ભગવાન થાવરાણી
ચકબસ્ત એટલે વિભાજીત . થોડાક સમય પહેલાં અમારા ઉર્દૂ પોએટ્રી ગ્રૂપમાં આ શાયર એટલે પંડિત બ્રિજનારાયણ ‘ ચકબસ્ત ‘ અને એમના દ્વારા લખાયેલી એક નઝ્મની વાત નીકળી. આ નઝ્મ રામાયણના એક પાઠ પર આધારિત છે. ચકબસ્ત કાશ્મીરી બ્રાહ્મણોના એક ફિરકાનું નામ પણ છે. છેલ્લા ઘણા સમયથી જે શાયરોની વાત ચાલે છે એમની જેમ જ ચકબસ્ત પણ ઉર્દૂ અદબના પાયાના સ્તંભોમાંના એક છે. એ પણ સીમાબની જેમ ૧૮૮૨માં જન્મ્યા અને માત્ર ૪૪ની વયે અવસાન પામ્યા.
એમનો અંદાઝ જોઈએ :
ગુનહગારોં મેં શામિલ હૈં, ગુનાહોં સે નહીં વાકિફ
સઝા કો જાનતે હૈં હમ, ખુદા જાને ખ઼તા ક્યા હૈ
અને એમની બેબાકી જૂઓ :
કિયા હૈ ફાશ પરદા કુફ્ર – ઓ – દીં કા ઈસ કદર મૈને
કિ દુશ્મન હૈ બરહમન ઔર અદૂ શૈખ – એ – હરમ મેરા
અર્થાત ધર્મ અને નાસ્તિકતાની પોલ મેં એ હદે ખોલી કે હવે મૌલવી અને પૂજારી બન્ને મારા દુશ્મન છે !
ખરેખર તો મારે વાત કરવી છે ચકબસ્ત સાહેબના આ શેરની :
ઝિંદગી ક્યા હૈ ? અનાસિર મેં જુહુર – એ – તરતીબ
મૌત ક્યા હૈ ? ઈન્હીં અઝ્ઝા કા પરેશાં હોના ..
ગાલિબની જમીન પર લખાયેલ શેર છે આ. (‘ બસ કિ દુશ્વાર હૈ હર કામ કા આસાં હોના ‘ ) પણ વાત કંઈક જૂદી છે. જીવન અને મૃત્યુની વ્યાખ્યા કરી છે અહીં. અનાસિર અર્થાત તત્ત્વોની વ્યવસ્થિત ગોઠવણી એટલે જીવન અને એ જ તત્વોનું વિખેરાઈ જવું (પરેશાં હોના) એટલે મૃત્યુ !
હિંદુ શાસ્ત્રોમાં જીવન – મૃત્યુની આ જ તો વ્યાખ્યા છે..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ જીવન મૃત્યુ ની એક નાનકડા શેર માં મોટી સમજણ. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર. 🙏🙏🙏
આભાર પ્રિતી બહેન!