પરવીન બાબી મોડી રાત્રે જ્યારે મહેશ ભટ્ટની પાછળ દોડી ત્યારે શરીર પર પૂરતાં વસ્ત્રો ય નહોતાં!!

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

પરવીન બાબી. છ અક્ષરનું આ નામ બહુ ટૂંકા ગાળામાં બોલીવુડ પર છવાઈ ગયેલું. પણ પરવીનનો સૂર્ય જે ઝડપે મધ્યાહને ચડ્યો, એ જ ઝડપે અસ્ત થયો, અને બહુ બૂરી રીતે ડૂબ્યો! જૂનાગઢના નવાબી ખાનદાન સાથે તાલ્લુક રાખતી પરવીન ઉચ્ચ શિક્ષણ પામેલ યુવતી હતી, એ હિરોલોકોને પણ કોમ્પ્લેક્સ થઇ જાય એવું કડકડાટ ઈંગ્લીશ બોલી શકતી હતી. એ જમાનામાં લોકો હિરોઈન તરીકે આદર્શ યુવતીને જોવા ટેવાયેલા હતા ત્યારે પરવીન બિન્ધાસ્ત મિની સ્કર્ટ પહેરીને જાહેરમાં સિગરેટના કાશ ભરી શકતી હતી. એની આ બોલ્ડનેસ જ એને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં તાણી લાવવામાં નિમિત્ત બની.

થયું એવું કે એક વાર બી. આર. ઈશારા કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. પરવીન ક્યાંકથી શૂટિંગ જોવા જઈ ચડી. શુટીંગમાં બ્રેક પડ્યો ત્યારે બી. આર. ઇશારાનું ધ્યાન શૂટિંગ જોવા આવેલી એક ખુબસુરત છોકરી તરફ ગયું, જે બિન્ધાસ્ત સિગરેટના કશ ખેંચી રહી હતી. ઇશારાને એની ખૂબસુરતી અને બોલ્ડનેસ ગમી ગયા. તરત પોતાના કેમેરામેનને કહ્યું કે પેલી છોકરીના થોડા ફોટોઝ ખેંચી લે. ફોટોગ્રાફરે પરવીનની પરવાનગી લઈને એનું ફોટોસેશન કરી નાખ્યું. ઇશારાએ પોતે પણ પરવીનને કહ્યું કે પોતાની આગામી ફિલ્મમાં એ પરવીનને હિરોઈન તરીકે લેવા માંગે છે. પરવીનને બગાસું ખાતા પતાસું મળી ગયું હતું. જો કે આ થયું એ પહેલા પરવીનને દુઃખનો એક ઝાટકો લાગી ચૂક્યો હતો!

પાકિસ્તાની પાઈલટ સાથેના સંબંધોનો કરુણ અંત

ઘણાને ઓછાને ખબર છે કે આજીવન અપરિણીત રહેલી પરવીનની સગાઈ એ ફિલ્મોમાં આવી એ પહેલા જ થઇ ગઈ હતી. એ સમયે એવા ઘણા પરિવારો હતા જેમના સગાઓ સરહદની બન્ને બાજુએ રહેતા હોય. પરવીન જૂનાગઢના બાબી પરિવારનું ફરજંદ હતી, જેના ઘણા સંબંધીઓ પાકિસ્તાનમાં રહેતા હતા. આવા જ એક સંબંધીનો દીકરો પાકિસ્તાનમાં પાઈલટ હતો. પાકિસ્તાન એરલાઈન્સમાં કામ કરતા જમીલ નામના એ યુવાન સાથે પરવીનની સગાઇ કરવામાં આવી. પરવીનને પોતાના ભાવી ભરથાર સાથે ગજબનું બોન્ડિંગ થઇ ગયું. પરવીને બહુ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવેલી, એટલે કદાચ જીવનમાં એક પ્રભાવશાળી પુરુષની ખોટ વર્તાતી હતી. ફિલ્મમાં બતાવતી ટીન એજર છોકરી પોતાના પ્રેમી પાછળ જે રીતે દીવાની થતી હોય છે, એવું જ પરવીનના કેસમાં હતું. એવું કહેવાય છે કે જમીલના પ્રેમમાં પાગલ થઇ ગયેલી પરવીને એક વાર ચાકુથી પોતાના હાથ પર જમીલનું નામ કોતરી કાઢેલું! પણ આ દીવાનગી કોઈ અંજામ સુધી ન પહોંચી.

