નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૫

એક તવંગર પેશન્ટ હાથમાંથી સરી ગયો ને તે પણ માનસીના કારણે

નલિન શાહ

જુહુ ઇલાકામાં રાજુલના સપનાના મહેલ જેવો બંગલો તૈયાર થઈ ગયો હતો. આગળનો વિસ્તાર વૃક્ષોથી છવાયેલો હોવાથી એની ભવ્યતાનો ખ્યાલ બહારથી નહોતો આવતો. સાચી રમણીયતા તો પાછળના ભાગમાં હતી. વિશાળ ટેરેસની નીચે લીલા ઘાસથી છવાયેલું મેદાન અને એને આવરી લેતાં સરુનાં ઊંચા વૃક્ષો અને સામે ઘૂઘવતો દરિયો. સુનિતા અને સાગર સિવાય કોઈને બંગલાની જાણ નહોતી.

માનસીએ સમારંભનો ઉદ્દેશ જણાવ્યા વગર શશી પર એમાં હાજરી આપવા માટે ખાસ દબાણ આપ્યું. “ગઈ ગુજરી ભૂલીને પણ તમારે આવ્યા વગર છૂટકો નથી. તમે મારે ઘેર આવો છો, એ કેવળ તમારી બેનનું જ ઘર નથી, મારું પણ છે. તમે નહીં આવો તો મને પારાવાર દુઃખ થશે અને સુનિતાબેનને પણ આ ફંક્શન માટે મારા કરતાં એમની મહેનત વધુ છે એના પરથી એ સમારંભની મહત્તા તમે સમજી શકશો.’

શશીના હૃદયમાં કોઈ વેરભાવનાને સ્થાન નહોતું. જો કે, ધનલક્ષ્મીના ઘરમાં પગ મૂકવાનો સંકોચ જરૂર થતો હતો, પણ માનસીના આગ્રહ સામે નમતું જોખવું પડ્યું.

માનસીના સમારંભ પછીના રવિવારે રાજુલ અને સાગરના લગ્નની એનિવર્સરિનો સમારંભ યોજાયો હતો. આમંત્રણપત્રિકા સુનિતા શેઠના નામની છપાઈ હતી. સરનામું જુહુના બંગલાનું હતું, પણ નવા બંગલાની ઉદ્‌ઘાટન ક્રિયાથી સુનિતા અને સાગર સિવાય બધાં અજાણ હતાં. જ્યારે રાજુલે પૃચ્છા કરી ત્યારે સુનિતાએ એટલું જ કહ્યું કે ‘જુહુના બંધ પડેલા બંગલાની સાફસફાઈ પણ એ બહાને થશે ને મહેમાનોની આગતાસ્વાગતામાં સરળતા રહેશે.’ સુનિતા રાજુલનાં બા-બાપુની હાજરી ઇચ્છતી હતી ને એમને લાવવા માટે કારની વ્યવસ્થા કરવાની પણ તૈયારી બતાવી. પણ રતિલાલ ખૂબ જ શારીરિક અશક્તિ અનુભવતા હોઈ સુનિતાએ બહુ દબાણ ના કર્યું અને જણાવ્યું કે ફંક્શન પતે પછી રાજુલ અને સાગર એમનાં આશીર્વાદ લેવા ગામ આવશે. શશીને ફોન કરી સુનિતાએ તાકીદ કરી કે માનસીના સમારંભ બાદ બધાએ એનિવર્સરિના ફંક્શન માટે રોકાવાનું હતું, પણ એ ન જણાવ્યું કે નવા બંગલાનું ઉદ્‌ઘાટન એના જ હસ્તક થવાનું હતું, પણ એટલી તાકીદ જરૂર કરી કે ઉદ્‌ઘાટનની વાત રાજુલથી છૂપી રાખવાની હતી. શશીને આશ્ચર્ય જરૂર થયું, પણ ‘જે હશે તે સારા માટે હશે’ એમ માનીને ચૂપકીદી સેવી. ત્યાર બાદ રાજુલનો ફોન આવ્યો, ‘તારું વચન યાદ છે ને? તે વચન આપ્યું હતું કે અર્જુન પાંચ વરસનો થાય ત્યારે એને તું મારા હાથમાં સોંપશે. પણ હું એને અત્યારે જ બાળમંદિરમાં દાખલ કરવા માગું છું. બંનેને લઈને આવજે અને જાય ત્યારે એકથી જ સંતોષ પામજે ને બીજાનો ઉછેર મારી રીતે મને કરવા દેજે; તને નિરાશ નહીં કરું. ને બીજી વાત; જો તેં વચન ના પાળ્યું તો એને કીડનેપ કરીને ઉઠાવી જવાની શક્તિ ધરાવું છું. એટલે આવે ત્યારે નાટક કર્યા વગર એને મને સોંપી દેજે.’ ફોન મૂકતાં શશીથી હસી પડાયું.

