ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૭ – ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટનની જાહેરાત –

દીપક ધોળકિયા

૧૯૪૭ની ૨૦મી ફેબ્રુઆરીએ બ્રિટનના વડા પ્રધાન ઍટલીએ આમસભામાં શ્વેતપત્ર વાંચ્યો અને જાહેર કર્યું કે ભારતને જૂન ૧૯૪૮ સુધીમાં સ્વતંત્રતા આપી દેવાનો સરકારે નિર્ણય કર્યો છે.

એમણે શ્વેતપત્ર વાંચતાં કહ્યું કે ઘણા લાંબા સમયથી બ્રિટનની બધી સરકારોની નીતિ ભારતમાં સ્વશાસન સ્થાપવાની રહી છે. બંધારણની વાત કરતાં, ૧૯૧૯ અને ૧૯૩૫ના કાયદા દ્વારા ભારતીયોના હાથમાં ઘણી સત્તાઓ સોંપવામાં આવી. ૧૯૪૦માં મિશ્ર સરકારે એમ નક્કી કર્યું કે ભારતવાસીઓ પોતે જ પોતાનું બંધારણ બનાવે. (૧૯૪૦માં વિશ્વયુદ્ધને કારણે બ્રિટનમાં ચર્ચિલના વડા પ્રધાનપદે બધા પક્ષોની મિશ્ર સરકાર બની હતી).  ૧૯૪૨માં એમને બંધારણ સભાની રચના કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું. આ નીતિ સાચી હતી એમ દેખાયું છે. ૧૯૪૬માં કૅબિનેટ મિશન મોકલવામાં આવ્યું, જેણે ત્યાં ત્રણ મહિના રહીને કોઈ સમાધાન શોધવામાં ભારતના નેતાઓને મદદ કરવાની કોશિશ કરી. જ્યારે એમ લાગ્યું કે કોઈ સમાધાન થાય તેમ નથી ત્યારે કૅબિનેટ મિશને  બંધારણ સભાની રચના કરીને બધા પક્ષો અને કોમોને સમાવી લેવાના હેતુથી પોતાની યોજના આપી. એના પછી વચગાળાની સરકાર બનાવાઈ. પરંતુ હજી પણ મતભેદોનો ઉકેલ નથી આવ્યો તે અફસોસની વાત છે.

ઍટલીના ભાષણમાં મહત્ત્વનો સંકેત એ હતો કે બ્રિટન કોઈ પણ ભોગે સત્તા સોંપી દેવા માગે છે. ઍટલીએ કહ્યું કે “કૅબિનેટ મિશનની સખત જહેમત પછી બંધારણ કેમ બનાવવું તેના વિશે સર્વસંમતિ થઈ હતી.” ગયા વર્ષના મેનાં નિવેદનોમાં આ સમજૂતી નોંધાયેલી છે. નામદાર રાજાની સરકાર સંપૂર્ણ રીતે પ્રાતિનિધિક હોય તેવી બંધારણ સભા દ્વારા જે બંધારણ બનાવાય તેના માટે પાર્લામેંટને ભલામણ કરવા પણ સંમત થઈ હતી.

અત્યારે અનિશ્ચિતતાની સ્થિતિ છે તે લાંબો વખત ચલાવી ન લેવાય કારણ કે એમાં બહુ જોખમ છે.  એટલે નામદાર રાજાની સરકારે નક્કી કર્યું  છે કે જૂનથી પહેલાં જવાબદાર ભારતીયોના હાથમાં બધી સત્તા સોંપી દેવી.

વેવલની જગ્યાએ માઉંટબેટન

આના પછી ઍટલીએ પોતાના ભાષણમાં કહ્યું કે વાઇસરૉય વિન્સેંટ વેવલ યુદ્ધ ચાલતું હતું ત્યારે મધ્યપૂર્વ (પશ્ચિમ એશિયા), દક્ષિણ-પૂર્વ એશિયા અને ભારતમાં બ્રિટિશ સૈન્યોના ફીલ્ડ માર્શલ હતા. એમણે સંપૂર્ણ નિષ્ઠા અને કુશળતાથી નેતૃત્વ સંભાળ્યું. નામદાર રાજાએ વેવલને ‘અર્લ’નો ખિતાબ આપ્યો છે.

