જીવનભર સાચવી રાખવા જેવી ક્ષણ

મંજૂષા

–વીનેશ અંતાણી

 ચીનના પંચાણુ વરસના એક વૃદ્ધને લ્યુકેમિયાનું નિદાન થયું હતું. એને શ્ર્વાસોચ્છ્વાસની તકલીફ થવાથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આરંભિક સારવાર પછી એની તબિયતમાં સુધારો થયો એ સાથે જ એણે ઘેર જવાની હઠ પકડી. એવું પહેલી વાર થયું નહોતું. એ અગાઉ પણ જ્યારે જ્યારે એને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતા, એ થોડા કલાક પછી ઘેર જવાની હઠ પકડતા. પહેલી વાર એના કુટુંબીજનોને લાગ્યું હતું કે એ એની વૃદ્ધાવસ્થાની હઠ હતી. પરંતુ એણે સાચું કારણ જણાવ્યું ત્યારે બધાંને સાનંદ-આશ્ર્ચર્ય થયું હતું. કારણ હતું એની પંચ્યાસી વરસની પત્ની. પત્નીને કિડનીની ઘણી તકલીફ હતી. એ જાતે કશું કરી શકતી નહીં, ઊઠવા-બેસવા માટે, બાથરૂમ જવા માટે, કોઈની મદદની જરૂર પડતી. એ ખાવાપીવાની બાબતમાં કોઈનું માનતી નહીં. એનો વૃદ્ધ અને ગંભીર રીતે બીમાર પતિ જ એની સંભાળ લેતો અને પ્રેમપૂર્વક એને સાચવતો. એથી પતિને જ્યારે પણ હૉસ્પિટલમાં દાખલ થવું પડતું, એ તરત જ પત્ની પાસે ઘેર પહોંચી જવાની હઠ પકડતો. ઘરમાં અન્ય વ્યક્તિઓ પણ પત્નીનું ધ્યાન રાખવા હાજર હોય, છતાં એ માનતો કે પત્નીને એના વિના ચાલશે નહીં. એ માટે એ પોતાની ગંભીર બીમારીને પણ અવગણતો હતો. પત્ની પણ પોતાની બીમારીને અવગણીને પતિની સારવાર માટે તત્પર રહેતી હતી. એમણે લગ્ન વખતે લીધેલી પ્રતિજ્ઞાને જિંદગીભર યાદ રાખી હતી: “તંદુરસ્તીમાં કે બીમારીમાં અમે એકમેકનો સાથ છોડશું નહીં.”

એ સિત્તેર વરસના લગ્નજીવનની ફલશ્રુતિ હતી, જેની પળેપળ પ્રેમ અને માત્ર પ્રેમથી છલકાતી હતી. અરસપરસ માટે નિર્વાજ્ય પ્રેમ, જાતથી પણ વધારે પ્રિયજનની સંભાળ લેવાની ઉત્કટ ઝંખના, એકબીજા માટે બધું ન્યોછાવર કરી દેવાની તૈયારી. કોઈ પણ યુગલના લગ્નજીવનની આદર્શ ફલશ્રુતિ એ જ હોવી જોઈએ.

