ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૫ – બંધારણ સભાનું ઉદ્‍ઘાટન અને કોંગ્રેસનું શીર્ષાસન

દીપક ધોળકિયા

બંધારણ સભામાં કોંગ્રેસના ૨૦૧, મુસ્લિમ લીગના ૭૩ અને બીજા નાનામોટા પક્ષો મળીને ૨૯૬ સભ્યો હતા, નવ મહિલાઓ પણ હતી. પરંતુ એમાં ચાર શીખ સભ્યો માટેની જગ્યા ખાલી હતી. નવમી ડિસેમ્બરે ભારતની બંધારણ સભાની બેઠક શરૂ થઈ ત્યારે ૨૦૫ સભ્યો હાજર હતા. મુસ્લિમ લીગના સભ્યો બેઠકમાં હાજર ન રહ્યા. હંગામી અધ્યક્ષ ડૉ. સચ્ચિદાનંદ સિંહાએ અમેરિકા, કૅનેડા, સ્વિટ્ઝર્લૅંડ, ફ્રાન્સ અને બીજા યુરોપિયન દેશોનાં બંધારણોની ચર્ચા કરી અને એમનો અભ્યાસ કરવા સભ્યોને અપીલ કરી.

બીજો દિવસ

બંધારણ સભામાં ત્રણ વિભાગ હતા: પહેલા વિભાગમાં મદ્રાસ, મુંબઈ, ઓડિશા, યુક્ત પ્રાંત, મધ્ય પ્રાંત, બિહાર, કૂર્ગ, દિલ્હી અને અજમેર-મારવાડ હતાં, જ્યારે બીજા વિભાગમાં પંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, સિંધ અને બલુચિસ્તાન હતાં. ત્રીજા વિભાગમાં બંગાળ અને આસામ હતાં. આ ત્રણેય વિભાગોએ પોતપોતાનાં બંધારણો બનાવવાનાં હતાં. બંધારણ સભાની પહેલા દિવસે ઉદ્‍ઘાટન પછી મુલતવી રહી અને બીજા દિવસે મળી ત્યારે નિયમ સમિતિ બનાવવામાં આવી. એના માટેની ચર્ચા બહુ જ ગંભીર અને જીવંત રહી. સવાલ એ હતો કે બંધારણ સભા કામકાજના જે નિયમો બનાવે તે અલગ અલગ ત્રણ વિભાગોને પણ લાગુ કરવા કે કેમ. ઘણા સભ્યોનું કહેવું હતું કે બંધારણ સભાના સર્વગ્રાહી નિયમો બનાવવામાં “વિભાગો અને સમિતિઓ” શબ્દો ઉમેરવા જોઈએ કારણ કે આ વિભાગો કે સમિતિઓ બંધારણ સભાના ઘટકો છે, એમનું અલગ અસ્તિત્વ નથી. વિભાગો બંધારણ સભાના સામાન્ય નિયમો સાથે સુસંગત હોય તેવા નિયમો ઉમેરી શકે છે. બીજી બાજુ, કેટલાક સભ્યોનો મત હતો કે ત્રણ વિભાગોમાંથી બીજા અને ત્રીજા વિભાગમાં એવા સભ્યો છે જે અમુક જાતના વિરોધને કારણે ગૃહમાં હાજર નથી. (બીજા અને ત્રીજા વિભાગમાં કોંગ્રેસ લઘુમતીમાં હતી, અને બહુમતી મુસ્લિમ લીગની હતી. પણ મુસ્લિમ લીગના સભ્યો ગેરહાજર હતા). એમની ગેરહાજરીમાં એમના માટે પણ નિયમ બનાવી દેવામાં કંઈ સારપ નથી.

અંતે એવું નક્કી થયું કે  અત્યારે કોઈ જાતના નિયમો નથી એટલે એ તો બનાવવા જ પડશે અને એમાં વિભાગો અને સમિતિઓને પણ સામેલ કર્યા વિના ચાલશે નહીં. એટલે એ શબ્દો ઉમેરવા જોઈએ. ઠરાવ મંજૂર રહ્યો, એકમાત્ર ડૉ. આંબેડકરે એની વિરુદ્ધ મત આપ્યો.

