સમાજ દર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
કહેવાય છે કે ગાંડાનાં ગામ ના હોય. પરંતુ એરિક ફ્રોમ (ઇ સ ૧૯૦૦થી ૧૯૮૦)નામના ચિંતકે તેમનાં ‘sane society’ નામના એક પુસ્તકમાં નિદાન કર્યું છે કે મોટા પ્રમાણમાં ઉદ્યોગીકરણ થયા બાદ વીસમી સદીમાં યુરોપ અને અમેરિકામાં જે સમાજ બન્યો છે તે મહદ અંશે માનસિક રીતે બીમાર જ છે. ઇ.સ ૧૯૫૫માં તેમણે જે વાત કહી છે તે 21મી સદીમાં ખાસ કરીને આર્થિક ર્ઉદારીકરણ પછી આપણા દેશને પણ લાગુ પડતી દેખાય છે.
એરિક ફ્રોમમૂળે તો એક માનસશાસ્ત્રી હતા. પરંતુ પછીથી તેઓ તેમના વિચારો અને લખાણોને કારણે એક માનવતાવાદી અને સામાજિક ચિંતક એવા લેખક તરીકે ઊભરી આવ્યા હતા. તેમનાં આ પુસ્તકમાં તેમણે આધાર તો માનસશાસ્ત્રનો લીધો છે પરંતુ જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમનામાં માનવતાનો સ્પર્શ પામેલા સમાજશાસ્ત્રીના દર્શન થતા જાય છે. ‘Sane society’ નો કાન્તિભાઈ શાહે ‘શાણો સમાજ’ નામે અનુવાદ કર્યો છે. તેની પ્રસ્તાવના લખતા જાણીતા સર્વોદય નેતા શ્રી જયપ્રકાશ નારાયણ જણાવે છે કે લેખકે સૂચવેલા સમાજની બીમારીના ઇલાજોમાં ગાંધીજીના સર્વોદયવાદની ઝાંખી થાય છે. પ્રસ્તુત પુસ્તકના પરિચય દ્વારા મારો પ્રયાસ તેમાંના વિચારોની રૂપરેખા આપવાનો છે. આશા છે કે આટલો પરિચય પણ વાચકમિત્રોને વિચારતા કરશે તેમજ જિજ્ઞાસુઓને મૂળ પુસ્તક વાંચવા પ્રેરશે. પરંતુ હાલ તો આપણે લેખકે બતાવેલાં બીમારીના લક્ષણો જોઇએ.
ઇતિહાસમાં ક્યારેય પ્રાપ્ત ન કરી હોય એટલી ભૌતિક સંપત્તિ આજનાં જગતે છેલ્લાં સો વર્ષમાં ઉત્પન્ન કરી છે. તેમ છતાં આપણે યુદ્ધની એવી વ્યવસ્થા પણ ઉભી કરી છે જેમાં એક સાથે કરોડો લોકોનો સંહાર કરી શકાય. છેલ્લાં બે મહાયુદ્ધો અને ત્યાર પછીના અનેક નાનામોટાં યુદ્ધોમાં આપણે એવું કરી પણ બતાવ્યું છે. નવાઈની વાત તો એ છે કે આ યુદ્ધોમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ એમ માનતો હતો કે પોતે આત્મરક્ષા અને આત્મસન્માન માટે લડી રહ્યો છે તથા સામે પક્ષે લડનાર દુષ્ટ અને ઘાતકી હોવાથી આપણને ઈશ્વરનો ટેકો છે! પરંતુ કત્લેઆમ પુરી થયાના થોડા સમયમાં જ ગઈ કાલના દુશ્મનો આજે મિત્રો બની જાય છે. જો પ્રજામાં સહેજ પણ ડહાપણ હોય તો તેને ધ્યાનમાં આવી જ જાય કે યુદ્ધને જન્મ આપનારા તો જે તે દેશના રાજ્યકર્તાઓ જ છે. શક્ય છે કે આ રાજ્યકર્તાઓનો ઇરાદો ખરાબ ના હોય, તો પણ જેમાં શાણપણનો અંશ માત્ર નથી તેવો તેમનો ગેરવહીવટ તો છે જ.
