નિષ્ક્રિય વિધાનગૃહો અને અનુદાર રાજનીતિ

નિસબત

ચંદુ મહેરિયા

ભારતીય લોકતંત્રની હમણાંના વરસોની તાસીર સંસદ અને રાજ્યોના વિધાનગ્રુહોના કામના કલાકોમાં ઘટાડા છતાં વધતી સંસદીય કાર્યવાહીની છે. તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયનની ટ્વીટ ટિપ્પણી,  ” પાસિંગ લેજિસ્લેશન ઓર મેકિંગ પાપડી-ચાટ ?”, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષને બહુ ચચરી હતી. પણ હકીકત છે કે પેગાસસ જાસૂસી મુદ્દે હંગામેદાર રહેલા સંસદના વર્ષાસત્રમાં નિર્ધારિત કામના કલાકોમાંથી લોકસભામાં ૧૯ ટકા અને રાજ્યસભામાં ૨૬ ટકા જ કામ થઈ શક્યું હતું. છતાં  આ જ સત્રમાં ૧૨૭મા બંધારણ સુધારા ખરડા સાથે વીસ વિધેયકો મંજૂર થઈ થયાં  મોટાભાગના વગર ચર્ચાએ , પાંચ-પંદર મિનિટની ચર્ચાથી અને રજૂ  થયા એ જ દિવસે પસાર થયાં.હતા. ટ્વેન્ટી- ટ્વેન્ટી ક્રિકેટથી ય વધુ ત્વરા દૂરોગામી અસરો જન્માવતા કાયદાના ઘડતરમાં જોવા મળે તે સ્થિતિ ચિંતાજનક છે  વિપક્ષની પાણી-પુરી બનાવો છો કે કાયદા ?એવી ટીકા પણ લાજમી ઠરે છે.

તેરમી મે ૧૯૫૨ના રોજ લોકસભાની પ્રથમ બેઠક મળી હતી. એ ઘટનાને છ દાયકા થશે. સંસદ અને રાજ્યોના ધારાગ્રુહોનું કામ કાયદા ઘડવાનું, નાણાકીય અને વહીવટી નીતિ-નિયમો ઘડવાનું  છે. દેશ સમક્ષના પ્રશ્નોની તેમાં ચર્ચા વિચારણા થાય છે. બજેટ સત્ર, વર્ષા સત્ર અને શિયાળુ સત્ર એવા વરસે ત્રણ સત્રો ,બે સત્રો વચ્ચે છ મહિનાથી અધિકનો સમય ન થાય તે રીતે, મળવા જરૂરી હોવાની જોગવાઈ છે. તે માટે નિયમિત રીતે વિધાનગૃહોની બેઠકો મળવી જોઈએ.

૧૯૫૨માં લોકસભાની ૧૦૩ બેઠકો મળી હતી.  ૧૯૫૬માં મળેલી ૧૫૧ બેઠકોનો વિક્રમ તો કદી ન તૂટ્યો પણ બેઠકોની સંખ્યા વરસોવરસ ઘટતી રહી છે. ૧૯૭૪ સુધી લોકસભાની વરસે સો બેઠકો મળતી હતી. પણ હવે તે બાબત ભૂતકાળની બની ગઈ છે. ૧૯૭૪ થી ૨૦૧૧ દરમિયાનના પાંત્રીસ વરસોમાં માત્ર  પાંચ જ વખત લોકસભાની સો કરતાં વધુ બેઠકો મળી હતી. ૨૦૦૮માં માત્ર ૪૬ અને ૨૦૨૦માં ૩૩ જ બેઠકો મળી હતી.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછીનું  આ લાગલગાટ છઠ્ઠું સંસદ સત્ર એના નિર્ધારિત સમય કરતાં વહેલું આટોપી લેવાયું છે. છતાં લોકતંત્ર મજબૂત અને પરિપકવ થઈ રહ્યાની દુહાઈ સાથે સંસદીય કાર્યવાહી ચાલતી રહે છે, અંદાજપત્રો પસાર થાય છે, કાયદા ઘડાય છે અને બંધારણમાં સુધારા પણ થાય છે.