૧૯૬૯માં પરવીન અને જમીલની સગાઇ થયેલી, પણ એ સમયે ભારત-પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધો બદથી બદતર થઇ રહ્યા હતા. ૧૯૭૧માં તો બન્ને દેશો વચ્ચે મોટું યુદ્ધ છેડાઈ ગયું, જેમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ખોખરું કર્યું, એટલું જ નહિ પણ એ સમયે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતા બાંગ્લાદેશને પશ્ચિમી પાકિસ્તાનની ચુંગાલમાંથી આઝાદ કરાવવામાં આવ્યું. પાકિસ્તાન આ ઝખમ ક્યારેય ભૂલી શકે એમ નહોતું. કેટલાક લોકો એ સમયે પણ બન્ને દેશો વચ્ચે અમન સ્થપાશે એવી આશા રાખીને બેઠા હતા, પરંતુ સરહદની બન્ને બાજુએ વસતા સમજદાર લોકોને સમજાઈ ગયું કે હવે આ સંબંધો સુધરે એમ નથી! આવા સમજદાર લોકોમાં પરવીનની માતાનો પણ સમાવેશ થતો હતો. પરવીનની માતાને લાગ્યું કે આવનારા વર્ષોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણખા ઝરતા રહેવાના છે. આથી એણે સમજી વિચારીને પરવીનને પાકિસ્તાનમાં પરણાવવાનો વિચાર પડતો મૂક્યો અને જમીલ સાથેની પરવીનની સગાઇ ફોક કરવામાં આવી! પરવીન માટે આ પહેલો કિસ્સો હતો, જ્યારે કોઈ પુરુષ સાથે સંબંધો અધવચ્ચે તૂટી ગયા હોય. અને એના કમનસીબે આ સિલસિલો આખી જિંદગી પુનરાવર્તિત થતો રહ્યો!

લોગ આતે ગયે, જાતે ગયે… મગર…

બોલીવુડમાં આવીને પહેલા વિલન તરીકે અને પછી ચરિત્ર અભિનેતા તરીકે જામી ગયેલો ડેની ડેન્ગઝોપ્પા એક કેસ સ્ટડી જેવું કેરેક્ટર છે. સિક્કિમથી આવેલા એક સામાન્ય છોકરાએ જે રીતે બોલીવુડમાં પાંચેક દાયકાથી લાંબી કેરિયર ખેંચી છે, એ કાબિલ-એ-દાદ છે. એની અને પરવીનની કેરિયર લગભગ સાથે જ શરુ થઇ. ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ પછી સગાઇ તૂટવાને કારણે પરવીન દુખી હતી, ત્યાં જ મોડેલિંગમાં કામ મળવા માંડ્યું. બી.આર. ઇશારાએ પોતાની ફિલ્મ ‘ચરિત્ર’માં એને હિરોઈન તરીકે કાસ્ટ કરી. ફિલ્મ ફ્લોપ ગઈ પણ પરવીનને એક પછી એક ફિલ્મો મળવા માંડી. ૧૮૭૪માં અમિતાભ બચ્ચન સાથે આવેલી ફિલ્મ ‘મજબૂર’થી તો ખાસ્સ્સી પ્રસિદ્ધિ મળી ગઈ. આ જ વર્ષે એક ફિલ્મ આવી ’૩૬ ઘંટે’. ફિલ્મમાં ડેની વિલનનો રોલ કરતા હતા. ફિલ્મના સેટ પર આ વિલન અને સુંદરી વચ્ચેની પ્રેમકથા પાંગરી અને બન્ને સંબંધોમાં ઊંડા ઉતરી ગયા.

