ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૪ : બ્રિટન સરકારના મધ્યસ્થીના પ્રયાસ

દીપક ધોળકિયા

વચગાળાની સરકારમાં કોંગ્રેસ અને લીગ વચ્ચેનું ઘર્ષણ એટલું વધતું ગયું કે બ્રિટન સરકારે વાઇસરૉય અને વચગાળાની સરકારના પાંચ નેતાઓને વાતચીત માટે ૨૬મી નવેમ્બરે આમંત્રણ મોકલ્યું. જિન્ના તરત તૈયાર થઈ ગયા પણ કોંગ્રેસને લાગ્યું કે બ્રિટન હવે સરકારના માળખામાં ફેરફાર કરવાની કોશિશ કરશે. લીગે તો કંઈ ખોવાનું નહોતું. કારણ કે એને તો સરકાર કામ ન કરી શકે તેમાં રસ હતો, બીજી બાજુ, વાઇસરૉય પર બ્રિટન દબાણ કરે તો એનો લાભ લીગને જ મળે તેમ હતું. આથી કોંગ્રેસે પહેલાં તો ના જ પાડી દીધી કે બ્રિટન સરકારે મધ્યસ્થી કરે અને કંઈ ફેરફારો કરે તે કોંગ્રેસને મંજૂર નહીં હોય. નહેરુ અને સરદાર પટેલે કોંગ્રેસના નિર્ણયની જાણ કરી દીધી. તે સાથે નહેરુ, વૅવલ અને ઍટલી વચ્ચે ખૂબ પત્રવ્યવહાર થયો.

એ જ દિવસે નહેરુએ વાઇસરૉયને પત્ર લખીને જાણ કરી દીધી કે કોંગ્રેસ તરફથી અત્યારે કોઈ બ્રિટિશ સરકાર સાથે વાતચીત કરવા લંડન જઈ શકે તેમ નથી, પણ અમે ભારતની બ્રિટિશ સરકાર સાથે વાત કરવા તૈયાર છીએ. અમને લાગે છે કે કૅબિનેટ મિશન ભારત આવ્યું તે પછી જે દરખાસ્તો રજૂ થઈ અને એના પ્રમાણે નવી સ્થિતિ ઊભી થઈ છે તેમાં કંઈક ફેરફાર કરવાનો આ બેઠકનો હેતુ જણાય છે. કૅબિનેટ મિશને સૂચવેલી યોજનામાં કંઈ પણ ફેરફાર કરવો તે મુસ્લિમ લીગની જોહુકમી અને હિંસાને ભડકાવવાની એની ધમકીઓને શરણે થવા જેવું ગણાશે. મુસ્લિમ લીગે સરકારમાં જોડાવાનું નક્કી કર્યું તેનો અર્થ એ કે એ લાંબા ગાળાની યોજનાની પૂરી સમજ સાથે જ કર્યું છે. એના પ્રમાણે બંધારણ સભા બોલાવવાનું નક્કી થઈ ગયું છે અને એની તારીખો પણ જાહેર થઈ ગઈ છે તેના પ્રમાણે બે અઠવાડિયાંની અંદર બંધારણ સભા મળવાની છે. આ સંજોગોમાં અમે થોડા વખત માટે પણ દેશ છોડી શકીએ તેમ નથી.

બીજા જ દિવસે વડા પ્રધાન ઍટલીએ વાઇસરૉયને કૅબલગ્રામ મોકલ્યો અને કહ્યું કે જવાહરલાલ નહેરુણે જાણ કરો કે તેઓ લંડન આવશે એવી અમને બહુ આશા છે કારણ કે મેં અને મારા સાથીઓએ હજી તો હમણાં જ ત્રણ મહિના ભારતમાં ગાળ્યા છે એટલે અમે નહીં આવી શકીએ. અહીં મીટિંગ માટે આમંત્રણ આપવાનો હેતુ એ જ છે કે જેમ બને તેમ જલદી નવમી ડિસેમ્બરે બંધારણ સભા શરૂ થાય. અમે મૂળ યોજનામાં કંઈ પણ ફેરફાર કરવા નથી માગતા.

નહેરુએ આનો જવાબ આપ્યો કે અમે આવવા તૈયાર છીએ પણ બંધારણ સભાની પહેલી ટૂંકી બેઠક મળી જાય તે પછી ઘણો સમય મળી શકશે એટલે તે પછી મળીએ.

ઍટલીએ જવાબ આપ્યો કે  તમે મળવાની તૈયારી દેખાડી છે તે બહુ સારી વાત છે, પણ અમને લાગે છે કે તમે નવમી ડિસેમ્બરે બંધારણ સભાની બેઠક પહેલાં જ અહીં આવો તે બહુ મહત્ત્વનું છે. નવમી પહેલાં તમે પાછા પહોંચી જાઓ તેની બધી વ્યવસ્થા કરશું.

