અન્નપુર્ના મેકવાન
ટી. વી. માં સલમાન ખાનની ‘ વોન્ટેડ ’ ફિલ્મ ચાલી રહી હતી. તે સોફામાં બેસીને ચા પીતા-પીતા ફિલ્મ જોવાનો આંનદ માણી રહ્યો હતો. ફિલ્મનાં દરેક ડાયલોગ પર તે ઉછળી પડતો ! તો વળી, હિરોની સાથે-સાથે તે પણ ડાયલોગ બોલતો. અને…. કેમ ના બોલે !? આ તો તેની ફેવરીટ ફિલ્મ હતી અને તેમાય તેનો પ્રિય ડાયલોગ ‘ મે એક બાર કમીટમેન્ટ કર દેતા હુ, તો ફિર અપને આપ કી ભી નહી સુનતા ! ‘ સલમાન ખાન બોલ્યો અને તેણે પણ ઉભા થઇને તે જ અંદાજમાં તેને રીપીટ કર્યો અને પછી સોફામાં જાતને આંનદથી ફંગોળી. અને સોફાનાં સાઇડનાં હેંડલ ઉપર મુક્કી મારતાં ‘યસ.. યસ.. આઇ કેન ડુ ઇટ , આઇ કેન ડુ ઇટ ‘ કરવા લાગ્યો કોલેજના દિવસોની જેમ જ !
આજે પણ તે આ ડાયલોગ સાંભળીને ઝુમી ઉઠ્યો હતો. આ તેનો પ્રિય ડાયલોગ હતો . આમ તો તેને સલમાન ખાનની દરેક ફિલ્મના ડાયલોગ પસંદ હતા. અને કેમ ના હોય !? સલમાન ખાન તો તેનો પ્રિય હીરો હતો. તેની પાછળ તે રીતસરનો પાગલ જ હતો. અને તેની કોપી કરતાં ગાંડા કાઢ્યાં કરતો. જો કે કોલેજ જીવન પુરું થયા પછી પોતાની હરકતને તે જ્યારે યાદ કરતો ત્યારે તે મનોમન શરમાતો પણ ખરો ! અત્યારે પણ તેને તે યાદ આવતા મોટેથી હસી પડ્યો. અને… પછી કોલેજનાં દિવસોની સ્મ્રુતિમાં સરી પડ્યો.
સલમાન ખાન તેનો પ્રિય હીરો. અને પોતે તેના જેવો દેખાય છે તેવા વહેમમાં તે રાચતો. અને એટલે પોતાનાં પ્રિય હીરો જેવું શરીર બનાબ્વવું, તેના જેવું બોલવું-ચાલવું તે જ જાણે કે તેનું મિશન હતું. !! અરે! તેના જેવી બોડી બનાવવા તો તેણે કેટલી મહેનત કરી હતી ! દરરોજની વહેલી સવારની અને સાંજની થઇને જીમની તન તોડતી કસરત તથા સાથોસાથ ખાવા પીવાની આકરી પરેજી પાળવાની રહેતી ! અને તો પણ સંકેત ગભરાયો ન હતો કે તેમા પીછે હઠ પણ કરી ન હતી. અને પરિણામે… સલમાન ખાન જેવું બોડી બનાવવામાં તે સફળ થયો હતો ! અને પછી તો પોતાના પ્રિય હીરોની જેમ જ હેર સ્ટાઇલથી માંડીને બોલવાનું –ચાલવાનું તેણે ચાલુ કર્યુ હતું. અને જાણે કે પોતે જ અસ્લી સલમાન ખાન છે !જ્યારે પેલો તો પોતાનો ડુપ્લીકેટ છે !? એવા ભ્રમમાં તે જીવતો હતો. અને તેનાં આ ભ્રમને કોલેજનાં એન્યુઅલ –ડે નાં પ્રોગ્રામે જાણે કે ઇંધણ પુરુ પાડ્યું હતું !