પરંતુ હવે એમ લાગે છે કે ભારતમાં અત્યારે છેલ્લા તબક્કે એમની યુદ્ધ સમયની નીમણૂકનો અંત લાવવો જોઈએ એટલે એમની જગ્યાએ ઍડમિરલ વાઇકાઉંટ માઉટબૅટનને નીમવાની નામદાર રાજાએ સહર્ષ સંમતિ આપી છે. હવે ભારતીયોને સત્તા સોંપવાનું કામ પાર પાડવાની જવાબદારી એમને સોંપાઈ છે.

ફરી ચર્ચિલ

ઍટલીએ બોલવાનું પૂરું કર્યું કે તરત વિરોધ પક્ષના નેતા વિંસ્ટન ચર્ચિલે ઊભા થઈને વેવલને હટાવવાનાં કારણો ગૃહમાં જાહેર કરવાની સરકાર સમક્ષ માગણી કરી. એણે પૂછ્યું કે વાઇસરૉય અને બ્રિટિશ સરકાર વચ્ચે શા મતભેદ છે? ઍટલીએ કહ્યું કે મેં જે જાહેરાત કરી છે તેનાથી વધારે હું કંઈ કહેવા નથી માગતો.

ચર્ચિલે દલીલ આગળ વધારતાં કહ્યું કે વેવલની નીમણૂક યુદ્ધ સમય માટે જ હોત તો એમને ૧૮ મહિના પહેલાં હટાવવા જોઈતા હતા. ત્રણ વર્ષ પછી જો એમને હટાવ્યા હોત તો ગયા વર્ષના જૂનમાં એ થવું જોઈતું હતું. હવે એવા કયા મતભેદ ઊભા થયા કે એમને બરતરફ કરાય છે. ઍટલીના કોઈ પણ ખુલાસા ચર્ચિલને મંજૂર નહોતા. એણે કહ્યું કે વેવલને હટાવવાનાં કારણો છે. એવું નથી બન્યું કે વડા પ્રધાન એક સવારે ઊઠ્યા અને બોલ્યા કે  “ઓહ, આપણે એક નવો વાઇસરૉય લઈ આવીએ”.

વચ્ચેથી લિબરલ પાર્ટીના નેતા ક્લેમંટ ડેવિસે ઊભા થઈને આ આખા મુદ્દાની પૂરી ચર્ચાની માગણી કરી. ઍટલીએ એના માટે સંમતિ આપી.  તે જ વખતે ચર્ચિલે ઊભા થઈને કહ્યું કે એક બહુ જ મહત્ત્વનો વહીવટી નિર્ણય લેવાયો છે અને એટલું તો ચોક્કસ કે એનાં કારણો માણસની અક્કલમાં બેસે એવાં જ હશે. હવે ઍટલીએ ગુસ્સામાં કહ્યું કે ચર્ચિલે પોતે વડા પ્રધાન તરીકે કેટલાયે ફેરફાર કર્યા પણ એમને કદી એવું ન લાગ્યું કે ગૃહમાં આવીને એનાં કારણો આપવાં જોઈએ. (ચર્ચિલે યુદ્ધ દરમિયાન વેવલને હટાવીને એની જગ્યાએ ઑચિનલેકને કમાંડર-ઇન-ચીફ બનાવ્યો હતો અને વેવલને ભારતમાં સશસ્ત્ર દળના વડા તરીકે મોકલ્યો હતો. ઍટલીનો ઇશારો એ તરફ હતો).

