– નીલેશ રાણા
દિ’ભરના થાકેલા તડકાએ પાદરભણી પગલાં માંડ્યા ત્યારે, ગામભણી વળતી ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો મધુર રણકાર, વૃક્ષોમાં વિસામો શોધતા પંખીઓનો કલશોર, ડાળીઓને છંછેડતો વાયરો, બેડલાઓ માથે મૂકી પાછી ફરતી પનિહારીઓના ઉતાવળા પગલાંને કારણે ઉડતી ધૂળથી સાવ અલિપ્ત, ગામને છેડે ઉગેલા પીપળાની નીચે એક ઝૂંપડીની બહાર, ઢાળેલી ખાટલીમાં બેઠેલા ત્રણ જણ. ત્રણેયના હાથમાં ટીનની પવાલી અને વચ્ચે પડેલી દારૂની બાટલી.
‘અલ્યા રઘલા તેં આજ રંગ રાખી દીધો બાપલા, વિલાયતી દારૂ…વાહ…’ એક બોલ્યો.
‘અરે ભઈ એની લોટરી લાગી ગઈ’ બીજો હસતા બોલ્યો, ‘છોરી બાપનું કલ્યાણ કરતી ગઈ.’
‘તેં હાચુ કીધું, પણ એય રામલા સાથે શે’રમાં સુખી નંઈ થાય !’
‘એય સવલી ક્યાં મરી ગઈ’ રઘલાએ બુમ મારી. ‘પાપડ જલ્દી લાઈ.’
ચુલામાં ફૂંકણીથી ફૂંક મારતા ઉડેલા ધુમાડાથી સવિતાની આંખો બળતા એ મનમાં બબડી. ચુલો ઉઠાવીને બેયના માથે મારવો જોઈએ. મારા રોયા કૂતરાની જેમ સુંઘતા દોડી આયા છે કામ વગરના.
‘તું પાપડ સેકવા બેઠી છ કે સુકવવા ?’
સહેજ વાંકી વળેલી થાળીમાં પાપડ ભરીને ઝડપથી બહાર આવી ખાટલીમાં પછાડતા સવિતા બોલી પડી, ‘જરા ધીરા પડો, તમારે કયા ઘોડે ચઢીને જવાનું છ.’
છણકો કરી ઝુંપડીમાં પાછી ફરતી સવિતાનો પીછો કરતાં રઘલાના શબ્દો ‘હખણી રે…હખણી…’
પાપડને ભાંગીને મુખ ઓરતા એક બોલ્યો ‘રઘલા તારી ઝૂંપડી પાકી થસે, ટી.વી. આવસે…’ દારૂનો ગ્લાસ હોંઠે અડતા જીભ અટકી ગઈ.
તો બીજાએ વાત ઉપાડી ‘જો જેને રઘલાનો ગામમાં વટ પડસે. બધાં સલામ કરસે. તારા દિ’ ફરી ગયા, મોજ કરી લે મોજ.’
રઘલાએ આછી મૂછને મરડવાનો પ્રયત્ન કર્યો. ત્યારે સવિતા આ લુખ્ખાઓ જાય તો હારુ વિચારતા ચુલો ઠારવા બેઠી. આંખોમાં છલકાતી વેદના, વંઠેલ રામલો ઘરમાંથી હીરા જેવી દીકરીને લઈ ગ્યો. હવે અફસોસ કરે શું ફાયદો. નોટની થપ્પી અને વિલાયતી દારૂની બે બોટલ હું આપી કે રઘલો એનો હેવાયો થઈ ગ્યો. દીકરીને પૈણાવી મહિનો થ્યો પણ એના કોઈ વાવડ નથી. પૂછ્યું તો જવાબ આપે, ‘રામલાને કામમાંથી ફુરસદ મલસે તો ખબર આલસે.’ પણ સવિતા જાણતી હતી કે એને છોરીની નંઈ પણ લીલી નોટો ક્યારે મળસેની ચિંતા હતી. ‘થોડું પાણી લાવજે’ સાંભળતા સવિતાને પાછા ઊભા થવું પડ્યું.
‘નસીબ બદલાયું છ તો અમને ભૂલતો નંઈ’ ખાલી ગ્લાસ રઘલા સામે ધરતા એક બોલ્યો,
‘જુનો ભઈબંધ છું નંઈ ભૂલું.’ બાટલી ઉપાડતા રઘલો બોલ્યો. અવાજમાં હરખ ઉભરાયો.
‘તું ભૂલી જઈસ ને તોય અમે તારી પાહેજ આવસું’ બીજાએ ચાવી ચઢાવી.
‘મુઆના મોંમાં આગ લાગે.’ સવિતા મનમાં બબડી. ‘દીકરીના સુખની જાણ નથી થઈ ને ફુલા નથી સમાતા. જરા એકવાર જોઈ તો આવો છોરી કેમ છ?’ મનની અકળામણને બહાર ઠાલવતા ટંટો મચી જાશેની બીક એને મુંગી કરી ગઈ.
‘જો તારા ખભા પર કોણ ચરક્યું?’ રઘલા ભણી નજર કરતાં બીજો બોલ્યો.
ત્રણેયે ઉપર જોયું તો પીપળાની ડાળી પર બેઠેલો કાગડો. રઘલાએ હાથમાં નાનો પથરો ઊંચક્યો.
એ જોતાં પહેલો બોલ્યો ‘કો’ક મેમાન આવવાનું લાગ છ શું કે છ ?’
‘અલ્યા મૂરખ કાગડો કા…કા કરે તો મે’માન આવે ચરકે તો નંઈ તને ચઢી ગઈ લાગ છ.’
પથરો ફેંકતા જ કાગડો કા…કા કરતાં ઊડી ગયો. સામી દિશાએ થોડી ધૂળ ઊડતી જોઈ, નેજવું કરીને જોતાં રઘલો બોલ્યો, ‘માધવ આવતો લાગ છ, આ ટેમે ?’ વિલાયતી બાટલીને ખાટલી નીચે મૂકતા એ ઊભો થયો. હાંક મારી સવિતાને બહાર બોલાવીને પૂછ્યું, ‘તેં આ ભૂખડાને અઈ બોલાવ્યો લાગ છ.’
પતિ પ્રત્યે માથુ ધુણાવતા બોલી, ‘નંઈ, અરે આ તો માધવ શે’રમાંથી આવ્યો લાગ છ.’
ઝડપથી પાસે આવીને ઊભા રહી, માથેથી પાઘડી ઉતારીને ચહેરો લુછતા માધવ બોલ્યો, ‘કાકી જરા પાણી પાસો, તરસ લાગ છ.’
‘હા ભઈલા આ લાવી.’ સવિતા હરખભેર અંદર દોડી. શે’રમાંથી આયો છ તો જરૂર છોરીના વાવડ મલસે, આશા મનમાં જાગૃત થઈ.
‘અંઈ સુ કરવાને આયો? કોઈ કામ છ કે એમજ?’ રાઘવે તોછડાઈથી પૂછ્યું, ‘બીજું કંઈ પીવાની ઈચ્છા હોય તો ગામમાં જા સમજ્યો.’
‘કાકા તું જાણ છ મને તારી જમ પીવાની આદત નથ.. હું કાકીને કારણ આયો છું. નંઈ તો મને ક્યાં ટેમ છ.’
‘તમે હું એની વાંહે પડી ગ્યા. બોલ માધવ બોલ, એમનું કીધેલ હૈયે ન લગાડતો.’
‘કાકી તમારી છોરીના સમાચાર…’
‘હા…હા કેમ છ મારી છોરી?’
‘કેમ કહુ, મારી તો જીભ ઉપડતી નથ.’ નજર નીચી કરી નિરાશ સ્વરે એ બોલ્યો.
‘માધુ, માધુ જરા હમજણ પડે એવું બોલ્ય ને ભઈ.’
‘તારી છોરી અસ્પતાલમાં છ.’
‘અસ્પતાલમાં…’ સવિતાથી રાડ પડાઈ ગઈ. ત્રણેય પુરુષના કાન ચમક્યા. હવા સવિતાના નાક પાસે અટકી ગઈ.
‘અલ્યા ભાંગ ચઢાવીને આવ્યો છ કે સુ? હાચું બોલ નંઈ તો મારી ડાંગ કોઈની સગી નથ.’
‘હું સાપની જેમ ફુંફાડા મારો છ. એને વાત તો સીધી કરવા દો.’
‘કાકા જીભને બાંધ નંઈ તો હું આ ચાલ્યો.’
પાછા ફરતા માધવનો હાથ પકડતા સવિતા બોલી, ‘ભઈ આ ટેમે એમને બોલવાનું ભાન નથી. તું વાત માંડીને મને કે, મને મનમાં ગભરામણ થાય છ.’
‘તારી છોરી આખા ડિલે દાઝી ગઈ છ. એની હાલત બઉજ ખરાબ છ.’
‘હાય, હાય પણ આ થયું કેમ?’
