રૂપાળું હરિયલ જે જમીન ઉપર ભાગ્યેજ ઉતરે

ફરી કુદરતના ખોળે

હરિયલ/ Yellow  Footed  Green  Pigeon  / Yellow  Legged  Green  Pigeon / મરાઠી: હોલા – હરિયલ

કદ: ૨૯ સે. મી. થી ૩૩ સે. મી. વજન: ૨૨૫ થી ૨૬૦ ગ્રામ. પાંખો નો ફેલાવો: ૧૭ સે. મી

જગત કીનખાબવાલા

કુદરતે ખુબજ સુંદર આછા રંગોની સજાવટથી શણગારેલું પક્ષી એટલે હરિયલ. કબુતરના કુળનું પક્ષી છે પરંતુ તેના કરતા તેમનો બાંધો વધારે મજબૂત હોય છે. આ પક્ષીનો રંગ સુંદર આછા પીળાશ રંગ ઉપર વધારે હોય છે અને આ ખ્યાતનામ પક્ષી તેના રંગ ના નાના ફેરફાર સાથે જુદા જુદા નામથી પ્રચલિત છે. મહારાષ્ટ્ર રાજ્યનું સ્ટેટ બર્ડ છે. થોડા સમય પહેલા BNHS સંસ્થા દ્વારા મહારાષ્ટ્રના સ્ટેટ બર્ડ તરીકે ફોરેસ્ટ ઓવલેટ (ફોરેસ્ટ ઘુવડને રાખવા માટે ભલામણ કરવામાં આવી હતી પરંતુ તે રજૂઆત માન્ય ન રાખીને પ્રચલિત અને સુંદર હરિયલને જ સ્ટેટ બર્ડ તરીકે ચાલુ રાખવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં તેમની સંખ્યા મહારાષ્ટ્ર કરતા પણ વધારે જોવા મળે છે. હરિયલ માટે લોકો ને  એક વિશિષ્ટ આકર્ષણ હોય છે અને ઘણા લોકો તેને શુકનિયાળ સમજી એમ પણ માને છે કે તેઓ સંવાદિતા,સમૃદ્ધિ અને જીવનમાં પ્રગતિ લાવે છે.

           ભારતના ઉપખંડમાં વ્યાપક પ્રમાણમાં પથરાયેલા છે. ખાસ કરીને ઝાડી અને જંગલનું પક્ષી જે માનવ વસવાટવાળા વિસ્તારથી દૂર રહે છે અને માટે જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ ધીરે ધીરે તે આગળ અનુકૂળ વિસ્તાર તરફ પ્રયાણ કરી જાય છે. તેઓ યાયાવર પક્ષી ન હોઈ તેમને સ્થળાંતર કરવાની તકલીફ પડે છે.

       વહેલી સવારના વૃક્ષની ટોચ ઉપર બેસીને નર અને માદા હરિયલની જોડી નાજુક અને કુમળા સૂર્યસ્નાન કરતા જોવાનો લહાવો મળી જાય છે અને તેવા સમયે તેઓ પોતાના ઝુંડમાં જોવા મળતા હોય છે. ભારત, બાંગ્લાદેશ, કંબોડીયા, ચીન, નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા વગેરે દેશમાં જોવા મળે છે. ખાસ કરીને તેઓ ફળ ખાતા હોઈ, ફળની વાડીઓ અને જુદાજુદા વડ પીપળાના ટેટા વાળા અને અંજીરના વૃક્ષો ઉપર અને તેમાંયે ફળની ડાળીઓ ઉપર વધારે જોવા મળે છે જે તેમનો મુખ્ય ખોરાક છે. ફળની ડાળીઓ ઉપર તેઓ ઉભા, આડા અને ઊંધા તેમ બધી દિશામાં ફરી શકે છે. તેઓ કુમળા ફૂલ અને કળીઓ પણ ખોરાકમાં ખાતા હોય છે. તેઓ અનાજના બિયાં પણ ખાય છે. તેઓની એક વિશિષ્ટ ખાસિયત છે, જમીન ઉપર ખુબ ઓછા ઉતરે અને જો ક્યારેક ઉતરે તો ઝાડ ઉપરથી પગમાં ડાળી દબાવીને જમીન ઉપર લઇ આવે અને તેને જમીન ઉપર મૂકીને તેની ઉપર બેસે છે!

