कीर्तन:- माई आजु तौ बधाइ बाजै मंदिर महर के

સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ

પૂર્વી મોદી મલકાણ

कीर्तन:- माई आजु तौ बधाइ बाजै मंदिर महर के

राग:- कल्याणी

(माई) आजु तौ बधाइ बाजै मंदिर महर के ।
फूले फिरैं गोपी-ग्वाल ठहर ठहर के ॥

फूली फिरैं धेनु धामफूली गोपी अँग अँग ।
फूले फरे तरबर आनँद लहर के ॥

फूले बंदीजन द्वारेफूले फूले बंदवारे ।
फूले जहाँ जोइ सोइ गोकुल सहर के ॥

फूलैं फिरैं जादौकुल आनँद समूल मूल ।
अंकुरित पुन्य फूले पाछिले पहर के ॥

उमँगे जमुन-जलप्रफुलित कुंज-पुंज ।
गरजत कारे भारे जूथ जलधर के ॥

नृत्यत मदन फूलेफूलीरति अँग अँग ।
मन के मनोज फूले हलधर वर के ॥

फूले द्विज-संत-बेदमिटि गयौ कंस-खेद ।
गावत बधाइ सूर भीतर बहर के ॥

फूली है जसोदा रानीसुत जायौ सार्ङ्गपानी ।
भूपति उदार फूले भाग फरे घर के ॥

કીર્તનકાર:- સુશ્રી નિતાબેન શાહ ( મેરિલેંડ )

વિશ્લેષણ:- 

સખી, આજે તો વ્રજરાજનાં ભવનમાં વધાઈ વાગી રહી છે. ગોપ ઉત્સાહથી પ્રફુલ્લિત થતાં થતાં આનંદક્રીડા કરી રહ્યાં છે. ગાયો ગોષ્ઠોમાં આનંદપૂર્વક ઘૂમી રહી છે. ગોપીઓનું અંગે અંગ પુલકિત થઈ રહ્યું છે. ગોપ-ગોપીન સાથે આજે તો ગોકુળનાં વૃક્ષો પણ પ્રસન્નતાથી પ્રફુલ્લિત થઈ ખીલી જઈ ફલિત થઈ ગયાં છે. જેમને વંદન કરી શકાય છે તેવાં આ વંદીજનો દ્વારા દ્વાર પર બંદનવાર -તોરણ બાંધવામાં આવ્યાં છે. આજે તો ગોકુળમાં જે જ્યાં છે તે સર્વે જગ્યાઓમાં કેવળ આનંદ જ દેખાઈ રહ્યો છે. ( આ આનંદમાં પ્રકૃતિનાં સર્વે તત્ત્વો રહેલાં છે. ) ત્યાં ( મથુરામાં – ન જાણે કેમ પણ, ) યદુકુળનાં લોકો અત્યંત આનંદથી ઉલ્લસિત થઈ ફરી રહ્યાં છે, તેમનાં પાછળનાં કેટલાયે જન્મોનાં પુણ્યો પોતાનાં મૂળ સાથે આજે અંકુરિત થઈ ખીલી ઊઠ્યાં છે. યમુનાનું જળ આજે આનંદથી ઉમડાઇ રહ્યું છે, યમુના કિનારે રહેલી કુંજોનો સમૂહ પણ ઉલ્લસિત થઈ ગયો છે, મેઘોનાં મોટા મોટા સમૂહ આજે ખૂબ ગર્જના કરી રહ્યાં છે, ( તે જોઈ ) કામદેવ મહારાજ ઉલ્લાસિત થઈ નાચી રહ્યાં છે તે જોઈ રતિનું અંગ અંગ પ્રફુલ્લિત થઈ રહ્યું છે ( કારણ કે હવે રતિનાં પતિ અનંગ -કામદેવને શરીર પ્રાપ્ત થશે તેઓ શ્રીકૃષ્ણચંદ્રનાં પુત્ર બની શકશે. ( શેષનાગની મોટાભાઈ તરીકે )  બલરામજીનાં ચિત્તની સર્વે અભિલાષા પૂર્ણ થઈ ગઈ છે. બ્રાહ્મણ, સત્પુરુષ અને વેદો ઉલ્લાસિત થયાં છે, કારણ કે કંસ તરફથી થનાર ભય હવે દૂર થઈ ગયો છે અને આગળ પણ દૂર થવાનો છે. સૂરદાસજી કહે છે કે; સર્વે લોકો આજે બહાર આવી વધાઈ ગાઈ રહ્યાં છે. યશોદારાણી પ્રફુલ્લિત થઈ રહી છે, કારણ કે આપને ત્યાં સ્વયં સારંગપાણિ શ્રી હરિ પુત્ર બની પ્રગટ થયાં છે, તો સાથે આજે અત્યંત કરુણામય સ્વભાવ ધરાવતાં ઉદાર એવા શ્રી વ્રજરાયજી પોતે પણ અત્યંત આનંદિત છે કારણ કે તેમનું ભવન આજે સૌભાગ્યશાળી થયું છે.  
 

©૨૦૨૧ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *