આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૨

પ્રવાસી યુ. ધોળકિયા

હવે આપણે ભારતીય ઇતિહાસના ઈ.સ. ૬૦૦થી ૧૨૦૦ વચ્ચેના એવા કાળખંડમાં પ્રવેશીએ છીએ કે જ્યારે આપણા દેશના ભારતીય મૂળના રાજવીઓએ રાજ્ય કર્યું. આમાં નીચેના વંશો અને તેમના રાજ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે :

(૧) મૌખરી વંશ (૨) મૈ્ત્રકો (૩) પુષ્યભુતિ (૪) વાકાટકો (૫) પશ્ચાદ ગુપ્તો (૬) કલચૂરીઓ (૭) ગૌડવંશ (૮) માળવા (૯) આસામ (૧૦) બદામીના ચાલુક્યો (૧૧) વેંગીના ચાલુક્યો (૧૨) કલ્યાણીના ચાલુક્યો (૧૩) ગુર્જર પ્રતિહાર (૧૪) રાષ્ટ્રકૂટ (૧૫) પાલ (૧૬) સેન (૧૭) હોયસલો (૧૮) પલ્લવો (૧૯) પાંડ્યો (૨૦) ચૌલ (૨૧) ચેર (૨૨) રાજપુતો (બપ્પા રાવલ) (૨૩) સોલંકી (રાજપુત) (૨૪) તોમર (રાજપુત) (૨૫) પરમાર (૨૬) ગઢવાલ (૨૭) ચંદેર (૨૮) ચૌહાણ (૨૯) સિન્ધ હિંદુશાહી (ગાંધાર) (૩૦) કાશ્મીર (૩૧) માન (૩૨) શૈલોદ્‍ભવ (૩૩) મદુરાના નાયકો (૩૪) (૩૫) દ્વારસમુદ્ર (૩૬) વિજયનગર (૩૭) કાકતીય (૩૮) ગંગ (ઓરિસ્સા) (૩૯) પ્રાર્જર

અહીં આપણને ચીન દેશના વંશજોની સંખ્યા સાથેની તુલના રસપ્રદ જણાશે. આપણા દેશમાં  ૬૦૦ વર્ષના ગાળામાં, ઉપર જણાવ્યા મુજબ, ૩૯ જેટલા રાજવંશોએ ભારતના જૂદા જૂદા ભૂ ભાગો પર રાજ્ય કર્યું. આ સમય દરમ્યાન, આપણાથી લગભગ ત્રણ ગણા વિશાળ ચીનમાં ફક્ત ૭ વંશોએ રાજ્ય કર્યું. આ માટેનાં કારણોની ચર્ચા કરતા વિદ્વાનોનું જણાવવું છે કે ચીનની પ્રજા ભારે વ્યવહારકુશળ છે. છેક પ્રાચીન કાળમાં તેઓએ ચીનની ઉત્તર અને દક્ષિણમાં વહેતી નદીઓ યાંગ સિક્યાંગ અને હોઆંગહો અને વેઈ નદી વચ્ચેના પ્રદેશોમાં એક નક્કર (Core) સંસ્કૃતિનો પાયો નાખ્યો. જ્યારે ભારતના સિંધુ, બ્રહ્મપુત્ર, ગંગા જમુના અને નર્મદા વચ્ચે એવો કોઈ નક્કર પ્રદેશ બની ન શક્યો. પરિણામે, ભારતમાં રાજકીય સત્તાનું કેન્દ્રિયકરણ થવાને બદલે વિકેન્દ્રીકરણ થતું રહ્યું.

હવે આપણે ભારતના કેટલાક પ્રખ્યાત રાજવીઓ કે રાજ્ય વિસ્તારો વિશે ટુંકમાં જોઈએ.

ઈ. સ. ૬૦૦થી ૭૫૦

(૧) ઉત્તર ભારતના કનોજના યશોવર્મા નામના રાજવીએ હૂણ લોકોનો એવો પરાજય કર્યો કે આ બધા વિદેશીઓને ભારતની મહાન સાંસ્કૃતિક ધારામાં સમાઇ જવું પડ્યું. પરિણામે, લગભગ ૫૦૦ વર્ષ સુધી ભારત આક્રમણખોરોથી સુરક્ષિત રહ્યું.

