ભગવાન થાવરાણી
પાછા ફરીએ વીસમી સદીમાં પરંતુ એ પહેલાં એક અગત્યની વાત. ઉર્દૂ શાયરીમાં એવા હજારો શેર છે જે હુસ્નો – ઈશ્ક, મુહબ્બત, નજાકત, મહબૂબ, ઝુલ્ફ, રુખ્સાર, લબ અને રીસામણા – મનામણા બાબતે છે. આવા અનેક શેર મને અંગત રીતે ગમે પણ છે. આ લેખમાળામાં કોઈ પણ શાયરના આવા શેરોને બદલે જીવનના અન્ય આયામો વિષયક શેરો પસંદ કર્યા છે કારણ કે મારી વિનમ્ર માન્યતા છે કે ‘ ઝિંદગી સિર્ફ મુહબ્બત નહીં, કુછ ઔર ભી હૈ ‘
વાત કરીએ વઝીર આગા સાહેબની. આગા સાહેબને માત્ર શાયર કહેવા એ અન્યાયકારી કહેવાય. કવિ ઉપરાંત એ ઊંચા ગજાના વ્યંગકાર, આલોચક, પત્રકાર, વક્તા, સંપાદક, પ્રકાશક અને બીજું ઘણું બધું હતા. કહેવાય છે કે એમનું નામ નોબેલ પુરસ્કાર માટે પણ પ્રસ્તાવિત કરવામાં આવેલું. એમના શેરનો એક નમૂનો :
ચલો અપની ભી જાનિબ અબ ચલેં હમ
યે રસ્તા દેર સે સૂના પડા હૈ …..
અને આ નાજુકડી વાત :
ઈતના ન પાસ આ કે તુજે ઢૂંઢતે ફિરેં
ઈતના ન દૂર જા કે હમા – વક્ત પાસ હોં ..
(જે બહુ નજીક હોય તે દેખાય નહીં અને જે દૂર હોય એ કાયમ નજદીક રહે !)
હવે આવીએ એ શેર પર જેમાં કહેવાયેલી વાત તમારો અને મારો રોજિંદો અનુભવ છે :
વો અપની બાત સે સદ-ચાક કરતા હૈ મેરા સીના
ફિર અપની બાત કી તા – દેર તાવિલાત કરતા હૈ
(સદ – ચાક = સો વાર ઘાયલ કરવું, તાવિલાત = અર્થઘટન)
આપણો અનુભવ છે કે ઘણી વાર કોઈ પહોંચેલો ‘મિત્ર’ કોઈક અણીદાર વાત કહેતા પહેલાં આમ પૂર્વભૂમિકા બાંધે, ‘ જૂઓ, ખોટું ન લગાડતા પણ ..‘ અને એટલું કહ્યા બાદ કોઈક એવી વાત કહે જે આપણને ખરેખર ખૂંચે ! ખરેખર એ ‘મિત્રનો’ આશય જ આપણને ખોટું લાગે એ હોય છે, પણ એ ચાલાકીપૂર્વક આગોતરી પોતાના રક્ષણની દીવાલ બાંધે છે. ( અથવા એવા વહેમમાં રાચે છે ! ) અહીં આગા સાહેબ જે વાત કરે છે એ આવા જ કોઈ શખ્સની છે જે પહેલાં પોતાની કહેલી વાતથી આપણી છાતી વીંધે છે અને પછી લંબાણપૂર્વક પોતાની વાત વ્યાજબી ઠેરવવાની કોશિશો કરે છે.
હું ઓળખું છું આવા લોકોને. તમે ?
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
હા સર આવાં તો ઘણાં લોકો છે… કાળજુ કોરી ને રસ્તો બનાવી ને કહે કે *દર્દ નથી થતું ને*
ચલો અપની ભી જાનિબ અબ ચલેં હમ
યે રસ્તા દેર સે સૂના પડા હૈ …..
બહુજ સટીક વાત છે..
આભાર આવાં સરસ શાયર થી પરિચય કરાવવા બદલ