નિરાંતની નિંદર લેવી છે? ટિકિટ ખરીદો અને બસમાં બેસો

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

ખાસ કરીને ગરમ પ્રદેશોમાં બપોરના ભોજન પછી આડે પડખે થવાનો મહિમા હોય છે. જમીને ડાબે પડખે સૂવાની ક્રિયા માટે સંસ્કૃતમાં ‘વામકુક્ષિ’ શબ્દ જાણીતો છે. રાજકોટ જેવું શહેર તો બપોરના બે કલાકના વિરામ માટે જાણીતું છે, અને ત્યાંના નિવાસીઓ એ બાબતને ગર્વપૂર્વક આગળ ધરે છે. અન્ય ઘણાં નગરો યા શહેરોમાં દુકાનદારો બપોરના સમયે ઝપકી મારી લેતા જોવા મળે છે. મુંબઈ જેવા મહાનગરમાં કોઈ શ્રમજીવી મોટા છાબડામાં ટૂંટિયું વાળીને બપોરની નીંદર લેતો હોય એવી ઘણી તસવીરો જોવા મળે છે. બપોરના સમયે ઊંઘ આવવાની આદતને, અને ગમે ત્યાં ઝપકી લઈ લેવાની ખાસિયતને ઘણા દુર્ગુણ ગણે છે, તો ઘણા વૈભવ. આવી ઝપકી લીધા પછી ઘણાખરા લોકો સ્ફૂર્તિ પ્રાપ્ત કરી લેતા જોવા મળે છે. મોડી રાત સુધી કામ કરનારા ઘણા લોકો મજાકમાં કહેતા જોવા મળે છે કે ‘રાતનો ઉજાગરો કરી શકાય, પણ બપોરનો ઉજાગરો વેઠવો અઘરો છે.’ આવી ઝપકીને અંગ્રેજીમાં યોગ્ય રીતે જ ‘પાવર નૅપ’ કહેવામાં આવે છે.

અલબત્ત, આની સામે એમ માનનારા પણ છે કે બપોરની ઉંઘ લેવાથી રાતની ઉંઘ પર તેની વિપરીત અસર થાય છે. રાતની ઉંઘ પર વિપરીત અસર કરનારાં અનેક પરિબળો છે, અને રાતની ઉંઘ બરાબર ન મળે તો પછીના દિવસની કાર્યક્ષમતા પર તેની અસર અવશ્ય પડે છે.

એવામાં સાંભળવા મળે કે કોઈક સ્થળે, માત્ર શાંતિથી સૂઈ શકાય એ માટે એક વિશેષ બસસેવાનો આરંભ થયો છે, અને પાંચેક કલાકના તેના રૂટનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોના આરામ માટેનો છે, ત્યારે નવાઈ લાગ્યા વિના રહે નહીં. વાત હોંગકોંગની છે, અને તે હસી કાઢવા જેવી નથી. બલ્કે વર્તમાન સમયની ક્રૂર વાસ્તવિકતાને તે ઉજાગર કરે છે. બસનો આ રૂટ ઘણાબધા હોંગકોંગનિવાસીઓની પ્રાથમિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમલી બનાવાયો છે.

અહીંના લોકોમાં આમ પણ અનિદ્રાની સમસ્યા મોટે પાયે જોવા મળે છે. તાણયુક્ત જીવન, રાજકીય અસ્થિરતા, સાંકડાં આવાસ જેવી, કોઈ પણ વિકસીત સ્થળ સાથે જોડાયેલી હોય એવી સમસ્યાઓને કારણે ઘણા હોંગકોંગનિવાસીઓ રાતની નિંદર પૂરેપૂરી લઈ શકતા નથી. કોવિડની મહામારી દરમિયાન તેનું પ્રમાણ સતત વધતું ચાલ્યું છે. જાહેર પરિવહનનાં વાહનોમાં ઘણા મુસાફરો ચિત્રવિચિત્ર મુદ્રામાં ઝોકાં મારતાં હોય એવી તસવીરો અવારનવાર પ્રસાર માધ્યમોમાં દેખા દેતી રહે છે. પહેલી નજરે તે રમૂજ સર્જે, પણ તેની પાછળ રહેલી ભીષણ વાસ્તવિકતાને કેમે કરીને નજરઅંદાજ કરી શકાય એમ નથી. અધૂરી યા અનિદ્રાની સમસ્યા આના મૂળમાં છે, અને તેના માટે અનેક પરિબળો જવાબદાર છે. આમાંનાં મોટા ભાગનાં પરિબળો કાબૂ બહારનાં હોવાથી તેને સ્વીકાર્યા વિના છૂટકો નથી. આ પૃષ્ઠભૂમિમાં હોંગકોંગની એક બસ કંપનીએ શરૂ કરેલી આ વિશિષ્ટ સેવાની જરૂરિયાત જોવા જેવી છે.

