બેનિસ્ટર પ્રભાવ

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતો

જ્યાં સુધી અશક્ય છે, ત્યાં સુધી જ શક્ય નથી

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

જ્યાં સુધી રોજર બેનિસ્ટરે, ઓક્ષફર્ડમાં એક પવન વાતા ૬ મે, ૧૯૫૪ના દિવસે ૩ મિનિટ ૫૯.૪ સેકંડમાં ૧ માઇલની દોડ પુરી ન કરી ત્યાં સુધી ચાર મિનિટથી ઓછા સમયમાં એક માઈલ દોડવું અશક્ય મનાતું હતું. બે મહિના પછી તેમના જ મહાન પ્રતિસ્પર્ધી જોહ્મ લેન્ડી સાથેની દોડમાં બંનેએ ૪ મિનિટથી ઓછા સમયમાં એક માઈલની દોડ પુરી કરી. તે પછી તો ત્રણ વર્ષમાં સોળ સ્પર્ધકોએ એ સીમા પાર કરી લીધી. આજે હવે એ રેકોર્ડ ૩.૪૩.૧૩ પર મોરોક્કોના હિ્ચમ અલ ગુરેજ (અને સ્ત્રીઓ માટેનો રેકોર્ડ નેધરલેન્ડનાં સિફાન હસન) ના નામે બોલે છે.

આવી જ સરખામણીઓ એલેક્ઝાંડર ગ્રેહામ બેલે સૌ પ્રથમ હાર્મોનિક ટેલીફોનની શોધ કરી કે પછી એન્ટોનીઓ મેઉસ્સી અને ઐશ અગ્રે એ કરી એ ચર્ચા સાથે પણ થતી રહી છે. રાઈટ બંધુએ ૧૪ ડિસેમ્બર ૧૦૯૩ના દિવસે પ્લેન ઉડાડવાનો નિષ્ફળ પ્રયોગ પણ ભુલાતો નથી. એડમન્ડ હિલેરી અને શેરપા તેનઝિંગે માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી તો હવે છાસવારે એ ટોચ સર થતી રહે છે. હવે જ્યારે અંગત રાહે અવકાશની સફર થવા લાગી છે ત્યારે પણ ૨ એપ્રિલ ૧૯૬૧ના રોજ યુરી ગાગારિનની સૌ પહેલી અવકાશ સફરની યાદ એટલી જ ઉત્કટતાથી ઉજવાય છે, અને તેમનાં પુતળાં અને મૂર્તિઓ સંગહાલયોમાં એટલાં જ આકર્ષણોથી જોવાય છે. ૨૯ જુલાઈ ૧૯૬૯ના દિવસે નીલ આર્મસ્ટ્રોંગે એપોલો ૮ની સીડી પરથી ઉતરીને ચંદ્રની ધરતી પર પગ મુક્યો અને કહ્યું, ‘માનવી માટેનું આ નાનકડું પગલું માનવ જાત મટે વિરાટ કદમ બની રહેશે.’ (› Play Audio). પરંતુ તે પછીનાં અખબારી સંમેલનમાં તેમણે જે કહ્યું હતું, કે આમ કરવું શક્ય બન્યું હતું કંઈ કેટલાંય લોકોની અથાગ મહેનતને પરિણામે છે, એ તો ભુલાઈ ચુક્યું છે.

એ તો હકીકત છે આ સૌ પ્રથમવાર કંઈ કરી શકનાર લોકો પછી જે જે લોકોએ  એ જ કામ કર્યું છે તે તેનાથી અનેક ગણું ઉચ્ચ કક્ષાનું રહ્યું છે. પરંતુ આપણને તો સૌ પ્રથમવાર કરનારનાં જ નામ યાદ રહે છે. કારણકે, આવી બધી ઘટનાઓ સૌ પ્રથમવાર બન્યા પછી માનવ જાતનો દૃષ્ટિકોણ જ બદલી ગયો છે.

એક વર્ગ એવું માને છે કે કંઇ પણ સિધ્ધ કરી શકાય છે તેનો પુરાવો એવી માન્યતાને પ્રેરે છે કે એ કરી શકાશે. તો, રોજર બેનિસ્ટર સાથે સંકળાયેલી બાબતોનો જેઓએ તલસ્પર્શી અભ્યાસ કર્યો છે એવા સામા છેડાનો બીજો વર્ગ એમ માને છે કંઈ પણ કરી શકાશે એ માન્યતા પહેલાં આવે છે તેની સિદ્ધિનો પુરાવો પછી આવે છે.

