ટ્રાફિક જામમાં કર્કશ હોર્નને બદલે ભારતીય વાદ્યો રણકવા લાગે તો?

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

ટ્રાફિક જામમાં ફસાયેલા હોવાની સ્થિતિ જ એક તો ત્રાસદાયક હોય છે, અને એવે સમયે વિવિધ વાહનોનાં કર્કશ હોર્ન તેમાં ઉમેરો કરતાં રહે છે. પણ કર્કશ હોર્નના સ્થાને વાંસળી, સિતાર, હાર્મોનિયમ, માઉથ ઑર્ગનના સૂરો રેલાતા હોય તો? કે તબલાંના લયબદ્ધ તાલ સંભળાય તો? તો ટ્રાફિક જામની સ્થિતિમાં કશો ફેર પડે કે ન પડે, પણ એ પરિસ્થિતિ કદાચ અમુક અંશે સહ્ય બની શકે.

કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આમ વિચારી રહ્યા છે અને થોડા સમય પહેલાં નાસિકમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં તેમણે આ મતલબની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે પોતે સાયરનનો પણ અભ્યાસ કરી રહ્યા છે. પોલિસનાં વાહનો તેમજ એમ્બ્યુલન્‍સની તીણી સાયરનોને બંધ કરવાની જરૂર છે. તેને બદલે આકાશવાણીની સિગ્નેચર ટ્યુન જેવા કર્ણપ્રિય સંગીતનો ઉપયોગ કરવા બાબતે પોતે ગંભીરતાપૂર્વક વિચારી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

નીતિન ગડકરીની ખ્યાતિ એક કાર્યક્ષમ અને વિચારશીલ મંત્રી તરીકેની છે. પ્રત્યેક વાહનોનાં કર્કશ હોર્નને સ્થાને ભારતીય વાદ્યસંગીતના સૂરો રેલાવતાં હોર્ન મૂકવાનો કાયદો થોડા વખતમાં અમલી બને તો નવાઈ નહીં.

વાહનોનાં હોર્ન અને તેની શ્રવણશક્તિ પરની વિપરીત અસરો અંગે અનેક અભ્યાસ થયેલા છે અને હજી થઈ રહ્યા છે. લાંબો સમય સુધી આવાં હોર્નની વચ્ચે રહેવાનું થાય તો બધિરતાને તે નોંતરે છે એ દેખીતી અસર છે. તાણ ઉપરાંત તે લોહીનું ઊંચું દબાણ, લકવા અને મધુપ્રમેહનું જોખમ વધારી શકે છે. વિખ્યાત ‘બ્રિટીશ મેડીકલ જર્નલ’માં પ્રકાશિત એક ડેનિશ અભ્યાસ અનુસાર આ સ્થિતિ ડિમેન્‍શીયા સુધી, ખાસ કરીને અલ્ઝાઈમર સુધી દોરી જઈ શકે છે.

અલબત્ત, આપણા ભારતીયોના જીવનમાં ઘોંઘાટનું આગવું મહત્ત્વ રહેલું છે. વાહનોનાં હોર્ન આપણા રોજિંદા જીવનનો એક અંશ માત્ર છે. અતિશય ઊંચા પ્રમાણમાં ઘોંઘાટ પેદા કરવો એ આપણા કોઈ પણ તહેવારની ઉજવણીનું અનિવાર્ય અંગ છે. તહેવારટાણે જ નહીં, રોજેરોજ પણ મસ્જિદોમાં માઈક દ્વારા પોકારાતી બાંગ હોય કે મંદિરોમાં માઈક પર થતી ભજનઆરતી હોય, આપણે તેને છૂટકે યા નાછૂટકે સ્વીકારી લીધેલાં છે. કદાચ આપણે સૌ એમ માનીએ છીએ કે આપણા લોકોની જેમ જ, આપણા નેતાઓ કે આપણા ઈશ્વર પણ એવા જ છે કે એમને કશું પણ બરાડા પાડીને કહીએ તો જ સંભળાતું હશે.

આપણા સામાજિક મેળાવડા હોય કે નાના પાયે યોજાતાં સ્નેહમિલનો, ઘોંઘાટ વિના એ અધૂરાં છે. અતિશય ઊંચી તીવ્રતાવાળા ઘોંઘાટથી થતો ત્રાસ કે નુકસાન ઘણા બધા લોકો ભોગવી રહ્યા હશે, પણ તેનો ઈલાજ શો?