પહેલાં બંગાળના ગવર્નર રહી ચૂકેલા જ્‍હોન ઍન્ડરસને કહ્યું કે ભારતમાં જે સ્થિતિ છે તેનો ઍટલીને પૂરેપૂરો ખ્યાલ છે? શું ખરેખર સત્તા સોંપી શકાય એવી સ્થિતિ છે? ઍટલીનો જવાબ હતો કે આ અનિશ્ચિતતાનો જ અંત લાવવાનો છે. એ દરમિયાન કમ્યુનિસ્ટ સભ્ય વિલિયમ ગૅલેશરે પૂછ્યું કે એવો કોઈ નિયમ છે, જેના પ્રમાણે ચર્ચિલ પંદર સવાલ પૂછી શકે અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાને એક સવાલ પૂછવાની પણ તક ન મળે? જો કે, ડેપ્યુટી સ્પીકરે એનો કંઈ જવાબ ન આપ્યો.

ઉમરાવસભામાં પૅથિક લૉરેન્સનું નિવેદન અને ચર્ચા

૨૫મીએ ભારત માટેના પ્રધાન પૅથિક લૉરેન્સે ઊપલા ગૃહમાં  નિવેદન કર્યું. તે પછી એના પર બે દિવસ ચર્ચા થઈ તેમાં સરકારના નિર્ણયની તરફેણમાં અને વિરોધમાં સભ્યોએ અભિપ્રાય વ્યક્ત કર્યા. લૉર્ડ હેલિફેક્સનું ભાષણ સૌએ બહુ ધ્યાનથી સાંભળ્યું. એમણે ભારતની અખંડિતતાની તરફેણ કરી (લૉર્ડ હેલિફેક્સ એટલે લૉર્ડ અર્વિન, જેણે  ભારતના વાઇસરૉય  તરીકે ગાંધી-અર્વિન કરાર કરીને, એક અર્ધનગ્ન ફકીરને સમાનતાનો દરજ્જો આપવા બદલ ચર્ચિલની ખફગી વહોરી લીધી હતી).

આમસભામાં ઠરાવ

પાંચમી માર્ચે સ્ટેફર્ડ ક્રિપ્સે સરકાર વતી અને કૅબિનેટ મિશનના બીજા બે સભ્યો,  એ. વી. ઍલેક્ઝાન્ડર અને આર્થર હેંડરસન વતી એક ઠરાવ રજૂ કર્યો. ક્રિપ્સે કહ્યું કે ભારતમાં બ્રિટન ધીમે ધીમે સત્તાઓ આપતું જ રહ્યું છે અને એને કારણે એમની માંગ પણ વધવા લાગી. એમણે એક ફ્રેન્ચ કહેવતનો ઉપયોગ કરીને કહ્યું કે ભૂખ તો ખાઈએ તેમ ઊઘડે છે. ક્રિપ્સે પોતાના મિશનની અને કૅબિનેટ મિશનની દરખાસ્તોનો પણ ખ્યાલ આપ્યો. તે પછી એણે કોમી સ્થિતિની પણ વાત કરી.

ક્રિપ્સે સ્પષ્ટ કર્યું કે દેશી રાજાઓ સાથે બ્રિટનની સર્વોપરિતાના કરાર થયેલા છે પણ આ અધિકાર ભારતમાં બનનારી કોઈ પણ સરકારને સોંપવાનો સરકારનો વિચાર નથી, બ્રિટન પોતાની સર્વોપરિતા છોડી દેશે.  બ્રિટન અને ભારતના સંબંધો કેવા રહેશે તે વિશે ક્રિપ્સે કહ્યું કે સંબંધ સારા રહેશે, એમ પંડિત નહેરુ અને બીજાઓએ કરેલાં રાજપુરુષોને છાજે તેવાં નિવેદનો પરથી સમજાય છે.

ક્રિપ્સના ભાષણ પર બોલવાની શરૂઆત કરતાં બંગાળના ભૂતપૂર્વ ગવર્નર જ઼્હોન એન્ડરસને કહ્યું કે ભારતને આઝાદી આપવાના અંતિમ ધ્યેય સાથે તો સૌ સંમત છે, પણ એના માટે તારીખ નક્કી કરી નાખવી એ ભૂલ છે. પહેલાં એમને સત્તા સોંપી એ ભૂલ હતી પણ હવે બ્રિટિશ સરકાર એના કરતાં પણ ગંભીર ભૂલ કરવા જાય છે.