ઍટલીનો નહેરુ પરનો સંદેશ છાપાંઓમાં છપાયો એટલે જિન્નાએ ઍટલીને લખ્યું કે પંડિત નહેરુને તમે મોકલેલા સંદેશને કારણે નવી સ્થિતિ પેદા થઈ છે. જો તમે નવી કોઈ વાતની ચર્ચા જ ન કરવાના હો તો તમારું આમંત્રણ સ્વીકારવાનો લીગ માટે કંઈ અર્થ નથી. ઍટલીએ એમને જવાબ આપ્યો કે નહેરુને મેં જવાબ આપ્યો તેનું અર્થઘટન તમે ખોટું કરો છો.  એમાં એવું કંઈ જ નથી કે બીજી કોઈ નવી વાતની ચર્ચા નહીં જ કરાય. આશા છે કે તમે આવશો.

જિન્ના આ ખાતરી મળતાં સંમત થયા અને પહેલી ડિસેમ્બરે વાઇસરૉય, વચગાળાની સરકારના ઉપપ્રમુખ નહેરુ, મુસ્લિમ લીગના પ્રમુખ જિન્ના, નાણાં મંત્રી લિયાકત અલી ખાન અને સંરક્ષણ મંત્રી સરદાર બલદેવ સિંઘ લંડન જવા કરાંચીથી રવાના થયા. ત્રીજીએ લંડન પહોંચ્યા; છઠ્ઠી તારીખ સુધી વાતચીત ચાલી પણ કોઈ સમાધાન ન થયું; નહેરુ અને સરદાર બલદેવ સિંઘ ભારત પાછા વળી આવ્યા. જિન્ના લંડનમાં રોકાઈ ગયા કારણ કે મુસ્લિમ લીગ બંધારણ સભામાં જોડાવાની નહોતી અને લંડનની મીટિંગ નિષ્ફળ ગયા પછી છઠ્ઠી તારીખે જ સરકારે પાર્લામેંટમાં નિવેદન કર્યું તેના પર લગભગ એક આખું અઠવાડિયું ચર્ચા ચાલી.

(દરમિયાન, નવમી ડિસેમ્બરે બંધારણ સભાનું ઉદ્‌ઘાટન થયું. આપણે એના વિશે આવતા પ્રકરણમાં વાત કરશું, હમણાં તો બ્રિટિશ પાર્લામેંટમાં જઈએ. અહીં મોટા ભાગના રૂઢીચુસ્ત પક્ષના સભ્યો પોતાના નેતા ચર્ચિલ સાથે અસંમત હતા. આપણે ચર્ચિલ અને બીજા સભ્યોના અભિપ્રાય જાણીને બંધારણ સભામાં આવશું).

સરકારે આમસભા અને ઉમરાવસભા, બન્નેમાં નિવેદન કર્યું પણ એના ઉપર ચર્ચા માટે સમય ફાળવવાની ઓચિંતી જ ચર્ચિલે માગણી કરી દીધી.  ચર્ચિલનું વલણ તદ્દન કોંગ્રેસની વિરુદ્ધ રહ્યું. એણે કહ્યું કે આમસભા પાસેની સત્તા હિન્દુસ્તાનીઓના હાથમાં સોંપવાની બાબતમાં સૌ સંમત છે પણ એના માટે બન્ને કોમો વચ્ચે મનમેળ થવો જોઈએ. ભારતનું ભાવિ અચોક્કસ છે ત્યારે બન્ને કોમો સાથે મળીને કામ કરે તે અગત્યનું છે, પણ સાચી વાત એ છે કે આવો મનમેળ થયો નથી, એટલું જ નહીં પણ ખટરાગ હવે હિંસક અને ઝનૂની થવા લાગ્યો છે.

ચર્ચિલનો કોંગ્રેસ અને હિન્દુઓ વિરુદ્ધ બળાપો

બે દિવસ ચર્ચા ચાલી તેમાં બીજા દિવસે,૧૩મીએ ચર્ચિલે કહ્યું કે આપણે હિન્દુસ્તાન છોડીએ તેના માટેની પહેલી શરત જ એ હતી કે બન્ને કોમો શાંતિથી રહે. આજે આવી શાંતિ સ્થપાઈ નથી તેમ છતાં આપણે આપણી જવાબદારીઓ છોડવા માગીએ છીએ.

