મુક્તિ (૧૯૭૭)

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

અમુક સંગીતકારને અમુક ગાયક સાથે કે અમુક ગાયકને અમુક સંગીતકાર સાથે કમ્ફર્ટ લેવલ હોય છે. આ કમ્ફર્ટ લેવલ ગાયક-સંગીતકારના સાયુજ્ય માટે ઉપકારક નીવડતું હોય છે. અલબત્ત, આમ હોવું અનિવાર્ય નથી. રાહુલ દેવ બર્મનના સંગીત નિર્દેશનમાં મુકેશ દ્વારા ગવાયેલાં ગીતો સાવ મર્યાદિત છે. એમાંના ત્રણેક ગીતો ‘ધરમકરમ’નાં હતાં. એ ઉપરાંત સૌથી જાણીતું ગીત ‘કટીપતંગ’નું ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા’. આ સિવાયનાં ગીતો પ્રમાણમાં ઓછાં જાણીતાં છે. આનું કારણ શું હોઈ શકે એ ખબર નથી. બને કે રાહુલ દેવની ધૂનની શૈલી મુકેશના સ્વર માટે અનુકૂળ ન હોય. આ કેવળ અટકળનો વિષય છે, અને અમુક હદ સુધી આવી અટકળની મઝા હોય છે.

‘મુક્તિ’ ફિલ્મમાં રાહુલ દેવ બર્મનના સંગીત નિર્દેશનમાં મુકેશનાં બે ગીતો હતાં. મુકેશની કારકિર્દીનો એ અંતિમ તબક્કો હતો અને તેમનો સ્વર પણ હવે બદલાયો હતો. છતાં એ બન્ને ગીતો ઠીકઠીક લોકપ્રિય થયેલાં.

૧૯૭૭ માં રજૂઆત પામેલી, તિલક મુવીઝ નિર્મિત, રાજતિલક દિગ્દર્શીત ‘મુક્તિ’માં શશી કપૂર, સંજીવકુમાર, વિદ્યાસિંહા, બિંદીયા ગોસ્વામી, દેવેન વર્મા જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ મેં અમારા મહેમદાવાદની આશા ટૉકિઝમાં જોયેલી. ફિલ્મની કથા બરાબર યાદ નથી, પણ આખી ફિલ્મમાં જાણે કે વેદનાનો આંતરપ્રવાહ વહેતો હોય એવું લાગેલું. એ કદાચ સાચું હોય પણ ખરું, કે ન પણ હોય.

હારમોનિયમ પર રાહુલ દેવ બર્મન સાથે આનંદ બક્ષી

‘મુક્તિ’નાં કુલ 6 ગીતો હતાં, જે આનંદ બક્ષી દ્વારા લખાયાં હતાં. ‘લલ્લા લલ્લા લોરી, દૂધ કી કટોરી’ (મુકેશના સ્વરમાં અને લતાના સ્વરમાં અલગ અલગ, જે અનુક્રમે ખુશી અને ઉદાસીના મૂડમાં છે) તેમ જ ‘સુહાની ચાંદની રાતેં‘ (મુકેશ) ગીતો ખૂબ જાણીતાં બનેલાં. આ ઉપરાંત ‘મૈં જો ચલા પીકર‘ (આશા, કિશોર), ‘દિલ સજન જલતા હૈ’ (આશા) તેમ જ ‘મિલ જાતી હૈ સંસાર મેં સંસાર સે મુક્તિ’ (મ.રફી) ગીતો હતાં. ‘દિલ સજન જલતા હૈ’ ગીત આશા ભોંસલે દ્વારા ગવાયેલું એકલગીત છે, પણ તેમાં આર.ડી.બર્મને આશાના સ્વરનો ઉપયોગ એ રીતે કર્યો છે કે જાણે તે બે ગાયિકાઓએ ગાયેલું યુગલગીત લાગે. આવો જ પ્રયોગ તેમણે ‘કાલા સોના’ના ગીત ‘કોઈ આયા, આને ભી દે’માં પણ કરેલો. આમાંનું મહમદ રફીના સ્વરે ગવાયેલું ગીત ‘મિલ જાતી હૈ સંસાર મેં સંસાર સે મુક્તિ’નો ઉપયોગ ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે કરવામાં આવ્યો હતો.

 

આ ગીતના શબ્દો ફિલ્મની કથાનો આંતરપ્રવાહ વ્યક્ત કરતા હોય એ રીતના છે.

मिल जाती है संसार में, संसार से मुक्ति,
मिलती नहीं…..प्यार से मुक्ति

प्यार हैं एक निशान कदमों का (2)
जो मुसाफिर के बाद रहता है,
भूल जाते हैं लोग सब लेकिन,
कुछ न कुछ फिर भी याद रहता है…..प्यार हैं एक निशान…..

रोक ले लेती हैं राह में यादें,
जब भी राहों से हम गुजरते हैं,
रोक ले लेती हैं राह में यादें,
जब भी राहों से हम गुजरते हैं,
खो गये कहकहों में जो उनको,
आंसूओं में तलाश करते हैं,
दिल पे हल्की सी चोट लगती है,
दर्द आंखों से फूट बहता है….प्यार है एक निशान….

 

આ ગીતનો બીજો હિસ્સો પણ છે, જે ફિલ્મના અંતમાં મૂકાયેલો છે.

ये गलत है कि मरनेवालों को,
जिन्दगी से निजात मिलती है,
ईस बहाने से गम के मारों को,
और लम्बी हयात मिलती है,
माना जंजीरें तूट जाती है,
आदमी फिर भी कैद रहता है,
भूल जाते हैं लोग सब लेकिन,
कुछ न कुछ फिर भी याद रहता है…

આ ગીતના બન્ને હિસ્સા અહીં સાંભળી શકાશે.

 

(તસવીરો નેટ પરથી અને લીન્‍ક ઉ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.