સંબોધન બદલવાની સાથોસાથે વલણ પણ બદલીએ તો જ અર્થ સરે

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

રોજબરોજના વપરાશમાં લેવાતા ઘણા શબ્દો એટલા બધા રુઢ બની ગયા હોય છે કે તેના અર્થ કે અર્થચ્છાયા વિશે આપણે ખાસ વિચારતા નથી. એ વિશે વિચારવાનું કહેવામાં આવે ત્યારે એવી દલીલ કરવામાં આવે છે કે ‘જે કહેવું છે એ સમજાઈ ગયું ને? બસ, પછી અર્થની મથામણમાં ન પડો.’ ઉચ્ચારાતા કે ઉપયોગમાં લેવાતા શબ્દો જો કઠોર હોય તો એ અવશ્ય ખૂંચે, પણ શબ્દોથી વધુ અગત્યનો છે વર્તાવ.

ગાંધીજીએ અસ્પૃશ્યો માટે ‘હરિજન’ જેવો ઊત્તમ શબ્દ પ્રયોજ્યો, અને તે બહોળા ઉપયોગમાં પણ લેવાતો થયો. સૌથી મહત્ત્વની બાબત એ છે કે હરિજનો પ્રત્યેની માનસિકતા કે વર્તાવમાં કોઈ નોંધપાત્ર પરિવર્તન આવ્યું? એ ન આવ્યું હોય તો માત્ર શબ્દ બદલવાથી કંઈ ન થાય!

એ જ રીતે શારિરીક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે એક સમયે ‘અપંગ’ શબ્દ ચલણમાં હતો. એમ તો જે તે ખોડ માટે બોલવામાં અવિવેકી જણાય એવા શબ્દો પણ સામાન્ય હતા. ધીમે ધીમે ‘વિકલાંગ’ અને હવે આજકાલ ‘દિવ્યાંગ’ શબ્દનું ચલણ છે. ‘દિવ્યાંગ’ શબ્દ બોલવેચાલવે વધુ પડતો વિવેકપૂર્ણ જણાય છે, પણ સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે એ વર્ગ તરફનું આપણું માનસિક વલણ બદલાયું છે ખરું? તેમના માટે અ શબ્દનો ઉપયોગ સરકાર દ્વારા ચલણી કરાયા પછી તેમના માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવા તરફ ધ્યાન અપાયું છે કે કેમ?

શબ્દો બદલવાની કવાયત જે તે વર્ગને સન્માન આપવા તરફનું પહેલું પગલું છે, પણ કેવળ પહેલું પગલું ભરીને અટકી જવાનું નથી. એ દિશામાં બીજું, ત્રીજું, ચોથું એમ સતત પગલું ભરતાં રહીને આગળ વધતા રહેવાનું છે. સામાજિક ક્ષેત્રની જેમ રમતગમતના ક્ષેત્રે પણ આવા ઘણા શબ્દો ચલણી છે.

ક્રિકેટના વિવિધ નિયમો ઘડવા માટે જવાબદાર એવી લંડનસ્થિત મેરિલીબોન ક્રિકેટ ક્લબ (એમ.સી.સી.) દ્વારા તાજેતરમાં ક્રિકેટની પરિભાષામાં એક નવો શબ્દ ઉમેરવામાં આવ્યો છે. બેટિંગ કરનાર માટે અત્યાર સુધી ‘બૅટ્સમેન’ શબ્દ પ્રચલિત હતો, જે સ્પષ્ટપણે પુરુષ ખેલાડીઓ માટેનો હતો. મહિલા ક્રિકેટનું અને ક્રિકેટરોનું માહાત્મ્ય સ્વીકારવાની ચેષ્ટા તરીકે હવે અધિકૃત રીતે ‘બૅટર’ શબ્દ અપનાવવામાં આવ્યો છે, જે લિંગનિરપેક્ષ છે.

ક્રિકેટ માટેના નિયમો ઘડવામાં આવ્યા ત્યારથી, એટલે કે ઈ.સ.૧૭૪૪થી ‘બૅટ્સમેન’ શબ્દ જ વપરાશમાં હતો. ‘બૉલર’ કે ‘ફિલ્ડર’ જેવા શબ્દો લિંગનિરપેક્ષ હોવાથી તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ વર્ષના જુલાઈમાં ઈન્‍ગ્લેન્ડમાં રમાયેલી ‘ધ હન્‍ડ્રેડ’ નામની ક્રિકેટ સ્પર્ધામાં આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રિકેટના મેદાનમાં ‘થર્ડ મેન’ નામનું એક સ્થાન હોય છે. એ અગાઉ રમાયેલી મહિલા ક્રિકેટમેચમાં તેને માત્ર ‘થર્ડ’ તરીકે સંબોધવામાં આવ્યું હતું. બૅટ્સમેનમાં ‘નાઈટ વૉચમેન’ના પ્રકારથી કોણ અજાણ હશે? આ શબ્દનો ઉલ્લેખ એ મેચમાં કેવળ ‘નાઈટવૉચ’ તરીકે કરવામાં આવ્યો. અલબત્ત, એમ.સી.સી. દ્વારા કરાયેલો અધિકૃત ફેરફાર ફક્ત ‘બૅટર’ શબ્દનો છે. અન્ય શબ્દો બી.બી.સી; સ્કાય જેવી સંસ્થાઓએ યા અન્ય પ્રસાર માધ્યમોએ પ્રયોજેલાં છે. ટીમના અગિયાર ઉપરાંત વધારાના બારમા ખેલાડી માટે ક્રિકેટમાં ‘ટ્વેફ્થ મેન’ શબ્દ છે. એ પણ એમનો એમ રાખવામાં આવ્યો છે.

