કલમના કસબી : કનૈયાલાલ મુનશી
રીટા જાની
ગત અંકમાં આપણે વાત કરી રહ્યા હતા મુનશીની પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ ભગવાન કૌટિલ્ય’ ની. તેમાં આપણે આચાર્ય વિષ્ણુગુપ્તની પ્રતિજ્ઞાની વાત જાણી. આજે એ પ્રતિજ્ઞાની સંકલ્પસિદ્ધિની વાત કરવી છે. નૈમિષારણ્યના ભવ્ય ભૂતકાળની છાપ આચાર્ય વિષ્ણુગુપ્તની પ્રતિજ્ઞા પર હતી. તેથી આચાર્ય પ્રતિજ્ઞા લઈને નૈમિષારણ્ય જવા નીકળી પડ્યા. સહજ કુતૂહલ જાગે કે કેવું હતું આ નૈમિષારણ્ય?
‘નૈમિષારણ્યમાં ધુમ્રમય પણ પારદર્શક વાતાવરણ ચારે તરફ વિસ્તરતી પર્વતમાળાઓ પર પ્રસરી રહ્યું હતું. ઉત્તરમાં દૂર ને દૂર મોટા પર્વતો વધતા હતા અને વાદળોની પેલી તરફ એક ગિરિરાજનું હિમશૃંગ ગગન ભેદતું હતું. ગરમી, ઠંડી, તેજ ને છાયા બધાંનો અદ્ભુત સમન્વય જોનારની દરેક ઇન્દ્રિયને મુગ્ધ કરતો હતો. નાનામોટા ઝરાઓ હીરાની માફક ચમકતા હતા. અનેક ઠેકાણે મંત્રોચ્ચારનો મીઠો, પ્રેરણાવાહક ધ્વનિ બીજા ધ્વનિ સાથે મળી આ શાંત અને રમણીય સ્થળનો વિશુદ્ધ અને સમૃદ્ધ પ્રાણ હોય એમ ઉપર ને ઉપર આવતો હતો. આ અરણ્યની મોહિની અને તેનો પ્રતાપ જાણે આત્મામાં અમી રેડતા હોય એમ લાગતું. અહીં સવિતાનારાયણના કિરણો તેજછાયાના ચંચળ પાથરણા પર જુદી જુદી ભાત પાડતા હતાં. સ્વપ્નમાં સુલભ એવું સુકુમાર વાતાવરણ અનંત અપૂર્વતાની ઝાંખી કરાવતું હતું. કિરમજિયાં, પારિજાત અને જાસૂદના પુષ્પો આનંદથી ડોલતી સૃષ્ટિમાં રંગવૈવિધ્યની છાંટ પાડતાં હતાં. અહીં ભગવાન વેદવ્યાસે વર્ષોની તપસ્યા કરી ત્રણ વેદ અને ઈતિહાસનો ઉદ્ધાર કર્યો. તેમને અહીં વિદ્યા અને વાચાનું ઐશ્વર્ય હાથ લાગ્યું. તેમના નેત્ર આગળ સકળ સૃષ્ટિ શબ્દરૂપે ને શબ્દસામર્થ્ય પ્રણવરૂપે પ્રગટ્યાં. તેમને શબ્દબ્રહ્મનો સાક્ષાત્કાર થયો. ત્યારથી આ નૈમિષારણ્ય શબ્દનું વિશુદ્ધ સામર્થ્ય સાચવવાનું કોષાગાર બન્યું. અહીં એવા મહર્ષિઓ થયા જેમના શબ્દો સંજીવની સમા હતા, જેમની દૃષ્ટિ ત્રિકાળને પોંખતી, જેમની તપશ્ચર્યાને ધારતી, જેમના સંસ્કારે નૈમિષારણ્ય બ્રહ્માંડનું કેન્દ્ર બન્યું હતું. અહીંયાથી ધર્મનો સ્રોત પ્રગટતો, રાજત્વને નિર્મળ કરતો, લોકસંગ્રહને મોક્ષમાર્ગ બતાવતો, બધાને ઇન્દ્રિયવિજય સરળ કરી આપતો, આર્યાવર્તને દેવભૂમિથી ઉજ્જવળ ને પિતૃલોકથી નિર્મળ બનાવતો.’