જાપાનનો એક યુવક હાઈસ્કૂલમાં ભણતો ત્યારથી જે છોકરીના પ્રેમમાં હતો એની સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ છોકરીનાં માતાપિતા સંમત નહોતાં. તેઓ છોકરીને એના પ્રેમી વિરુદ્ધ ભરમાવતાં રહેતાં હતાં. એ કારણે છોકરી એને પ્રેમ કરતી હતી, છતાં અવઢવમાં હતી. છોકરો આગળ ભણવા માટે અમેરિકા જવાનો હતો એ પહેલાં એણે પ્રેમિકાનો હાથ માગ્યો, પણ માબાપના દબાણને કારણે છોકરી સ્પષ્ટ જવાબ આપી શકી નહીં. છોકરો અમેરિકાથી એને ફોન કરીને સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરતો. એક દિવસ છોકરી ઑફિસ જતી હતી ત્યારે એક કાર એની સાથે ભટકાઈ. છોકરી ભયાનક અકસ્માતમાંથી બચી તો ગઈ, પરંતુ એના મગજ પર થયેલી ઈજાને લીધે એ બોલવાની શક્તિ ગુમાવી બેઠી. ત્યાર પછી છોકરાના ફોન આવતા ત્યારે એ એની સાથે વાત કરી શકે એવી સ્થિતિમાં નહોતી, એથી એણે ફોન લેવાનું બંધ કરી નાખ્યું. છોકરીને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે માબાપ એને બીજાં શહેરમાં લઈ ગયાં અને ત્યાં એને સાઈન-લેન્ગવેજ શીખવી. થોડો સમય વીત્યો પછી એની નિકટની બહેનપણીએ જણાવ્યું કે છોકરો પાછો આવ્યો છે અને એને શોધે છે. છોકરીએ બહેનપણીને કહ્યું કે એ છોકરાને કશું જણાવે નહીં અને એને ભૂલી જવાનું કહે. ત્યાર પછી એક વરસ સુધી છોકરાના કોઈ સમાચાર મળ્યા નહીં. એક દિવસ એ એના ઘેર આવ્યો અને પોતાના લગ્નનો કાર્ડ આપ્યો. છોકરીએ એ કોની સાથે લગ્ન કરવાનો હતો એ જોવા માટે કાર્ડ જોયું તો ત્યાં એનું જ નામ હતું. છોકરો સાઈન-લેન્ગવેજમાંકહેવા લાગ્યો: “આપણે આપણા લગ્નજીવનમાં યોગ્ય રીતે સંવાદ કરી શકીએ એ માટે હું એક વરસ સુધી સાઈન-લેંગ્વેજ શીખતો રહ્યો, જેથી હું તને કહી શકું કે વાણી નહીં, આપણો પ્રેમ આપણને જિંદગીભર જોડી રાખશે.” ફ્રેન્ચ લેખક આન્દ્રે મૉરિશે કહ્યું છે: “લગ્નજીવન એવો સંવાદ છે, જેમાં શબ્દોની જરૂર પડતી નથી.”

રોમેન્ટિક નવલકથાઓની અમરિકન લેખિકા રેશાલ ગિબ્સન એની નવલકથા ‘ધ ટ્રબલ વિથ વેલેન્ટાઈન્સ ડે’માં લખે છે: “હું એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા માગું છું, જે મને હું જેવી છું તેવી આખી જિંદગી સ્વીકારતી રહે અને હું પણ એ જેવો છે એવો એને આખી જિંદગી સ્વીકારી શકું. હું દરરોજ સવારે જે ચહેરાને જોઉં, રાતે જે ચહેરાને ડિનર ટેબલ પર જોઉં એની સાથે જ જીવીને વૃદ્ધ થવા માગું છું. હું જ્યારે પણ કોઈ વૃદ્ધ દંપતિને એમના લાંબા લગ્નજીવન પછી પણ એકબીજાનો હાથ પકડીને હસતાં હસતાં પસાર થઈ જતાં જોઉં છું ત્યારે નક્કી કરું છું કે હું પણ એવાં દંપતિની જેમ મારું જીવન જીવીશ.”

સાચો પ્રેમ સિત્તેર, એંસી કે પંચાણુમા વરસે પણ તમને તમારી અને તમારા પ્રિયજનની આંખ પહેલી વાર મળી હતી તે જ વયમાં સાચવી રાખે છે. આપણે એવી અમૂલ્ય ક્ષણોને જિંદગીભર સાચવી શકીએ તો આપણી જિંદગી એક જ ક્ષણમાં બદલાઈ શકે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

2 thoughts on “જીવનભર સાચવી રાખવા જેવી ક્ષણ

  1. પટારો
    પ્રેમ નો સિતેર પછીનો મધ મીઠો
    સાચવવા નો ન હોય માણવા નો હોય ક્ષણે ક્ષણ

Leave a Reply

Your email address will not be published.