને તેમાંથી અડધા કદી પરત મળતા નથી ભિક્ષા માફિયા જેવા અવાંછનીય તત્વો અને ગુનાહિત લોકો આવા બાળકોને શારીરિક અપંગ બનાવીને તેમને ભીખના ધંધામાં ધકેલે છે. તેમની પાસે વ્યવસાયિક અને મનોવૈજ્ઞાનિક રસમો અપનાવડાવે છે  ભીખ ન આપતા લોકો સાથે આવી ગેંગના લાચાર ભિખારીઓ ત્રાસદાયક વર્તન કરે છે. તેમને ભીખ ન આપવા બદલ શાપ આપે છે. અપશબ્દો અને ગાળો પણ બોલે છે.

ગુજરાત પાસે તેનો કોઈ સ્વતંત્ર ભીખ અટકાવ કાયદો નથી. તેની અવેજીમાં તેણે ૧૯૫૯નો મુંબઈ સરકારનો કાયદો અપનાવ્યો છે સપ્ટેમ્બર ૨૦૧૦માં ગુજરાત હાઈકોર્ટે સશક્ત લોકોને રોજગાર આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું હતું. તેના જવાબમાં જાણે કે સરકારે ડાકોર, શામળાજી, પાલિતાણા, ગિરનાર, સિધ્ધપુર, ચાંપાનેર અને બહુચરાજી  એ સાત ધાર્મિક સ્થળો પર ભીખ માંગવી પ્રતિબંધિત કરી દીધી છે. પરંતુ ભિખારીઓની આ આર્થિક સમસ્યા ઉકેલવા કે તેમના પુનર્વાસ માટે કોઈ નક્કર પગલાં લીધા નથી. રાજ્યના અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટમાં બે-બે અને ગાંધીનગરમાં એક મળી આખા રાજ્યમાં નવ ભિક્ષુક ગ્રુહ આવેલા છે. જે ખૂબ જ અપૂરતા છે. .

જ્ઞાનપીઠ પુરસ્કૃત ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલે તેમની જાણીતી નવલકથા ‘માનવીની ભવાઈ’માં લખ્યું છે કે ભૂખ ભૂંડી છે, ભીખ નહીં. ભીખનો ઉકેલ તેના પર પ્રતિબંધ નથી. હર હાથને કામ અને કામના જીવનગુજારો થઈ શકે તેટલા દામ છે. ભૂખ્યાને કે ગરીબને સંતાડી દેવા તે ઉકેલ નથી. તેમના યોગ્ય પુનર્વાસ અને રોજીમાં આ સમસ્યાનો ઉકેલ છે. ભૂખ મિટાવવા ભીખ માંગતા ગરીબોને અપરાધી ઠેરવતી માનસિકતા બદલીને સામાજિક-આર્થિક  ન્યાયની કસોટીએ આપણે ખરા ઉતરવાનું છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.