આવા પવિત્ર વાતાવરણમાં કોઈ શસ્ત્ર સાથે ન આવતું. પણ કહેવાય છે ને કે જ્યારે અશક્તિમાન અશક્ત બને ત્યારે સાધુ થાય છે; શક્તિમાન અશક્ત બને ત્યારે ઝનૂની બને છે. નંદો બ્રાહ્મણોના દ્વેષી હતા, વિદ્યાના શત્રુ હતા. વેદ ને વર્ણાશ્રમ, મોક્ષ ને તપશ્ચર્યાને તે તિરસ્કારતા. તેમની સત્તાના સ્રષ્ટા તે પોતે જ હતા. તેમણે પોતાના બળ ને નીતિથી કોઈથી ન થઈ શક્યું એવું રાજ્ય સ્થાપ્યું હતું. તેને પડકારનાર આચાર્ય વિષ્ણુગુપ્તની પાછળ સેનાપતિ સેનાજિતને મોકલ્યો. આવા રમણીય સ્થળમાં, જ્યાં મૃગો અને સારસ નિર્ભય રીતે વિહરતાં ત્યાં સેનાજિત બ્રાહ્મણને મારવા શસ્ત્રસજ્જ સૈનિકો લઈને જતો હતો.
વનના ભયંકર એકાંતમાં મૃત્યુ ચારે તરફ ઝઝૂમતું હતું, છતાં ચાણક્યના ડગલાં દ્રઢ હતાં, દૃષ્ટિ સચોટ હતી અને દંડો અડગ હતો. હંમેશના જેવી શાંતિથી આ જંગલની વિનાશક શક્તિઓનો સંદેશો તે સ્થિર ચિત્તે સાંભળી રહ્યા હતા. અનુભવ, સંસ્કાર ને સ્વભાવના આવરણો દૂર કરી તેમણે આત્મા ને પ્રકૃતિના સમાન તત્વોને એકરસ થવા દીધા. તેમના આ અનુભવો ઇન્દ્રિયોની લાલસામાંથી ઉદભવ્યા નહોતા. એમણે મંત્રભૂમિમાં, રણમાં, આશ્રમમાં, એકાંતમાં એક અને અવિયોજ્ય આત્માનું દર્શન કર્યું હતું. ચારે તરફ તરવરી રહેલી શકિતઓને તે પોતાના તરફ આકર્ષી રહ્યા. તેમના આત્માની સર્જક અને વિનાશક વૃત્તિઓ ચારે તરફ ફરી વળતી હતી. બ્રહ્માંડના એ આત્માએ તેમની બુદ્ધિ સંસ્કારરૂપે વ્યક્ત કરી હતી. આ નૈમિષારણ્ય એ બ્રહ્માંડનો આત્મા છે , સંસ્કારસરિતા છે , ઋષિઓની પરંપરાનો આવિર્ભાવ છે. અહીં વિષ્ણુગુપ્ત, ઉદ્દાલકની ગુફામાં ચંદ્રગુપ્તને મૂકી મહર્ષિ વેદવ્યાસની પાદુકાના દર્શન માટે આગળ વધે છે કારણ કે વેદવ્યાસની પાદુકાઓ તેમનો પ્રેરણાસ્ત્રોત હોય તેમ લાગે છે. અહીં તેમને પ્રતીતિ થાય છે કે નૈમિષારણ્ય એ વિદ્યાના સર્જનની દિવ્ય મંદાકિની છે, જ્યાં બ્રહ્માંડનો પરમ આત્મા વિશુદ્ધ અને પૂર્ણતામાં અદ્ભુત અને સનાતન શબ્દ બ્રહ્મસ્વરૂપે પ્રગટે છે.
