ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૬ – મુસ્લિમ લીગનું નવું બહાનું, હિન્દુ મહાસભાનો ટેકો અને પંજાબમાં હિંસા

દીપક ધોળકિયા

કૅબિનેટ મિશનની યોજનામાં ગ્રુપિંગની વ્યવસ્થા હતી તેનો કોંગ્રેસ વિરોધ કરતી હતી અને બંધારણ સભામાં એની બહુમતી હતી એટલે મુલિમ લીગના સભ્યો ચુંટાયા હોવા છતાં ગૃહમાં હાજર નહોતા રહેતા. કોંગ્રેસ લીગને ગૃહમાં લઈ આવવા માગતી હતી કે જેથી એમને વાતચીતની ફરજ પડે અને કૅબિનેટ મિશનની યોજનામાં ફેરફાર કરી શકાય. ગાંધીજીએ તો એ જ વખતે સલાહ આપી હતી કે કૅબિનેટ મિશને માત્ર સૂચન કર્યું છે પરંતુ કોંગ્રેસ અને લીગ એનાથી જુદો કોઈ ઉકેલ શોધી શકે તો બ્રિટન કેબિનેટ મિશનની યોજના પરાણે લાદી શકે એમ નથી. જિન્ના ઇચ્છતા હતા કે કોઈ પણ નિર્ણય થાય તે પહેલાં કોંગ્રેસ અને બ્રિટને પાકિસ્તાનની માગણી સ્વીકારવી જોઈએ.

પરંતુ કોંગ્રેસે ગ્રુપિંગનો સ્વીકાર કરી લીધો ત્યારે લીગ વિમાસણમાં પડી ગઈ. આવી કોઈ પણ સ્થિતિમાં જિન્નાનો વ્યૂહ એ જ રહ્યો કે  કોંગ્રેસ જે કરે તેનો પહેલાં તો અસ્વીકાર કરવો અને એના માટે કોંગ્રેસને અન એવાઐસરૉયને જવાબદાર ઠરાવવા. બીજી એમની રીત એ હતી કે જ્યારે પણ કોઈ નવી વાત આવે અને એવું લાગે કે જિન્ના હા પાડશે ત્યારે એ જવાબ ટાળી જતા અને કહી દેતા કે લીગની કારોબારી એનો નિર્ણય કરશે. આથી કોંગ્રેસે ગ્રુપિંગ સ્વીકારીને ખરેખર તો પાકિસ્તાનનો સ્વીકાર કરી લીધો તે પછી એમની પાસે કંઈ રસ્તો રહ્યો નહોતો.

હવે જિન્નાએ કૅબિનેટ મિશનની યોજનાને જ નકારી કાઢી. ૩૧મી જાન્યુઆરીએ કરાંચીમાં લીગની વર્કિંગ કમિટીની બેઠક મળી તેમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો તે ટૂંકમાં આ પ્રમાણે હતો :

બ્રિટિશ સરકારનું ૬ઠ્ઠી ડિસેમ્બરનું નિવેદન દેખાડે છે કે ગ્રુપિંગ વિશે મુસ્લિમ લીગે કરેલું અર્થઘટન જ સાચું હતું. દરેક ગ્રુપ પોતાનું બંધારણ બનાવે અને દરેકનું જુદું જુદું કેન્દ્ર  હોય.  એ જ નિવેદનમાં કહ્યું  કે કેબિનેટ મિશનના ૧૬મી મેના નિવેદન કરતાં જુદો વિચાર કોંગ્રેસે રજૂ કર્યો હતો, એનો અર્થ એ કે એણે કૅબિનેટ મિશનની ગ્રુપિંગની યોજના સ્વીકારી નહોતી.  વળી, એ જ નિવેદનમાં બ્રિટિશ સરકારે એવો પણ મત વ્યક્ત કર્યો છે કે  બંધારણ સભાની કાર્યવાહીની પ્રક્રિયા વિશે પણ બધા પક્ષો સંમત ન થાય તો બંધારણ સભાની સફળતાની કોઈ શક્યતા નથી.

