મંજૂષા
વીનેશ અંતાણી
બેંગલોરના રામ મૂર્તિએ સરસ વાત લખી હતી. પીક અવર્સમાં બેંગલોરની સડકો પર એટલો બધો ટ્રાફિક રહે છે કે વાહનોમાં બેઠેલા લોકો કંટાળી જાય. દરેક જણને કામની જગ્યાએ પહોંચતાં મોડું થઈ રહ્યું હોય. એવા ભરચક ટ્રાફિકમાં ફસાયેલા તનાવગ્રસ્ત લોકોની વચ્ચે એક માણસ પાસે લોકોનો તનાવ ઓછો કરવાની જાદુઈ છડી છે. એ માણસ છે ભાસ્કર નામનો ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ. એ ટ્રાફિકનું નિયંત્રણ કરતો હોય ત્યારે એના મોઢા પર હંમેશાં સ્મિત હોય છે. એ ત્યાંથી પસાર થતાં વાહનમાં બેઠેલા લોકોનું અભિવાદન કરતો હોય એમ હસતો હસતો જ પોતાનું કામ કરે છે. એ કારણે ત્યાંથી પસાર થનાર દરેક વ્યક્તિ પણ એના સ્મિતનો જવાબ સ્મિતથી આપે છે. કેટલાય લોકો પ્રસન્નતાપૂર્વક હાથ હલાવતા જાય છે, સલામ મારતા જાય છે. બસ અને રિક્ષાચાલકો એની સાથે કશીક વાત કરતા જાય અને એ એમને સસ્મિત જવાબ આપતો રહે. સ્કૂલની બસ પસાર થાય ત્યારે એમાં બેઠેલાં બાળકો ભાસ્કરઅંકલને હાથ હલાવીને બાય કહેતાં જાય છે. લોકો ભરચક ટ્રાફિકનો કંટાળો ભાસ્કરના સ્મિતથી દૂર થતો અનુભવે છે અને ભાસ્કર પોતે પણ એની કંટાળાજનક ફરજની વચ્ચે લોકોને સ્મિત આપીને હજારો સ્મિત ઉઘરાવતો રહે છે. જે દિવસે એ ફરજ પર હોતો નથી ત્યારે એ જ ટ્રાફિક જન્કશન ભારતના કોઈ પણ ગીચ ચાર રસ્તા જેવું બની જાય છે. વાહનોનાં હોર્નના અવાજ અને ટ્રાફિક પોલીસની સીટીઓથી વાતાવરણ કર્કશ બની જાય છે.
કેલિફોર્નિયાની સરાહ સ્ટીવન્સન નામની મહિલાની એક સવાર ખરાબ રીતે ઊગી. એ સવારે એનું એલાર્મ વાગ્યું નહીં એથી ઊઠતાં મોડું થયું. નાસ્તો બનાવવાનો હતો, દીકરાને સ્કૂલ માટે તૈયાર કરવાનો હતો, પોતે તૈયાર થવાનું હતું. એવામાં ફોન આવ્યો કે એ દિવસે સ્કૂલની બસ છોકરાંઓને લેવા આવશે નહીં. સરાહને એના કામ પર જતાં પહેલાં દાંતના ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ હતી. એ વચ્ચે એને દીકરાને સ્કૂલમાં મૂકવા જવું પડ્યું. ત્યાંથી ભાગંભાગ દાંતની ક્લિનિક પર પહોંચી ત્યારે જાણવા મળ્યું, ડૉક્ટર એકાદ કલાક મોડા આવવાના છે. સરાહનો ખરાબ મૂડ વધારે ખરાબ થઈ ગયો. સવારથી કશું જ બરાબર થતું નહોતું. એ સમય પસાર કરવા ક્લિનિકની બાજુમાં આવેલા રેસ્ટોરન્ટમાં કૉફી પીવા ગઈ. એક વેઈટર એની પાસે આવ્યો. વેઈટરે ‘ગુડ મોર્નિન્ગ’ કહ્યું. સરાહે અન્યમનસ્ક રીતે એની સામે માથું હલાવ્યું, પણ ત્યાં જ એની નજર વેઈટર પર પડી. વેઈટરના મોઢા પર ઉજ્જવળ અને ચમકતું સ્મિત હતું. એના આકર્ષક સ્મિતને કારણે સરાહને લાગ્યું કે એની ભીતર કશુંક બદલાઈ રહ્યું છે. એ જ્યાં સુધી રેસ્ટોરન્ટમાં બેઠી ત્યાં સુધી એની નજર વેઈટર પર જ રહી. એ દરેક જણને પોતાના સ્મિતથી આવકારતો હતો અને દરેક સવાલના જવાબ સ્વાભાવિક સ્મિત સાથે જ આપતો હતો. એ સરાહને કૉફી આપવા એની ટેબલ પર આવ્યો, દરેક વાર સરાહે એના સ્મિતની જાદુઈ અસર થઈ રહેલી અનુભવી. એને ખબર પણ પડી નહીં એમ સવારથી એના મનમાં જાગેલો કંટાળો, ઉદ્વેગ, ચીડ, તનાવ ધીરેધીરે ઓસરતાં ગયાં અને એ દાંતના ડૉક્ટર પાસે પહોંચી ત્યાં સુધીમાં એનો મૂડ એકદમ સુધરી ગયો હતો. એટલું જ નહીં, એનો આખો દિવસ પ્રસન્નતાપૂર્વક પસાર થયો – કારણ કે રેસ્ટોરન્ટના વેઈટરના જાદુઈ સ્મિતનો ચેપ એને પણ લાગ્યો હતો અને એ પણ આખો દિવસ બધી જગ્યાએ સ્મિત વેરતી રહી હતી. સરાહ કહે છે: “મને ખાતરી છે કે મારા સ્મિતની અસર બીજા કેટલાય લોકો પર થઈ હશે અને એમનો દિવસ પણ પ્રસન્નતાપૂર્વક પસાર થયો હશે. એ સવારે મને વેઈટર પાસેથી શીખવા મળ્યું, ક્યારેક તમારો આનંદ સ્મિતનું કારણ બને છે તો ક્યારેક તમારું સ્મિત તમારા આનંદનું કારણ બને છે.”
કોઈએ કહ્યું છે, જ્યારે તમે સ્મિત કરો છો ત્યારે સુંદર લાગો છો. તમે કોઈને સસ્મિત મળો છો ત્યારે લોકો તમારી સાથે જુદી રીતે વર્તે છે. લોકોને લાગે છે કે તમે આકર્ષક, ભરોસાપાત્ર, રિલેક્ષ અને સિન્સિયર વ્યક્તિ છો. જો કોઈ આપણને કહે કે તમે તમારાં એક નાનકડા સ્મિતથી તમારી તબિયત સુધારી શકો છો અને તમારી માનસિક સ્થિતિને બદલી શકો તેમ છો તો આપણે એની વાતને ગંભીરતાથી લેવા તૈયાર થતા નથી. માનસશાસ્ત્રીઓ કહે છે કે લોકો એમના સ્મિતથી મોટી મોટી ચિંતાઓ અને તનાવને સહેલાઈથી દૂર રાખી શકે છે. આજે ચોવીસે કલાક જાતજાતના તનાવોની સાથે જીવતા લોકો જાણે સ્મિત કરવાનું જ ભૂલી ગયા છે.
બ્રિટનની અભિનેત્રી ઍન લીએ કહ્યું છે: “બહાર ગમે તેવો ભારે વરસાદ વરસતો હોય, તમે સ્મિત કરવાનું ચાલુ રાખશો તો થોડી વારમાં વાદળાં છંટાઈ જશે અને સૂર્ય તમારા સામે સ્મિત કરવા લાગશે.” સ્મિત જિંદગીનાં કાળાં ડિબાંગ વાદળોની વચ્ચે મેઘધનુષ જેવું હોય છે.
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com
સ્મિત,
હાસ્ય નો સૌથી સુંદર પ્રકાર અનેક વિટંબણાઓ નો નિરાકરણ
સ્મિત માનવીય સંબંધોને વિસ્તારે છે એ શ્રી વિનેશભાઈએ ઉદાહરણો સાથે સમજાવી સ્મિતનો ઉચિત મહીમાં કર્યો છે..