પણ ૧૯૭૩-૭૪ના એ વર્ષોમાં ઘણું બદલાવાનું હતું. પરવીને જેમ બોલીવુડની હિરોઇન્સની છબિ બદલવામાં મોટો ભાગ ભજવ્યો, એમ બોલીવુડના હીરોની છબિમાં પણ ધરખમ બદલાવ આવવા જઈ રહ્યો હતો! અને એનું ચાલકબળ બનવાનો હતો અમિતાભ બચ્ચન! ઇસ ૧૯૭૨ સુધી એક ‘નિષ્ફળ ન્યૂકમર’ ગણાતા અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝંઝીર’ આવી અને જાણે ઇન્ડસ્ટ્રીને અચાનક એક સુપરસ્ટાર મળી ગયો! પછી તો એક પછી એક હીટ આવતી રહી અને અમિતાભનો સૂર્ય ઉંચે ચડતો ગયો. આ ફિલ્મોમાં પરવીન બાબી સાથેની કેટલીક ફિલ્મોનો પણ સમાવેશ થતો હતો. આ એ સમયગાળો હતો જ્યારે ડેની સાથેના લગભગ ચારેક વર્ષ સુધીના સંબંધો પછી પરવીનને લાગ્યું કે એનો ‘અસલી હીરો’ અમિતાભ જ છે! બસ, પછી અમિતાભની એન્ટ્રી સાથે જ ડેની સાથેના સંબંધોનો અંત આવી ગયો!

બોલીવુડમાં સંબંધોની રમત બડી અજીબ છે, ક્યારેક એ રોલર કોસ્ટર જેવી ભાસે છે! પરવીને ડેનીને છોડ્યો, બીજી તરફ અમિતાભ જયાને પરણી ગયો! બની શકે કે પરવીન માટે આ સ્થિતિ આઘાતજનક નીવડી હોય! સમય જતાં એક ઓર પુરુષ – કબીર બેદી પરવીનના જીવનમાં આવ્યો. કબીર-પરવીન વચ્ચે મજબૂત સંબંધો રચાયા. જો કે કબીર માટે પરવીન પ્રથમ સ્ત્રી નહોતી, એ ઓલરેડી પરિણીત હતો. પણ પત્ની સાથેના સંબંધ કટોકટીકાળમાંથી પસાર થઇ રહ્યા હતા. એવામાં પરવીનનો સહારો મળ્યો અને બન્નેએ સાથે રહેવાનું શરુ કર્યું.

લોકોના મનમાં ભલે ગમે તે છાપ હોય, પણ પરવીને પોતાના જીવનમાં જે પ્રકારના નિર્ણયો લીધા, એ બતાવે છે કે એને દુનિયાની બીજી કોઈ પણ બાબત કરતા વધુ રસ અંગત સંબંધોમાં હતો. એ સતત કોઈ પ્રભાવશાળી પુરુષને ઝંખતી રહી. પોતાના પુરુષને પામવા એ ગમે તે ભોગ આપવા તૈયાર હતી. એની આ પ્રકારની સાઈકોલોજી પાછળ કયા કારણો જવાબદાર હતા, એ વિષે કશું ચોક્કસપણે કહી શકાય નહિ. પણ એની બોલ્ડનેસ, અમુક પુરુષો પ્રત્યેનું આકર્ષણ… એ બધા પાછળ કદાચ એની આંતરિક જરૂરિયાત (need of the soul) જવાબદાર હતી. બાકી કઈ હિરોઈન ધીકતી કેરિયર છોડીને પ્રેમી સાથે રહેવા પહોંચી જાય?! કબીર બેદી સાથે રહેવા મળે એ માટે પરવીને પોતાની કેરિયર છોડી અને લંડન જતી રહી! પણ આ સંબંધોમાં ય લોચો પડ્યો! લંડન ગયા પછી કબીર સાથે એવો મનમેળ થયો નહિ જેની પરવીનને આશા હતી. કદાચ કબીરને પણ એકથી વધુ સ્ત્રીઓમાં રસ હતો, અને પરવીનની બોલ્ડનેસ ‘ટેક્ન ફોર ગ્રાન્ટેડ’ ગણાઈ ગઈ હોય, એમ બનવાજોગ છે! વધુ એક સંબંધ વિચ્છેદ બાદ પરવીન શરાબને શરણે ગઈ.