હવે સમાધાન શોધવું હોય તો કોંગ્રેસે ફરી વિચાર કરીને કૅબિનેટ મિશનની યોજનાનો સંપૂર્ણ સ્વીકાર કરવાનો છે. અને નવમી ડિસેમ્બરથી શરૂ થયેલી બંધારણ સભા મોકૂફ રાખવાની છે.

કોંગ્રેસે ૬ઠ્ઠી જાન્યુઆરીએ ઠરાવ કરીને કહ્યું છે કે એ કૅબિનેટ મિશને સૂચવેળી ગ્રુપિંગની વ્યવસ્થાનો સ્વીકાર કરે છે પરંતુ તે સાથી એ પણ ઉમેરે શ્હે કે આસામ અને પંજાબના શીખોના અધિકારોને જફા ન પહોમ્ચવી જોઈએ. આનો અર્થ એ થાય છે કે એ હજી પણ ગ્રુપિંગનો વિના શરતે સ્વીકાર નથી કરતી.

બંધારણ સભામાં કોંગ્રેસે કેટલાક મહત્ત્વના નિર્ણય પણ લઈ લીધા છે; જેમ કે, ભારતને કોંગ્રેસે ‘પ્રજાસત્તાક’ રાજ્ય જાહેર કરી દીધું છે અને નવા બંધારણના પાયાના સિદ્ધામ્તો પણ મંજૂર કરી દીધા છે.

એક પક્ષ સામેલ ન હોય ત્યારે બંધારણ સભા આવા મહત્ત્વના નિર્ણયો લે તેને મુસ્લિમ લીગ ગેરકાનૂની ઠરાવે છે અને બંધારણ સભાનો ભંગ કરવાની માગણી કરે છે.

 બેઠકના બીજા દિવસે, ૧ ફેબ્રુઆરીએ લીગે  ઠરાવ પસાર કરીને પંજાબમાં મુસ્લિમ લીગના કાર્યકરો પર જુલમ થતો હોવાનો આક્ષેપ કર્યો. મુસ્લિમ લીગ નૅશનલ ગાર્ડ્સ દળના અસંખ્ય કાર્યકરોની ધરપકડ કરી લેવાઈ  તેની સામે પંજાબમા પ્રદેશની મુસ્લિમ લીગે નાગરિક વિરોધનો કાર્યક્ર્મ જાહેર કર્યો હતો. (આર. એસ. એસ અને નૅશનલ ગાર્ડસને પંજાબના ગવર્નરે ગેરકાનૂની જાહેર કર્યાં હતાં, પણ ૨૮મી જાન્યુઆરીએ બન્ને સંગઠનો પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવાયો હતો). મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીએ એની આકરી ટીકા કરી. બીજા એક ઠરાવમાં મુસ્લિમ લીગે આક્ષેપ કર્યો કે કોંગ્રેસની સરકારો હોય તેવા પ્રાંતોમાં મુસલમાનોના જાનમાલની સલામતી નથી. આમ જિન્નાએ બંધારણ સભામાં ન જોડાવાનું નવું કારણ શોધી લીધું.

હિંદુ મહાસભાનો બંધારણ સભાને ટેકો

મુસ્લિમ લીગની કરાંચી બેઠક પછી એક અઠવાડિયે હિન્દુ મહાસભાની વર્કિંગ કમિટીની બેઠક મળી. એણે ઠરાવ કરીને મુસ્લિમ લીગના છેલ્લામાં છેલ્લા નિર્ણયની ટીકા કરી અને કહ્યું કે હવે એણે મંત્રણાઓનો માર્ગ છોડીને ડાયરેક્ટ ઍક્શનનો માર્ગ લીધો છે. બંધારણ સભાને નિયમો બનાવવાનો અને અખંડ હિન્દુસ્થાનનું બંધારણ બનાવવાનો પૂરેપૂરો હક છે.પરંતુ મુસ્લિમ લીગ બંધારણ સભાને જ તોડી પાડવા માગે છે.