આપણા શરીરમાં રેટિક્યુલર એક્ટિવેટીંગ સિસ્ટમ [reticular activating system (RAS)] જેવી એક વ્યવસ્થા છે જે મગજને કંઈ બાબત પર ધ્યાન આપવું અને કઈ બાબતોને ભુલી જવી તે નક્કી કરવામાં મદદ કરે છે.

બહુ જ સ્પષ્ટ હેતુ, જીવનલક્ષ્ય, જ્યારે નજર સામે જ હોય અને જાગતાંસુતાંની દરેક ક્ષણો એ નિશ્ચિતતાથી જ ભરેલી હોય કે એ સિદ્ધ કરી જ શકાશે, ત્યારે  આપણે આપણાં RAS ફિલ્ટર્સને પણ પ્રભાવિત કરીએ છીએ, જેને પરિણામે આપણી એકાગ્રતા વધારે સ્પષ્ટ બનવા લાગે છે અને ધ્યેય સિદ્ધિની સાથે સંકળાયેલી અનેક બાબતો જે અન્યથા ધ્યાન પર પણ ન આવતી હોય તે બધી જ, જે સિદ્ધ કરવું છે તે વધારે શક્ય બનાવવા લાગે છે.

નીચે ઘાટા અક્ષરોમાં બેનિસ્ટરનામાં મહત્ત્વનાં કથનો અને તે પછી આઇનસ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંતને સમજ્યાનાં ૧૦૫ વર્ષમાં આપણે ઉર્જા વિશ્વ વિશે જે કંઈ સમજી શક્યાં છીએ તે મુજબનું તે કથનોનું વિશ્લેષણ રજુ કરેલ છે –

  • આપણા માટે સારૂં છે એટલે નથી દોડતાં, પણ આપણને ગમે છે અને તેમ કર્યા વગર આપણાથી રહેવાતું નથી માટે દોડીએ છીએ.

દિલ ઉર્જાનો એવો શક્તિશાળી સ્ત્રોત છે જે માણસને શૂરવીરતા,માનસિક લવચીકતા      અને મૌલિક ચાતુર્યનાં અકલ્પ્ય કામો કરવા તરફ દોરે છે.

  • મનની એકાગ્રતા અને મનોબળ વિના કોઈ પણ કાર્યસિદ્ધિ મળતી નથી.

શુદ્ધ સભાનતા જાગૃત ચેતનતાની એવી સ્થિતિ છે જેમાં કોઈ વિચાર પ્રક્રિયા ચાલી ન        રહી હોય. ધ્યાનની વર્તમાનની શાશ્વત ફિકરની એ બહુ વાંછિત સ્થિતિ છે.

બેનીસ્ટરનું સૌથી વધારે હિંમતવાન કથન આ હશે :

  • મારાં હલનચલન વિશે જરા પણ સભાન ન હોવાથી હું કુદરત સાથે એક નવું જ ઐક્ય અનુભવી શક્યો. શક્તિ અને સૌંદર્યનો મને નવો જ સ્રોત મળી ગયો, જેનું અસ્તિત્વ મેં સ્વપ્ને પણ કલ્પેલ નહીં.

કુદરતનાં ઉર્જાનાં સ્પંદનો કદાચ તેમનાં સ્પંદનો સાથે સુસંબદ્ધ હશે, જે ઉર્જા કે શક્તિનાં         વધારે વિશાળ મોજાંમાં પરિણમતાં હશે. આવી ઉમેરાતી જતી તાકાત સરોવરની       લહેરોને બહુ મોટાં મોજાંમાં ફેરવી નાખતી જોવા મળે છે. અમુક વ્યાખ્યાઓ સમાધિની    સ્થિતિને દૈવી શક્તિ સાથેનાં સંયોજન તરીકે ઓળખાવે છે. [1]

આ પ્રકારની ઘટનાઓની શ્રેષ્ઠ સમજણ વિખ્યાત મનોવૈજ્ઞાનિક આલ્બર્ટ બાંડુરા આત્મ-પ્રભાકારિતાના સિદ્ધાંત વડે આપે છે. આલ્બર્ટ બાંડુરા (૧૯૯૭) આત્મ-પ્રભારિકતાની વ્યાખ્યા આ મુજબ કરે છે – ‘નક્કી કરેલ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જરૂરી પગલાંઓનું વિધિસર આયોજન કરવા અને તેમનો અમલ કરવા માટેની પોતાની ક્ષમતામાં વિશ્વાસ’

આત્મ-પ્રભારિકતાનો સિદ્ધાંત જણાવે છે કે જે લોકોમાં આત્મ-વિશ્વાસ વધારે હોય છે તેવાં લોકો પોતાનાં લક્ષ્યો સિદ્ધ કરવા તરફ વધારે પગલાં ભરતાં હોય છે, વિપરિત સંજોગો આવે તો પણ લીધેલું કામ છોડતાં નથી અને પોતાથી જે શક્ય જણાય છે તેની સીમાઓ વધારે છે.  એ લોકો જ માનસિક અને શારીરિક કાર્યસિદ્ધિઓને બહેતર કરી શકે તેવી સ્થિતિઓના પ્રવાહોને વહેતા રાખી શકવાની શક્યતાઓ વધારે છે. ઓછા આત્મ-વિશ્વાસ અને વધારે આત્મ-વિશ્વાસવાળાં લોકોમાં મુખ્ય તફાવત ઍ છે કે વધારે આત્મ-વિકાસવાળાં લોકોની માનસિકતા વિકાસોન્મુખ હોય છે, જ્યારે ઓછાં આત્મ-વિશ્વાસવાળાં લોકોની માનસિકતા સિમિત દાયરામાં બંધાયેલી હોય છે.

શું શક્ય છે તે તેમના અગ્રણીઓ ધે તેની અનુયાયીઓ  રાહ જૂએ છે, જ્યારે અગ્રણીઓ શું શક્ય છે તે માટેના અવરોધો તોડે છે. [2]

વાત અંહી ભૌતિક સંભાવનાઓની સામે મનની તાકાતની, પોતાનાં સુખસગવડનાં આરામદાયક ક્ષેત્રની બહાર નીકળીને માનસિક અવરોધો ઓળંગવાની,  છે. પોતાને અસુખ અને અસગવડભરી (ભૌતિક કે માનસિક) સ્થિતિમાં મુક્યા વગર કંઈ નવું કરી શકવાની પ્રગતિ શકય નથી. આપણે જે કંઈ છીએ તે જ બની રહેવાથી આપણને જે થવું છે તે તો ન જ બની શકાય ! આપણાં સુખસગવડનાં ક્ષેત્રની પેલે પાર જ જીવનની શરૂઆત છે.

ઍલ્બર્ટ હબ્બર્ડ લખે છે કે, દુનિયા એટલી ઝડપથી ચાલી રહી છે કે જે કોઈ એમ કહેતું હોય કે એ તો ના જ થઈ શકે તેને એટલું કહેવામાં પણ મોટે ભાગે એ જ કામ, એ જ સમયે, કરી રહેલ કોઈને કોઈ તો વિક્ષેપ કરતું જ હોય.

+                      +                      +                      +

૪ મિનીટથી ઓછા સમયમાં એક માઈલની ડૉ. રોજર બેનિસ્ટરની વાતમાં વ્યાપાર ઉદ્યોગ માટે તેમજ માનવ જીવન માટે બહુ જ સરળ શીખ એ છે કે આપણી ક્ષમતાઓ અને મર્યાદાઓ વિશે બીજાં જે કંઈ માનતાં હોય તેને આપણે કેટલી ઊંચાઈઓ પાર કરી શકીશું તેની સાથે કંઈ જ લેવા દેવા નથી. અંતમાં (અને મુળતઃ) મહત્ત્વ એ જ વાતનું છે કે આપણને પોતાને આપણી ક્ષમતામાં કેટલો વિશ્વાસ છે અને મર્યાદાઓ વિશે કેટલો સાચો અંદાજ છે.….. એટલે કે આપણે જેટલા સફળ થવા જ જોઈએ, તેની શરૂઆત આપણી પોતાની માન્યતાથી જ થાય છે. [3]