‘મને બધી વાતની નથ ખબર, પણ એક દોસ્ત પાસેથી જાણવા મળતા હું તને મળવા દોડી આયો.’
‘તેં મારી છોરી જોઈ ખરી?’
‘હું સગો નંઈને એટલે અંદર ન જવાં દીધો.’ પછી પાઘડીને માથા પર મૂકતા આગળ બોલ્યો, ‘કાલ સવાર હું શે’ર પાછો જાવ છ, આવવું હોય તો ભેળો લઈ જાશ. નંઈ તો મારા રામ રામ! જે હાંભળ્યું તે કીધું બસ.
‘તારી ભેળા સવારે જરૂર આઈસ, જરા બસનો ટેમ કે તો જજે.’
બાતમી આપીને જતાં માધવને જોતાં રડુ રડુ થતી સવિતા અને વાદળછાયા આકાશથી પડુ પડુ થતો વરસાદ.
‘મેં ના પાડી’તી છોરીને રામલા સાથે પૈણાવા માટે, માન્યા નંઈ તો ભોગવો.’ ફાટેલા પાલવથી આંખો લુછતા એ બોલી.
તારી છોરીને પૈણવા ના મલ્યું એટલે દાઝ કાઢવા આઈવોતો. છોરી જરાક દાઝી હસે ને અને ડુંગર ઊભો કરી દીધો.’
‘તમેય બેસો, માધુ ખોટુ બોલે એવો નથ. કાલે છોરીને જોવાં એની સાથ જવું છ, બસ.’
‘આ બૈરાની જાત’ રઘુને અવાજ ઊંચો થતો જઈ બે ભેરુઓ રામ રામ કહ્યાં વગર જ સરકી ગયા.
‘મને તો માધવની વાત સાચી નથ લાગતી.’
‘કાલ હું તો જવાની.’
આછો આછો વરસાદ શરૂ થતાં બંને ઝુપડીમાં દાખલ થયા. અત્યારે વધુ બોલવામાં સાર નથી તેઓ સમજી ચૂક્યા હતા. મા તો મા હતી. હવે બાપના દિલમાં પણ થોડી શંકા સળવળી. છાપરામાં જગ્યા શોધી વરસાદના થોડા ટીપાઓ ચૂપકેથી અંદર સરી આવ્યા.
રાતભર આછી પાતળી આવતી ઊંઘની વચ્ચે સવિતા પોતાની જાતને કોસી રહી. પોતે જીદ કરીને છોરીને ન પૈણાવી હોત તો આમ ન થાત. મુઈ પોતાનું મન પણ લીલી નોટોની થપ્પી જોઈને ચળી ગ્યું’તું. એક પળ જો જાતને સાચવી હોત તો આ દિ’ ન જોવાનો આવત. દીકરીને વેંચીને હાથ બાળી બેઠા. થોડી વાર માટે મા ન રહેવાનું પાપ કરી બેઠી. હવે આ પાપ કંઈ ગંગામાં ધોવાં જાય. મેલડી મા જોઈએ તો મારો જીવ લઈ લે, પણ મારી છોરી પર દયા કરજે, દયા કરજે માડી. છોરીય બે ચોપડી ભણી પણ કંઈ બોલી નંઈ.
સવિતાને ધીરજ આપવાવાળો બાજુમાં આરામથી ઘોરતો હતો. થયેલા પાપમાં ભાગીદારી બંનેની, દોષ આપે તોય કોને આપે. આંસુના આગમન છતાંય આંખો બળતી રહી.
સવારે સૂરજની સાથે માધવ બસ સ્ટેન્ડ પર રાહ જોતો ઊભો હતો. શબ્દોની આપલે વગર ત્રણેય જણ બસમાં ગોઠવાયા. પોતાની પાસે પૂરી પરિસ્થિતિની જાણ નથી તો માધવ શું બોલે? એ જાણતા સવિતા પણ શું પૂછે ? માધવ ફરી ગુસ્સો કરી બેસે તો…એની બીકે રઘુ પણ શું બોલે?
બસમાં બેઠા બેઠા સવિતાએ મેલડી માતાની બાધા રાખી. જાતને ફરી ફિટકારી, માધવ હારે છોરીને પૈણાવી હોત તો – વિચારની પીઠ થાબડી. ખાબડખૂબડ રસ્તા પર દોડતી, ઉછળતી બસ કરતાં એના મને અનેક હડસેલા મારતા વિવશતા અર્પી. ત્રણ કલાકનો રસ્તો ટૂંકો થવાંને બદલે લાંબો થતો લાગ્યો. બસ કરતાં એનું મન દસગણી ઝડપથી દોડી રહ્યું હતું. આંખો છોરીને જોવાં તરસી રહી હતી. મનમાં એમ પણ થયું કે પોતે બસને એવો ધક્કો મારે કે સીધી પહોંચી જાય અસ્પતાલ.
રાતે સૂતા પહેલાં થયેલી તડાફડી સવિતાને ફરી યાદ આવી ગઈ.
‘મેં તમને કીધું’તું કે ખોટું કરી રહ્યાં છો. પણ નંઈ છોરી કસાઈને સોંપી દીધી.’
‘ચૂપ રે, માધુ રામલા પરની દાઝ આપણા પર કાઢે છ. તું જાણતી નથં.’
‘તમે હજુય પેલા વંઠેલનું ખેંચો છો.’
‘છોરીની સાથે મેં આપણુંય વિચાર્યું’તું, આજ બઉં ડાહી થા મા, હમજણ પડે નંઈને.’
સમજણ તો પડી પણ, પણ છાસ ઢોળાયા બાદ કેમ એકઠી કરાય? સફર દરમ્યાન સવિતાની નજર માધવને તાકતી રહી અને રઘુને ઠપકો આપતી રહી.
સવિતા અને રઘુને હોસ્પિટલ પાસે લાવીને માધવે કહ્યું ‘કાકી તમે અંદર જાવ, હું મારા શેઠ સાથે વાત કરી થોડીવારમાં પાછો આવ છ.’
ગભરાતા, ભારે મને બંને હોસ્પિટલમાં દાખલ થયા. તેઓ હોસ્પિટલના વાતાવરણથી સાવ અપરિચિત, મુંઝાતા મુંઝાતા પૂછતાછ કરતાં કો’કે એમને બર્ન-યુનિટ તરફ જવાનો રસ્તો બતાવ્યો. ઢીલા પગલે તેઓ બર્નયુનિટમાં પ્રવેશ્યા. વોર્ડબોયને પૂછતા દીકરીના ખાટલા પાસે આવી પહોંચ્યા.
સફેદ ચાદર નીચી ઢંકાયેલું શરીર, પાટાપિંડીથી માત્ર દેખાતો અડધો ચહેરો, ચાદર બહાર જમણા હાથની નસમાં ઘોંચાયેલી સોય સાથે જોડાયેલી નળી અને લોહીની થેલી, નાકમાં ઓક્સિજનની નળી, અર્ધ મીંચાયેલી પાંપણો. દીકરીને આટલી શાંત કદી જોઈ નહોતી. એના માથે હાથ મૂકતા સવિતા રડી પડી. અને રઘુ સ્તબ્ધ થઈ ગયો.
સફેદ કોટ અને હાથમાં સ્ટેસ્થોસ્કોપ હલાવતી વ્યક્તિને જોતાં, એજ દાકતર હશે માનતા, આંખને લૂછતી સવિતાએ સવાલ કરવાની હિંમત કરી. ‘સા’બ મારી છોરી… ?’
‘તમે કોણ?’ ઊંચા અવાજે પ્રતિપ્રશ્ન.
‘છોરીના માય-બાપ’ રઘુ દયામણા અવાજે બોલ્યો.
‘અત્યાર સુધી ક્યાં હતા ?’
‘ગામડે…ત્યાંથી આયા છ.’
‘ઠીક છે…ઠીક છે.’ સહાનુભૂતિ દર્શાવતા થોડી માહિતી આપી છેલ્લે કહ્યું, ‘સ્થિતિ બહુ જ નાજૂક છે. એના બચવાના ચાન્સીસ ઓછા છે. પણ અમે બને એટલી એને બચાવવાની ટ્રાય કરી રહ્યાં છે. ઓ.કે… ?’ આશાનો નાનકડો ટુકડો હાથમાં થમાવી ત્યાંથી ખસતા ડૉક્ટરને સવિતાએ એક વધુ સવાલ કર્યો.
‘સા’બ આમ થયું કેમ?’
‘એ તો પોલિસ તમને જણાવશે.’
‘પોલિસ!’ આશ્ચર્યથી બંનેના હોંઠ ખુલ્લા રહી ગયા.
‘લો, ઈન્સ્પેક્ટર આવી ગયા છે.’ બોલવાનું પુરું કરી ડૉક્ટરે ચાલતી પકડી. ડૉક્ટરનું કહ્યું તેઓ અડધુંપડધું સમજ્યા હતાં. ખાસ કરીને છોકરીની બચવાની બઉં આશા નથ. વ્યથાના ભારે બંનેની નજરો નીચી વળી ગઈ.
પાસે આવતા ઈન્સ્પેક્ટરે કરડાકીભર્યા અવાજે પૂછ્યું, ‘તમે લોગ કોણ?’
‘છોરીના માય-બાપ સા’બ.’
‘ત્રણ દિવસ પછી ખબર લેવાં આવ્યા છો?’
‘સા’બ ગામડે અમને કાલેજ ખબર પડી.’
‘રામલો ક્યાં છે ધ્યાનમાં છે?’
‘નંઈ સા’બ, એ તો અઈજ હોવો જોઈએ.’
‘સાલો ભાગી ગયો છે.’
‘ભાગી ગ્યો?’ સવિતા રઘુ સામે જોતાં બોલી.
‘હા, ભલુ થજો પાડોશીનું, તમારી દીકરીને આ હોસ્પિટલમાં ભરતી કરી ગયા.’
‘પણ આ રામલાએ એવું સુ કર્યું?’
‘તમને જાણ નથી?’
‘મેલડી માના સમ, અમે સાવ અજાણ છીએ.’
‘અમને જાણકારી મળી છે કે રામલો તમારી દીકરી પાસે ધંધો…ધંધો કરાવવા માંગતો’તો. એને ના પાડી તો એને ધમકાવી, બહુ મારી. તો તમારી દીકરીએ શરીર પર તેલ છાંટીને આગ ચાંપી દીધી.’
‘ઓ મારી માડી’ સવિતાથી ઝીણી ચીસ પડાઈ ગઈ. રામલો આટલો નીચ-રઘુ મનમાં ઘા ખાઈ ગયો.
‘સા’બ, સા’બ એ નાલાયકને છોડતા નંઈ.’
‘હિંમત રાખો, તમે બંને શહેરમાં જ રે’જો. રામલાને પકડવામાં વાર નહીં લાગે. અમને તમારી મદદની જરૂર પડશે.’
ઈન્સ્પેક્ટરના જતાં બંને સાવ ઢીલા પડી ગયા. પાસે ઉભેલા વોર્ડબોયે ડોક્ટરે કહેલું ફરી સમજાવ્યું. સત્ય સમજાતા તેઓ ભાંગી પડ્યા; મોડું થઈ ગયું છેની પ્રતીતિ થતાં. હવે રઘુના માંહ્યલાને વીંધતો સવિતાની આંખોનો ઠપકો. બંનેના ચહેરા પર વિસ્તરતી લાચારી અને વ્યથાની છાયા અને પસ્તાવાની વર્ષા સાથે રઘુમાં જાગ્રત થતો એક બાપ, હવે ઘણું મોડું થઈ ગયું છે ના અફસોસે એની આંખોમાં આંસુ આંજ્યા.
‘મને માફ કરી દે બેટા’ રઘુ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યો. એણે દીકરીનો જમણો હાથ દબાવ્યો.
જમણો હાથ સહેજ સળવળ્યો. છોરીનો શ્વાસ ઊંચો થતો તેઓ જોઈ રહ્યાં. પાંપણ ધીરે..થી ખૂલી, હોંઠ ફફડ્યા…આછો અવાજ સંભળાયો. રઘુ અને સવિતાએ કાન નીચા કર્યા.
‘બા…બાપુ… તું ઉઉ….હાનો…રડે… છે? તું…રડ નંઈ… ર…ડ…નંઈ.’
‘મને માફ કરી દે, માફ…કરી…દે.’
‘‘તા…તારે… તો… ખુશ….થાવું…જો…ઈએ.’’
બંને ચકિત થઈ ગયા, છોરી સુ બોલ છ.
‘તા..તારા…આશીર…વાદ ફળી ગ્યા.’
બંને સ્તબ્ધ અને અવાક્…
થતો ઝબકારો ‘હું…હું… અખંડ…સૌભાગ્યવતી….ચા…ચાલી..બાપુ…’
માંડમાંડ જોડાતા બેહાથ, ઢળતી પાંપણો, ડૂબતો અવાજ અને રોકાતો શ્વાસ….
————————————————————————————————
Nilesh Rana
1531 Buck Creek Drive Yardley, PA 19067, USA
ncrana@hotmail.com/ | ++1 – 609-977-3398
વાસ્તવિકતાનું સુંદર નિરૂપણ. શિર્ષકનાં જોડણીદોષ તરફ ધ્યાન દોરૂં છું.
શીર્ષકની જોડણીમાં રહી ગયેલ ભુલ તરફ ધ્યાન ખેંચવા બદલ આભાર.
હવે સુધારી લીધેલ છે.