એણે રજવાડાંઓને પણ બંધારણ સભામાં જોડાવાની અપીલ કરી. હિન્દુ મહાસભા દેશી રાજ્યોમાં વિસ્તરવા માગતી હતી, કારણ કે ત્યાં કોંગ્રેસ કામ નહોતી કરતી. બીજી વાત એ હતી કે કોંગ્રેસ રજવાડાંઓનાં પ્રજાકીય સંગઠનોને ટેકો આપતી હતી, એના સક્રિય સહકારથી સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સની રચના પણ થઈ હતી. એમની માગણી બ્રિટિશ ઇંડિયામાં વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિઓ ફાળવાયા હતા તેવી જ વ્યવસ્થા રાજ્યોમાં કરવાની માગણી હતી. પરંતુ બ્રિટનનું આધિપત્ય રાજાઓ પર હતું અને બ્રિટને ત્રીજું ગૃહ સૂચવ્યું હતું  તે રાજાઓ માટે હતું. પરંતુ રાજ્યો બધાં એક જ કદનાં નહોતાં એટલે એમાં પણ સર્વસંમતિ થઈ શકતી નહોતી.

હિન્દુ મહાસભાની વર્કિંગ કમિટીએ ઠરાવ દ્વારા રાજાઓને બંધારણ સભામાં આવવા અપીલ કરી. અને સ્થાઅનિક પ્રજાને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવા જનાવ્યું. ઠરાવમાં કહ્યું કે અખંડ હિન્દુસ્થાન દુનિયાના દેશોમાં અને ખાસ કરીને એશિયાઈ દેશોમાં અસરકારક ભાગ ભજવી શકે તે માટે બ્રિટિશ ઇંડિયાના પ્રાંતો અને રાજ્યો એક થઈને કામ કરે તે જરૂરી છે. બ્રિટિશ યોજના પ્રમાણે સંઘ સરકારની સત્તાઓ નક્કી થઈ ગયા પછી પ્રાંતોને બાકીની સત્તાઓ આપવાની રહેશે. એમાંથી વિભાજનવાદી વલણો ઊભાં થશે અને કેન્દ્રની સત્તા નબળી પડશે.

હિન્દુ મહાસભાએ કહ્યું કે હવે કોંગ્રેસ અને બીજા પક્ષોએ બંધારણ બનાવવાનું કામ શરૂ કર્યું છે તે, મુસ્લિમ લીગ જોડાય કે નહીં, પણ પૂરું કરવું જોઈએ.  ઠરાવમાં બંધારણના માળખાના સિદ્ધાંતો પણ દર્શાવ્યા – (૧) ભારતની એકતા અને અખંડિતતા (૨) મજબૂત સંઘ સરકાર (૩) સંઘ અને  ફેડરેશનમાં જોડાનારા ઘટકો માટે  બંધારણ બનાવવા માટે એક જ બંધારણ સભા (૪) પુખ્ત મતાધિકાર અને (૫) સંયુક્ત મતદાર મંડળ.

હિન્દુ મહાસભાના અખંડ હિન્દુસ્થાનના ઠરાવના સંદર્ભમામ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી શી રીતે અલગ પડતા હતા તે આપણે જોઈશું, પરંતુ તે પહેલાં પંજાબની સ્થિતિ જોઈએ. મુસ્લિમ લીગ વિશે ચર્ચા કરતી વખતે આપણે એનો આછેરો ઉલ્લેખ પણ કર્યો છે.

