સવાલોની કિતાબ – THE BOOK OF QUESTIONS

પુસ્તક પરિચય

ભગવાન થાવરાણી

તાજેતરમાં એક મિત્રએ ફેસબુક ઉપર પ્રશ્ન મૂક્યો, ‘ જો તમારે એક વર્ષ સળંગ એકાંતવાસમાં રહેવાનું હોય અને સાથે માત્ર એક પુસ્તક લઈ જવાનું હોય તો કયું પુસ્તક લઈ જાઓ? ‘

એ પ્રશ્નના જવાબમાં જે સેંકડો જવાબો અને સાથે અનેક જાણ્યા-અજાણ્યા પુસ્તકોના નામો આવ્યા એ તો રસપ્રદ હતા જ પરંતુ એ વાત બાજુએ મૂકીને આજે એક એવા પુસ્તકની વાત કરવી છે જે માત્ર નાવીન્યપૂર્ણ જ નહીં, ચોંકાવનારું પણ છે. એ પુસ્તક મેં એક મિત્ર પાસેથી ઊછીનું વાંચવા લીધેલું અને એ વાંચી લીધા પછી સતત આશા સેવતો રહ્યો કે મિત્ર એ પુસ્તક મને આપ્યાનું ભૂલી જાય તો સારું ! એમણે ખરેખર એ પુસ્તકની ઉઘરાણી ક્યારેય ન કરી, ભલમનસાઈથી કે ભૂલકણાપણાને કારણે એ ખબર નથી. હવે તો એ મિત્ર પણ ગયા. પુસ્તક મારી પાસે હયાત છે ! 
 
પુસ્તકનું નામ છે  ‘ THE BOOK OF QUESTIONS ‘ યાને  ‘ સવાલોની કિતાબ ‘ અને એના લેખક છે GREGORY STOCK. મૂળ પુસ્તક ૧૯૮૭ માં પ્રકાશિત થયેલું અને એ પછી એની સંશોધિત, સંવર્ધિત અને અર્વાચીન સમયોચિત આવૃત્તિ પણ પ્રસિદ્ધ થઈ છે અને ધૂમ ચાલી છે.
 
શરુઆતમાં મૂકેલા સવાલના સંદર્ભે જોઈએ તો માંડ સવાસો પાનાનું આ પુસ્તક કોઈ વાચન-સામગ્રી તો કહેવાય જ નહીં. પરંપરાગત અર્થોમાં એ એવી ચીજ છે પણ નહીં. માત્ર વાંચવાનું જ હોય તો થોડીક કલાક લાગે અને એમાંના સવાલો ઉપર મનન કરો તો બસ, કરતા જ રહો !
પુસ્તકમાં લગભગ ૩૦૦ પ્રશ્નો છે. પ્રસ્તાવનામાં જ લેખક ચોખવટ કરે છે કે અહીં આપેલા સવાલોના કોઈ સાચા કે ખોટા જવાબ છે નહીં, છે તો કેવળ ઈમાનદાર અને બેઈમાન જવાબો !  અને હા, એ સવાલોના નિતાંત અને નઘરોળ પ્રામાણિક જવાબો તમારે માત્ર અને માત્ર તમારી જાતને આપવાના છે, માત્ર સ્વયંને, કોઈ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર !  ( સિવાય કે તમારી જિંદગીમાં એવું કોઈક હોય જેની આગળ તમે મનથી નિર્વસ્ત્ર થઈ શકો ! )
સામાન્યત: બને છે એવું કે અનેક સવાલોના આપણે ઈમાનદાર નહીં પરંતુ આદર્શ – લોકો અને પરિજનો આગળ સારા લાગીએ એવા – ઠાવકા જવાબો આપવા ટેવાયેલા છીએ. ભલેને જાત આગળ, પણ ક્રૂરતાપુર્વકની ઈમાનદારી બહુ અઘરી છે. સ્વયંને પણ ખુલ્લા દિલે ક્યાં મળાય છે ? આ કારણે, આ સવાલો જાહેર ચર્ચાની તો ચીજ જ નથી. અનેક સવાલો એવા છે જેને બરાબર મમળાવી, ચકાસી, ફેરવી-તોળી, વલોવી, આપણા અંગત પરિબળો મૂલવી અને છેલ્લે હૃદય ઉપર હાથ મૂકી, હૃદયને જ અંતિમ ઉત્તર આપવો પડે !
પણ એક વાત ચોક્કસ. આ બધા સવાલોના જવાબો માંહ્યલાને આપ્યા પછી આપણી પોતાની જ જે છબી આપણી આગળ ઊપસશે એ આપણે ધારી રાખી હતી એ કરતાં કંઈક ભિન્ન હશે. શરત માત્ર અગાઉ કહ્યું એટલી જ – જાત સાથે તો ઈમાનદાર રહેવાય ! 
 