        ગરમીની ઋતુ માર્ચ થી જૂન મહિના સુધી તેમની પ્રજનનની ઋતુ હોય છે. નર હરિયલ માદા હરિયલને પ્રજનન માટે આહવાન કરવા માટે અવાજ કાઢે ત્યારે તેનું ગળુ આપોઆપ ફુલતું હોય છે જે ખુબજ સુંદર દેખાય છે. જ્યારે પણ માદા હરિયલ પ્રજનની ઋતુમાં નર હરિયલ જ્યાં બેસ્ટ હોય તેની નજીક આવે ત્યારે નર હરિયલ માદાને આકર્ષવા માટે વઊહ વું …. વુઉહ વું …. ગળુ ફુલાવીને બોલતું બોલતું ગોળ ફરીને નૃત્ય કરી માદાને આકર્ષે છે. તેવા સમયે માદા હરિયલ તેને વસ થવા માટે બેસીને તેના નૃત્યને નિહાળે છે અને માદા પોતાની અનુમતિ પ્રદર્શિત કરવા માટે નર હરિયાલની સાથે નૃત્યમાં જોડાઈ જાય છે.

          માળો બનાવવા માટે તેઓ ઝાડીઓ, વડ અને પીપળા ના વૃક્ષને પસંદ કરે છે. ઝાડની ડાળીમાં જ્યાં ત્રણ ડાળીનો ખૂણો બને તેવી જગ્યા માળો બનાવવા માટે શોધી કાઢે છે. ખાસ કરીને નર હરિયલ માળા માટે ડાળીઓ શોધી લાવે છે અને માદા હરિયલ ડાળીઓ ગોઠવીને માળો બનાવે છે જે બનતા લગભગ ૬ થી ૭ દિવસ નો સમય જાય છે. સળીઓ અને પાંદડાની મદદથી માળો બનાવે છે. તે એક સાથે એક અથવા બે ઈંડા મૂકી શકે છે. ઈંડા ચમકીલા સફેદ રંગના હોય છે. બને વારા ફરતી ઈંડા સેવવાનું કામ કરે છે, એક માળાની નજીક રહી દેખભાળ કરે છે અને જોડીદાર ખોરાક ખાઈ બચ્ચા માટે ખોરાક લઇ આવે છે અને બંને વારા ફરતી પોતાની ફરજ બજાવે છે. ૨૦ દિવસથી ૩૦ દિવસના ગાળામાં તેઓ ઈંડા સેવે તેટલે બચ્ચા બહાર આવે છે. લગભગ ૧૩ દિવસે ઇંડામાંથી બચ્ચા બહાર આવે છે. નર અને માદા બંને બચ્ચાની સંભાળ રાખી ઉછેરે છે અને લગભગ ૨૯ થી ૩૦ દિવસ બાદ બચ્ચા કુદરતમાં પોતાની ઉપર જીવન જીવવા માટે સક્ષમ બની જાય છે.

           ફળ ખાતા જોવા મળે તો એક સાથે ૫ થી ૧૦ ના ઝુંડમાં પણ જોવા મળે અને ક્યારેક તેનાથી પણ ઘણા વધારે એક સાથે જોવા મળે તે ક્ષણ ખુબ આનંદની ક્ષણ બની જાય છે. તેઓ ઝડપી ઉડે છે અને તેઓની પાંખોનો ફફડાટ વિસલ જેવો સુંદર અવાજ કરે છે.

       દેખાવમાં નર અને માદા હરિયલ સરખા હોય છે. તેઓનું માથું રાખોડી રંગનું હોય છે. ચાંચ ભૂખરી હોય છે જે આગળના ભાગે થોડી ઉપસેલી હોય અને થોડી સફેદ હોય છે. પીઠ લીલી છાયા વળી પીળી હોય છે જ્યારે પેટાળનો ભાગ ચઢિયાતો પીળો હોય છે. ખભા પાસે સુંદર આછી જાંબલી રંગની આભા હોય છે જે રંગોનું મિશ્રણ તેના દેખાવને ઓપાવે છે. પેટાળની નીચે તેમના પગ ઓરેન્જ/ નારંગી રંગના હોય છે. પૂંછડી નીચેથી લાલાશ ઉપર રતુમ્બડા રંગની હોય છે જેમાં શોભાયમાન સફેદ પટ્ટા હોય છે.   તેઓની આંખો કાળી હોય છે જેની આસપાસ લાલ રંગની રિંગ હોય છે. તેઓનું આયુષ્ય આશરે ૪ થી ૪.૨ વર્ષનું હોય છે.


(ફોટોગ્રાફ્સ સહયોગ: શ્રી સેજલ શાહ ડેનિઅલ, શ્રી કિરણ શાહ અને શ્રી દિપક પરીખ. વિડિયો: શ્રી સેજલ શાહ ડેનીઅલ, શ્રી નેહા બલધા )


*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

   *Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

1 thought on “રૂપાળું હરિયલ જે જમીન ઉપર ભાગ્યેજ ઉતરે

Leave a Reply

Your email address will not be published.