ભગવાન થાવરાણી
અઢારમી સદીના ઉર્દૂ શાયરોથી શરુ થયેલો આ સિલસિલો આવીને અટકે છે વીસમી સદીના પ્રારંભિક વર્ષો પર, વધુ એક મહત્વપૂર્ણ શાયર સાથે. નામ હરિચંદ ‘ અખ્તર ‘ બીજા અનેકની જેમ હરિચંદ ‘ અખ્તર ‘ પણ વિભાજનનો ભોગ બનીને આવી વસ્યા લાહોરથી દિલ્હી અને પોતાની આપવીતી વિષે લખ્યું :
ખુદા તો ખૈર મુસલમાં થા, ઉસસે શિકવા ક્યા
મેરે લિયે મેરે પરમાત્મા ને કુછ ન કિયા..
અને શાયર હોવાના નાતે ફરિયાદ તો એ અલ્લાહને પણ કરશે, એ મુસલમાન છે એવો મીઠો છણકો કર્યા પછી તુરંત પોતાની નૈસર્ગિકતા ઉપર આવીને :
સૈર-એ-દુનિયા સે ગરઝ થી, મહ્વ-એ-દુનિયા કર દિયા
મૈને ક્યા ચાહા, મેરે અલ્લાહને ક્યા કર દિયા ..
(ઈચ્છા હતી દુનિયા ફરવાની અને અલ્લાહે દુનિયામાં ડૂબાડી દીધો ! )
અને આ જમાનાના દોસ્તો પાસે શું આશા રાખવી જોઈએ એ વિષે આ તીખો વ્યંગ :
હમે ભી આ પડા હૈ દોસ્તોં સે કામ કુછ – યાની
હમારે દોસ્તોં કે બેવફા હોને કા વક્ત આયા ..
પરંતુ મારે આપને દોરી લાવવા હતા આ શેર સુધી :
ઈંકાર-એ-સજદા હૈ યહાં કિસ રૂ-સિયાહ કો
શાયાન-એ-સજદા ભી તો મગર કોઈ દર મિલે
નમવું મંજૂર છે. આ બદનામ નાચીઝ ક્યાંય ઝુકે નહીં એવો ઘમંડી હરગીઝ નથી પણ કોઈ ઝુકવાને પાત્ર તો મળે ! આપણને નમાવવાની જેનામાં લાયકાત હોય એવું કોઈ મળે તો હજાર વાર નમીએ. કરુણતા એ કે જેને પણ મળીએ છીએ એ આપણા કરતાંય વામણા અને તુચ્છ મળે છે ! બેહતર છે, અણનમ રહીએ ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.