હનીમૂન કોઈ જરૂરી વિધિ નથી. એ તો અંતરના ઉમંગનો સવાલ છે
નલિન શાહ
શનિવારે વહેલી સવારે માનસી તૈયાર થઈ ગઈ. એક નાની બેગમાં બે-ત્રણ દિવસનાં કપડાં તૈયાર કર્યાં. મેડિકલ બેગ ને કાર્ડિયોગ્રામનું પોર્ટેબલ મશિન પણ સાથે લીધાં- કામ આવશે એમ વિચારીને. સુનિતાની ગાડીની પ્રતીક્ષામાં ચાનો કપ લઈ સોફામાં એ બેઠી ત્યાં જ ધનલક્ષ્મીએ જોઈ લીધી. ‘બા, હું સુનિતાબેન સાથે ગામડાંના પ્રવાસે જાઉં છું. બે-ત્રણ દિવસમાં આવી જઈશ.’ ધનલક્ષ્મી સાહજિક રીતે ગામનું નામ પૂછવા માંગતી હતી પણ હિમ્મત ના ચાલી. કહેવું હોય તો જાતે કહેશે એમ એણે વિચાર્યું. ને પૂછ્યું, ‘કાંઈ ભાથું કે એવું કંઈક લેવું નથી?’
‘ના, જરૂર નથી.’
‘પરાગને ખબર છે?’
‘હા, રાત્રે જણાવ્યું હતું.’
ત્યાં જ ડ્રાઇવર આવી ગયો ને માનસીની બેગ લઈને નીચે ચાલી ગયો.
માનસીએ ચા પૂરી કરી ને કેવળ શિષ્ટાચાર ખાતર પૂછ્યું, ‘બા, કાંઈ કામ તો નથી ને?’
‘ના ના, કામ તો શું હોય. આ તો આવતાં જો રસ્તામાં તાજાં શાક-ભાજી મળે તો નાખી લાવજે ગાડીમાં.’
માનસીએ આટલું પણ પૂછ્યું એમાં ધનલક્ષ્મીને એનો મોભો જળવાતો લાગ્યો. એ જાણતી હતી કે સુનિતા કોઈ બહુ મોટાં ઘરની વિધવા હતી ને એનો દીકરો પ્રસિદ્ધ આર્કિટેક્ટ હતો ને પરાગનો મિત્ર પણ. આવો મોટા માણસોની સાથે માનસીનો સંબંધ હોય એ ધનલક્ષ્મી માટે અભિમાન લેવા જેવી વાત હતી. એને એ ખબર નહોતી કે અતિ સમૃદ્ધ એ મોટા ઘરની વિધવા એની બહેન રાજુલની સાસુ હતી. એ જાણકારી એને માટે વજ્રઘાતથી ઓછી ન હોત.
ધનલક્ષ્મીને સપનામાં પણ કદી એ ખ્યાલ નહોતો આવ્યો કે એને જિંદગી સાથે આટલી મોટી સમજૂતી કરવી પડશે કે વહુના ‘બા, કાંઈ કામ તો નથી ને?’ જેવા મામૂલી શિષ્ટાચારમાં પણ એને એનું સ્વમાન જળવાયાનો સંતોષ પ્રાપ્ત થશે.
ગાડીમાં સુનિતા રાજુલના દીકરા કરણને ખોળામાં લઈ માનસીની સાથે પાછળની સીટ પર બેઠી હતી જ્યારે રાજુલ આગળની સીટમાં ડ્રાઇવરની બાજુમાં બેઠી હતી.
‘માનસી, બ્રેકફાસ્ટ તો કરીને નથી આવી ને?’ રાજુલે પૂછ્યું.
‘ના, હું બ્રેકફાસ્ટમાં ફક્ત ફ્રૂટ જ ખાઉં છું.’
‘સરસ, આપણા વિચારો ને આદત બંને સરખાં છે.’ – કહીને બાસ્કેટમાં ધોઈને ગોઠવેલાં ફળફળાદિ કાઢ્યાં ને કાપીને પ્લેટમાં પાછળ ધર્યાં.
‘માનસી,’ સુનિતાએ પૂછ્યું, ‘તમે હનીમૂન માટે ક્યાંય નહીં ગયાં હો, નહીં? નાનીની માંદગીએ તારો મૂડ ખરાબ કરી નાખ્યો હશે?’
‘હા’
‘હવે જવાનાં છો?’
‘ના’
‘કેમ?’ સુનિતાએ વિસ્મયથી પૂછ્યું.
‘એ કોઈ જરૂરી વિધિ નથી. એ તો અંતરના ઉમંગનો સવાલ છે.’ માનસીએ ગંભીરતાથી કહ્યું.
સુનિતાને અણસાર આવી ગયો; એણે વાત ના વધારી.