કોઇપણ ડાહ્યો સમાજ સામાન્ય લોકો માટે આવશ્યક ચીજવસ્તુનું ખાસ કરીને અનાજનું વિપુલ ઉત્પાદન કરવાનું ઇચ્છે, જેથી બધા જ લોકો સુધી તે પહોંચે. પરંતુ આપણે વ્યવસ્થા તો બજારને અનુકૂળ થવા માટે ઉભી કરી છે. આથી જરૂર પડ્યે બજારને સ્થિર કરવા માટે ઉત્પાદન ઘટાડી નાખીએ છીએ અથવા તો અનાજને પણ દરિયામાં પધરાવી દેતા અચકાતા નથી, ભલે ને બીજી તરફ કરોડો માણસો ભૂખ્યા કે અધભૂખ્યા રહે. નવાઈની વાત એ છે કે હથિયારોનું ઉત્પાદન તો આપણે વધારે જ જઈએ છીએ, અને તે પણ સંરક્ષણના હેતુથી નહિ, પરંતુ અર્થતંત્ર ગતિ કરતું રહે તે માટે!
જેનું ગૌરવ કરતા આપણે થાકતા નથી એવી આજના જમાનાની વૈજ્ઞાનિક શોધોને કારણે આપણને દરેકને ટેલિવિઝન, સિનેમા અને વર્તમાનપત્રો સુલભ થયા છે. અપેક્ષા તો એ જ હોવી જોઈએ કે આ સાધનોથી આપણને ઉત્તમ સાહિત્ય, સંગીત અને કલાનો લાભ મળે. પરંતુ આ સાધનો વડે તો આપણે હલકા પ્રકારનું સાહિત્ય કે મનોરંજન જ મેળવ્યું. અબાલવૃદ્ધ સૌનાં માનસ પ્રદુષિત થયા. વળી તકેદારી તો આપણે એવી રાખવા લાગ્યા કે રખે ને આપણા મગજમાં પ્રવેશેલું આ પ્રદુષણ સપાટી પર આવી જાય! આ વિરોધાભાસ માનસિક તણાવ ઊભો ના કરે તો બીજું શું કરે?
લેખકે પુસ્તકમાં જુદા જુદા દેશોના આત્મહત્યાના બનાવોના આંકડા આપીને એવું નિરીક્ષણ કર્યું છે કે જેમ દેશ વધારે વિકસિત તેમ આત્મહત્યાનું પ્રમાણ વધારે. વ્યક્તિગત આત્મહત્યાના કિસ્સા માટે જુદા જુદા કારણો હોઇ શકે. પરંતુ વિકાસની સાથે વધ્યે જતું આત્મહત્યાનું પ્રમાણ એવો નિર્દેશ કરે છે કે સમાજ માનસિક રીતે સ્વસ્થ તો નથી જ. માત્ર આત્મહત્યા જ નહિ, ખૂન અને નશાખોરીનું વધારે પ્રમાણ પણ વિકસિત દેશોમાં બધું ઠીકઠાક નથી એમ બતાવે છે.
કદાચ આ તારણ ઉપલકિયું અને માત્ર ધારણાને આધારે કરાયેલું લાગે, પરંતુ લેખક આ વાત મનોવિજ્ઞાનની મદદથી સમજાવે છે. શરૂઆત તેઓ માનવ સ્વભાવથી કરે છે.
‘માનવ સ્વભાવને બાહ્ય પરિબળો દ્વારા જેવો ઘાટ આપવો હોય તેવો આપી શકાય’ તેવી ૧૮મી સદીથી ચાલી આવતી માન્યતાને આંશિક રીતે જ સ્વીકારતા લેખક જણાવે છે કે ખરેખર તો માણસ પોતે જ પોતાની આજુબાજુની પ્રાકૃતિક દુનિયાને બદલતો રહે છે. આ રીતે બદલતી જતી દુનિયાની સાથે માણસ પોતાની જાતને પણ બદલતો રહે છે. પરંતુ આજુબાજુની દુનિયાની બદલાઇ જવાની એક મર્યાદા હોય છે અને માણસની પોતાની પણ પરિવર્તન પામવાની મર્યાદા છે.