આવા સંજોગોમાં નીતિન ગડકરીએ સૂચવેલો ઉપાય કશો ફરક પાડી શકશે? આ કટારમાં વારંવાર લખવામાં આવતું રહ્યું છે એમ સમસ્યાના ઊકેલ તરફનો આપણો અભિગમ ગુમડું થયાના લક્ષણરૂપે દેખાતા તાવને ડામવાનો છે, ગુમડું કાપવાનો નહીં. બિમારીના નહીં, લક્ષણના ઉપચારમાં આપણે વધુ ધ્યાન દઈએ છીએ. આને કારણે થાય છે એવું કે લક્ષણ દેખાતાં બંધ થાય, યા એકને બદલે એ બીજા સ્વરૂપે દેખા દે અને આપણે માની લઈએ છીએ કે સમસ્યાનો ઊકેલ આવી ગયો.

ભારતીય વાદ્યસંગીત બેશક કાન માટે સારું હશે, પણ એ હોર્ન સ્વરૂપે વાગે, અને એ પણ ભર ટ્રાફિક જામમાં તો એ શી રીતે કાનને ગમી શકે? એ જ રીતે સાયરનને બદલે આકાશવાણીની સિગ્નેચર ટ્યૂન વાગે તો પણ એ છેવટે તો ચેતવણીની જ સૂચક બની રહે. સાયરનની સંસ્કૃતિ સમૂળગી નાબૂદ કરવી હોય તો વાત અલગ છે. તેનું સ્વરૂપ બદલવાથી એવો મોટો ફરક પડી શકે નહીં.

આપણે રહેતાં હોઈએ એની આસપાસ યા આપણે પોતે પણ આપણા વાહનમાં રિવર્સ હોર્ન મૂકાવડાવ્યું હશે, જે મોટે ભાગે કોઈક ગીત, ભજન યા આરતીની ધૂન હશે. માની લઈએ કે એનો આશય લોકોને ચેતવવાની સાથેસાથે થોડુંઘણું સંગીત પણ લોકોને સંભળાય એ હશે. આમ છતાં, એ હોર્ન આપણા વાહનનું ન હોય ત્યારે એનાથી કેટલો ત્રાસ પેદા થાય છે એ ભાગ્યે જ કહેવાની જરૂર છે. આપણને ભારતીયોને હોર્ન બહુ પ્રિય હોય છે, અને તેના વિધવિધ ઉપયોગ થઈ શકે એવા સંજોગો પણ આપણા માર્ગ પર સુલભ હોય છે. રસ્તે મળતી ગાયો તેમજ અન્ય જાનવરોને હટાવવા, ચાલુ વાહને એકબીજા સાથે વાત કરતા ચાલકોને છોડાવવા, ચાલતે વાહને પોતાના ફોનમાં મેસેજ ટાઈપ કરી રહેલા વ્યસ્તાત્માઓને યોગ્ય માર્ગે લાવવા, કેવળ હોર્ન વગાડવાથી ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ લીલી થઈ જશે એવી શ્રદ્ધામાં રાચનારા આશાવાદીઓ ઉપરાંત કેવળ વગાડવા ખાતર હોર્ન વગાડનારા- એમ અનેકવિધ હેતુસર હોર્ન વાગતાં રહે છે. આ હોર્નનો અવાજ કર્કશ હોય કે મધુર, એનાથી થતી અકળામણમાં કશો ફરક પડે એમ લાગતું નથી, કારણ કે એ કઈ સ્થિતિમાં અને કયા સ્થળે વગાડાય છે એની પર આનો આધાર છે.

હોર્ન જેવી જ બીજી સમસ્યા ફટાકડાના અવાજની છે. દરેક દિવાળી અગાઉ સર્વોચ્ચ અદાલત ફટાકડાના અવાજો અને તેનાથી થતી તકલીફો અંગે તાકીદ કરે છે, પણ એય જાણે કે દિવાળી ટાણે ફૂટતા ફટાકડા જેવી જ રસમ થઈ ગઈ છે. શ્રવણની તકલીફની ગંભીરતા આપણે સમજતા જ નથી. ઘોંઘાટ આપણી ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રિય ઓળખ બની રહી છે. વાહનોનાં હોર્ન તરીકે ભારતીય વાદ્યોનું વાદન સંભળાવા લાગશે તો શક્ય છે કે સંગીતજલસામાં આપણને ભારતીય વાદ્યોમાં હોર્નના ધ્વનિનો આભાસ થાય.

‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૪ – ૧૧ –૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

(તસવીર નેટ પરથી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.