પુસ્તકમાંના થોડાક સવાલો જોઈએ , પણ ઊભા રહો. કોઈ પણ સવાલ ઉપરથી દેખાય છે એવો સહેલો નથી. ઉતાવળ નહીં. સવાલ એકાધિક વાર વાંચો, સમજો, પચાવો, જાતને ટટોલો, ફંફોસો, જગત-રીતિમાં ન સરો, આદર્શવાદને કોરાણે મૂકો. કોઈથી બીવાનું નથી, કોઈની શરમ નથી. અહીં માત્ર તમે છો અને તમારો અંતરાત્મા!  એની આગળ નિર્વસ્ત્ર થવામાં શરમ શી ?
 
– તમને રસ્તા પરથી એક પાકીટ મળે છે. તમને પાકીટ ઉપાડતાં કોઈએ જોયા નથી. પાકીટમાં એના કરોડપતિ માલિકનો ફોટો, સરનામું, સંપર્ક નંબર અને એક લાખ રુપિયા રોકડા છે. તમે શું કરશો ?
પેટા સવાલ : ધારો કે પાકીટમાં એ ધનપતિની જગ્યાએ કોઈ ગરીબ વિધવાની વિગતો હોય, તો તમે શું કરો ?
બન્ને જવાબ જો અલગ હોય તો કેમ ?
– તમે એક હોટલમાં સપરિવાર જમવા ગયા છો. ભોજન પીરસતી વખતે વેઈટરની સ્હેજ બેદરકારીને કારણે જરીક શાક તમારા કપડા પર ઢોળાય છે. તમને ઓફર છે કે રુપિયા પચ્ચીસ હજારના બદલામાં તમારે એ વેઈટરને જાહેરમાં બૂમો પાડી, તતડાવી નાંખવાનો છે. તમે એ કરશો ?
પેટા સવાલ : એવી પૂર્વ-સમજૂતી છે કે પછીથી એ પૈસા તમારે વેઈટર સાથે અડધા-અડધા વહેંચી લેવાના છે. હવે કરશો ?
– હવે પછીની જિંદગી તમારે એક નિર્જન ટાપૂ ઉપર વિતાવવાની છે. એ ટાપૂ ઉપર આખી જિંદગી ચાલે એટલી જીવન જરુરિયાત અને એશો-આરામની વસ્તુઓ છે, પણ માણસો નથી. તમારે સાથે કેવળ એક વ્યક્તિને લઈ જવાની છે. કોને લઈ જશો ?
 