રાજેન્દ્ર પ્રસાદ પ્રમુખપદે

ત્રીજા દિવસે બંધારણ સભાના કાયમી પ્રમુખ તરીકે બાબુ રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા. ડૉ.  સચ્ચિદાનંદ સિંહાએ તે પછી કહ્યું કે હંગામી પ્રમુખ તરીકે મારી પહેલી ફરજ બજાવતાં હું ડૉ. રાજેન્દ્ર પ્રસાદને કાયમી પ્રમુખ તરીકે ચુંટાયેલા જાહેર કરું છું અને આચાર્ય કૃપલાની અને મૌલાના આઝાદને વિનંતિ કરું છું કે તેઓ રાજેન્દ્ર પ્રસાદને અધ્યક્ષના આસન સુધી લઈ આવે. આ રીતે રાજેન્દ્ર પ્રસાદે બંધારણ સભાના પ્રમુખનું પદ સંભાળી લીધું. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને એમનું સ્વાગત કરતાં કહ્યું કે એક ઐતિહાસિક પ્રક્રિયાના ભાગરૂપે આજે બંધારણ સભા શરૂ થઈ છે. એમણે આશા દર્શાવી કે રાજકીય આઝાદી હવે આર્થિક સ્વતંત્રતા અને સમાનતામાં પરિણમશે કે જેથી દરેક નાગરિક આ મહાન દેશના નાગરિક હોવા બદલ ગૌરવ અનુભવે.

ઉદ્દેશોનો ઠરાવ

પાંચમા દિવસે જવાહરલાલ નહેરુએ  ‘ઉદ્દેશોની ઘોષણા’નો ઠરાવ રજૂ કર્યો.

એમણે સ્વાતંત્ર્ય માટે સતત સંઘર્ષ કરતા રહેવાના રાષ્ટ્રના નિર્ધારને વાચા આપીને સભ્યોમાં નવું જોશ રેડ્યું. એમણે મુસ્લિમ લીગનું નામ લીધા વગર જ ગેરહાજર સભ્યોને  ભારતની આઝાદીમાં પક્ષાપક્ષીનો વિચાર છોડીને બંધારણ સભામાં જોડાવા અપીલ કરી.

ઠરાવમાં ભારતને રીપબ્લિક (પ્રજાસત્તાક) જાહેર કરવામાં આવ્યું. નહેરુએ આ બાબતમાં કહ્યું કે ઘણા લોકો કહે છે કે રાજાઓ અને બ્રિટિશ સત્તાને પસંદ નહીં આવે કે ભારત પ્રજાસત્તાક બને. પરંતુ આપણી આખી લડતનું લક્ષ્ય એ જ રહ્યું છે. આમ છતાં રજવાડાંઓની પ્રજા ઇચ્છે તો એમનાં રાજ્યમાં રાજાશાહી ચાલુ રહી શકે છે, આપણે ‘પ્રજાસતાક’ શબ્દ વાપરીએ તેની રાજ્યો પર કંઈ અસર નથી પડતી.

ઉદ્દેશોની ઘોષણાના ઠરાવ પર ઘણી લાંબી ચર્ચા થઈ. એમ. આર. જયકરે સભાની કાર્યપદ્ધતિ વિશેનો ઠરાવ મુસ્લિમ લીગ ગેરહાજર હોવાથી મુલતવી રાખવાનો આગ્રહ રાખ્યો હતો; તે જ રીતે ઉદ્દેશોના ઠરાવ પર પણ એમણે એ જ વલણ લીધું. ડૉ. આંબેડકર એમના ટેકામાં ઊભા રહ્યા. જયકરની જેમ એમનો પણ મત હતો કે આજે મુસ્લિમ લીગ ગૃહમાં નથી, પણ આ સ્થિતિને અંતિમ ન માની લેવી જોઈએ. નિયમો તો કંઈ પણ બનાવી શકાય પરંતુ આપણે એવા સમયની રાહ જોવી જોઈએ કે મુસ્લિમ લીગ પણ જોડાય. જો કે, ડૉ. આંબેડકરે ચર્ચાનો વિસ્તાર કરતાં ગ્રુપિંગની વ્યવસ્થાને નકારી કાઢી, જે મુસ્લિમ લીગને સંતુષ્ટ કરવા માટે જ ક્રિપ્સ મિશન અને કૅબિનેટ મિશને બનાવી હતી. ડૉ. આંબેડકરે ઉદ્દેશોને લગતા ઠરાવનો વિરોધ કર્યો તેની સાથે ઘણા સભ્યો સંમત નહોતા પણ ગ્રુપિંગના મુદ્દા પર એમની સાથે સંમત હતા.  અને ખરું જોતાં ડૉ. આંબેડકર પણ ગ્રુપિંગના વિરોધમાં કોંગ્રેસની સાથે હતા.

