બંધારણના ઘડતરમાં ડૉ.આંબેડકરનું અનન્ય પ્રદાન

નિસબત

ચંદુ મહેરિયા

બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસની જહેમતભરી કામગીરીથી તૈયાર થયેલું ભારતનું બંધારણ, બંધારણસભાએ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ પસાર કર્યું હતું. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડો.બાબાસાહેબ આંબેડકરનું બંધારણના ઘડતરમાં અનન્ય પ્રદાન હતું. તેથી તેમના અનુયાયીઓ અને ચાહકો વરસોથી ૨૬મી નવેમ્બરનો દિવસ ‘બંધારણ દિન’ તરીકે મનાવે છે. બાબાસાહેબના જન્મના સવાસોમા વરસ, ૨૦૧૫થી, કેન્દ્ર સરકારના આદેશ મુજબ હવે સરકારી રાહે રાષ્ટ્રીય કક્ષાએ ‘બંધારણ દિન’ ઉજવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં જણાવ્યું હતું તેમ, આ દિવસની ઉજવણીનો સરકારનો ઉદ્દેશ બંધારણ પ્રત્યે તો લોકોમાં જાગ્રતિ કેળવવાનો છે જ બંધારણના ઘડવૈયા ડૉ..આંબેડકરના અણમોલ પ્રદાન પ્રત્યે પણ લોકોને  જાગ્રત કરવાનો છે.

ડૉ. આંબેડકર માટે દલિતોના અધિકારો માટે લડવાનું અંતિમ ક્ષેત્ર બંધારણસભા હતું. પરંતુ કોંગ્રેસ તેમના બંધારણસભા પ્રવેશમાં મુખ્ય અવરોધક હતી.બંધારણસભાના સભ્યોની પરોક્ષ ચૂંટણી પ્રાંતિક ધારાસભાઓ મારફત થતી હતી. મુંબઈ ધારાસભામાં ડૉ.આંબેડકરની ઉમેદવારીને સમર્થન આપનાર કોઈ નહોતું. એટલે બંગાળમાંથી તેઓ બંધારણસભાના સભ્ય બન્યા.હતા

ભાગલા પૂર્વેના અખંડ ભારતની બંધારણસભાની પ્રથમ બેઠક ૧૩મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ મળી હતી. તેમાં મુસ્લિમ લીગ અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા નહોતા.તેમની ગેરહાજરીમાં બંધારણસભાનું કામ થોડો સમય મુલત્વી રાખવા ડૉ.એમ.એમ.જયકરે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવની તરફેણ અને વિરુધ્ધમાં ઘણી દલીલો થઈ હતી. ડૉ.આંબેડકરે પણ પોતાનું પ્રથમ પ્રવચન બંધારણસભાના પ્રમુખની વિનંતીથી આ વિષયે આપ્યું હતું. ડો.આંબેડકરના જીવનચરિત્રકાર ધનંજય કીરે લખ્યું છે. “વિશાળ મસ્તક, મક્કમતાથી ભીડાયેલા હોઠ, લંબગોળ તેજસ્વી ચહેરો ધરાવતું એક પ્રચંડ વ્યક્તિત્વ ઉભું થયું.અત્યંત ગંભીરતાથી, ભાષા પરના અમર્યાદિત પ્રભુત્વ અને હિંમત સાથે ડો..આંબેડકરે પ્રવચન આપ્યું.” બૌધ્ધિક તટસ્થતા અને વાસ્તવિકતાના રણકાર સાથેના એ પ્રથમ પ્રવચનથી જ બાબાસાહેબે બંધારણસભાના સભ્યો પર અમીટ છાપ પાડી હતી.

૧૫મી જુલાઈ ૧૯૪૭ના રોજ બ્રિટનની સંસદમાં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં ભારતની બંધારણ સભા સાર્વભૌમ બની. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત પાકિસ્તાનના ભાગલા સાથે દેશ આઝાદ થયો.બંગાળના ભાગલાને કારણે બંગાળના સભ્યોની સંખ્યા ઘટતાં ડૉ.આંબેડકર બંધારણસભાના સભ્ય મટી ગયા.