તમને એક બંધ કવર આપવામાં આવે છે. એમાં વિધાતાએ તમારા મૃત્યુની ચોક્કસ તારીખ અને સમય લખ્યા છે. ગમે ત્યારે તમને એ કવર ખોલવાની છૂટ છે. ખોલશો ? ક્યારે ? ( એ કવર ખોલવા અને ન ખોલવાના બધા સંભવિત પરિણામો વિષે વિચારીને જવાબ આપજો. )
– જો તમારે આજે જ મરી જવાનું હોય અને હવે તમારી પાસે કોઈની સાથે વાત કરવાનો સમય જ ન હોય તો તમને કઈ વાત ન કરી શક્યાનો અફસોસ રહી જશે ? એ વાત હજૂ કેમ નથી કરી ?
– તો તમારે એક આખું વર્ષ પરમ અને અવર્ણનીય સુખમાં રહેવાનું હોય પણ એ પછી એ એક વર્ષની સ્મૃતિ પૂર્ણત: ભૂંસાઈ જવાની હોય તો તમે એ પસંદ કરશો ? જો ના, તો શા માટે ?
– જો સંધિવાની કોઈક એવી દવા શોધાય જે દર્દીને પૂરેપૂરા સાજા કરી દે પરંતુ એ દવા લેનારામાંથી એક ટકો લોકો મૃત્યુ પામે એ નક્કી હોય તો એ દવા બજારમાં મૂકાય એને તમે મંજૂરી આપશો ?
– વિશ્વ ચેમ્પીયન ટીમના સદસ્ય હોવું અથવા કોઈ રમતમાં વ્યક્તિગત ચેમ્પીયન હોવું, એ બેમાંથી પસંદ કરવાનું હોય તો તમે શું પસંદ કરો ?
– તમને એવી શક્તિ આપવામાં આવે છે કે મનોમન કોઈ જીવિત વ્યક્તિનું નામ લઈ પછી  ‘ આવજો ‘ બોલો તો એ વ્યક્તિ તત્કાળ અને કુદરતી મૃત્યુ પામે. એ મોત પાછળ તમે છો એ કોઈને ક્યારેય ખબર ન પડે. તમે એવું કોઈના માટે – કોના માટે – કોના / કોના માટે કરો ?
– તમને અગર એક મોકો એવો આપવામાં આવે જ્યાં તમે તમારા જીવનના વીતી ચુકેલા એક પડાવ પર પરત જઈ શકો અને તમે લીધેલો કોઈ એક નિર્ણય ફેરવી શકો – એ શરતે કે તમારા જીવનમાં એ પછીથી બનેલું બધું જ તમારે જતું કરવું પડે – તો તમે કયા વર્ષમાં પરત જવાનું પસંદ કરો ? જો એવું કરો તો એ પછીના જીવનની સ્મૃતિઓ જળવાઈ રહે એવું ઈચ્છશો કે નહીં ? ( અલબત, એ જીવન તો ગયું જ )
– તમે ૧૦૦ લોકોની ટુકડીના નેતા છો. બધાના જીવ જોખમમાં છે. તમારી પાસે બે વિકલ્પો છે. પહેલા વિકલ્પનો ઉપયોગ કરવાથી ૯૦ લોકોના જીવ બચી જશે અને દસ માર્યા જશે. બીજા વિકલ્પનો ઉપયોગ કરવાથી ૫૦ ટકા શક્યતા એવી છે બધા જ બચી જાય પણ એ વિકલ્પ નિષ્ફળ જાય તો બધા મૃત્યુ પામે . કયો રસ્તો પસંદ કરશો ?
– ટેલિફોન કરતાં પહેલાં તમે શું કહેવાના છો એનું રિહર્સલ કરો છો ?
– તમને આંધળા અથવા બહેરા બનવામાંથી એક પસંદ કરવાનું હોય તો શું કરો ?
– ટીવી પર કોઈને જાહેરમાં મારી નાંખવાનું જીવંત પ્રસારણ થવાનું હોય તો તમે જોવું પસંદ કરો ?
– મૃત્યુદંડમાં માનો છો ?
સરકાર દ્વારા કોઈકને ફાંસી આપવા માટે તમને પસંદ કરવામાં આવે અને તમે એ માટે ના પાડો એ કિસ્સામાં એ શખ્સને છોડી મૂકવાનો હોય તો તમે શું પસંદ કરો ?  ( એ શખ્સના અપરાધની કોઈ વિગતો તમને ખબર નથી. )
– મિત્રને ત્યાં જમણવારમાં ગયા છો. તમારી થાળીમાં મરેલો વંદો મળે છે. તમારા સિવાય કોઈએ એ જોયું નથી. શું કરશો ?
– કોઈ તરંગી ધનકુબેર માનવતાના કોઈક કાર્ય માટે એક મોટી રકમ આપવાનું નક્કી કરે છે. શરત એટલી કે એ માટે તમારે સંપૂર્ણત: નગ્ન બની, તમારી કારમાંથી ઉતરી, રસ્તાના સામે છેડે જઈ, પાછા દોડતા આવી કારમાં બેસી જવાનું છે. તમને કોઈ સજા નહીં થાય. કરશો તમે ?
– તમારા જીવનનું બલિદાન આપવાથી માનવજાતનું એટલું ભલું થાય છે કે આખા વિશ્વમાં તમારું જોર-શોરપુર્વક મરણોત્તર સન્માન થાય. તમે એ બલિદાન આપશો ?
પેટા – સવાલ : ધારો કે એવું કરવાથી વિશ્વભરમાં સન્માન કોઈ એવી વ્યક્તિનું થવાનું હોય જેના તરફ તમને તિરસ્કાર છે અને સાચા અધિકારી એટલે કે તમારું નામ ક્યાંય ન આવે, તો ?
 
