સમાજ દર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
અગાઉનાં પ્રકરણમાં આપણે સમાજમાં પ્રસરતી જતી સામૂહિક માનસિક બીમારીનાં લક્ષણો જોઈ ગયા. એરિક ફોર્મના પુરોગામી ફ્રોઈડે આ વાત તેમનાં પુસ્તક civilization and its discontent ( ‘સભ્ય સમાજ અને તેનો અસંતોષ’)માં વિગતે ચર્ચી છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં કોઈ ‘સભ્ય સમાજોની બીમારી’ બાબતે સંશોધન હાથ ધરશે. આપણા આ લેખકનો હેતુ આવા સંશોધનનો તો છે જ, ઉપરાંત સમાજની માનસિક અસ્વસ્થતા દૂર કરીને તેને સ્વસ્થ કે શાણો બનવા માટેના ઈલાજો બતાવવાનો પણ છે. લેખક સ્પષ્ટપણે માને છે કે માણસની માનવ તરીકેની સાચી જરૂરિયાતોને અનુરૂપ જે સમાજવ્યવસ્થા હોય તે શાણો સમાજ કહેવાય. આ મૂળભૂત જરૂરિયાતો માનવ સ્વભાવને આધારે નક્કી થાય છે. આથી આ પ્રકરણમાં આપણે માનવ સ્વભાવ અને તેના ફળસ્વરૂપ અન્ય પ્રાણીસૃષ્ટિથી નિરાળા એવા માણસની મૂળભૂત જરૂરિયાતો વિષે વાત કરીશું
ભૂખ, તરસ અને જાતીય વૃતિ જેવી શારીરિક જરૂરિયાતોની બાબતે તો માનવી અને અન્ય પ્રાણીઓમાં કોઇ જ તફાવત નથી. જો કે કેટલાક ઉચ્ચ સ્તરના પ્રાણીઓમાં બુદ્ધિનું તત્વ પણ દેખા દેતું હોય છે. આમ છતાં માનવ સિવાયનું દરેક પ્રાણી પ્રકૃતિનું અંગ રહીને જીવશાસ્ત્રના નિયમ પ્રમાણે વર્તે છે. જીવન જીવવા માટે સંઘર્ષ તો તેણે પણ કરવો પડતો હોય છે, પરંતુ કુદરતે તેનાં શરીરને પરિસ્થિતિને અનુરૂપ બનવા સુસજ્જ કરલું છે.
હવે બન્યું એવું કે ઉત્ક્રાંતિના કોઈ એક તબક્કે આપણા પૂર્વજના જનીનમાં એવો ખળભળાટ થયો કે માનવીને અન્ય પ્રાણીથી અલગ પાડતી એવી સમજશક્તિ તેનામાં પ્રગટી. પરિણામે માનવી પોતાનાં જીવન પ્રત્યે ખૂબ જ સભાન બન્યો. તેને ખ્યાલ આવ્યો કે પોતાને અચાનક આ જગતમાં મૂકી દેવામાં આવ્યો છે અને અચાનક આ વિશ્વમાંથી ઉપાડી લેવામાં આવશે. પોતાનું જીવન એક કોયડો છે તેમ તેણે અનુભવ્યું. અન્ય પ્રાણીઓ તો નિયતિથી જીવતા હોય છે જ્યારે માનવીએ જાતે જ જીવવા પ્રયાસો શરૂ કર્યા. બહુ જ સાદી અને સાર્વત્રિક લાગતી પણ માત્ર મનુષ્ય જ અનુભવે છે એવી કંટાળાની લાગણીને લેખક માણસને જાતે જ જીવવું પડે છે તેના પુરાવા તરીકે રજૂ કરે છે.