આઝાદ ભારતના બંધારણના ઘડતર માટે જ્યારે દેશ નેતાઓ બ્રિટિશ બંધારણવિદ આયવરી જેનિંગ્સ પર નજર માંડી બેઠા હતા ત્યારે ગાંધીજીએ “ઘર આંગણે આંબેડકર છે ને” એવો આદેશ કરેલો. ડૉ.આંબેડકરને બંધારણસભાના સભ્ય તરીકે ચૂંટી લાવવાની જવાબદારી સરદાર પટેલના શિરે મૂકાઈ હતી. મુંબઈમાં જયકરના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર તેમને ચૂંટી લાવવા સરદારે તે સમયના મુખ્યમંત્રી બી.જી.ખેરને પત્ર લખી જણાવ્યું હતું કે, “તમારે ૧૪મી ઓગસ્ટ પહેલાં ડૉ.આંબેડકરને જીતાડવાની વ્યવસ્થા કરવાની છે”(સરદાર પટેલ પત્રવ્યવહાર, ખંડ-૫, પ્રુષ્ઠ-૧૩૯) મુંબઈ  વિધાનસભામાંથી કોંગ્રેસના સમર્થનથી બાબાસાહેબ બંધારણસભાના સભ્ય બન્યા હતા.

નવમી ડિસેમ્બર ૧૯૪૭ના રોજ સ્વતંત્ર ભારતની બંધારણસભાની પ્રથમ બેઠક મળી હતી.બંધારણનો મુસદ્દો ઘડનારી સાત સભ્યોની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ.આંબેડકરની વરણી થઈ અને તેને કારણે સંવિધાનના નિર્માણનું મુખ્ય કાર્ય તેમના શિરે આવ્યું. “માત્ર દલિતોના હિતોની હિફાજત માટે જ હું સંવિધાનસભામાં આવ્યો હતો. આ સિવાય મારા મનમાં બીજો કોઈ  વિચાર નહોતો.” આમ કહેનાર ડૉ.આંબેડકરે ભાંગતી તબિયતે અપાર મહેનત અને લગનથી બંધારણના ઘડતરનું કામ કરીને બંધારણના મુખ્ય ઘડવૈયા બન્યા હતા. બંધારણસભાની વિવિધ સમિતિઓ અને સમગ્ર બંધારણસભામાં ભિન્નભિન્ન રાજકીય વિચારધારાના સભ્યોની સામેલગીરી અને ખુદ મુસદ્દા સમિતિના સભ્યોના અન્યત્ર રોકાણો છતાં ભારે ધીરજ અને કુનેહથી ડૉ.આંબેડકરે કામ કર્યું. મુસદ્દાની એક એક કંડિકાઓ પર વિચારવિમર્શ કરી સર્વસંમતિ ઉભી કરવાનું કપરું કામ તેમણે કર્યું હતું. બંધારણસભાના બાર અધિવેશનો અને સમિતિઓની અનેક બેઠકો યોજાઈ હતી. બંધારણના મુસદ્દામાં ૭૬૩૫ સુધારા સૂચવાયા હતા અને ચર્ચાઓના અંતે ૨૪૭૩ સ્વીકારાયા હતા. અંતે ૨૨ ભાગ,૩૯૫ અનુચ્છેદ અને ૧૨ પરિશિષ્ઠ સાથેનું બંધારણ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ પસાર થયું અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦થી તેનો અમલ થયો.