જે સ્થિતિ સંસદની છે તે જ રાજ્યોની વિધાનસભાઓની પણ છે. હાલમાં ઘણા બધા રાજ્યોની વિધાનસભાઓના, ગુજરાતની જેમ એક-બે દિવસના, વર્ષાસત્રો જાણે કે છ મહિને મળવાની ઔપચારિકતા ખાતર મળી રહ્યા છે. ૨૦૧૭ થી ૨૦૧૯ના વરસોમાં ઉત્તરપ્રદેશ વિધાનસભાની સરેરાશ ૨૪, પશ્ચિમ બંગાળની  ૪૦ અને કેરળની ૫૩ બેઠકો મળી હતી.પીઆરએસ લેજિસ્લેટિવનો એક અભ્યાસ જણાવે છે કે બારમી ગુજરાત વિધાનસભા (૨૦૦૮-૨૦૧૨)માં ૯૦ ટકા બિલો રજૂ થયા તે જ દિવસે પસાર થઈ ગયા હતા. ૨૦૧૨માં દિલ્હી વિધાનસભાએ એક બિલ દસ જ મિનિટમાં પસાર કર્યું હતું. ગોવા વિધાનસભામાં કોઈ પણ ચર્ચા વિના સરેરાશ ચાર જ મિનિટમાં બિલો પસાર થાય છે. ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન હરિયાણા વિધાનસભાની સરેરાશ ૧૧ બેઠકો જ મળી હતી. તેમાં ૭૦ ટકા ચર્ચા બજેટ પર થઈ હતી. બાકીના ૩૦ ટકા સમયમાં ૧૨૯ વિધેયકો રજૂ થયા કે તુરંત મંજૂર થયા હતા.

સંસદમાં સમયના અભાવે ખરડાઓની ઝીણવટથી ચર્ચા કરી સર્વસંમતિ ઉભી કરી શકાતી નથી. એટલે તેને સંસદીય સમિતિઓને સોંપવાની જોગવાઈ છે.કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારોના કાર્યકાળની ચૌદમી લોકસભામાં ૬૦ ટકા અને પંદરમીમાં ૭૧ ટકા બિલો સંસદીય સમિતિઓને સોંપવામાં આવ્યા હતા. પરંતુ વર્તમાન સરકારના શાસનકાળમાં બિલોને સંસદીય સમિતિઓને સોંપવાનું વલણ ઘટી ગયું છે. સોળમી લોકસભામાં માત્ર ૨૭ ટકા બિલો જ સંસદીય સમિતિઓના હવાલે કરવામાં આવ્યા હતા. હાલની લોકસભાના સમયમાં બહુ જ થોડા બિલો સંસદીય સમિતિને સોંપવામાં આવ્યા છે.

પૂરતી ચર્ચા વિના ઉતાવળે પસાર થયેલા બિલો પરથી કાયદા બન્યા પછી તેની કાયદેસરતાને ચકાસવા બંધારણીય સમીક્ષા માટે અદાલતોનો આશરો લેવો પડે છે તેનાથી અદાલતોનું ભારણ બિન જરૂરી વધતું હોવાની અને સાંસદો પોતાની ફરજો યોગ્ય રીતે નહીં બજાવતા  હોવાની ચિંતા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમન્નાએ વ્યક્ત કરી છે. ઉતાવળે પસાર થયેલા ખરડાઓની કેવી દશા થાય છે તેના તાજા ઉદાહરણ ગુજરાતનો લવજેહાદનો કાયદો અને કેન્દ્રનું નાગરિકતા સંશોધન બિલ છે. ગુજરાતના લવ જેહાદના કાયદાની મહત્વની મનાતી જોગવાઈઓ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે. નાગરિકતા બિલને સંસદે દોઢેક વરસ પૂર્વે મંજૂર કર્યું હોવા છતાં હજુ તેના નિયમો ઘડાયા નથી કે તે કાયદો અમલી બન્યો નથી.