એન્યુઅલ –ડે નો પ્રોગ્રામ હતો. સંકેતે પણ ડ્રામાંમાં ભાગ લીધો હતો. ડ્રામાંનું નામ હતું ‘ કમીટમેન્ટ ’! એટલે સ્વાભાવિક રીતે જ ડ્રામાનાં ડાયલોગમાં ‘કમીટમેન્ટ’ શબ્દ આવે તેનું પણ ધ્યાન રાખવાનું હતું. એટલે પછી તો પુછવું જ શું ! સંકેતને તો મજા પડી ગઇ હતી. તેણે તો ફિલ્મનો આ ડાયલોગ સીધે-સીધો ડ્રામાંમાં લઇ લીધો અને અસલ સલ્માન ખાનનાં અંદાજમાં જ બોલી બતાવ્યો હતો ! અને.. પછી તો શું તાલીઓ પડી હતી વાત જ ના પુછો !! અને ત્યાર પછી તો કોલેજમિત્રો ની સાથેસાથે પ્રોફેસરો પણ તેને સલમાનખાન કહીને જ બોલાવવા લાગ્યા હતા! અને સંકેતે પોતે પણ ત્યાર પછી તો પોતાની જાતને વધારે ને વધારે સલમાનખાન હોવાનાં ભ્રમમાં, વહેમમાં રાચતી કરી દીધી હતી !
જો કે તે એક કડવી સત્યતાંથી દુર ભાગી રહ્યો હતો કે, પોતે એક સામાન્ય, સાધારણ કુંટુમબમાંથી આવે છે કે જ્યાં તેનાં આ બધા વધારાનાં ખર્ચાને કારણે મહિનાનાં પાંછળનાં પંદર દિવસો કેવી રીતે કાઢવા તેની ચિંતામાં તેના મા-બાપની ઉંઘ જતી રહેતી હોય છે! અને તેની બહેન બસ ભાડુ બચાવવાં બે કિલોમીટર ચાલી નાખતી હોય છે !
પણ સંકેતને આ કશાથી લાગતું વળગતું ના હોય તેમ તે બેફિક્ર અને બેજવાબદાર બનીને ફર્યા કરતો.! સદનસીબે મિત્રો શ્રીમંત તથા ઉદાર દિલવાળા મળ્યા હતા એટલે તેની ગાડી સ્પીડ બ્રેકર વગર આસાનીથી ચાલતી રહેતી ! વળી, એન્યુઅલ પ્રોગ્રામ પછી તો તેની સાથે ફ્રેન્ડશીપ કરવા છોકરીઓમાં હરિફાઇ જામી હતી. જેનો તેણે ભરપેટે લાભ લીધો હતો. પણ સાવચેત રહેતો કે ક્યાંય ફસાવાનું આવે નહી.! જો કે સામે તે છોકરીઓ પણ તેની જેમ જ ટાઇમ પાસ કરતી હતી. લોન્ગ ટાઇમ રિલેશનમાં જોડાવું ન હતું એટલે તેને વાંધો આવતો નહી.
પણ.. એક છોકરી આ બધાથી સાવ અલગ નિકળી હતી.!
શું નામ હતું તેનું.. !? તેણે યાદ કરવાની કોશિશ કરી. યસ, સુનૈના યા સુનયના ! બધા તેને આ બન્ને નામથી બોલાવતા. અને ઘણી વખત તો ‘શું…નૈના’ કહીને ચીઢવતાં પણ ખરા ! જો કે તે તેને ગમતું નહી. પણ ‘ ના પાડીશ તો વધારે પજવશે ‘ એટલે તે હસવામાં ઉડાવી દેતી. પોતે પણ તેને શુ … નૈના કહીને જ બોલાવતો. અરે! ચીઢાવતો તેવું કહેવું આગળ પડશે. જો કે સુનૈનાને તો પોતાનું તેને ચીઢાવવું પણ પસંદ હતું ! ( પાછળથી તેણે જ તેને આ વાત કરી હતી )
સુનૈનાનું નામ તેની ફોઇએ તેની આંખો જોઇને જ પાડ્યું હશે તેવું તેને જોઇને લાગ્યા વગર રહે નહિ. નામ પ્રમાણે જ મોટી મોટી ભાવવાહી સુંદર આંખોની તે માલિકણ હતી ! આમ તો તેનું શરીર પણ ઘાટીલું હતું. પણ તેમા તેની આંખો સવિશેષ ધ્યાન ખેચતી. અને સામે વાળાને સંમોહિત કરતી. તેની સાથે વાત કરનાર ખાસ કરીને યુવાનોની નજર તેની આંખો પરથી બીજે ક્યાંય ભટકતી નહી.