પંજાબ અને ફ્રંટિયર પ્રાંતમાં લીગના આંદોલન દરમિયાન હિંસા

મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીની બેઠક ૩૧મી જાન્યુઆરીએ કરાંચીમાં મળી તેના એક અઠવાડિયા પહેલાં જ દેશમાં મુસ્લિમ લીગનું આંદોલન શરૂ થઈ ગયું હતું. આપણે જોઈ ગયા તેમ પંજાબમાં મુસ્લિમ લીગના નેશનલ ગાર્ડ્સ દળને ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યું તેના વિરોધમાં મુસ્લિમ લીગની પંજાબ શાખાએ આંદોલન શરૂ કર્યું હતું.  નેશનલ ગાર્ડ્સના સ્થાનો પ્ર પોલીસ છાપા મારતી હતી તેમાં આડે આવવા બદલ લીગના નેતાઓ ખાન ઇફ્તિખાર હુસેન મામદોત, મિંયાં ઇફ્તિખારુદ્દીન, મિંયાં મુમતાઝ દૌલતાના,  બેગમ શાહ નવાઝ, સરદાર શૌકત હયાત ખાન, ફિરોઝ ખાન નૂન અને સૈયદ અમીર હુસેન શાહની ધરપકડ કરી લેવાઈ.  લાહોર શહેરમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં મુસલમાનોએ દુકાનો બંધ કરી દીધી અને રસ્તાઓ પર નીકળી આવ્યા અને તોફાનો શરૂ થઈ ગયાં. સિવિલ લાઇન્સ પોલિસ સ્ટેશનમાં લીગના નેતાઓને રાખવામાં આવ્યા હતા, ત્યાં સાંજે મુસલમાનોએ દેખાવો કર્યા, એમને વીખેરવા માટે પોલિસે લાઠી ચાર્જ કર્યો, એમાં કેટલાય ઘાયલ થયા. બીજા દિવસે ૨૫મી જાન્યુઆરીએ બ્રિટિશ સેનાની મદદ લેવી પડી.  ૧૭ ધારાસભ્યો સહિત અસંખ્ય લોકોની ધરપકડ થઈ.

માત્ર પંજાબમાં નહીં પરંતુ સિમલા, મુંબઈ,  મદ્રાસ,  સિલહટ,  ઝાંસી,  ઔરંગાબાદ, દિલ્હી એમ ઘણાં શહેરોમાં પણ તોફાનો થયાં. રંગૂન (યંગોન)માં પણ મુસલમાનોએ હડતાળ પાડી.  એક માત્ર લુધિયાણામાં સરઘસ નીકળ્યું તેમાં લોકો ખિઝર સરકારની વિરુદ્ધ અને હિન્દુ-મુસ્લિમ એકતાનાં સૂત્રો પોકારતા હતા.

શ્યામા પ્રસાદ મુખરજીનો મત

હિન્દુ મહાસભાના બંગાળના નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી બંગાળના ભાગલાની તરફેણ કરતા હતા. શરત ચંદ્ર બોઝ અને સુહરાવર્દીએ સંગઠિત બંગાળના હિમાયતી હતા. એમનો વિચાર હતો કે બંગાળ સ્વતંત્ર દેશ બની શકે તેમ છે. શરત બાબુએ કોંગ્રેસે બ્રિટન સરકારની યોજના મુજબ ગ્રુપિંગ સ્વીકારી લિધું તેના વિરોધમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજી બાજુ, સુહરાવર્દી મુસ્લિમ લીગમાં હોવા છતાં એ સંપૂર્ણ રીતે લીગના નેતાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા નહોતો માગતો.  બીજી બાજુ ડૉ. મુખરજી માનતા હતા કે બંગાળ સ્વતંત્ર થઈ જશે તો મુસલમાનોની બહુમતી હોવાથી એમનું વર્ચસ્વ વધી જશે. એના કરતાં પૂર્વ અને પશ્ચિમ બંગાળ, એવા ભાગલા પડી જાય તે સારું છે કારણ કે કોમી સમસ્યાનો બીજો કોઈ ઉકેલ નથી.  એમનો દૃષ્ટિકોણ હિન્દુ મહાસભાના અખંડ હિન્દુસ્થાનના સિદ્ધાંતથી જુદો પડતો હતો.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. I, Jan-Dec 1947


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.