પ્રકૃતિના ભૌતિક નિયમને વશ તો માનવે રહેવું જ પડતું હોવા છતાં તેણે જીવનરૂપી કોયડો ઉકેલવા અને પોતાની રીતે જીવવા માટે પ્રકૃતિને અતિક્રમી જવાના પ્રયાસો કર્યા. આ પ્રક્રિયામાં તેણે પ્રકૃતિ સાથેની એક્તા ગુમાવી. પરિણામે કુદરત સાથેની તેની ‘સુસંવાદિતા’માં ખલેલ પડી. આશીર્વાદરૂપ લાગતી સમજશક્તિએ માનવીની મૂળભૂત શારીરિક જરૂરિયાતો ઉપરાંત વધારાની જરૂરિયાતો પણ ઊભી કરી. માનવીય વિકાસ માટેની તેની આ જરૂરિયાતો વિશે આપણે સમજવા પ્રયાસ કરીએ.
અગાઉ જણાવ્યાં પ્રમાણે બીજાં પ્રાણીઓ તો હંમેશા પ્રકૃતિની સાથે જોડાયેલા જ હોય છે પરંતુ માનવી પોતાની સમજશક્તિના વિકાસના કોઈ તબક્કે કાંઇક અંશે પ્રકૃતિથી વિખુટો પડી ગયો. હવે ત્રિશંકુની જેમ તે લટકીને થોડો રહી શકે? આથી તેણે કોઇ અવલંબન શોધવા માટે પોતાના માનવબંધુ સાથે નાતો જોડ્યો. આ નાતો એટલે બીજું કશું નહિ પણ કોઇ વ્યક્તિ, સમૂહ કે કોઈ સંસ્થા સાથે જોડાઈને તેની *શરણાગતિ શોધવી, અથવા તો કોઈ સમૂહનો સરમુખત્યાર બનીને માનવબંધુઓ સાથે પોતાનો નાતો જોડવો. આ બન્ને માટે મિલનસારતાનો ગુણ હોવો તેની જરૂરિયાત બની ગઈ. જો માણસ મિલનસાર બની શકતો નથી તો સ્વકેન્દ્રી બની જાય છે. સ્વકેન્દ્રીપણું એ માનસિક અસ્વસ્થતાનું જ લક્ષણ છે.
શરણાગતોએ તથા સરમુખત્યારે એકબીજાનો આશ્રય કે અવલંબન શોધીને વિશ્વ સાથે એકરૂપ થવાના પ્રયાસો તો કર્યા, પરંતુ બન્નેને એમ લાગ્યું કે આ જોડાણથી તે પોતાનું આગવું વ્યક્તિત્વ(આત્મનિષ્ઠા) ખોઈ બેઠો છે. દરેકને પોતાની આત્મનિષ્ઠા કે સ્વતંત્ર વ્યક્તિત્વ તો જાળવી જ રાખવાં છે સાથે સાથે વિશ્વ સાથે એકરૂપ પણ બનવું છે. આનો ઉકેલ જેને આપણે પ્રેમ કહીએ છીએ તેણે પોતાની ભૂમિકા ભજવીને શોધી આપ્યો. લેખકના મત મુજબ પ્રેમ કદી એકાંગી નહિ પણ સાર્વત્રિક હોય છે. -વિશ્વ સાથે એકરૂપ થવું અને સાથોસાથ આત્મનિષ્ઠા અને પોતાના આગવા વ્યક્તિત્વની અનુભૂતિ પણ કરવી- માણસની આ બેવડી ભૂખ માત્ર પ્રેમ દ્વારા જ સંતોષાય છે. પ્રેમ મતલબ – હું જ્યારે પ્રેમ કરું છું ત્યારે હું સર્વ સાથે એકાકાર છું અને સાથોસાથ હું આગવી માનવ વ્યક્તિ પણ છું.-
આમ મિલનસારતાએ માણસનો માનવવિશ્વ સાથે તેનો નાતો જોડી આપ્યો અને માનવીય વિકાસ તરફ તેનું પ્રસ્થાન કરાવ્યું. માણસને પોતાને હવે લાગ્યું કે તે અન્ય પ્રાણીની જેમ પ્રકૃતિદત સહજવૃતિથી દોરવાતી એવી નિર્જિવ અને નિષ્ક્રિય કઠપૂતળી નથી. કોઈનું સર્જન એવો તે પોતે પણ સર્જકની ભૂમિકા ભજવવા મથ્યા કરવા લાગ્યો. તેણે ભૌતિક વસ્તુઓ, કળા અને વિચારો સુદ્ધાનું સર્જન કર્યું. આ સર્જનશીલતા એ માનવીની અન્ય પ્રાણીઓથી ઉપર ઉઠવાની માત્ર પ્રક્રિયા જ નથી પરંતુ સાચી દિશામાં ડગ માંડવા માટેની તેની જરૂરિયાત પણ છે. જો કે માત્ર સર્જનશીલ બનીને જ નહિ પણ પ્રેમના અભાવે ઘૃણાથી પ્રેરાયેલો તે વિધ્વંશક બનીને પણ અન્ય પ્રાણીસૃષ્ટિથી જુદો તો પડી શકે છે, પરંતુ લેખક જણાવે છે કે સર્જનની પ્રેરણા સંતોષાવાથી સુખ અને સમાધાન મળે છે, જ્યારે વિધ્વંસકતામાંથી દુ:ખ અને વ્યથા જન્મે છે, ખાસ કરીને વિધ્વંસકના પોતાના માટે. આમ માનવીની સાચી જરૂરિયાત સર્જનશીલતા છે, નહિ કે વિધ્વંસકતા.