તેની સાથેની ફ્રેન્ડશીપ પણ અન્ય યુવતી સાથેની ફ્રેન્ડશીપ જેવી જ શરુઆતમાં રહી હતી. પણ પછી ક્યારે બન્ને સીરીયસ બની ગયાં તેની તેમને ખબર ના પડી. ખાસ કરીને તો પોતાની બાબતમાં !! તેનું સંકેતને આશ્ચર્ય થયા કરતું. અને પછી તો તેમની ફ્રેન્ડશીપને તે બન્ને એ એક નામ આપવાનું વિચાર્યુ. સુનૈના તો આ સંબન્ધ પ્રત્યે પહેલેથી જ ઘણી ગંભીર હતી પણ સંકેત થોડો અવઢવમાં હતો. જો કે પાછળથી તે પણ આ સબંધ પ્રત્યે ગંભીર થયો હતો અને સુનૈના સાથે જીવનભરની રીલેશનશીપ માટે એટલે કે લગ્ન કરવા માટે તૈયાર થયો હતો. પરિણામ સ્વરુપ સૌ પ્રથમ તેણે કોલેજ પુરી કરતા જ જે મળે તે નોકરી સ્વીકારીને પોતાના પગ પર ઉભા રહેવાનું કર્યું. અને ઘરે વાત કરવાનાં માટે યોગ્ય ક્ષણની રાહ જોવા લાગ્યો. તો સામે સુનૈનાએ પણ નોકરી શોધી લીધી જેથી તેના ઘરે પણ હિંમતભેર સંકેત સાથેનો સંબન્ધ રજુ કરી શકે અને જો મમ્મી-પપ્પા ના માને તો ગ્રુહત્યાગ કરવો પડે તો મુશ્કેલી ના પડે. આવી બધી માનસિક તૈયારી સાથે તે બન્ને પોતાનાં સંબન્ધમાં આગળ વધતા ગયા.
તેમનાં પ્રયણભીનાં દિવસોમાં સુનૈના કોઇક વખત સંકેત આગળ પોતાને તે ‘ છોડી તો નહી દે ને ?’ તેવી આશંકાને રજુ કરતી તો સામે સંકેત સલમાન ખાનની અદાથી ‘કમીટમેન્ટ’ વાળો ડાયલોગ બોલતો અને સુનૈના પાણી પાણી થઇ જતી. આમ તો તે સંકેત પાછળ પાગલ હતી જ પણ આ સાંભળીને તે વધારે ગાંડી થઇ જતી. પરિણામે તેમના સંબન્ધો ક્યારે શારીરિક સંબન્ધમાં પરીણ્મયાં તેનો તે બન્નેમાંથી કોઇને ખ્યાલ ના રહ્યો. પણ સુનૈના નાં શરીરે જ્યારે દર મહિનાની પોતાની કુદરતી પ્રક્રિયા અટકાવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ખોટુ થયુ છે.! પણ લગ્ન તો કરવાના છે માટે ડરવું શા માટે ? વિચારતા તેણે સંકેતને પોતાની પ્રેગ્નનસી વિશે જણાવ્યું. સંકેત પણ ખુશ તો થયો સાથોસાથ આટલી જલ્દી જવાબદારી આવી પડી તેથી થોડો કચવાયો પણ ખરો.! સાથોસાથ તે બન્નેનાં મમ્મી -પપ્પા તેમના સંબધનો અસ્વીકાર કરશે તો ? તેવી આશંકા સુનૈનાએ વ્યક્ત કરી. એટલે પછી, ‘ ઘરનાં જો વિરોધ કરશે તો ઘરેથી ભાગી જઇશું’ તેવું ફાઇનલ ડિસીઝન તેણે લીધું અને સુનૈનાને સથિયારો આપ્યો કે, ‘ તેની આ પરિસ્થિતિમાં તે તેની સાથે જ છે ’.