આપણી બીજી ભૂલ એ હતી કે બન્ને પક્ષો વચ્ચે સમજૂતી નહોતી થઈ અને બન્ને પક્ષોને બોલાવીને સરકારની રચના કરવાની હતી તેમ છતાં આપણે એક જ પક્ષને આમંત્રણ આપ્યું. ચર્ચિલે કહ્યું કે નહેરુ સરકાર બની તે પછીના ગાળામાં જેટલાં મોત થયાં છે તેટલાં તો છેલ્લાં ૯૦ વર્ષમાં (૧૮૫૭ પછી) નથી થયાં. એણે કહ્યું કે સરકારી આંકડા પ્રમાણે ૧૦,૦૦૦ મૃત્યુ થયાં છે, પણ એ ખરેખર તો એના બમણા કરતાં વધારે મોત થયાં છે, અને મોટા ભાગે મુસલમાનોને સહન કરવું પડ્યું છે.

એણે કહ્યું કે કોંગ્રેસ પશ્ચિમી ધારાધોરણો પ્રમાણેની બહુમતીના જોરે, અને આપણે જેનાથી પરિચિત છીએ એવી ફૉર્મ્યુલાઓ લાગુ કરીને હિન્દુ રાજ સ્થાપવાની કોશિશ કરશે તો એ ભારતની એકતા માટે જીવલેણ નીવડશે.  જે તકરારો અને મડાગાંઠો દેખાય છે તે મૂળ મુદ્દો નથી, મૂળ મુદ્દો તો એ છે કે આ મડાગાંઠ માત્ર હજાર વર્ષના આવેશ અને ઘૃણાનું પ્રતીક છે. ભારતની એકતા એ બ્રિટિશ સામ્રાજ્યના પેઢીઓના રાજે લાદેલો ઉપરછલ્લો દેખાવ છે.  બહારથી મળતું માર્ગદર્શન બંધ થશે તે સાથે એ પણ અલોપ થઈ જશે.

ચર્ચિલે કહ્યું કે ભારતમાં નવ કરોડ મુસલમાનો છે, જે  ભારતની મોટા ભાગની લડાયક શક્તિ છે અને ચારથી છ  કરોડ ડિપ્રેસ્ડ ક્લાસિસના લોકો છે,  કૅબિનેટ મિશનની ગ્રુપિંગની યોજનામાં ડિપ્રેસ્ડ ક્લાસિસની આંખોમાં ધૂળ નાખવામાં આવી છે. એમ કહી દેવાયું કે એ લોકો તો હિન્દુ કોમનો નાનો ભાગ છે. સરકારે જવાબ આપવાનો છે કે એમનાં હિતોનું રક્ષણ કેમ થશે.

દિલ્હીમાં બંધારણ સભાનું કામ શરૂ થયું તેનો ઉલ્લેખ કરીને ચર્ચિલે કહ્યું કે જે બેઠકમાં બે પક્ષો ભાગ ન લેતા હોય તેને બેઠક જ ન કહેવાય. એ બંધારણ સભા જે કંઈ નિર્ણય લેશે તે ભાગ ન લેનાર માટે બંધનકર્તા નથી.

એણે સર સ્ટેફર્ડ ક્રિપ્સ (કૅબિનેટ મિશનના એક સભ્ય) પર આક્ષેપ કર્યો કે કૅબિનેટ મિશનની યોજનાની વિગતોમાં હિન્દુઓને અણઘટતો લાભ અપાયો છે તેમાં સર સ્ટેફર્ડ ક્રિપ્સની અસર વર્તાય છે.

એણે કહ્યું કે આપણું કામ રક્તપાત અટકાવવાનું છે. અને નવ કરોડ મુસલમાન અને છ કરોડ દલિતોને દબાવવામાં આ સરકાર બ્રિટિશ દળોનો ઉપયોગ ન કરે તેનું ધ્યાન રાખવાનું છે.

જો કે ચર્ચિલના આ પ્રલાપમાં  રૂઢીચુસ્ત પક્ષના ઘણાખરા સાથીઓએ સૂર ન પુરાવ્યો. લિબરલ પાર્ટી તો સંપૂર્ણ રીતે સરકાર સાથે હતી.

જિન્નાની પત્રકાર પરિષદ

જિન્નાએ પાકિસ્તાનને પોતાનું અંતિમ ધ્યેય ગણાવ્યું અને ચર્ચિલ સાથે સંમત થયા. એમને એક પત્રકારે કહ્યું કે તમે પોતે પણ પહેલાં કોંગ્રેસમાં હતા. જિન્નાએ કહ્યું કે હું પહેલાં પ્રેપરેટરી સ્કૂલમાં હતો. એમને પત્રકારે કહ્યું કે મુસ્લિમ લીગનું ધ્યેય તો સંપૂર્ણ સ્વાધીનતાનું છે. જિન્નાએ કહ્યું કે સંપૂર્ણ સ્વાધીનતાનું ધ્યેય પાકિસ્તાન છે!

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.