થોડી વાર ચુપકીદી સેવાઈ રહી જે રાજુલે તોડી. ‘માનસી, તેં બહુ સાદાઈથી લગ્ન કર્યાં એમાં તારી સાસુજીને એની મોટાઈનું પ્રદર્શન કરવાનો મોકો ગુમાવવો પડ્યો હશે, નહીં?’ એણે સાસુજીના ‘જી’ પર ભાર મૂકી કહ્યું.
‘રાજુલ !’ સુનિતાએ કૃત્રિમ ગુસ્સો દાખવી એને વારવાનો પ્રયત્ન કર્યો.
‘હું કાંઈ ખોટું કહું છું, મમ્મી?’ રાજુલ બોલી, ‘એ ધન્નો માટે તો આ એક સોનેરી અવસર હતો એની મોટાઈ બતાવવાનો.’ માનસી ને સુનિતા બંને હસી પડ્યાં.
‘માનસી,’ સુનિતાએ કહ્યું, ‘રાજુલની વાત પર ધ્યાન ન આપતી; એ તો બોલવા ખાતર બોલે છે, મજાકમાં.’
‘ના,’ રાજુલે જરા તાવમાં આવી કહ્યું, ‘હું મજાક નથી કરતી.
‘મને જરાયે ખોટું નથી લાગ્યું, સુનિતાબેન.’ માનસી હસીને બોલી, ‘રાજુલ સાવ સાચું કહે છે, મને તો હસવું આવ્યું મારા સાસુનું ધન્નો સંબોધન સાંભળીને. જાણે રાજુલ એમની બચપણની મિત્ર ના હોય! તારી વાત સાવ સાચી છે, રાજુલ. મારી એ સાસુના કોઈ મોટા ઘરની વહુ લાવવાના કોડ પૂરા ન થયા એટલે કરે શું? હું ભલે ડૉક્ટર હોઉં, પણ છું તો એક મામૂલી નર્સની પૌત્રી. મારી ઓળખાણ આપવામાં એ નાનમ અનુભવતે – એટલે તો સાદાઈથી લગ્ન કરવાની મારી માંગ સહર્ષ સ્વીકારી લીધી. પણ તારી ગેરહાજરી મને બહુ સાલી.’
‘તને મેં નહોતું કહ્યું કે તારાં લગ્નમાં આવવાનું ટાળવા મેં ગામ જવાનું બહાનું શોધ્યું હતું.’
‘હા, પણ તેં એમ કરવાનું કારણ નહોતું કહ્યું.’
‘રાજુલ, વાતને લંબાવાની જરૂર છે?’ સુનિતાએ એને વારવા કહ્યું.
‘મમ્મી, મેં કાંઈ ગુન્હો તો નથી કર્યો!’
સુનિતા ચુપ રહી.
માનસીને અચરજ એ વાતનું થયું કે રાજુલ બહાનું શોધવાની વાતનો વગર સંકોચે સ્વીકાર કરતી હતી.
‘માનસી, હું જાણું છું કે કારણ જાણવાની તને ઘણી ઉત્કંઠા હશે ને એક સવાલમાંથી ઘણા સવાલો ઉદ્ભવશે. હું ખાતરી આપું છું કે ગામમાં તને બધા સવાલોના જવાબો સાંપડશે. મારે કોઈ વાતનું નિરાકરણ કરવાની જરૂર નહીં રહે.’
માનસીને વિસ્મય થયું કે એવા શું સવાલો હશે, જેના જવાબો ગામમાં સાંપડશે!
સુનિતાએ સાંકેતિક મૌન જાળવી રાખ્યું. રાજુલે પણ વાતને વળાંક આપી શશીની ગ્રામસેવક તરીકે અલૌકિક સેવા-ભાવનાની વાત આદરી જેમાં માનસીને અત્યંત રસ હતો.
રાજુલ હંમેશ મુજબ પૂરી તૈયારી સાથે નીકળી હતી. કુટુંબનો દોર રાજુલના હાથમાં આપી સુનિતા સાવ નિશ્ચિંત થઈ ગઈ હતી. ઘરમાં નોકર-ચાકરોનો કોઈ અભાવ નહોતો, છતાં રાજુલની દેખરેખમાં, વ્યવસ્થામાં ફર્ક પડતો હતો. કેવળ નાના કરણની બાબતમાં એ નિઃસહાય હતી. એને સંભાળવા એક શિક્ષિત ને સુઘડ બાઈ હતી પણ એ કદી એની દાદી સુનિતાનો સાથ નહોતો છોડતો. સુનિતાને પણ એના સંગાથમાં જીવનની પૂર્ણતાનો ભાસ થતો હતો.
રાજુલે બાસ્કેટમાં મેથીનાં થેપલાં, ખાખરા, ચા ને દૂધના અલગ થર્મોસ, પ્યાલા, પ્લેટ્સ ને પાણી બધું વ્યવસ્થિત પેક કર્યું હતું. વાતોમાં ને ખાવાપીવામાં સમય પસાર થઈ ગયો. પાંચ કલાકે પાલણ પહોંચી ગયાં.