પરવીને જો કે એ સમયે પોતાની કેરિયર ગજબ રીતે બેલેન્સ કરી લીધી! અંદરથી તૂટી રહી હતી, કદાચ અનેક વખત એકલતા હાવી થઇ જતી હતી, તેમ છતાં પરવીન એક પછી એક દમદાર પાત્રો ભજવતી ગઈ. એક સમયે સસ્તી હિરોઈનની છાપ ધરાવતી પરવીનની અદાકારી પણ વખણાવા માંડી હતી. છતાં સંબંધો માટેની આંતરિક જરૂરિયાત વારંવાર ફૂંફાડા મારતી. આ સમયગાળા દરમિયાન મહેશ ભટ્ટ સાથે ઓળખાણ થઇ. સંબંધ ગંભીર કક્ષાએ પહોંચ્યો. તકલીફ એ હતી કે કબીરની માફક મહેશ ભટ્ટ પણ એ સમયે પરિણીત હતો! મહેશ ભટ્ટે પોતાના મૂળ પરિવારને છોડીને પરવીન સાથે રહેવાનું નક્કી કર્યું. બન્ને જણ પરવીનના ઘરમાં સાથે રહેવા માંડ્યા. એ સમયે અનેક લોકો એવું માનતા હતા કે પોતાની કેરિયરમાં સંઘર્ષ કરી રહેલા મહેશ ભટ્ટ દ્વારા પરવીન બાબીનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

આ તમામ વાતો છતાં મહેશ-પરવીનનો સંબંધ લાંબો ચાલ્યો. પરંતુ એ દરમિયાન ખબર પડી કે પરવીન પેરાનોઈડ સ્ક્રીઝોફેનીયા નામના રોગની શિકાર છે! એ સતત એવા ડરમાં રહેવા લાગી કે કોઈ એને મારી નાખશે! પછી જે કંઈ થયું એ જાણીતો ઇતિહાસ છે.

અહીં પ્રશ્ન એ છે કે શું પરવીન ખરેખર બીમારીને કારણે સંબંધો ગુમાવતી હતી? કે પછી સંબંધોમાં લગાતાર મોહભંગ થવાને કારણે માનસિક બીમારીનો શિકાર થઇ ગઈ હતી? ડેનીએ એક ઇન્ટરવ્યુમાં કહી દીધું કે પરવીનને પહેલેથી અમુક સમસ્યા હતી. કબીર બેદીએ પણ પોતાની આત્મકથામાં લખી નાખ્યું કે પરવીનની બીમારી વિષે એને જાણ હતી, અને એણે એના ઈલાજ માટે પણ કોશિષ કરેલી. મહેશ ભટ્ટે પણ પોતે પરવીનની બહુ કાળજી લીધી હોવાના દાવા કર્યા છે, પરંતુ હકીકત એ છે કે ભટ્ટ સાથેના સંબંધો દરમિયાન જ પરવીનની માનસિક હાલત સૌથી વધારે કથળી ગઈ! જયારે પરવીનની અવસ્થા બગડી રહી હતી ત્યારે એને વધુ સપોર્ટ આપવાને બદલે ભટ્ટને પોતાના જૂના પરિવાર પાસે પાછા ફરવાનું વધુ યોગ્ય લાગ્યું! જે રાત્રે એણે પોતાનો આ નિર્ણય પરવીનને જણાવ્યો, ત્યારે પરવીન ઘર છોડીને જઈ રહેલા મહેશ ભટ્ટની પાછળ બાવરી બનીને દોડી. ઘરની બહાર આવી ગયેલી પરવીનને એ પણ ભાન ન રહ્યું કે એ સમયે એના શરીર પર પૂરતા વસ્ત્રો ય નહોતા!

પરવીનની દશા શા માટે આટલી બગડી ગઈ? આ પ્રશ્નના અનેક વિરોધાભાસી જવાબો મળે છે. જેની ચર્ચા, પરવીન વિશેના અંતિમ હપ્તામાં


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

1 thought on “પરવીન બાબી મોડી રાત્રે જ્યારે મહેશ ભટ્ટની પાછળ દોડી ત્યારે શરીર પર પૂરતાં વસ્ત્રો ય નહોતાં!!

Leave a Reply to Mahendra Shah Cancel reply

Your email address will not be published.