ઍન્ડરસને લઘુમતીઓને બ્રિટન તરફથી અપાતાં વચનોનો ઉલ્લેખ કરી કહ્યું કે ભારતની લઘુમતીઓ પોતાની સંભાળ લઈ શકે તેમ છે. મુસલમાનો પૂરતા શક્તિશાળી છે અને એમને આવા રક્ષણની જરૂર નથી. ખ્રિસ્તીઓ, શીખો અને બીજી લઘુમતીઓ પણ જીવનના  મુખ્ય પ્રવાહમાં બરાબર જોડાઈ ગઈ છે. સવાલ માત્ર શિડ્યૂલ્ડ કાસ્ટનો છે. ભારતની હિન્દુ સમાજ વ્યવસ્થામાં એમનું સ્થાન નથી. અને મંદિર પ્રવેશ કે પશ્ચિમમાં ખરાબ મનાય તેવી પ્રથાઓની બાબતમાં બ્રિટિશ સરકાર એમને રક્ષણ આપવાની વાત કરે છે પણ એમને એમાં બહુ રસ નથી. શિડ્યૂલ્ડ કાસ્ટ શિક્ષણમાં, ધારાગૃહોમાં અને નોકરીઓમાં રક્ષણ માગે છે. પરંતુ વિચિત્ર વાત એ છે કે શિડ્યૂલ્ડ કાસ્ટ સહિત બધા કોઈ ને કોઈ રીતે જાતિપ્રથા ચાલુ રાખવા માગે છે. એમને એમાં રક્ષણ જોઈતું જ નથી. ઍન્ડરસને ઉમેર્યું કે સત્તા પરિવર્તન સરળતાથી થાય તે માટે ભારતમાં કામ કરીને નિવૃત્ત થયેલા અનુભવી અધિકારીઓને સત્તાની સોંપણીમાં મદદ કરવા માટે ભારત જવા અપીલ કરવી જોઈએ.

ચર્ચા બીજે દિવસે ચાલી તેની શરૂઆત ચર્ચિલે કરી. એણે સરકારની ભૂલો દેખાડી અને આક્ષેપ કર્યો કે સરકાર ભારતની સમસ્યા ઉકેલી શકી નથી એટલે સંયુક્ત રાષ્ટ્સંઘ પાસે જવું જોઈએ. એણે એ પણ કહ્યું કે બંધારણ સભા હવે શરૂ થઈ છે પણ એનો કોઈ આધાર નથી. જવાહરલાલ નહેરુ જેવા સવર્ણ હિન્દુઓના નેતાના હાથમાં વચગાળાની સરકાર સોંપી દેવી એ બહુ મોટી ભૂલ હતી.

સંરક્ષણ પ્રધાન ને કેબિનેટ મિશનના સભ્ય એ. વી. ઍલેક્ઝાન્ડરે ચર્ચિલની દરેક વાતને કાપી. એમણે કહ્યું કે બંધારણ સભા ૧૯૩૫ના કાયદા પ્રમાણે બની છે અને આ કાયદો રૂઢીચુસ્ત પક્ષે બનાવ્યો છે. એમણે નહેરુ વિશે ચર્ચિલ કરેલાં વિધાનોને પણ ગેરવાજબી ગણાવ્યાં.

અંતે મતદાન થયું ત્યારે ભારતને જૂન ૧૯૪૮ સુધી સ્વતંત્ર બનાવી દેવાની સરકારની દરખાસ્તના ટેકામાં ૩૩૭ અને વિરોધમાં ૧૩૫ મત પડ્યા. અને તે સાથે ભારત પોતાનું ભાવિ નક્કી કરવાની દિશામાં એક ડગલું આગળ વધ્યું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. I Jan-June 1947


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.