માનવની સંતોષકારક વ્યાખ્યા જીવશાસ્ત્રની કે માનસશાસ્ત્રની દૃષ્ટિએ આપી શકાય તેટલું જ્ઞાન આપણે મેળવ્યું નથી. છતાં એટલું સમજી શકાય કે માણસની ઓળખ તેની અન્ય પ્રાણીઓથી અલગ એવી નૈસર્ગિક વૃતિઓ અને પ્રેરણાઓથી છે. બીજી રીતે કહીએ તો આ વૃતિઓ અને પ્રેરણાઓની સંપૂર્ણ ખીલવણી એટલે જ સ્વસ્થ માનસ. ખ્યાલ રહે કે કોઈપણ સમાજ માણસની આંતરિક મૂળભૂત વૃતિઓ અને પ્રેરણાનું સર્જન કરતો નથી પરંતુ તેને ખીલવાની તકો આપી શકે છે. આપણે જાણીએ છીએ કે બાળક બધી જ માનવીય સંભાવનાઓ સાથે જન્મે છે, પરંતુ તેનો વિકાસ તેની આસપાસની સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ પ્રમાણે થાય છે. બિલકુલ આ જ રીતે ઇતિહાસની પ્રક્રિયામાં સમગ્ર માનવજાત પણ તેની સંભવિતતા મુજબ વિકસે છે. જો આ વિકાસ માનવ સ્વભાવના ગુણધર્મો અને સિદ્ધાંત મુજબ સિદ્ધ થાય તો જ સમાજ સ્વસ્થ બને. અન્યથા આજે છે તેવો જ સમાજ બને.
તો પછી સમાજ આટલો બધો માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં આપણને તેની બીમારી દેખાતી કેમ નથી? આ વાત સમજવા એક ઉદાહરણ લઈએ. માણસની નૈસર્ગિક વૃતિ સ્વતંત્રતા મેળવવાની અને સહજ રીતે(કૃત્રિમ નહિ) વર્તવાની છે. ધારી લઈએ કે સમાજની દરેક વ્યક્તિએ સ્વાતંત્ર્ય અને સહજ વર્તન પ્રાપ્ત કરી લીધું છે, પરંતુ માત્ર એક જ વ્યક્તિ એવી છે કે જે સ્વતંત્રતાનું ધ્યેય સાધી ન શકી અને તેનું વર્તન સહજ નથી. સમાજને આ વ્યક્તિમાં જેમ આપણે વિકલાંગોમાં જોઈએ છીએ તેવી મોટી ખામી દેખાશે. પરંતુ આ ખામી સમાજના મોટાભાગના લોકોમાં હશે તો ‘આવો ભાઈ હરખા આપણે બધા સરખા’ ની જેમ કોઇને પોતાનામાં કે અન્યમાં ખામી દેખાશે નહિ, ભલે ને પછી આખો સમાજ સ્વતંત્રતાનાં સાચા સુખથી વંચિત રહી જાય. વળી બનશે એવું કે આ ખામીથી દરેકને સમાજમાં પોતાના જેવા જ અન્ય લોકો સાથે ભળવાનું સરળ બનશે, પરિણામે તે સમૂહમાં રહેવાથી પ્રાપ્ત થતી સલામતી અનુભવશે. આમ ખરેખર જે ખામી છે તેને સદગુણ માનશે. આપણા ભારતીય સમાજના કુરિવાજો તેનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય.
ડચ ફિલોસોફર સ્પિનોઝા(૧૬૩૨થી ૧૬૭૭) આ બાબતે એક મહત્વનું નિરીક્ષણ કરીને જણાવે છે કે ઘણા માણસો એક સાથે કોઈએક જ વસ્તુના પ્રભાવ હેઠળ આવે છે ત્યારે તેમના જ્ઞાનતંતુઓ પર એવી અસર થાય છે કે જેનું અસ્તિત્વ જ ન હોય તેની અનુભૂતિ કરશે. પરંતુ જો કોઇ જાગૃત માણસ આવા પ્રભાવમાં નહિ આવે તો તે ગાંડો જ ગણાશે(યાદ કરીએ ગણપતિએ દૂધ પીધાનો બનાવ. એ વખતે આવું ના બની શકે એમ કહેનારને માર પડ્યાના બનાવો પણ બનેલા.) સ્પિનોઝાના મત મુજબ તો લોભવૃતિ અને મહત્વાકાંક્ષાં એ ગાંડપણના જ લક્ષણો છે. તો પણ સતત પૈસા, મિલ્કત અને કીર્તિનો જ વિચાર કરનારની બહુ બહુ તો આપણે ટીકા કરીએ, ( આ તો ચાર સૈકા પહેલાની વાત છે. આજે તો નીંદનીય પણ નથી લાગતા!) પણ તેમને માનસિક બીમાર તો નહિ જ ગણીએ.