બીજા શબ્દોમાં કહીએ તો, જે વાત દોડવીરોને લાગુ પડે છે તે જ સંસ્થાને દોરવણી આપતા અગ્રણીઓને લાગુ પડે છે. વ્યાપાર ધંધામાં વિકાસ સીધી લીટીમાં નથી થતો. હોય કોઈ સંચાલક, કે કોઈ ઉદ્યોગ સાહસિક કે પછી કોઈ તકનીકી નિષ્ણાત, કોઈ નવપ્રયોગશીલ આવે છે અને આખો ખેલ જ બદલી નાખે છે, અને  જે અત્યાર સુધી પહોંચની બહાર જ મનાતું હતું  તે હવે બીજાંઓ માટે લક્ષ્યસિદ્ધિનો માપદંડ બની જાય છે. રોજર બેનિસ્ટરનો એ જ વારસો અને શીખ છે કે જે પહેલાં ક્યારે પણ ન  થયું હોય તે શક્ય કરી દેવાની નેતૃત્વની ક્ષમતાની ભૂમિકા  તે હવે આપણી નજરોમાં પણ રમી રહે છે.

વ્હાર્ટન સ્કૂલના પ્રાધ્યાપકો યોરમ વિન્ડ અને કોલિન કૂકે  તેમનાં પુસ્તક, The Power of Impossible Thinking, માં ચાર મિનિટથી ઓછા સમયમાં એક માઈલ દોડવાની ઘટનામાંથી વ્યાપારઉદ્યોગને જે શીખ મળી શકે છે તેના વિશ્લેષણ પર એક આખું પ્રકરણ ફાળવ્યું છે. તેઓ ભારપૂર્વક આ સિદ્ધિનાં શારીરિક નહીં પણ માનસિક મનોદશાનાં પાસાંની નોંધ લે છે કે  બેનિસ્ટરે આ અવરોધ તોડી નાખ્યા પછી કેટલાય દોડવીરોએ એ કામ આગળ વધારી બતાવ્યું એ બતાવે છે કે જે પરિવર્તન આવ્યું એ મનોવૃતિનાં મૉડેલનું હતું. એ પહેલાના દોડવીરોની મનોવૃતિએ તેમની એમ જ માનતા કરી મુકેલા કે ચાર મિનિટથી ઓછા સમયમાં એક માઈલ તો દોડાય જ નહીં, પણ એકવાર એ સિદ્ધ થયું એટલે બીજાંઓને પણ સમજાઈ ગયું કે જે અશક્ય લાગતું હતું એ તો તેઓ પણ સિદ્ધ કરી શકે છે.

વ્યૂહરચના, સ્પર્ધા કે નેતૃત્વ જેવી સંચાલનની મોટા ભાગની બાબતોમાં વકરો, ખર્ચા, આગવી ઓળખ, વધારે લાભ લઈ શકાય તેવી ઉચ્ચાલક વ્યવસ્થાઓ જેવી અનેક આંટીઘૂંટીઓવાળાં મોડેલો પર ભાર મુકાતો હોય છે. પરંતુ માનસિક મોડેલને કામે લેવાથી અગ્રણીઓ અને સંસ્થાઓને બધાં કરતાં કંઈ શ્રેષ્ઠ કરી બતાવવા ઉપરાંત એવું કરવા પ્રેરે છે જે માત્ર, અને માત્ર, તેઓ જ કરી બતાવે. સમય જતાં, એ સિદ્ધિ બીજાંઓને પણ આમ કરવું શક્ય છે એમ માર્ગદર્શક બને છે. એ લોકો મર્યાદાઓ, સમાધાનો કે માર્ગની વચ્ચે રહેવાની પરંપરાગત શાણપણની સલામતીઓને તો બાજુએ જ મુકી દે છે. એટલે કે, સફળ અગ્રણીઓ તેમના સ્પર્ધકો કરતાં માત્ર વધારે સારી કાર્યસિદ્ધિથી જ નથી સંતોષાતા, પણ શું શક્ય બની શકે તે વિશેની મનોવૃતિને જ ધરમૂળથી  બદલી નાખે છે.

રોજર બેનિસ્ટર જેવાં પ્રતિતાત્મક પ્રતિકો આ કારણથી જ અવિસ્મરણીય  – અને મહત્ત્વનાં- બની રહે છે (એવાં લોકો માટે તો ખાસ જે પીટર સિદ્ધાંત કે ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ કે એવાં  અક્ષમતાવાદી વમળોમાં ઘુમરાતાં હોય……..)

[1] Anticipation and the Bannister Effect

[2] The 4-minute mile: Why some people achieve the impossible and others don’t

[3] The Powerful Lesson of 3:59.4

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.