(૨) આપણે પુષ્યભુતિ વંશના શ્રીહર્ષ વિશે અગાઉના લેખમાં જોઈ ગયા છીએ. તેમ છતાં સાતત્ય જાળવવા પુરતો થોડો શ્રીહર્ષ વિશેનો નિર્દેશ અહીં ફરીથી કરીશું.  તે ઉત્તર ભારતના સૌથી મહાન મહારાજા તરીકે પ્રખ્યાત થયા. તેના સમયમાં પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુ-એન-સંગ ભારત આવે છે. આ યાત્રી બૌદ્ધ ધર્મનો મહાયાન ધર્મી હતો. હર્ષ પર તેનો એટલો પ્રભાવ પડ્યો કે હર્ષ મહાયાન ધર્મ સ્વીકારવા તૈયાર થયા અને બૌદ્ધ ધર્મને જીવતદાન મળ્યું. આ હકીકત ‘હર્ષચરિત્ર’માં જોવા મળે છે.

(૩) સમ્રાટ હર્ષના રાજ્યકાળ પહેલાં ગુપ્તવંશના મૈત્રક જાતિના ભટ્ટારકે વર્તમાનના સૌરાષ્ટ્રના ભાવનગર શહેરની નજીક મૈત્રકવંશની સ્થાપના કરી. મૈત્રકવંશનો અંત ઈ.સ. ૭૪૨માં આવ્યો. અહીં બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ હતું.

(૪) ગુર્જર (પ્રતિહાર): આ રાજ્ય રાજસ્થાનના કેટલાક પ્રદેશોમાં સ્થિત હતું. તેમાં જુદાં જુદાં દસ રાજ્યોએ ૨૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. સૌથી પ્રથમ પ્રસિદ્ધ રાજવીમાં નાગભટ્ટનું નામ મળે છે.

(૫) મૌખરી વંશ: ઉત્તર ભારતમાં સ્થાપિત થયેલ આ વંશના પ્રસિદ્ધ રાજાઓ હરિવર્મન, આદિત્યવર્મન અને ઈશ્વરવર્મન હતા. આ જ વંશના ગ્રહવર્મનનાં લગ્ન સમ્રાટ હર્ષની બહેન રાજશ્રી સાથે થયાં હતાં આંતરિક લડાઈમાં માળવાના દેવગુપ્તના હાથે ગ્રહવર્મનનો વધ થયો હતો.

(૬) પશ્ચાદ ગુપ્તો: આ વંશના સૌથી પ્રખ્યાત રાજા કુમાર ગુપ્ત હતા. તેનો રાજ્યવિસ્તાર ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં હતો.

(૭) પાલ વંશ: આ વંશની સ્થાપના ધર્માદિત્યે બંગાળમાં કરેલી તે વખતે બિહાર અને ઓરિસ્સાના કેટલાક ભાગોનો સમાવેશ બંગાળમાં થતો હતો. આ વંશ વિશે થોડી વધારે વાત જવે પછીના મણકામાં કરીશું. .

(૮) આસામ: અહીંના પ્રસિદ્ધ રાજવી ભાસ્કર વર્મને સમ્રાટ હર્ષનું આધિપત્ય સ્વીકાર્યું. તેની મદદથી શ્રી હર્ષ ગૌડ વંશના શાસક શશાંક સાથે યુદ્ધ કરી શક્યા હતા.

(૯) ઓરિસ્સા: માન અને શૈલોદ્‍ભવ વંશોએ અહીં આઠમી સદીમાં શાસન કર્યું.

આ સમયકાળમાં તિબેટ અને ચીન સાથે ભારતના સંબંધો કેવા હતા એ જાણવું રસપ્રદ બની રહે તેમ છે, તેથી થોડું વિષયાંતર કરીશું. આપણને એ તો વિદિત જ છે કે છેલ્લાં ૬૦ વર્ષથી આ બન્ને દેશોને કારણે ભારત ચીનનાં આક્રમક વલણનો ભોગ બની રહ્યું છે.

સાતમી સદીમાં પોતાની બે રાણીઓની પ્રેરણાથી તિબેટે બૌદ્ધધર્મ અને બ્રાહ્મી લિપિનો સ્વીકાર કર્યો. આઠમી સદીંમાં પદ્મસંભવ અને અતિશ નામના બૌદ્ધ તાંત્રિક સાધુઓએ તિબેટની કાયાપલટ કરી નાખી.