અંતિમ બેઠકમાં ડૉ.આંબેડકરના અદભૂત, અતુલનીય અને અણમોલ કામની સરાહના કરતાં બંધારણ સભાના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું, “ બંધારણસભાની મુસદ્દા સમિતિના કાર્યનું હું પ્રત્યેક દિવસે નિરીક્ષણ કરતો આવ્યો છું. મુસદ્દા સમિતિના સભ્યોએ જે ઉત્સાહ, ચીવટ અને નિષ્ઠાથી આ કાર્ય પૂર્ણ કર્યું છે તેની ખાતરી બીજી કોઈપણ વ્યક્તિ કરતાં મને સવિશેષ છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ.આંબેડકરે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું છે. આપણે સાત સભ્યોની મુસદ્દા સમિતિમાં નિમણૂક કરી હતી. એક સભ્યે રાજીનામું આપી દીધું અને તે બેઠક કદી ભરવામાં ન આવી. એક સભ્યનું મ્રુત્યુ થયું અને તે બેઠક પણ ખાલી રહી. એક સભ્ય અમેરિકા ચાલ્યા ગયા અને તેમની બેઠક પણ ખાલી રહી. બીજા એક સભ્ય દેશી રજવાડાંના પ્રશ્નમાં ગૂંચવાયેલા રહ્યા.એટલે વાસ્તવિક રીતે તો તે તે બેઠક પણ ખાલી જ હતી.એક બે સભ્યો આરોગ્ય અને બીજા કારણસર હાજર રહેતા નહોતા. એટલે બંધારણ ઘડવાની સમગ્ર જવાબદારી ડૉ.આંબેડકરના માથે જ આવી પડી હતી. અને તેમણે આવી પરિસ્થિતિ છતાં ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. આ બંધારણસભા તે માટે તેમની ઋણી છે.” બંધારણસભાના ઘણાં સભ્યોએ પણ બાબાસાહેબના યોગદાનને મુક્ત રીતે બિરદાવ્યું હતું.

ડૉ.આંબેડકર દલિતોના હક અને હિત માટે બંધારણસભામાં આવ્યા હતા. બંધારણસભાને પોતાના સંગઠન ‘શિડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન’ તરફથી બંધારણમાં સમાવવાના દલિતોના અધિકારોનું આવેદનપત્ર, બંધારણની કલમો પ્રમાણે તેમણે આપ્યું હતું. ‘સ્ટેટ એન્ડ માઈનોરિટી’ તરીકે ગ્રંથસ્થ એ આવેદનપત્રની, ડૉ.આંબેડકરના સમગ્ર જીવનકાર્યના એજન્ડા સમી, એ માંગણીઓમાંથી કેટલીક જ  બંધારણમાં સમાવવામાં આવી છે !. જોકે ડૉ.આંબેડકર દલિતોને અનામત સહિતના અધિકારો અપાવી, આભડછેટની નાબૂદી બંધારણ મારફત કરાવી શક્યા છે. ગાંધીજીના ગ્રામ સ્વરાજના આદર્શની સદંતર અવહેલના કરી તેમણે બંધારણના કેન્દ્રમાં ગામડાને નહીં વ્યક્તિને મૂક્યો છે. પંચાયતી રાજને માર્ગદર્શક સિધ્ધાંતોમાં સમાવી દલિતોને રંજાડનાર ગામડાં અને પંચાયતોને તેમણે મહત્વ આપ્યું નહોતું. ભારતના બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા સાથે બંધુત્વ બાબાસાહેબની દેન છે. કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય પુખ્તવયના તમામ નાગરિકોને બંધારણ થકી મતદાનનો અધિકાર મળ્યો તેમાં તેમની મહત્વની ભૂમિકા હતી. બંધારણ દિને બંધારણીય મૂલ્યોના સ્મરણ સાથે તેના શિલ્પીને પણ યાદ કરીએ.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “બંધારણના ઘડતરમાં ડૉ.આંબેડકરનું અનન્ય પ્રદાન

  1. મહા માનવ ડો. આંબેડકર શ્રી ને શત શત પ્રણામ
    બંધારણ ના તમામ મુસદ્દા પ્રજા સમક્ષ રજૂઆત કરવા જોઈએ અને એની સમજ આપવી જોઇએ

Leave a Reply

Your email address will not be published.