એમ માનવાની જરૂર નથી કે આ સમસ્ય માત્ર હોંગકોંગમાં જ છે. વિકાસશીલ હોય કે વિકસીત, તમામ સ્થળોએ આ સમસ્યા હોઈ શકે છે. ખ્યાતનામ ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મંટોએ મહાનગરોની સંકડાશ, ગીચતા અને તેને લઈને ઉદ્‍ભવતી સમસ્યાઓ- ખાસ કરીને જાતીય સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને ‘નંગી આવાઝેં’ નામની એક વાર્તા લખી હતી. આરંભે સહેજ રમૂજી ઝોક ધરાવતી આ વાર્તા અંત સુધી પહોંચતામાં એક ગંભીર સમસ્યાના વાસ્તવિક નિરૂપણની બની જાય છે. વિભાજન પછી અન્ય દેશના એક શહેરમાં જઈને વસેલા બે શ્રમજીવી ભાઈઓ પોતાના જેવા જ વર્ગના લોકો સાથે એક બહુમાળી મકાન સાથે બનેલા સર્વન્‍ટ ક્વાર્ટરમાં વસતા હોય છે. સાવ સાંકડા ક્વાર્ટરમાં રહેતા પરિણીત લોકો ઊનાળાના દિવસોમાં રાત્રે સૂવા માટે અગાસીમાં જાય છે, અને દરેક જણ પોતાના પલંગની ફરતે ટાટ બાંધીને સૂએ છે. જાતીય જીવન જેવી સાવ અંગત બાબત અહીં બિલકુલ અંગત રહી શકતી નથી. આ વાર્તાની પૃષ્ઠભૂમિ ભલે વિભાજનકાળની હોય, તેમાં દર્શાવાયેલી શહેરી જીવનની, ખાસ કરીને શ્રમજીવી વર્ગની સમસ્યા શાશ્વત કહી શકાય એવી છે એમ કહી શકાય. એ કેવળ કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી. અને સમય વીતતાં તે હળવી થવાને બદલે વધુ ને વધુ ગંભીર બનતી રહી છે.

હોંગકોંગમાં શરૂ કરાયેલી આ વિશેષ બસસેવા નાણાં કમાવાનો નુસખો હોઈ શકે, પણ તેના મૂળમાં વિવિધ પરિબળોને લઈને પેદા થતી અપૂરતી ઉંઘ યા અનિદ્રાની સમસ્યા રહેલી છે. અને આ સમસ્યા વ્યક્તિગત નહીં, સામૂહિક છે. વિકાસની દોટમાં કેવળ પર્યાવરણનો જ ભોગ લેવાઈ રહ્યો છે એવું નથી, માનવની મૂળભૂત અને પ્રાથમિક જરૂરિયાત જેવી ઊંઘ સુદ્ધાં તેનો ભોગ બની રહી છે. ટેક્નોલોજિના આવિષ્કાર પછી એવા અનેક વળાંકો આવતા રહ્યા છે કે જ્યાં સહેજ થોભીને, પાછા વળીને જોવાની જરૂર હોય કે પોતે જે દિશામાં આગળ ધસી રહ્યા છીએ એ વિશે કશો ફેરવિચાર કરવાની જરૂર છે કે કેમ. આવો ફેરવિચાર પણ સામૂહિક સ્તરે, સામાજિક સ્તરે કરવો જરૂરી બની રહે છે. ટેક્નોલોજિને નકારવાની વાત નથી, કેમ કે, એ શક્ય જ નથી. પણ તેના થકી જ્યારે આપણી મૂળભૂત જરૂરિયાતોથી સુદ્ધાં વંચિત થવા સુધીની નોબત આવી જાય ત્યારે તેના વિશે વિચાર કરવો જરૂરી બની રહે છે. વધુ મેળવવાની લ્હાયમાં ‘થોડું’ ગુમાવવાની તૈયારી સાથે સૌ કોઈ આ દોડમાં ઝંપલાવે છે, પણ એ ‘થોડું’ શું છે એ ભાન ભૂલાઈ જાય છે. હોંગકોંગમાં આરંભાયેલી આવી વિશેષ સેવા કાલે ઉઠીને આપણા દેશના કોઈ શહેર યા મહાનગરમાં શરૂ થાય તો નવાઈ નહીં લાગે!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૧૨ –૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *