લુત્ફ-એ-શેર: મણકો # ૭૪

ભગવાન થાવરાણી

અમીર મીનાઈ પણ એ દોરના શાયર છે જે યુગના દાગ દેહલવી હતા અર્થાત ઓગણીસમી શતાબ્દીનો પૂર્વાર્ધ અર્થાત ગ઼ાલિબ, મોમિન અને ઝ઼ૌક પછીનો તુરતનો સમય. સામાન્યજન એમને એમની લોકપ્રિય ગઝલ  ‘ સરકતી જાએ હૈ રુખ઼ સે નકાબ આહિસ્તા આહિસ્તા ના કારણે ઓળખે છે જે અલગ-અલગ ગાયકોએ ગાઈ છે પરંતુ એમણે હુસ્ન-ઓ-ઈશ્ક અને રીસામણા-મનામણાના વર્તુળોની બહાર પણ ઘણું બધું લખ્યું છે. એમને ‘ નાત અર્થાત પૈગમ્બરના પ્રશસ્તિ – કાવ્યોના વિશેષજ્ઞ માનવામાં આવે છે. જેમ ( આ અગાઉના હપ્તામાં જોયા તે ) હૈદર અલી આતિશ , વાજિદ અલી શાહના ઉસ્તાદ હતા તેમ અમીર મીનાઈ એમના શહઝાદાઓના ગુરુ હતા.

એમનો શેર જોઈએ :

ખંજર ચલે કિસી પે તડપતે હૈં હમ ‘ અમીર ‘
સારે   જહાં  કા  દર્દ  હમારે  જિગર  મેં  હૈ

એમના સ્વમાનનો શું માપદંડ હતો એ જૂઓ :

કિસી  રઈસ  કી મેહફિલ કા ઝિક્ર હી ક્યા હૈ
ખુદા કે ઘર ભી ન જાએંગે બિન બુલાએ હુએ

અને આ શેર :

ગાહે ગાહે કી મુલાકાત હી અચ્છી હૈ  ‘ અમીર ‘
કદ્ર  ખો  દેતા  હૈ  હર  રોઝ કા આના – જાના

પરંતુ મને એમનો આ શેર અત્યંત માર્મિક અને વર્તમાન દોરના કવિઓ માટે અનુસરણીય લાગે છે :

સૌ શેર એક જલસે મેં કહતે થે હમ  ‘ અમીર ‘
જબ  તક  ન  શેર કહને કા હમકો શઉર થા ..

કેવી ઈમાનદાર કેફિયત ! જ્યા સુધી શેર એટલે શું એ આવડતું જ નહોતું ત્યાં સુધી બસ કહેતા ગયા કહેતા ગયા, સ્વયંને રોક્યા વગર. શઉર એટલે કે આવડત પ્રાપ્ત થઈ ત્યારે સમજાયું કે કહેવા-સંભળાવવા જેવા શેર કૂડીબંધ ન હોય અને એ પણ બધા શ્રોતાઓ સમક્ષ કહેવાના તો ન જ હોય !  આ જ વાત એક ગુમનામ શાયરે એક અનોખા શેરમાં વ્યક્ત કરી છે :

જબ તક મૈં ઝિંદગી કો ન સમજા થા – જી લિયા
જબ  આ  ગઈ  સમજ  મેં  તો  બેમૌત મર ગયા ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

1 thought on “લુત્ફ-એ-શેર: મણકો # ૭૪

Leave a Reply

Your email address will not be published.