આપણે અગાઉ જોઇ ગયા કે વિકાસની પ્રક્રિયામાં માણસ પ્રકૃતિથી વેગળો બન્યો. પરંતુ આ વેગળો બનવાની પ્રક્રિયા આસાન નથી અને કાંઇક અંશે તેને ભયજનક પણ લાગે છે. માનવી પોતાનાં પ્રાકૃતિક મૂળ જેટલાં પ્રમાણમાં છોડશે તેટલા પ્રમાણમાં તે નવાં માનવીય મૂળ નહિ મેળવે તો તે એકલવાયાપણું ને નિ:સહાયતા અનુભવશે. છેવટે તેની માનસિક સ્થિરતા પણ કદાચ ડગી જાય. આથી જ માનવીમાં પ્રાકૃતિક મૂળિયાં ન છોડવાની તીવ્ર વૃતિ હોય છે. આ વૃતિને લેખક ગોત્રગમન કહે છે
આ પ્રાક્રુતિક મૂળિયા એટલે શું તે આપણે સમજી લઈએ. માણસ જ્યારે ગર્ભવાસમાં હોય છે ત્યારે માતા સાથે તે ખૂબ તીવ્ર રીતે જોડાયેલો હોય છે અને ત્યાં તેને એક પ્રકારે સલામતી લાગતી હોય છે. આથી માતાનાં ઉદરમાંથી તેનું બહાર આવવું એ કુદરતી જોડાણ તોડવાની સૌ પ્રથમ ઘટના છે જેનાથી તે ભય અને અસલામતી અનુભવે છે. તેનામાં પોતાના મૂળ સ્થાને પાછા ફરવાની તીવ્ર વૃતિ જાગે છે. જન્મ પામ્યા પછીના ક્રમમાં તેનું નૈસર્ગિક જોડાણ પોતાનાં લોહીના સગાઓ અને જન્મભૂમિ સાથેનું છે. અહીં પણ તે સલામતી અનુભવે છે. માતા, લોહીના સગાઓ તથા માતૃભૂમિ સાથેના આ જોડાણોને લેખક માણસના પ્રાકૃતિક મૂળિયા તરીકે ઓળખાવે છે જેમને છોડવાથી તે ડરતો હોય છે. આ બધા ડર સામેની લડાઇ લડીને પોતાના આ પ્રાકૃતિક જોડણોથી મુક્ત થઈ જવું અને તેને સ્થાને નવા માનવ કે ખાસ કરીને માનવસમૂહ સાથે પોતાનો નાતો જોડવો તેને લેખક બંધુતા તરીકે ઓળખાવે છે. આ બંધુતા જ તેના માનવીય વિકાસ તરફ દોરી જતી હોઈ તેની જરૂરિયાત બની રહે છે. એથી વિરુદ્ધ માણસની પ્રાકૃતિક મૂળિયા નહિ છોડવાની વૃતિ જેને લેખક **ગોત્રગમન તરીકે ઓળખાવે છે તે માનવીય વિકાસમાં અંતરાય છે.
