પગદંડીનો પંથી : ભાગ ૧ – ૮. પરીક્ષા પછીની પરીક્ષા Sixth Sense is Common Sense


પુરુષોતમ મેવાડા

શિયાળાની હાડ ગાળી નાખે એવી ઠંડી, અને મધ્યરાત્રીની ઊંઘ વચ્ચે ડોરબેલ સાંભળી ડૉ. પરેશ સફાળો જાગ્યો. દરવાજે આવેલા પટાવાળાએ ધરેલી કૉલબુકનો સંદેશ વાંચ્યો. તેના જુનિયરે તાત્કાલિક એક બાણ મારેલ દર્દીને જોઈ જવા અને ઘટતું કરવા કૉલ લખ્યો હતો. ડૉ. પરેશે તરત જ સહી કરી આપી અને ઝટપટ તૈયાર થઈ કૅઝ્યુલ્ટીમાં પહોંચ્યો. તેને મદદનીશ પ્રાધ્યાપક થયાને હજુ થોડા મહિના જ થયા હતા, અને નવી જવાબદારીઓમાં એ હજુ તો ગોઠવાઈ રહ્યો હતો. આજે અઠવાડિયે એકવાર આવતી ચોવીસ કલાકની ઇમર્જન્સીનો દિવસ હતો.

દર્દીને પીઠમાં બાણ ખૂંપેલું હતું, અને એ સ્ટ્રેચર પર એક પડખે સૂતો હતો. બાણનો લાકડાનો હાથો કાપી નાખેલો હતો, અને ઘામાંથી વહેતું લોહી થીજી ગયું હતું. દર્દીનાં કપડાં પણ ખાસ બગડેલાં નહોતાં. દર્દી સહેજ હલે કે છતો સૂવાનો પ્રયત્ન કરે તો બાણ શરીરમાંથી સહેલાઈથી જાતે જ નીકળી જાય એમ હતું. ડૉ. પરેશે તપાસની પૂછપરછ કરી. તેને જાણવા મળ્યું કે બધી જ વાઇટલ સાઇન્સ નૉર્મલ હતી અને એક્સ રે પણ નૉર્મલ હતા. ડૉ. પરેશે અભિપ્રાય આપ્યો,

“Remove the arrow, dress without suturing, watch for bleeding externally as well as in abdomen and keep under observation with nothing orally.”

આટલું કહી તે ઘેર જઈને સૂઈ ગયો. અને ફરી નીંદરમાં ઘેરાય ત્યાં જ ફરી ડોર-બેલ વાગ્યો, જોયું તો ફરીથી કૉલ હતો, આ વખતે સીનિયર રજિસ્ટ્રારની સહી સાથે.

“તાત્કાલિક ઑપરેશન થિયેટરમાં હાજર થાઓ, પ્રોફેસર સાહેબ પેલા Stab Injuryવાળા દર્દીની Exploratory Laparotomy કરવાના છે.”

ડૉ. પરેશના શરીરમાંથી ફરી એક વખત ઠંડીનું લખલખું પસાર થઈ ગયું, “શું થયું હશે?”

તે ઑપરેશન થિયેટર ઉપર પહોંચ્યો, એ સાથે જ તેનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં, કારણ કે વરંડામાં દર્દીનાં સગાંની ખૂબ ભીડ થઈ ગઈ હતી. પ્રોફેસર સાહેબે બધાને સાંભળતાં જ કહેવા માંડ્યું,

“ડૉ. પરેશ, તમને ખબર હોવી જોઈએ કે કોઈપણ Penetrating Instrument, Knife or Arrow, or Anythingવાળા દર્દીને ઑપરેશન થિયેટરમાં બધી જ તૈયારીઓ સાથે લઈ જઈને એ કાઢવી જોઈએ. તમે ખૂબ મોટી ભૂલ કરી છે.”

આ સાંભળી દર્દીના એક સગા, જે Zoology Professor હતા તે ધૂંવાંપૂવાં થતાં ડૉ. પરેશ સામે જોઈ રહ્યા. ડૉ. પરેશે પ્રોફેસરને કહી દીધું કે એ પોતે ઑપરેશન નહીં કરે. ન છૂટકે પ્રોફેસર સાહેબ ઑપરેશન થિયેટરમાં દાખલ થયા, અને એમની સાથે બધા જ જુનિયર ડૉક્ટરો પણ.

ડૉ. પરેશ બહારની કૅબિનમાં સૂનમૂન વિચારતાં બેઠા હતા, ત્યાં જ પેલા ઝૂઑલોજિના પ્રોફેસર તેની સામે આવ્યા અને ધમકીના સ્વરમાં બોલ્યાઃ

“જુઓ ડૉક્ટર, મારા દર્દીને કંઈ થઈ ગયું તો તમારી ખેર નથી. તમને કોણે પાસ કર્યા? શા માટે તમે ખૂંપેલું બાણ સમજ્યા વગર કાઢી નાખ્યું?”

