વિશાળતા સાથે જોડે છે ઘર

શબ્દસંગ

નિરુપમ છાયા

સાહિત્યમાં ગદ્યનાં વિવિધ રૂપોમાં એક નિબંધનું સ્વરુપ પણ  વિકસ્યું છે. અન્ય સાહિત્ય પ્રકારોની જેમ આ પ્રકાર પણ પશ્ચિમથી આવેલો છે એવું વિદ્વાનો કહે છે.  કોઈપણ બાબત પર પોતાના જે વિચારો હોય તે મૂકવા એટલે નિબંધ એવું સામાન્ય રીતે કહી શકાય. પણ આ સ્વરૂપ વિકસતાં વિકસતાં એના લલિત અને લલિતેર એવા પ્રકારોયે આવ્યા તેમ  લઘુનિબંધનું સ્વરુપ પણ મળ્યું.  ‘આ વિશ્વમાં એવું ઘર મળે જ્યાં કશા કારણ વિના હું  જઈ શકું…’ એવું કહીને ઘરનાં પ્રતીકથી  એક રીતે કવિ  કલ્પનામાં  વિશ્વ સુધી વિસ્તરવાની ભાવના વ્યક્ત કરતાં, ખેવના પણ રાખે છે. . જો કે એનાથી ઊલટું, આપણા પ્રતિષ્ઠિત સર્જક, સંપાદક, અનુવાદક  અભ્યાસુ વિવેચક શ્રી રમણભાઈ સોની  ‘આંગણું અને પરસાળ’માં  ઘરની, હવે કલ્પના બની ગયેલી ઘરરચના -આંગણું, પરસાળ અને પછી ઘર-ને જીવંત કરતાં એનાં માધ્યમથી વિશાળ ચિંતનવિશ્વ સુધી પહોંચીને, ભાવકને પણ એનો પરિચય કરાવે  છે.

શ્રી  રમણભાઈએ આકાશવાણી પર આપેલા  ચાર ચાર મિનિટના ટૂંકા વાર્તાલાપો તેમજ  વીજાણુ સામયિક સંચયનના સંપાદક તરીકે પ્રારંભે લખતા એ કથનો આ પુસ્તકમાં લઘુ નિબંધોરૂપે સંચિત કર્યાં  છે. લેખક પોતે કહે છે તેમ, ‘એ લખાણો વિચાર-ચિંતનનો ભાર ન લાગે એ રૂપે રજુ થયેલાં. એથી શ્રોતાઓ સાથેના પ્રત્યક્ષ સંવાદતંતુ માટે, દરેક નિબંધમાં વિચાર-સંવેદનનું પ્રાસાદિક ને કંઈક લહેરાતું સ્વરુપ એમાં પ્રગટતું રહેલું; પૂરું લલિત પણ નહીં પણ વિચારલીલા જેવું.’ આ લઘુ નિબંધોમાંથી પસાર થતાં  ભાવક એનો અનુભવ કરી  શકે છે. પુસ્તક બે ભાગમાં છે. એક ભાગમાં ટૂંકા વાર્તાલાપો તેમજ બીજા ભાગમાં ‘સંચયન’માંના સંપાદક કથનો.

નીર્બંધતા તરીકેની ઓળખ ધરાવતા નિબંધના આ લાઘવરૂપમાં પણ એટલો જ વિસ્તાર છે. લઘુ ભલે રહ્યા પણ એના વિષયસ્પર્શમાં એટલી  જ વિશાળતા છે. વિશાળ મેદાનમાં ઘોડો ખેલવવાનું સરળ છે, પણ આંગણામાં ઘોડો ખેલવવો એ ખરું કૌશલ્ય છે. એમ, લઘુનિબંધમાં વિચારનો વિસ્તાર ભલે કદાચ   સરળ ન  હોય પણ અસંભવિત નથી એ આ પુસ્તકના દરેક નિબંધમાં જોઈ શકાય છે. જે વિષયને લેખકે હાથમાં લીધો છે  એના દરેકે દરેક બિંદુને પૂરેપૂરાં પ્રસ્તુત કર્યાં છે. ‘સમયની સાથે સાથે’માં યાંત્રિક રીતે સમય સાથે ઘસડાતાં, કામને ઠેલવાની વૃત્તિને કારણે હડસેલો મારતા સમયની નિર્દયતા, ભૌતિક ઉપરાંત  પોતાના ક્ષેત્રમાં ક્ષણે ક્ષણે વધતાં જ્ઞાન અને જાણકારી પ્રત્યે જાગૃત ન રહીને માનસિક રીતે સમય સાથે ન રહેવું, સમયની ધરી વર્તમાનને દર્શાવી, સાથે ભૂતકાળપરસ્તી અને વર્તમાનપરસ્તી, સમય સાથે દોસ્તી કરી સમય સાથે રહેવાની વાત, એમ જુદાં જુદાં પાસાં લઈ સમયની સાથે રહેવું એટલે શું એનું એક ચિત્ર આપ્યું છે. ‘સલાહશિખામણઉપદેશ’ નિબંધનાં શીર્ષકમાં જ .એકસાથે મૂકાયેલા ત્રણેય શબ્દો જ ઘણું સ્ફુટ કરે છે. સલાહ આપવાની મનુષ્યની સહજ ટેવ, એનાં કારણો, લક્ષણો, સાચો ઉપદેશ કોણ અને કઈ રીતે આપે જેવા મુદ્દાઓને સ્પર્શી એક વિચાર સમગ્ર ઘડાયો છે.