આટલું જાણ્યા પછી આપણે સમજી શકીએ છીએ કે રાષ્ટ્રવાદ એ પણ એક પ્રકારે ગોત્રગમન છે અને તેથી જ માનવીય વિકાસ માટે બાધારૂપ છે. લેખક તો ત્યાં સુધી કહે છે કે દેશભક્તિ એ રાષ્ટ્રવાદની આરાધના માટેની આપણી માત્ર ***મૂર્તિપૂજા જ નથી, આપણું ગાંડપણ પણ છે. આ સમજાવવા માટે તેઓ એક સરસ ઉદાહરણ આપે છે. જો કોઈ માણસ એમ કહે કે હું મારા દેશને ચાહતો નથી અથવા તો યુદ્ધમાં મારો દેશ વિજય મેળવે એવું હું ઇચ્છતો નથી, તો તેના તીવ્ર પ્રત્યઘાત અલબત પડવાના. લોકો તેને વધુમાં વધુ દેશદ્રોહી કહેશે. પરંતુ તે માણસ જો ભરબજારમાં રાષ્ટ્રધ્વજના લીરેલીરા ઉડાડશે કે તેને પગ તળે કચરી નાખશે તો ટોળું ભેગું થઈને તેને પૂરો જ કરી નાખશે. મતલબ દેશ કરતા દેશનું પ્રતિક કે મૂર્તિ એવો રાષ્ટ્રધ્વજ વધારે પવિત્ર ગણાય છે. આને મૂર્તિપૂજા નહિ તો બીજું શું કહીશું?
એરિક ફ્રોમ લખે છે કે માનવીય વિકાસ તેના નવપ્રસ્થાનમાં મનુષ્ય આગળ વધીને એવા પડાવે આવી પહોંચ્યો કે શારીરિક જન્મ એ તો માનવની જન્મ પામવાની ક્રિયાનો આરંભ જ ગણી શકાય. આખા જીવનપર્યંત તે જન્મ પામતો જ રહે છે. આ જન્મ પામવો એટલે શું? એ પોતે બોલતો થાય, એના મનમાં ભાવ ઉઠવા લાગે, તેનામાં પ્રેમ, સમજ બુદ્ધિ, નિરીક્ષણશક્તિ વગેરેનો વિકાસ થતો રહે. આ રીતે જન્મ પામવું એક સતત પ્રક્રિયા છે. ખરેખર તો મરણ વખતે આપણે પૂરેપૂરા જન્મી ચૂક્યા હોવા જોઈએ, પરંતુ જેને અપણે બુદ્ધ પુરુષો કહીએ છીએ તે સિવાયના મોટાભાગના લોકો પરિપૂર્ણ જન્મ પામે તે પહેલાં જ મૃત્યુ પામે છે. વ્યક્તિ માનવની આ વાત તેઓ સમગ્ર માનવજાતને લાગુ પાડીને જણાવે છે કે માનવજાતનો ઈતિહાસ એ આવા જન્મ પામવાની પ્રક્રિયાનો ઈતિહાસ છે. આપણને આજે જે જોવા મળે છે તે વિવેકબુદ્ધિ, બંધુપ્રેમ વગેરેનું માનવમાં પ્રાગટ્ય થતા હજારો વર્ષ લાગ્યા. આ સાથે પૂર્ણ પ્રબુદ્ધ માણસ કેવો હોવો જોઇએ એવા દર્શનોનો પણ વિકાસ થયો. માનસશાસ્ત્રીઓએ કરેલી આ વાત વિશ્વના જુદા જુદા ભાગ જેવા કે પેલેસ્ટાઇન, ઇજિપ્ત, ચીન ભારત, ગ્રીસ વગેરે સ્થળોમાં એકબીજાથી અપરિચિત એવા માનવગુરુઓએ કરેલા દર્શનને ખૂબ મળતી આવે છે. આમ બનવાનું કારણ સમજાવતા લેખક જણાવે છે કે આખરે તો આ ધર્મિકગુરુઓએ માણસનાં મનનો જ અભ્યાસ કરેલો છે.