પહેલી સદીથી જ કાશ્યપ માતંગ નામના બૌદ્ધ  ગુરુ ચીન ગયા અને ત્યાં બૌદ્ધ ધર્મનું પ્રચલન કર્યું. ભારત સાથે ચીનના અંબંધો એટલા ગાઢ બન્યા કે ચીનના રાજવીએ શ્રી હર્ષના સમયમાં પોતાના ત્રણ પ્રતિનિધિ મંડળોને ભારત મોકલ્યાં.પરંતુ જ્યારે ચીનનું ત્રીજું પ્રતિનિધિ મંડળ ભારત  આવ્યું ત્યારે હર્ષના ઉત્તરાધિકારી અર્જુને એ પ્રતિનિધિ મંડળની સાથે ભારે અપમાનિત વ્યવહાર કર્યો. તેથી ચીડાઈને ચીને તિબેટની મદદથી ભારત પર આક્રમણ કરી, મગધ રાજ્યની ભારે દુર્દશા કરી.

(૧૦) ચાલુક્ય વંશ (વાતાપિ – [વર્તમાન] બદામી): આ વંશની સ્થાપના આમ તો છટ્ઠી  સદીમાં થઈ હતી, પરંતુ તેના ખરા સ્થાપકો પુલકેશિન પહેલો અને પુલકેશિન બીજો હતા. કોંકણ પ્રદેશથી શરૂ થયેલ આ વંશ ધીરે ધીરે વેંગી અને કૃષ્ણા-ગોદાવરીના શાસકો બન્યા. પુલકેશિન બીજાએ ઈ.સ. ૬૦૮ થી ૬૨૮ રાજ્ય કર્યું.તેના સમયમાં પર્શિયાના રાજા ખુશરૂ બીજાએ એક પ્રતિનિધિ મંડળ ભારત મોકલ્યું હતું. તેનું ચિત્રણ અજંતાની પ્રથમ ગુફામાં કરવામાં આવેલું છે.

પુલકેશિને ઉત્તર ભારતના સમ્રાટ હર્ષનો પરાજ્ય કરેલો. તેને કારણે શ્રી હર્ષ નર્મદા નદી ક્યારે પણ લાંઘી શક્યા ન હતા. જૈન કવિ રવિસેને આ યુદ્ધનું રોચક વર્ણન કર્યું છે. હ્યુ-એન-સંગે આ રાજ્યની પ્રશંસા કરી છે. જોકે અંતે પુલકેશિન બીજાનો પરાજય પલ્લવના મહાન રાજવી નરસિંહ વર્મને કરેલ.

પુલકેશિન બીજાના સમયમાં ચાલુક્ય વંશ ટોચ પર પહોંચ્યો, પરંતુ રાષ્ટ્રકૂટોએ આ વંશનો પરાજય કર્યો.

(૧૧) પલ્લવો: ખૂબ પ્રાચીન સમયથી પલ્લવ વંશ કર્ણાટક અને આંધ્રમાં અસ્તિત્ત્વમાં હતો. કદંબ અને ગંગ વંશના રાજવીઓનો તેમણે પરાજય કર્યો. પરંતુ, પલ્લવોનો દક્ષિણ ભારતના રાજકીય ફલક પર સાચા અર્થમાં પ્રવેશ છઠ્ઠી સદીમાં સિંહવર્મન નામના રાજવીના સમયમાં થયો. આ રાજવીને શ્રીલંકા અને તામિલ પ્રદેશના કેટલાક પ્રદેશો જીતી લીધેલા. પલ્લવ વંશના અન્ય પ્રતાપી રાજવીઓમાં મહેન્દ્રવર્મન અને નરસિંહવર્મનનાં નામો આવે છે. નરસિંહ વર્મને ચાલુક્ય વંશના પુલકેશિન બીજાનો કારમો પરાજય કર્યો હતો.આ રાજાઓ પાકા હિંદુ ધર્મી હોવા છતાં  બૌદ્ધ ધર્મના ૧૦૦ વિહારો પોતાના રાજ્યમં સ્થાપ્યા. અહીં એક વાત નોંધવી જોઈએ કે દક્ષિણના ચાલુક્યો અને પલ્લવો સતત યુદ્ધો કરીને નબળા પડ્યા. તેથી અહીં રાષ્ટ્રકૂટોનું  શાસન સ્થપાયું.

અહીં ફરીને આપણે વિષયાંતર કરીએ.