આ ચિંતનવિસ્તારમાં એક સ્પષ્ટ લય છે. કોઈપણ નિબંધમાં આ લય તૂટતો નથી. એકસરખા વહેતા પ્રવાહમાં સ્નાન કરતા હોઈએ એવો અનુભવ થાય છે.  વિચારોમાં સંવેદનશીલતા પણ ખ્યાલ આવે. કોઈ આક્રોશ કે બીજા પર ઘા કરવો, સ્ફોટકતા, તીક્ષ્ણતા એવું પણ કશું નજરે પડે. સહજ રીતે, સમભાવપૂર્વક યથાર્થ દૃષ્ટિકોણ સાથે વિચાર સ્ફુટ થાય છે અને વિકસે છે. વિદ્વતા દર્શાવવાનો પણ કોઈ જ પ્રયત્ન નથી.  ‘સ્વાદ અને આસ્વાદ’ નિબંધ ઉદાહરણરૂપે ટાંકી શકાય. પોતાને  ‘સાહિત્યના નૈ’ એવું માનતા એક સજ્જન,  લેખકને ‘વજનદાર લખાણવાળા’ પણ કહેતા આજકાલ શું ચાલે છે  એવું પૂછે છે ત્યારે લેખક ઉનાળાની ઋતુના આનંદ શરબત આઈસ્ક્રીમની વાતો કરે છે. પણ પેલા તો સાહિત્યને જ વળગી રહે છે ત્યારે લેખક એમને સરળ રીતે ‘ઋતુસંહાર’માંથી ‘દિનાન્ત રમ્ય:…’ પંક્તિ એવી રસમય રીતે સ્પષ્ટ કરે છે કે  પેલા સજ્જન પ્રસન્નતાથી છુટ્ટા પડે છે. એવા જ નિબંધ ‘બોલાતી અને લખાતી ગુજરાતી ભાષા’માં  ‘બેટા આ એપલ ખા’ જેવા દ્વિભાષિક વ્યવહાર અને ગુજરાતીમાં ભળતા અન્ય ભાષાના શબ્દો વગેરેથી ભૂમિકા બાંધી, ‘આપડી ગુજરાતી ભાસા’ ‘મેં આયોતો તારે ઘરે’ જેવાં ઉદાહરણ દ્વારા બોલવા અને લખવા વચ્ચેનો ભેદ સમજાવવા કહે છે, ‘ ઘરમાં બંડી-લેંઘો પહેરી ફરતા સજ્જન શેરીમાં કે સોસાયટીમાં નીકળે ત્યારે ઉપર ઝભ્ભો કે શર્ટ લગાવી લે. બહાર જાય ત્યારે અસ્ત્રીવાળાં કપડાં ને  લગ્ન જેવા સમારંભમાં વળી નવાં, ભપકાદાર કપડાં.’ આ  ઉદાહરણ દ્વારા બોલવા અને લખવાની ભાષા વચ્ચેના ભેદને સ્પષ્ટ કરાયો  છે. એ જ રીતે ‘શકાર સાચું કે સકાર’ માં તો સરળ રીતે તાલવ્ય અને દંતવ્ય સમજાવી, બંનેના અતિરેક અને અંતે રમૂજ મૂકીને આ વિષયે આપણને પણ વિચારતા કરી મૂકે છે.

આવા શાસ્ત્રીય વિષય અને પોતે પણ ભાષા અને સાહિત્યના શાસ્ત્રીય અભ્યાસુ હોવા છતાં કોઈ ભાર વિના ભાવકને આ પ્રકારના  વિષય ભણી દોરે છે. ‘નૂતનવર્ષાભિનંદન અને હેપી ન્યૂ યર’ સંસ્કારવારસા પ્રત્યે જાગૃત કરે છે. આમ આ ચિંતન નિબંધો ભારેખમ ન બની રહેતાં ભાવક માટે રસમય બને છે. વાંચવા ગમે એવા છે.  આ પુસ્તકનું બીજું પાસું પણ એવું જ વિશિષ્ટ છે. નિબંધના લલિત અને લલિતેર એમાંથી આ નિબંધોમાં લલિતેર ચિંતનાત્મકતા સાથે લાલિત્યનો પણ સુભગ, સંયત સમન્વય પણ થયો છે. ઉમાશંકર જોશીએ નોંધ્યું છે, ‘લલિતેર નિબંધ એટલે ચાલવું. લલિત નિબંધ એટલે નૃત્ય…..લલિતેર નિબંધ વિચારવ્યૂહથી બંધાયેલો હોય છે, લલિત નિબંધ ભાવ પરિસ્થિતિને મૂર્ત કરવા કલાનિયમથી.’ આ વિધાન ‘આંગણું અને પરસાળ’ના  નિબંધોને પૂરેપૂરું બંધબેસતું છે.