લેખકની આ વાત હું જે રીતે સમજ્યો છું તે પ્રમાણે બુદ્ધથી માંડીને ગાંધી સુધીના મહાપુરુષોની મથામણો માનવ સમાજને પૂર્ણપણે જન્મ પામવા માટેના રસ્તાઓ દર્શાવવાની છે.
સ્વંતંત્રતા એ માનવીય વિકાસના ક્રમમાં એક મોટું પરિબળ બની રહ્યું છે. પોતાનાં સ્વતંત્ર અસ્તિત્વ વિષે સભાન બનીને પોતે અન્યથી જુદો પડતો છે, એવા તેને આવેલા ખ્યાલને લેખક માણસની સ્વતંત્રતા તરીકે ઓળખાવે છે, જે તેને વિકાસના ક્રમમાં લાધેલી ઉપલબ્ધિ છે. ટોળકીમાં રહેતો આદી માનવ તો પોતાની ટોળકીના ‘અમે’ ને જ હું સમજતો. ત્યાર પછીની સામંતશાહીમાં માણસ પોતાને એટલે કે “હું”ને ખેડૂત, જમીનદાર, ગુલામ, સુથાર, લુહાર કે મોચી એ અર્થમાં જ સમજતો. પરંતુ જેમ જેમ સામંતશાહી વ્યવસ્થા તૂટવા લાગી તેમ તેમ તેનો ઉપરોક્ત અર્થમાં ‘હું’ પણ ડગમગવા લાગ્યો. ફ્રેંચ ફિલોસોફર દ’ કાર્ટ્સે(ઇ સ. 1596થી 1650) આ સંદર્ભમાં એક તત્વજ્ઞાનિક સવાલ ઊભો કરેલો કે “હું કેવી રીતે જાણું કે હું હું છું?” આ સવાલનો જવાબ તેમણે કાંઈક આવો આપેલો, “મને શંકા થાય છે, એનો અર્થ કે હું વિચારું છું અને હું વિચારું છું એનો અર્થ એ કે હું હું છું.” એકદમ સાદી ભાષામાં કહીએ તો માણસનું વિચારવું એ તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે અન્યથા તો તે ટોળામાંનું એક ઘેટું જ છે. આથી જ સ્વતંત્રતાની અનુભૂતિ એ માનવીય વિકાસની એક જરૂરિયાત બની રહે છે. ફ્રેંચક્રાંતિએ ભલે માણસની સ્વતંત્રતાની જરૂરિયાત સંતોષી ના હોય પરંતુ તેનાથી સ્વતંત્રતાની આધુનિક વિભાવના તો ઊભી થઈ જ.
આપણે જોયું કે માણસમાં જન્મેલી વિચારશક્તિના કારણે સમય જતા તેણે પોતાના અને આસપાસની દુનિયાની પરિસ્થિતિ વિષે જ્ઞાન મેળવવા પ્રયાસ કર્યો. સમય જતા તેણે મેળવેલા આ જ્ઞાનનું સમગ્રતાથી વિશ્લેષણ કે આકલન કરવાની તેનામાં શક્તિ ઉદભવી, જેને આપણે વિવેક તરીકે ઓળખીએ છીએ. સ્વાભાવિક છે કે આ વિવેક તેના જ્ઞાનના વિકાસ પર આધાર રાખે. કોઈ પણ પ્રાકારના ભય કે કામના વિનાનું જ્ઞાનનું નિર્ભેળ અને તટસ્થ વિશ્લેષણ એટલે જ વિવેક, જે તેને વાસ્ત્વિક પરિસ્થિતિનું ભાન કરાવે છે. આવો તટસ્થ વિવેક પ્રાપ્ત થયા પછી જ માણસ તેની અક્કલને આધારે નક્કી કરી શકે કે જગતને અનુકૂળ બનાવવા હવે કઈ તરફ ડગલું માંડવું. આ રીતે વિવેકબુદ્ધિ એ સત્ય સુધી પહોંચવા માટેનું માણસનું આવશ્યક સાધન છે પરંતુ જેને આપણે અક્કલ તરીકે ઓળખીએ છે તે દુનિયાને અનુકૂળ બનાવવા માટેની શક્તિ છે.
