વ્યંગ્ય કવન (૬૬): અત્તર રહી જાય નહીં ફૂલમાં !!!

વ્યંગ્ય કવન: અત્તર રહી જાય નહીં ફૂલમાં !!!

– કૃષ્ણ દવે

અત્તર રહી જાય નહીં ફૂલમાં !!!

બીજું શું કરવાનું સ્કૂલમાં ?

આખ્ખાયે ધંધામાં રાખવાનું ધ્યાન,

ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં.

બીજું શું કરવાનું સ્કૂલમાં ?

ભણવાનાં કારખાનાં ધમધમતાં રાખવાની

આપું બે ચાર તને ટીપ ?

માછલીની પાસેથી ઉઘરાવ્યે રાખવાની મોતી ભરેલ કંઈક છીપ.

માસુમિયત જોઈ જોઈ લાગણીનું સપનું પણ જો જે આવે ક્યાંક ભૂલમાં ?

બીજું શું કરવાનું સ્કૂલમાં ?

સીધેસીધું તો કદી મળવાનું નહીં થોડું બેસાડી રાખવાનું બ્હાર

થનગનતી ચ્છાને લાગવું

તો જોઈએ ને કેટલો છે મોટ્ટો વેપાર !

ઊંચે આકાશ કૈંક દેખાડી ડાળ

પાછુ પંખીને કહેવાનું ઝૂલ મા.

બીજું શું કરવાનું સ્કૂલમાં ?

ધારદાર ફતવાઓ પાડવાના બ્હાર અને ભાષણ પણ કરવાનું લિસ્સું,

અર્જુનને પંખીની આંખ દેખાય એમ તારે પણ વાલીનું ખિસ્સું.

શિક્ષણ નહીં, ફાઈવસ્ટાર બિલ્ડિંગ જરૂરી છે સૌથી પ્હેલા તો સંકુલમાં.

બીજું શું કરવાનું સ્કૂલમાં ?

———————————————————————————

વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

 

Author: Web Gurjari

1 thought on “વ્યંગ્ય કવન (૬૬): અત્તર રહી જાય નહીં ફૂલમાં !!!

Leave a Reply

Your email address will not be published.