લાલિત્ય માટે ભાષા પણ મહત્વની છે. શ્રી રમણભાઈની બહુશ્રુતતા અને ઊંડાં પરિશીલન સાથે ભાષાનું સૌન્દર્ય આ નિબંધોને, આહલાદક બનવે છે. થોડોક એનો પણ સ્વાદ માણીએ. …’વહેલી સવારે સૂરજનો પહેલો સ્પર્શ થતો હોય ત્યારે ઘરઆંગણાંનાં પુષ્પો સાથે તમે વાતો કરી છે ક્યારેક? આંખની સામે એક નાનકડું ફૂલ રેશમી સ્મિત કરતું હોય ત્યારે એકાદ ક્ષણ વહાલ કર્યું છે એને? જેણે રંગ અને સુગંધ તમને આપ્યાં એને એકાદ પ્રેમાળ સ્પર્શ કર્યો હશે ને તમે ? કે એ મિલન-પળ ખાલી ગઈ?’ (પુષ્પો સાથે વાત)…. ‘દરિયાને કિનારે તો, આથમતો તડકો, છેક પશ્ચિમ છેડેથી પાણીમાં તરતો તરતો આપણા પગને પખાળવા લીસોટાભેર જાણે દોડ્યો આવે છે.’ (તડકાનો વૈભવ )  ‘સંસ્કૃતિનો વ્યાપ વધતો ગયો…માત્ર દીવાલોના પર્યાયો વધતા ગયા. સુરક્ષા, અવરોધ, મર્યાદા, અપારદર્શકતા,  લેક ઓફ કોમ્યુનિકેશન..એક પ્રકારની પરોક્ષતા, બલકે લાચારી. આપણી ભાષા જ નહીં, આપણો ચહેરો પણ ક્યારેક બીજા માટે  દીવાલ બની જાય છે.’(દીવાલ). ‘સમુદ્રમાં મોજાં ઉછળે છે, ધસે છે, ફીણફીણ થઇ જતાં એ મોજાં ઘડીક આપણને આકર્ષી લે છે, પણ પછી એ પોતે જ પછડાઈને વિલાઈ જાય છે…મોજાંની ભરતીવાળા સમુદ્રને વેલાકુલ કહે છે. મોજાંથી એટલે કે વેલાથી આકુલ. આકુળ અને વ્યાકુળ.’ આવાં તો કેટલાંયે સૌન્દર્યસ્થાનો તારવી શકાય.

લેખકના સાહિત્ય સાથેના આત્મીય સંબંધના પણ આ નિબંધો પરિચાયક છે. દરેક નિબંધમાં કાવ્યપંક્તિઓ આપીને તેમણે વિચારનાં ચોક્કસ  દિશા, ગતિ નિશ્ચિત કરી,  વિષયવસ્તુ સ્પષ્ટ કર્યું જ છે એની સાથે આપણા સાહિત્યની એ મહામૂલી સમૃદ્ધિ પણ આપણને સ્પર્શી જાય છે, અંતરમાં વસી જાય છે.

કેટલીક એ પણ માણીએ.

‘દર્પણ સમ જલ હોય, તોય નવ જુએ કોઈ નિજ મુખ; બસ તરસ લાગતાં લહી રહે પાણી પીધાનું સુખ.’(સિતાંશુ) (પૃ.૧૨).

‘પ્રભુએ મને પકડ્યો’તો એકવાર સંધ્યાના તડકાથી એ વૃક્ષના થડ રંગતો’તો’ (ઉમાશંકર પૃ. ૨૦).

‘લજ્જા નમેલું નિજ મંદ પોપચું કો મુગ્ધ બાલા શરમાતી આવરે, ને  શોભી રહે નિર્મલ  નેનની લીલા, એવી ઊગી ચંદ્રકલા, ધી…રે ધીરે.’ (નાન્હાલાલ) (પૃ. ૪૦)

‘ઝાંખાં ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ.’ (કાન્ત) (પૃ. ૪૨).

પરસાળને લઈને રચાયેલી રાવજી પટેલની પંક્તિઓ પણ લેખક લાવ્યા છે. .. ‘જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો…’

મુદ્રણ સજ્જા પણ નિબંધોના સૌન્દર્યને પૂરક બને છે. અહીં આપેલ મુખપૃષ્ઠ જોતાં જ એની  કલાત્મકતાનો ખ્યાલ આવી જશે.

આધુનિક સમયની રચના ધરાવતાં ઘરમાં બેસીને પણ ‘આંગણું અને પરસાળ’નાં સૌન્દર્યની અનુભૂતિ આ લઘુનિબંધો થકી થઈ શકશે.


( ‘આંગણું અને પરસાળ’ : લઘુનિબંધો – રમણ સોની

પ્રત્યક્ષ પ્રકાશન.
પ્ર. આવૃત્તિ ૨૦૨૧, કિંમત રૂ. ૯૫.
પ્રાપ્તિસ્થાન: ગ્રંથવિહાર. ફોન ૯૮૯૮૭૬૨૨૬૩)


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.