+++

કોંગ્રેસમાં નવું ચિંતન

દેશમાં વચગાળાની સરકાર બન્યા પછી આઝાદીના ભણકારા વાગવા શરૂ થઈ ગયા હતા. લોકોને દેખાતું હતું કે જવાહરલાલ નહેરુને ઍક્ઝીક્યુટિવ કાઉંસિલના ઉપાધ્યક્ષ બનાવીને બ્રિટને સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે હવે ભારતની સ્વાધીનતા હાથવેંતમાં છે. એક બાજુથી મુસ્લિમ લીગના વલણમાં કોઈ ફેરફાર દેખાતો નહોતો. તેમાં પણ એના પ્રધાનો, અને ખાસ કરીને લિયાકત અલી ખાને નાણા વિભાગ જે રીતે સંભાળ્યો તેના પરથી લોકોમાં એવો વિચાર દૄઢ થતો જતો હતો કે જિન્ના પાકિસ્તાન લીધા વિના નહીં માને. કોંગ્રેસમાં પણ આ વાસ્તવિકતા બહુ સ્પષ્ટ દેખાવા લાગી હતી. કોંગ્રેસ લોકોનાં માનસિક વલણો પણ જોતી હતી અને કોઈ જાતનું હઠીલું વલણ લેવા નહોતી માગતી. એની નજર જેમ બને તેમ જલદી આઝાદી હાંસલ કરી લેવા પર હતી.

દરમિયાન, કોંગ્રેસનું ૫૪મું અધિવેશન નવેમ્બરની ૨૩મી-૨૪મીએ મેરઠમાં મળ્યું. એમાં આચાર્ય કૃપલાની ૧૯૪૭ના વર્ષ માટે કોંગ્રેસ પ્રમુખ તરીકે ચુંટાયા.  આના પછી બ્રિટિશ સરકારે વચગાળાની સરકારના પ્રધાનો અને જિન્નાને લંડન બોલાવ્યા અને છઠ્ઠી ડિસેમ્બરે બ્રિટિશ પાર્લામેન્ટનાં બન્ને ગૃહોમાં  નિવેદન કર્યું અને ભારતાને આઝાદી આપવાનો ચોખ્ખો નિર્ણય જાહેર કર્યો. આમ માત્ર દોઢ-બે મહિનાના ગાળામાં જ ચિત્ર બદલાઈ ગયું હતું. ૧૯૪૭ના જાન્યુઆરીમાં ચોથી તારીખથી સાતમી તારીખ દરમિયાન પહેલાં કોંગ્રેસની વર્કિંગ કમિટી અને તેની સાથે AICCની બેઠક મળી અને એક ઠરાવ પસાર કરાયો જે કોંગ્રેસની નીતિમાં જડમૂળથી ફેરફાર દર્શાવતો હતો.  આને કોંગ્રેસનું શીર્ષાસન જ કહી શકાય.

ઠરાવ દ્વારા કોંગ્રેસે કૅબિનેટ મિશનની ગ્રુપિંગની દરખાસ્ત સ્વીકારી લીધી! માત્ર  બે મહિના પહેલાં કોંગ્રેસ એનો વિરોધ કરતી હતી!  કોંગ્રેસનો આ નિર્ણય મુસ્લિમ લીગ માટે અણધાર્યો હતો.

ઠરાવ જોઈએ તે સાથે એની પશ્ચાદ્‌ભૂમિકા પર નજર નાખવાનું  પણ જરૂરી છે કે જેથી ઠરાવનો અર્થ બરાબર સમજાય.  કૅબિનેટ મિશને થોડા ફેરફાર સાથે ક્રિપ્સ મિશનની દરખાસ્તો જ રજૂ કરી હતી. કોંગ્રેસે કૅબિનેટ મિશનના નિવેદનનો સ્વીકાર કરીને બંધારણ સભામાં જોડાવાનું નક્કી કર્યું પણ સરકાર બનાવવા એ તૈયાર નહોતી. પરંતુ તે પછી વાઇસરૉયે આમંત્રણ આપ્યું ત્યારે કોંગ્રેસ સરકારમાં પણ જોડાઈ અને નહેરુ મુંબઈમાં જિન્નાને મળ્યા પણ એમને સમજાવી ન શક્યા. કોંગ્રેસે એ પણ સ્વીકાર્યું હતું કે સમવાય માળખામાં કેન્દ્રીય બંધારણ સભામાં કે બીજી પ્રાંતોમાં કોંગ્રેસ અની મુસ્લિમ લીગ વચ્ચે મતભેદ થાય અને એનો ઉકેલ ન મળે તો ફેડરલ કોર્ટનેઈનો ઉકેલ શોધવાની જવાબદારી સોંપવી. બીજું, કૅબિનેટ મિશને પ્રાંતોને વિભાગોમાં મૂક્યા હતા અને એનું બંધારણ બની જાય તે પછી એમાંથી કોઈ પ્રાંત નીકળી જવા માગતો હોય તો નીકળી શકે એવી વ્યવસ્થા સૂચવી હતી. કોંગ્રેસ કહેતી હતી કે પ્રાંતોને પહેલાં જ એ નક્કી કરવાનો અધિકાર આપવો જોઈએ કે એ અમુકતમુક વિભાગમાં જોડાવા તૈયાર છે કે નહીં.