વિપક્ષને શત્રુ ગણતા સત્તાપક્ષ અને સંવાદહીન ધારાગ્રુહોનું વાતાવરણ દેશમાં પ્રવર્તે છે સંસદના છેલ્લા વર્ષાસત્રમાં તે જોવા મળ્યું.છે. કોરોનાના બીજા ખતરનાક બનાવાયેલા તબક્કામાં સારવાર અને ઓક્સિજનના અભાવે થયેલાં અગણિત મોત, વેક્સિનની કિંમત તથા કિસાન આંદોલનની છાયામાં સંસદનું વર્ષાસત્ર મળ્યું હતું. આ બાબતે સરકારની નિષ્ફળતા ઉપરાંત વિપક્ષ પાસે ગરીબી, બેરોજગારી અને મોંઘવારી જેવા સનાતન મુદ્દાઓ તો હતા જ. પરંતુ સંસદના વર્ષા સત્રના ઉઘડતા દિવસે જ પેગાસસ જાસૂસીનો નવો મુદ્દો ઉઠ્યો.

સંસદમાં વિપક્ષની માંગ જાસૂસીની કોઈ તપાસની નહીં પણ યોગ્ય નિયમ હેઠળ ચર્ચાની હતી. પરંતુ લોકસભામાં જોરાવર બહુમતી ધરાવતા સત્તાપક્ષ ભાજપે  સંવાદહીન લોકતંત્રની છાપ કાયમ રાખીને વિપક્ષની વાત ન માની. સરકારે સંસદમાં ફટાફટ બિલો પસાર કરાવ્યા અને વહેલું સત્ર આટોપી લીધું.  કેન્દ્રના સત્તા અને વિપક્ષોશાસિત રાજ્યોમાં પણ વિપક્ષો વિરોધી માનસિકતા છે. કેન્દ્રના કોંગ્રેસ સહિતના વિપક્ષોના સત્તાવાળા રાજ્યોની વિધાનસભાઓમાં કેન્દ્રના નાગરિકતા અને કૃષિ ખરડાઓની વિરુધ્ધમાં પ્રસ્તાવો પસાર થયા છે. ધારાગૃહોનો બહિષ્કાર અને હોબાળાથી કામગીરી અટકાવવાનું વલણ અપવાદને બદલે રાબેતો બની ગયો છે. સંસદ અને વિધાનસભાઓમાં સંવાદહીનતા અને સર્વસંમતિના અભાવને કારણે સરકારના લોકહિત વિરોધી  કાયદા કે પગલાં માટે લોકોને સડક પર આવવું પડે છે.

થોડા સમય પહેલાં પાકિસ્તાનની સંસદમાં ઈમરાનસરકારના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ વિપક્ષ સમક્ષ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે જો વિપક્ષો સરકારની જ્યાં બહુમતી નથી એવા સંસદના બીજા ગૃહની કાર્યવાહીમાં કોઈ ખલેલ નહીં પહોંચાડવાની લેખિત બાંહેધરી આપે તો જ આ ગૃહમાં વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવશે. ભારતમાં શું આપણે આવી સ્થિતિ નોતરવી છે.?

વડાપ્રધાને ૨૦૧૯માં ‘મનકી બાત’માં કહ્યું હતું કે “કાયદા અને નિયમો સિવાય પણ લોકતંત્ર આપણા લોહીમાં વણાયેલ છે, તે આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે.” જો કે દેશની સંસદ અને રાજ્યોના  ધારાગૃહોની કાર્યવાહીમાં આ વાતનો પડઘો જોવા મળતો નથી. લોકતંત્ર એટલે માત્ર ચૂંટણીઓ જ નહીં સ્વતંત્ર, ન્યાયી અને સતત સંવાદ સાધતી સંસદ અને ધારાગૃહો પણ.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.