ઈસ્લામ ધર્મની સ્થાપના સાથે આરબોએ સિંધના રાજવી દાહિરશાહને હટાવી ઈ.સ.અ ૭૧૨માં ભારતમાં પ્રવેશ મેળયો. પરંતુ, આપણા સદ્‍નસીબે રાજપુત વંશના આદ્ય પુરુષ બપ્પા રાવળે ઈ. સ. ૭૫૦ પછી જ આરબોનો કારમો પરાજય કર્યો. સિંધના બે નાના પ્રદેશો મુલતાન અને મનસુરામાં તેઓનું શાસન સ્થાપીને આરબોએ સંતોષ માનવો પડ્યો. અંદરોઅંદર લડતા ભારતીયો એ હકીકત ક્યારેય પણ ન સમજી શક્યા કે ઈસ્લામ પછીથી સમગ્ર ભારતને ગળી જશે અને ઈ. સ. ૧૦૦૦થી ૧૮૫૭ સુધી આપણા દેશ પર ક્રૂરતાથી શાસન કરશે.

ઇ. સ. ૭૫૦થી ૧૦૦૦

ભારતના ઇતિહાસમાં મધ્યકાળનો તબક્કો ઈ. સ. ૬૦૦થી ૭૫૦ સુધી ચાલ્યો. હવે તેનો બીજો તબક્કો શરૂ થયો, જે ઇ. સ. ૭૫૦થી ૧૦૦૦ સુધી રહ્યો.પહેલાં ઉત્તર ભારતનું રાજકીય કેન્દ્ર બિહારમાં આવેલું મગધ હતું. પરંતુ હવેના સમયમાં ઉત્તરપ્રદેશનું કનોજ  કેંદ્રસ્થાને આવ્યું. તે વિશ્વવ્યાપારનું કેન્દ્ર હોવાથી કાશ્મીર, ગુર્જર, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ અને બંગાળના પાલવંશના રાજવીઓની રાજ્યસત્તાઓ કનોજ પર આધિપત્ય મેળવવા  લગભગ ૩૦૦ વર્ષ સુધી લડતા રહ્યા.

(૧૨) કાશ્મીર કાશ્મીરમાં દુર્લભ વર્મન નામના શાસકે કકોર્ટ વંશની સ્થાપના કરી. પછી દુર્લભક, ચંદ્રપીડ અને મુક્તાપીડ (લલિતાદિત્ય) મહાન રાજા થયા. લલિતાદિત્યે ૩૬ વર્ષ રાજ્ય કર્યું. ચીનના રાજવીએ પણ તેની પ્રશંસા કરી છે. પહેલાં તેમણે કનોજના રાજવી યશોવર્મનની મદદથી  ભૂતાન, તિબેટના કેટલાક ભાગ, મધ્ય એશિયાના કેટલાક વિસ્તારો, ભારતનું ગૌડ રાજ્ય જીત્યાં. આ માટે કલ્હણ નામના ઇતિહાસકારે પોતાના ગ્રંથ રાજતરંગિણીમાં લલિતાદિત્યની ભારે પ્રશંસા કરી છે. પછીથી કોઈ મતભેદ થતાં લલિતાદિત્યે પોતાના ખાસ મિત્ર યશોવર્મનનો પરાજય કરીને કનોજ જીતી લીધું.

કાશ્મીરમાં પછી ઉત્પલવંશ સ્થપાયો. તેના રાજવી શંકર વર્મને કાશ્મીરનું ગૌરવ વધાર્યું. આ કારણથી તેને કનોજના રાજા ભોજ અને અફઘાનિસ્તાનના શાહી રાજવી સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું. આ પ્રક્રિયામાં તેમણે પંજાબ પર વિજય મેળવ્યો. વાચકોને એ જાણી આશ્ચર્ય થશે કે કાશ્મીર પર ઇ. સ. ૯૫૦થી ૧૦૦૩ વચ્ચે દિદ્દા  નામની ક્રૂર છતાં બાહોશ રાણીનું શાસન થયું હતું. મહમુદ ગજ઼નીએ કાશ્મીરને જીતવાનો પ્રયત્ન કરેલો પરંતુ પર્વતોએ કાશ્મીરની રક્ષા કરી. ધીરે ધીરે કાશ્મીર પોતાનું રાજકીય મહત્ત્વ ગુમાવતું ગયું.

  ક્રમશ :….ભાગ ૧૩ માં

શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૨

Leave a Reply

Your email address will not be published.