તમારી અંતિમવિધિ વિષે કેવી કલ્પના છે તમારી ? તમારા મૃત્યુ ઉપર બહુ બધા લોકો રડે એવી ખ્વાહેશ ખરી ?
સમગ્ર પુસ્તક ( અસલ આવૃત્તિ )ના આશરે ત્રણ સો સવાલોમાંથી ભારતીય પરિપ્રેક્ષ્ય અને રુચિને સુસંગત એવા થોડાક સવાલો અહીં પસંદ કર્યા છે.
ઉપરોક્ત અને અહીં ન ઉલ્લેખેલા સવાલો છેક અંગત છે. એ આપણને આપણી ઊંડી જાતતપાસની તક આપે છે. એમાના અનેક સવાલો આપણને અકળાવે છે, ગભરાવે છે, વિચલિત અને વિહ્વળ કરે છે. એ એક જાતની ઉઘરાણી છે. જવાબ તો આપવો જ પડે. ઉડાઉ નહીં, હૃદય કહે તે ! તમે જ પ્રશ્નકર્તા, તમે જ ઉત્તરદાતા ! હા, પુનશ્ચ પુનરાવર્તન કે જવાબો, બુદ્ધિનું આવરણ હટાવીને આપવાના છે !
કહે છે, હા અને ના બન્ને સરળ શબ્દો છે પણ એ દુનિયાના સૌથી અઘરા ઉત્તરો છે. સરળ પ્રશ્નનો ઉત્તર સૌથી કઠિન હોય. જેમ કે  ‘ તમે કોણ ? ‘
 
દુનિયાના અંતિમ સત્યો પણ કેવળ બે છે. હા અને ના. બાકી સબ હેરાફેરી !
પુસ્તક અહીં મળે છે :
પુસ્તકની  PDF અહીં ઉપલબ્ધ છે :

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

8 thoughts on “સવાલોની કિતાબ – THE BOOK OF QUESTIONS

  1. વાહ જબરજસ્ત. એક એક સવાલ વિચાર કરતાં કરી મુકે અકળાવી મૂકે તેવાં. એક નવી જ વાત. બુક વાંચવા મજબુર કરી દે. આટલી સુંદર પુસ્તક નો પરિચય આપવા ખુબ આભાર સર. 👌🙏👌

    1. કેટલાક સવાલો એવા હોય છે જેના જવાબ જાતને જ આપી શકાય !

      આભાર પ્રીતિબહેન !

  2. Some things very new
    આપડી જાત પર જીવન શૈલી બદલી નાખે એવી સરસ પ્રશ્નનાવલી

  3. સવાલો તો ભારે જબરા છે. ને આવા વિચારો આવવા અઘરા છે.😀

Leave a Reply

Your email address will not be published.