સાંજે તુલસીક્યારા સામે માથે ઓઢી મસ્તક નમાવ્યું, ‘હું ગરીબીમાં ઉછરી અને મોટી બેને સંપત્તિના મદમાં મને હડધૂત કરી પણ મેં તને કદી ફરિયાદ નથી કરી. પણ આવી અલૌકિક બહેન આપવા માટે તારો આભાર જરૂર માનીશ, અને જેટલો આભાર માનીશ એ ઓછો પડશે. હવે મને આથી વધુ કશું આપવાનો વિચાર ના કરતો. અને જો આપવું જ હોય તો એ પરિવારને આપજે, જેણે બા-બાપુને અને અમને બધાંને ઉગાર્યા.’

સુધાકરે એની અલગ બેગ તૈયાર કરી. શશીએ બેબીનાં કપડાં એની પોતાની બેગમાં મૂક્યાં ને અર્જુનની નાની બેગમાં કેવળ એની ચોપડીઓ ઉપરાંત અત્યંત જરૂરી એવાં કપડાં ગોઠવ્યાં. રાજુ એની પસંદગી મુજબના કપડાં કરાવશે એમાં કોઈ શંકા નહોતી. તેણે નિર્ધારિત દિવસે પ્રયાણ કર્યું.

*** *** ***

        જ્યારે માનસીએ ધનલક્ષ્મીને જણાવ્યું કે સમારંભમાં મુરલીધર સ્વામી ઉપરાંત અભિનેતા અમિતકુમાર અને સુનિતા શેઠ જેવી ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિઓ પણ શોભામાં અભિવૃદ્ધિ કરવા પધારવાની હતી ત્યારે એ રોમાંચિત થઈ ઊઠી. એણે એની પતંગિયા જેવી સહેલીઓમાં એની જાહેરાત કરી દીધી અને હાજર રહેવાનું ભારપૂર્વક આમંત્રણ આપ્યું. આવા મહાનુભાવોની હાજરી એની પ્રતિષ્ઠામાં ઉમેરો કરનારી હતી. એટલું જ નહીં પણ એની સહેલીઓ અદેખાઈની આગમાં બળીને રાખ થશે એ વિચારે તે સંતોષની લાગણી અનુભવી. મુંબઈના ઝાકઝમાળ વાતાવરણમાં રહીને ધનલક્ષ્મીને પૈસાના પ્રદર્શન ઉપરાંત એના રચેલા વર્તુળમાં અને એના સમાજમાં એક મહત્ત્વની વ્યક્તિ તરીકે છાપ ઉપસાવવાનો મોહ જાગ્યો હતો. આપબળે એ બધું પ્રાપ્ત કરવાની એની ગુંજાઈશ નહોતી, પણ આડકતરી રીતે એનો ધ્યેય સાધવાનો મોકો એ ગુમાવવા નહોતી માંગતી! એ જ કારણે મેળાવડાને સફળ બનાવવા જરૂરી એવો બધો ખર્ચો ઉઠાવવાની તેણે સામેથી તત્પરતા બતાવી. સાસુનો ઉત્સાહ અને એની આતુરતાએ માનસીનાં મનમાં રમૂજની લાગણી પેદા કરી. એ ઇચ્છતી હતી કે અઠવાડિયા પછી યોજાનારાં સાગર-રાજુલની મેરેજ એનિવર્સરિનાં ફંક્શનમાં રાજુલની ઓળખાણ ધનલક્ષ્મી સાથે નાટકીય રીતે જાહેર થાય. એ હેતુથી જ એણે રાજુલની ધનલક્ષ્મીના ઘરમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞાનો જરાયે વિરોધ ના કર્યો અને આમંત્રણ કેવળ સુનિતાને અને સાગરને જ આપ્યું. માનસીએ રાજુલને કહ્યું, ‘હું જે કરી રહી છું એ મારી પૂર્વ નિયોજિત યોજના પ્રમાણે કરી રહી છું. તું ભલે પ્રત્યક્ષ હાજર ન હોય, પણ વિધિના એ ખેલનો આંખે જોયો વૃત્તાંત તારાં સાસુ અને વર પાસે સાંભળજે.’

ફંક્શનનો સાચો ઉદ્દેશ ગુપ્ત રાખ્યો હોવાથી આમંત્રણો ટેલિફોન પર ને ક્યાંક ક્યાંક પ્રત્યક્ષ રીતે અપાયાં હતાં. જે લોકો માનસીને ફાળો ઉઘરાવવામાં મદદરૂપ થયાં હતાં તે ઉપરાંત પણ શહેરની કેટલીક અગ્રગણ્ય વ્યક્તિઓને આમંત્રી હતી. કેટલીક નામાંકીત વ્યક્તિઓને હાજરી આપવા પ્રેરિત કરવા સુનિતાએ એની વગનો વિના સંકોચ ઉપયોગ કર્યો હતો. અમિતકુમારના કોરા ચેકમાંથી કેવળ એક લાખની રકમનો ઉપયોગ માનસીએ કર્યો અને તે પણ એના માન ખાતર. શશી અને સુધાકર બાળકો સાથે આગલે દિવસે જ આવી ગયાં હતાં. તેઓ પણ સમારંભના ઉદ્દેશથી અજાણ હતાં.