આ મંદાકિની ડહોળાઈ હતી, અનેક અંતરાયો તેના પ્રવાહ અને નિર્મળતાને કલુષિત કરતાં હતાં, રાષ્ટ્રો અંદરોઅંદર કપાતાં હતાં, છિન્ન ભિન્ન પ્રજાઓ લોકસંગ્રહમાં ઘડાતી નહોતી. કોઈ સરિતાને રોકતા, તો કોઈ એને મલિન કરતાં. કલિ જેવા પ્રચંડ મહાપદ્મના કુળે આ સરિતાના શોષણને કુળધર્મ બનાવ્યો હતો. અજ્ઞાન, અધમતા ને દ્વેષ ચારે તરફ પ્રવર્તતા. આ સરિતાની દિવ્યતા જાળવતો એક તરંગ એટલે વિષ્ણુગુપ્ત ચાણક્ય. સરિતાની મંદ ગતિ થવાનું રહસ્ય તે જાણતા હતા. સ્વચ્છંદી, અસંસ્કારી મહાપદ્મ નંદ, ગતિ રોધી ઊભો હતો. આ રાજત્વને સદાને માટે ખસેડવા કુમાર ચંદ્રગુપ્તને પોતાનો કરી, તેમણે નંદના રાજ્યને હચમચાવવાનો આરંભ કર્યો હતો. રાજત્વ, શસ્ત્રવિદ્યા, દંડનીતિ, વાર્તા, અર્થશાસ્ત્રના અંગ છે. અર્થશાસ્ત્ર વિદ્યાનું અંગ છે. વિષ્ણુગુપ્તને ઇન્દ્રિયજય કરી હવે પોતાની શક્તિ વડે રાજત્વને વિનયદોરીએ નાથી તેને સરિતામાય બનાવવું હતું. દુ:સાધ્ય ને ભયંકર મહત્વાકાંક્ષા! સમય વહી ગયો, દૃષ્ટા પ્રગટ્યો. નૈમિષારણ્યમાં અગાધ શક્તિ પ્રગટી, એ શક્તિથી તેણે રાજત્વને પોતાનું કર્યું, વિદ્યાને પોતાની કરી, વિનયને પોતાનો કર્યો. આ ત્રણેના એકીકરણના બળથી પ્રચંડ અસ્મિતા પ્રગટી; તે ચણકનો પુત્ર વિષ્ણુગુપ્ત થઈ ગઈ. આ શક્તિ એ વિષ્ણુગુપ્ત પાસે ચંદ્રગુપ્તના રાજત્વની સ્થાપનાનું કારણ બને છે. અને એ જ વિષ્ણુગુપ્તના સંકલ્પની સિદ્ધિ છે.
ભગવાન કૌટિલ્ય કે આચાર્ય વિષ્ણુગુપ્ત એ વ્યક્તિલક્ષી કથા નથી પણ બે સમાંતર પ્રવાહોની કથા છે. કૌટિલ્ય છે સંમિલિત બિંદુ, જેની શક્તિ વિદ્યા અને વિનયને રાજત્વ સાથે સંમિલિત કરે છે. કૌટિલ્ય સમયના દ્રષ્ટા છે અને આ દ્રષ્ટિ, આ દર્શન, સમયાતીત છે. સમય એક મહાતરંગ છે અને વિષ્ણુગુપ્ત તેની સાથે એકાકાર બને છે. હવે તેની શક્તિ અને દ્રષ્ટિ સમયાંતર બને છે અને બ્રહ્માંડના તરંગો સાથે એકાકાર બને છે. અને જ્યારે વ્યક્તિ સમયની આરપાર દ્રષ્ટિ વિસ્તારી શકે ત્યારે જ પ્રગટે છે અલૌકિક શક્તિઓ. જે નંદ તો શું પણ સ્થળ અને કાળના બંધનો તોડી કોઈ પણ સ્વચ્છંદી સત્તાધીશને જડમૂળથી ઉખેડી નાખવા સક્ષમ છે. વ્યક્તિ હોયકે વ્યક્તિવિશેષ, છેવટે તો એ બ્રહ્માંડની ચેતનાનો એક તરંગ માત્ર છે. મહામાનવ, મહર્ષિઓ કે યુગપુરુષો પણ આ ચેતનાના મહાતરંગો જ છે. મુનશી પોતાની કલમના કસબ દ્વારા એક ઐતિહાસિક કથાને નૈમિષારણ્યના રૂપક દ્વારા એક તત્વદર્શન અને આધ્યાત્મિક સ્પર્શ આપે છે, જે ‘ભગવાન કૌટિલ્ય’ ને એક અવિસ્મરણીય કૃતિ બનાવે છે.
સુશ્રી રીટાબેન જાનીનો સંપર્ક janirita@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.