ક્ષણ માટે તો ડૉ. પરેશ સહેમી ગયો. તેને આ નોકરીમાં હજી તો થોડા મહીના જ થયા હતા. અનુભવી ના કહી શકાય, પણ એણે કહ્યું કેઃ

“જો દર્દીનો જાન જશે તો હું એમએસની ડિગ્રી ફાડીને ફેંકી દઈશ, અને સર્જરી છોડીને ફક્ત એમબીબીએસની ડિગ્રી સાથે જનરલ પ્રૅક્ટિસ કરીશ!”

ડૉ. પરેશ આ બોલતાં તો બોલી ગયો પણ ન કરે નારાયણને ખરેખર દર્દી મરી જાય તો? જો કે એને ખાત્રી હતી કે એનો નિર્ણય સાચો હતો, અને દર્દીને આંતરિક કંઈ જ નુકસાન નહીં નીકળે, પણ… ત્યાર પછીનો એકાદ કલાક લોઢાના ચણા ચાવવા જેટલો અઘરો હતો. ડૉ. પરેશનો હિંમતભર્યો જવાબ સાંભળી દર્દીનાં સગાં હાલમાં તો શાંત થઈ ગયાં હતાં. ડૉ. પરેશની ઑપરેશન થિયેટરમાં જઈને જોવાની હિંમત ચાલતી નહોતી.

આખરે એ ઘડી આવી, પ્રોફેસર સાહેબ બહાર નીકળ્યા, દર્દીનાં સગાં અને પેલા ભાઈ પણ તેમની સામે હકીકત જાણવા દોડ્યા. ડૉ. પરેશ પણ પ્રોફેસરની પાછળ ઊભો રહી ગયો.

“પેટમાં અંદર કંઈ જ નુકસાન થયું નથી, ડો. પરેશની વાત સાચી છે, પણ અમારે ખાત્રી કરવા ઑપરેશન કરવું પડ્યું.”

આટલું બોલી સાહેબ તો દાદરો ઊતરીને સીધા જતા રહ્યા. ડૉ. પરેશને ફરીથી ખુશીનો પરસેવો વળ્યો. અને ત્યાં જ પેલા ધમકી આપનારા ભાઈ ડૉ. પરેશના પગમાં પડી માફી માગવા લાગ્યા,

“માફ કરજો ડૉક્ટર, મારી ભૂલ થઈ ગઈ!”

ડૉ. પરેશે તેમના ખભા ઉપર હાથ મૂકીને સાત્વન આપ્યું. ઑફિસમાં બોલાવીને તેમને પાણી પાયું અને પોતે પણ પીધું. અને ઑપરેશન કેમ ન કરવું, એવો નિર્ણય પોતે શા માટે લીધો હતો, તે સ્કેચ દોરીને સમજાવ્યું. જે આ પ્રમાણે હતુંઃ

(૧) દર્દીને બાણ વાગ્યા પછી છથી સાત કલાક થયા, છતાં તે બિલકુલ સ્વસ્થ હતો.

(૨) બાણ પીઠમાં જે જગ્યાએ વાગ્યું હતું તે દિવાલ એટલી જાડી હતી કે એ અંદરનાં અવયવોને નુકસાન કરે એ શક્યતા નહીંવત્ હતી.

(૩) બાણ ત્રાંસું વાગેલું હતું, તેથી ઊંડે ઊતરેલું નહોતું.

(૪) બાણ નાનું અને પહોળું હતું, જેનો થોડો ભાગ જ શરીરની માંસપેશીઓમાં ચામડી નીચે ઊતર્યો હતો.

(૫) એમબ્યુલન્સમાં ખરાબ રસ્તાઓ પરથી પસાર થતાં હલનચલનથી બાણ શરીરમાંથી ઢીલું થઈ જ ગયું હતું. એ જાતે જ નીકળી જાય એ માટે દર્દીને સહેજ છત્તા સુવાડવાનો પ્રયત્ન કરવાની જ વાર હતી.

“તમે ભણેલા-ગણેલા, પ્રોફેસર કક્ષાના માણસ છો, એટલે સમજી શકશો કે એકલા પુસ્તકિયા જ્ઞાનથી નિર્ણય લેવાય નહીં. મારો ઇરાદો વગર કારણનું ઑપરેશન ના થાય એવો હતો. અને જરૂર પડ્યે ઑપરેશન કરવાની બધી જ તકેદારી રાખીને જ મેં મારા ડૉક્ટરોને સલાહ આપી હતી.”

પેલા ભાઈ ખૂબ જ દિલગીરી વ્યક્ત કરતા હતા, ત્યાં જ દર્દીને ઓટીમાંથી બહાર લવાયો, બધાં સગાં ત્યાં દોડ્યાં, ડૉ. પરેશે પોતાના રેસિડેન્ટ ડૉક્ટરોને જરૂરી વાતો પૂછી, અને તેમને સલાહ-સૂચનો આપીને પરોઢની શાંતિની નીંદર થાય એ આશાએ ઘર ભણી ચાલ્યો ગયો.


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.