પ્રોફેશનલ ડેકોરેટર અને કેટરિંગનું કામ સમારંભના દિવસે સવારેથી શરૂ થવાનું હોવાથી પરાગ જ્યારે રાત્રે ઘેર આવ્યો ત્યારે ઘરમાં સ્તબ્ધતા છવાયેલી જોઈ અચરજ પામ્યો, ‘કેમ કાંઈ તૈયારી દેખાતી નથી?’ એણે પૂછ્યું.

‘બધું થઈ રહેશે. કાંઈ ઊણપ નહીં રહે. વ્યવસ્થા આ કુટુંબને છાજે એવી જ થશે ને મમ્મીને પણ કાંઈ કહેવાપણું નહીં રહે. પણ તું તારી વાત કર. રવિવાર છે એટલે સાંજે હાજર ન રહેવા જેટલી ફરિયાદ હોય તો કાઢી શકીશ ને?’

‘મારી મજાલ છે કે તારા ફંક્શનમાં ન આવું. બસ સવારે હોસ્પિટલના રાઉન્ડ પતાવી અહીં જ છું, મારું કાંઈ કામ હોય તો કહે.’

‘ના, કેવળ તારી હાજરીની જ જરૂર છે.’

‘મને આ ફંક્શનનો કોઈ જ વાંધો નથી, પણ એનો ઉદ્દેશ સમજાતો નથી.’

‘આ બંગલો હવે તૂટીને મકાનનું રૂપ લેશે, પણ બંગલાની સાથે સંકળાયેલી યાદો તો જળવાઈ રહેશે ને આવા પ્રસંગે કેટલીક વિસરાયેલી યાદો તાજી થશે. એમાં તારી બાળપણની યાદોનો પણ સમાવેશ થાય છે.’ પરાગને કાંઈ સમજાયું નહીં, પણ સાંભળી લીધું. ‘મમ્મી પણ બહુ જ ઉત્સાહિત છે.’ એણે કહ્યું.

‘એ તો હોય જ ને. આ સંપન્ન કુટુંબ અને બંગલાનું મુખ્ય પાત્ર તો એ જ છે ને! જે છે એ એના થકી છે. હું તો એટલે કહું છું કે મુરલીધર સ્વામીનાં પગલાંથી આ ઘર પાવન થશે એ વિચારે એ ઉત્તેજિત છે.’ પરાગ બોલ્યો. ‘હું પણ વિચારું છું કે આ ઘર પાવન કરવાની જરૂર છે. આ કદાચ છેલ્લો મોકો છે આ બંગલો તૂટે એ પહેલાં નામાંકિત વ્યક્તિઓની હાજરીમાં એ કામ પાર પડે. જાણે છે ખર્ચો બધો મમ્મી કરવાનાં છે!’

પરાગ વિચારમગ્ન થઈ સાંભળી રહ્યો. સાસુ-વહુનો આ મેળ એને વિસ્મયકારક લાગતો હતો.

‘મમ્મીની મુરાદ પૂરી કરવા અને મોભો વધારવા સ્વાતિની અને અમિતકુમારની હાજરી પૂરતી છે. બાકી અન્ય નામાંકિત વ્યક્તિઓના તો એમણે નામે ન સાંભળ્યાં હોય. ભલે ફંક્શનનું શ્રેય એમને ફાળે જાય. પણ ફંક્શનની રૂપરેખા અને સંચાલન મારી યોજના પ્રમાણે હશે. એમાં હું કોઈની દખલગીરી નહીં સાભળું.’

‘એવું તેં મમ્મીને કહ્યું?’

‘કહેવાની જરૂર ના પડી, એમણે જ સામેથી કહ્યું કે “ફંક્શન તારું છે, તારી રીતે કરજે.”

‘ફોટોગ્રાફરની વ્યવસ્થા કરી છે?’

‘એ તો હોય જ ને? પત્રકારો પણ આવશે ને એમના ફોટોગ્રાફરો પણ. પૂરી ફિલ્મ પણ ઊતારવાની છે, અમિતકુમારની મહેરબાનીથી. મમ્મીનું જિંદગીભરનું સંભારણું બની રહે એની પૂરી તકેદારી લીધી છે.

અમિતકુમારનું નામ આવતાં પરાગનું મન ખાટું થઈ ગયું. એક તવંગર પેશન્ટ હાથમાંથી સરી ગયો ને તે પણ માનસીના કારણે. એ જાણતો હતો કે માનસીની ખ્યાતિ વિકસી રહી હતી. એને ડર હતો કે ભવિષ્યમાં ક્યાંક માનસી જ એના રસ્તામાં અડચણરૂપ ના બની રહે!

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.