AICC સમક્ષ જે ઠરાવ રજૂ થયો તેમાં કોંગ્રેસે ફેડરલ કોર્ટ સમક્ષ વિવાદ લઈ જવાની માગણી પાછી ખેંચી લીધી અને કહ્યું કે બ્રિટિશ સરકારે ૬ઠ્ઠી ડિસેમ્બરે પાર્લામેન્ટમાં નિવેદન કર્યું તેમાં કહ્યું છે કે બન્ને પક્ષો સંમત થાય તો જ ફેડરલ કોર્ટને વિવાદ સોંપવો. એટલે કે જે પક્ષ ફેડરલ કોર્ટને વિવાદ સોંપવા જ તૈયાર ન હોય તે, એનો અંતિમ નિર્ણય માનવા પણ તૈયાર ન જ થાય.  આમ આ વ્યવસ્થા હવે ઉદ્દેશહીન થઈ જાય છે.

ઠરાવમાં પ્રાંતોના અધિકારની ચર્ચા કરતાં કોંગ્રેસે કહ્યું કે આપણી ચિંતા આખા સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાની છે. બ્રિટિશ સરકારની દરખાસ્તોનાં જુદાં જુદાં અર્થઘટનો થાય છે એટલે ગૂંચવાડો વધ્યો છે. પરંતુ, વર્કિંગ કમિટી AICCને સલાહ આપે છે કે બ્રિટિશ સરકારનું અર્થઘટન માની લેવું જોઈએ. આમ છતાં, આના કારણે આસામ કે પંજાબમાં શીખોનાં હિતો જોખમાય એવું ન થવું જોઈએ. આમ કોંગ્રેસે કૅબિનેટ મિશને સૂચવેલી ગ્રુપિંગની વ્યવસ્થા પણ સ્વીકારી લીધી પરંતુ આસામ અને શીખો વતી બોલવાનો અધિકાર અબાધિત રાખ્યો. બલુચિસ્તાનના ડેલિગેટે એમાં બલુચિસ્તાનને જોડવાની માગણી કરી તેનો સ્વીકાર કરી લેવાયો. સુધારા પછી ઠરાવ મતદાન માટે મુકાયો ત્યારે એની તરફેણમાં ૯૯ અને વિરોધમાં ૫૨ મત પડ્યા.

જો કે એ પહેલાં ઠરાવ પરની ચર્ચામાં જયપ્રકાશ નારાયણે એનો વિરોધ કરીને કહ્યું કે કોંગ્રેસ બ્રિટન સાથે મંત્રણાઓ કરીને રસ્તો કાઢવા માગે છે તેને બદલે એણે જનતા પાસે જઈને નવી તાકાત ઊભી કરવી જોઈએ. કોંગ્રેસ વચગાળાની સરકારમાં જોડાઈ તે જ ભૂલ હતી, હવે આ ઠરાવ પસાર કરીને કોંગ્રેસ બીજી ભૂલ કરવા જાય છે. બ્રિટિશ સરકારનું છઠ્ઠી ડિસેમ્બરનું નિવેદન સ્વીકારીને કોંગ્રેસે પોતાના સિદ્ધાંત છોડી દીધા છે. એમ માનવું ભૂલભરેલું છે કે બ્રિટન ભારતને સ્વતંત્રતા આપવા માગે છે.

નહેરુ સંમત થયા કે કોંગ્રેસ ફરી લોકો સમક્ષ જઈ શકે છે, પણ કોઈ પણ સમસ્યાના બે રસ્તા છેઃ એક તો, પહેલાં બ્રિટિશ સત્તાને હટાવો અને તે પછી બેસીને સમસ્યાનો ઉકેલ શોધો. અથવા બીજો રસ્તો જયપ્રકાશ નારાયણ કહે છે તે આંદોલનનો છે. પણ આપણી અંદર જ કેટલીક નબળાઈઓ છે, એનો ઇલાજ પહેલાં કરવો જોઈએ. વળી,હંમેશાં સત્તા સાથે ટકરાવું એ જ એકમાત્ર રસ્તો નથી હોતો એટલે કોંગ્રેસ પહેલાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માગે છે.

આમ કોંગ્રેસે કૅબિનેટ મિશનનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946 & Vol. I, Jan-Dec 1947


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.