એટલે સંકેત તરફથી નચિંત બનીને સુનૈનાએ પોતાના ઘરે સંકેત સાથેનાં સંબધની અને પોતાની પ્રેન્નસીની વાત કરી. જેમ મોટા ભાગના પ્રેમીઓ સાથે બને છે તેવું જ તેની સાથે બન્યુ. ઘરમાંથી વિરોધ થયો. જો કે પછી સુનૈનાનાં ઘરનાં લગ્ન માટે રાજી તો થયા પણ તત્કાળ લગ્ન માટેની શર્ત મુકી. એટલે સંકેતે થોડો સમય માગ્યો. જેના જવાબમાં સુનૈનાની મમ્મીનો ખાસ આગ્રહ હતો કે સુનૈના અબોર્શન કરાવી લે. તેમને સંદેહ હતો કે કાલે ઉઠીને આ છોકરો ફરી જશે તો બાળક સાથે કોણ પોતાની દિકરીને સ્વીકારશે ! તેને માટે ભવિષ્ય અંધકારમય બની જશે. એક મા તરીકેની દિકરીની ચિંતા સમજવી પ્રેમમાં પડેલી મુગ્ધાને માટે અશક્ય વાત હતી. અહી સુનૈનાએ પણ તેની મમ્મી-પપ્પાનો આ પ્રસ્તાવ ફગાવી દીધો. અને તેમની સામે વિરોધનું બ્યુગલ ફુક્યું.તેને પોતાના પ્રેમી સકેંત ઉપર પુરો વિશ્વાસ હતો કે સકેંત પોતાને કરેલ ‘કમીટમેન્ટ’ ચોક્કસ નિભાવશે !!
સંકેત પણ સુનૈનાને દિલથી ચાહતો હતો. સુનૈનાનાં સાથમાં જિંદગીનો માર્ગ કાપવા માગતો હતો. પોતાના દરેક સુખ-દુ:ખ, ખુશી-ગમ તે સુનૈના સાથે વહેચવા માગતો હતો. પણ.. તે શક્ય ના બન્યુ કારણ સંકેતનામાં એક ખરાબી કે ઉણપ કે દોષ જે ગણો તે એ હતો કે તે પરિસ્થિતિ સાથે સમાધાન ફટાફટ કરી લેતો !! તકલીફ સહન કરવાનું તેને બિલકુલ ગમતું નહી ! મુશ્કેલીનાં સમયમાં આગળ-પાછળનો લાંબો વિચાર કરતો નહિ! પોતાનાં સ્વાર્થી વ્યવ્હારથી કે લેવાયેલ નિર્ણયથી સામેવાળી વ્યક્તિને દુ:ખ થશે, આઘાત લાગશે તેવું કશું વિચારતો નહિ. પોતાના સ્વાર્થ આગળ પોતાના અંગત સુખ આગળ તેને બીજુ કશું દેખાતું નહી. અહી, પણ તેણે તેવું જ કર્યુ. તેની મામીનાં સગામાં નાંણાકીય રીતે સધ્ધર પરિસ્થિતિ ધરાવતાં કુંટુમ્બની એકની એક તથા સારું કમાતી છોકરીનું માગું આવ્યું ત્યારે શરુઆતમાં તેણે આનાકાની કરી પણ પછી પોતાની તથા પોતાનાં ઘરની વાસ્તવિક પરિસ્થિતિ વિશે વિચારતા તેને આ લગ્નથી પોતાની આર્થિક પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્વી શકે છે તેમ લાગતાં તેણે લગ્ન કરી લીધા. અને પોતાનું ભવિષ્ય સુધારી લીધું.!! અને આસાનીથી સુનૈનાને, પોતાના અવતરનાર બાળકને તથા કરેલ ‘કમીટમેન્ટ’ ને ભુલાવી દીધા!! અને પોતાની દુનિયામાં મસ્ત બની ગયો.
તે વાતને પણ આજે તો ખાસ્સો સમય વિતી ગયો હતો. સંકેતની સામે ફિલ્મની રીલની જેમ વિતેલો સમય પસાર થઇ ગયો. તે વર્તમાનમાં પાછો ફર્યો. સુનૈનાનું અને બાળક્નું શું થયું હશે !? તેણે લગ્ન કર્યા હશે કે નહી!? તે અત્યારે ક્યાં હશે ? તેના મનમાં વિચાર ઝબક્યો. પણ તે બધું વિચારવું હવે નક્કામું હતું. તેણે માંથુ ધુંણાવ્યું. જો કે તેની અંદરથી રહી રહીને એક અવાજ આવ્યા કર્યો, ‘ કોઇને કરેલ કમીટમેન્ટ હમેશા નિભાવવું જોઇએ.!!’ તે થોડી વાર એમ જ બેસી રહ્યો. તેણે ટી.વી. બંધ કર્યુ. અને પછી ઉઠીને પત્નીનાં રુમમાં ગયો.
કમરથી નીચે સુધી પેરાલિસિસથી પિડિત પંલગમાં સુતેલ પોતાની પત્ની સામે તેણે જોયા કર્યુ. પહેલી વખત તેને જાણે કે પત્નીનું દુ;ખ સ્પર્શ્યુ. તે દ્રવી ઉઠ્યો. ધીમેથી તે પલંગ પાસે મુકેલ ખુરશી ઉપર બેઠો. અને પત્નીનાં વિખરાયેલા વાળને સરખા કરવા લાગ્યો. પત્નીની આંખોમાં આશ્ચર્ય સાથે વાદળ છવાયું ! અને બહાર રેલાવા લાગ્યુ. સંકેતે વાદળને પોતાની આંગળીથી લુચ્છ્યું અને પછી ઉઠીને પત્નીને પોતાનાં બાહુપાશમાં લીધી અને ક્યાંય સુધી તેની પીઠ પસવારતો રહ્યો. તેને પાછી પલંગમાં સુવાડી તે પોતાનાં રુમમાં આવ્યો અને પંલગ પાસે મુકેલી પોતાની બેગ ઉઠાવી. તેને ખુલ્લી કરી અને તેમાંથી કપડા લઇને કબાટમાં પાંછા મુકવા લાગ્યો સાથોસાથ સ્વગત બોલતો રહ્યો, ‘ આ વખતે તો તે પીછે હઠ નહી જ કરે.! અગ્નિની સાક્ષીએ સપ્તપદીનાં ફેરા ફરતાં પત્નીને આપેલ વચન તે ચોક્કસ નિભાવશે જ! અને પછી મોટેથી તે બોલી ઉઠ્યો , ‘ સુખ કે દુ:ખ, માંદગી કે તંદુરસ્તીમાં પત્નીનો સાથ તે ક્યારેય છોડશે નહિ. ! ’ તેણે આ શબ્દોને બે-ત્રણ વખત રીપીટ કર્યા. અને પછી પત્નીને આપેલ ‘ કમીટમેન્ટ ‘ ને નિભાવવાની તૈયારી રુપે રસોડામાં જઇને સુપનો બાઉલ હાથમાં લીધો અને પત્નીની રુમમાં ગયો.
અન્નપુર્ના મેકવાનનાં સંપર્કસૂત્ર, ‘સ્વર્ગમ’ પ્લોટ-નંબર- 473/2, સેક્ટર- 2 – બી, ગાંધીનગર – 382002 – ગુજરાત
M- 9913244150 Gmail- acmacwan96@gmail.com