આ આખા પ્રકરણમાં આપણે જેને માનવીય વિશેષણ આપ્યું તે વિકાસ તેને શાણો બનાવવા માટેનો છે. વિકાસ જો આમ કરવામાં નિષ્ફળ જાય તો માનવની કે માનવ સમાજની અત્યાર સુધીની યાત્રા ફોગટ ગઇ કહેવાય. સમાજ એવું અનુકૂલન સાધશે કે વિકાસના ક્રમમાં માનવની ઉપરોક્ત જરૂરિયાતો જેવી કે મિલનસારપણું, સર્જનશીલતા, બંધુતા, સ્વતંત્રતા અને વિવેકબુદ્ધિ સંતષાય તો નિશ્ચિતપણે તેની યાત્રા સફળ થશે અને સમાજ શાણો બનશે. એથી વિરુદ્ધ જો માનવ અહંકેન્દ્રી, વિધ્વંસક, ગોત્રગામી, ઘેટાશાહીનું માનસ ધરાવતો કે વિવેકહીન બનશે તો તેનું માનસિક સ્વાસ્થ્ય જોખમાશે. માનવના આ માનસિક સ્વાસ્થ્ય અને મૂડીવાદી સમાજમાં તેના સ્થાન વિષે હવે પછીના પ્રકરણોમાં વાત કરીશું
(*ઇશ્વરની કલ્પના પણ એક રીતે કોઇ શરણ શોધીને તેની સાથે નાતો જોડવાની વૃતિથી જ ઉદભવી હોય તેમ લાગે છે)
** કોઇ જુદા પરિપેક્ષ્યમાં પણ ગોત્રગમનને થોડી વધારે સ્પષ્ટતાથી સમજવા આપણા હિંદુઓમાં ગોત્રગમનની વૃતિ પ્રમાણમાં વધારે છે તે અંગે સ્વામી આનંદનું એક લખાણ અહીં હું મૂકું છું.
“આદીકાળમાં અગત્સ્ય ભગીરથ જેવા વિશાળ વ્યાપક દૃષ્ટિવાળા શોધક સાહસિકો ભલે હિંદુઓમાં પાક્યા હોય, મધ્યયુગોમાં પણ ગુજરાત જેવા પ્રાંતોની જૂજ કોમોએ ચીન, કંબોજ, જાવા, આફ્રિકાના દરિયા ખેડ્યા હોય ને વેપારી વસાહતો વસાવી હોય પણ એકંદરે દુનિયા-દેશાવર જવા વસવા ફેલાવા માટે હિંદુજાતિ સદાય અનિચ્છુક અને વિરોધી રહી અને ક્યારેય ગઈ ત્યારે ત્યાં સદાય આગંતુક ભાવે સરાઈના મુસાફરની જેમ ચિડિયા રેનબસેરા(રાતવાસો રહેવા આવનાર પંખીની)વૃતિથી રહી, હરહંમેશ દેશમાના, વતનમાનું ગામ, ન્યાતનાતીલા કે ઘરઆંગણેના અવસરટાણાં ઉપર જ મીટ માંડીને બારે માસ ને ત્રીસે દહાડા જીવી. પેઢીઓ વીતી ગઈ તોય નવા વસવાટવળા દેશ કે ભૂમિને અગર તો ત્યાં પોતાની આસપાસ રહેનારી પ્રજાને અપનાવવાની કે તેમને પોતીકાં ગણવાની કલ્પના તેમનામાં કદી જન્મી નહિ.”
*** અબ્રાહ્મિક ધર્મો(યહુદી, ખ્રિસ્તી કે મુસ્લિમ)માં મૂર્તિપૂજા અધર્મ કે દુષણ મનાય છે. આપણે તેને ઠાલો કર્મકાંડ કહી શકીએ.
(ક્રમશ:)
શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269