મહિલા ક્રિકેટનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે, અને હવે તે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યું છે, જેને અવગણી શકાય એમ નથી. આથી એક સહજ ક્રમમાં આ પરિવર્તન આવે એ સમજી શકાય એવું છે. આ ચેષ્ટા અલબત્ત, આવકાર્ય છે, પણ તેને લઈને ક્રિકેટની રમતમાં લિંગભેદ નાબૂદ થઈ જશે?

ઉત્તર ભારતના દૈનિક ‘ધ ટ્રિબ્યુન’ના પત્રકાર રોહિત મહાજને કેટલાક મુદ્દાઓ પ્રત્યે ધ્યાન ખેંચ્યું છે. તેમના જણાવ્યા મુજબ, ઈન્ગ્લેન્‍ડ હોય કે ભારત, મહિલા ક્રિકેટ બાબતે પરિસ્થિતિમાં ખાસ ફરક નથી. ‘ક્રિકેટના મક્કા’ ગણાતા લોર્ડ્સના મહિલા ક્રિકેટની એક પણ ટેસ્ટ મેચ રમાઈ નથી. બીજા એવા જ મહત્ત્વના મેદાન ગણાતા ઓવલમાં 1976 પછી મહિલા ક્રિકેટની એક પણ ટેસ્ટ મેચ નથી યોજાઈ. કોલકાતાના વિખ્યાત ઈડન ગાર્ડનમાં મહિલાઓની કેવળ પાંચ જ આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઠ, બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એકવીસ, ચેન્નાઈના એમ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં સોળ, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અગિયાર અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાત આંતરરાષ્ટ્રીય મેચ મહિલા ક્રિકેટની યોજાઈ છે.

રોહિત મહાજનના જણાવ્યા અનુસાર સ્ટેડિયમ માટે હંમેશાં પુરુષ ખેલાડીઓની ટીમ જ અગ્રતાક્રમે હોય છે. મહિલાઓની મેચ માટે ઝટ પ્રાયોજકો મળતા નથી. એનું સીધું કારણ એ છે કે મહિલા ક્રિકેટને પૂરતું ઉત્તેજન અને પ્રાધાન્ય આપવામાં ન આવે તો પ્રેક્ષકો કે પ્રાયોજકોને રસ ક્યાંથી પડે?

મહિલાઓ માટે સુયોગ્ય શબ્દો રમતમાં દાખલ કરવા એ સારી બાબત છે, પણ એ પૂરતું નથી. વધુ ને વધુ મહિલા ખેલાડીઓ આ રમત તરફ આકર્ષાય, આ રમતને અપનાવે અને તેમને તેમાં કારકિર્દી બનાવવા માટે યોગ્ય પ્રોત્સાહન મળતું થાય એ વધુ યોગ્ય અને આવકાર્ય ગણાય.

ભારતના ક્રિકેટ બૉર્ડે છેક ૨૦૦૬માં મહિલા ક્રિકેટનો હવાલો સંભાળ્યો. વિશ્વભરનાં મહત્ત્વનાં ક્રિકેટ બૉર્ડમાં આમ કરનાર તે છેલ્લું હતું. ક્લબના સભ્યપદ માટે હજી પુરુષ ક્રિકેટરોને ફાંફા પડે છે, ત્યાં મહિલા ક્રિકેટરો માટે હજી એ દૂરની વાત જણાય.

પુરુષોના એકાધિકાર જેવી ગણાતી ક્રિકેટમાં મહિલાઓનો પ્રવેશ ક્યારનો થઈ ગયો છે, તેને માન્યતા ધીમે ધીમે મળી રહી છે એ આનંદની વાત છે. આમ છતાં, હજી તેણે લાંબી મંઝીલ તય કરવાની છે એ નક્કી, કેમ કે, સદીઓ જૂની માનસિકતા બદલાતાં વરસો વીતી જતાં હોય છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧ – ૧૦ –૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ: તસ્વીર નેટ પરથી સાભાર

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.