સ્વસ્થ માણસ તો તેને જ કહી શકાય કે જેની લાગણીઓની અભિવ્યક્તિ સહજ હોય. પરંતુ આજે તો આ અભિવ્યક્તિઓમાં નરી કૃત્રિમતા જ દેખાય છે. આપણે મોટેભાગે મોં પર કૃત્રિમ હાસ્ય લઈને ફરીએ છીએ. આપણી ચર્ચાઓમાં નિખાલસતાને બદલે વિતંડાવાદ જ દેખા દે છે. આ બધી ખામીઓ ખૂબ વ્યાપી ગઈ હોવા છતાં તે કરોડો માણસોમાં હોવાથી ખામી તરીકે લેખાતી નથી. પણ પાઘડીનો વળ છેડે આવ્યા વિના રહે? આ ખામીઓ હતાશાના સ્વરૂપમાં દેખા દઈ દેતી હોય છે. પણ કમાલની વાત છે કે આ હતાશાનાં લક્ષણો પણ દેખા ના દે તે માટે આપણે મનોરંજનનાં સાધનો જેવા કે ચલચિત્રો, રેડિયો ટિવિ અને અખબારોનો ઓસડ તરીકે ઉપયોગ કર્યો! આજનું સોશિયલ મિડિયા તો આપણી હતાશા સંતાડવા માટેનો રામબાણ ઇલાજ બની ગયું છે. *[1]જો થોડા દિવસો સુધી આ પ્રકારના સાધનોથી બિલકુલ દૂર થઈ જઈએ તો તીવ્ર માનસિક તાણ અનુભવાશે, બિલકુલ અફીણનો બંધાણી અફીણ વિના અનુભવે છે તેવી જ.
આમ છતાં સમાજમાં કેટલાક માણસોમાં ઉપર વર્ણવેલી ખામી એટલા મોટા પ્રમાણમાં હોય છે કે તેમને આ કહેવાતા મનોરંજન વગેરેનું ઓસડ કારગત નિવડી શકે નહિ. આથી આવા લોકોની એ ખામી સપાટી પર દેખાઈ જાય છે અને તેમને પાગલ ગણી લેવાય છે. આ ઉપરાંત કેટલાક લોકો ખૂબ સંવેદનશીલ અને એટલા જાગૃત હોય છે કે તેઓ આ ઓસડને અફીણ તરીકે ઓળખી જાય છે. હવે આ પ્રકારના લોકો જો પ્રવાહની સામે દૃઢતાથી ટકી રહેવાની અને સંઘર્ષ કરવાની ક્ષમતા ધરાવતા હોય તો વિશિષ્ટ વ્યક્તિ કે મૂઠી ઉંચેરા માનવીનું સ્થાન પામે છે અને જો એવું સામર્થ્ય તેમનામાં ના હોય તો સમાજથી અલગ પડી જાય છે. સમાજથી અલગ પડેલાને તો હંમેશા પાગલ જ માનીએ છીએ ને!
એક વાત આપણને વારેવારે કહેવામાં આવે છે કે મનુષ્ય બધા પ્રાણીઓથી ભિન્ન છે અને કોઇપણ પરિસ્થિતિને અનુકૂળ થઈને રહી શકે છે, એ પરિસ્થિતિ ધ્રુવ પ્રદેશની ઠંડી કે વિષુવવૃતની ગરમ કે કોઇ પણ પ્રકારની વિષમ આબોહવા હોય, સુખસગવડ ભર્યુ જીવન હોય કે તમામ ભૌતિક અભાવો વચ્ચે રહેવાનું હોય, રાજકીય કે આર્થિક સ્વાતંત્ર્ય હોય કે સરમુખત્યારની એડી નીચે કચડાવાનું હોય. પરંતુ લેખકના કહેવા મુજબ આ બાબતે પણ માનવીની મર્યાદા તો હોય જ છે. ભલે ઇતિહાસકાળમાં સરમુખત્યારો આખા ને આખાં રાષ્ટ્રો પર સત્તા ચલાવીને પ્રજાજનોને ગુલામ રાખીને લાંબા સમય સુધી તેમનું શોષણ કરવામાં સફળ થયા હોય, પરંતુ સમાજમાં તેના પ્રત્યાઘાતો પડ્યા વિના રહેતા નથી.
તો કેવા હોય છે આ પ્રત્યાઘાતો? સરમુખત્યારના જુલમને લીધે લોકો ભયભીત, શંકાશીલ અને એકલવાયા બની જાય છે. તેઓ એટલા સત્વહીન થઈ જાય છે કે પોતાનું કાર્ય બુદ્ધિપૂર્વક કે કુશળતાથી કરી શકતા નથી. સ્વાભાવિક છે કે રાજયનાં કામો પણ કરી શકે નહિ. છેવટે પરિણામ એ આવે છે કે રાજ્યકર્તા સહિત સમગ્ર સમાજનો વિનાશ નોતરે છે.
અથવા તો બીજો પ્રત્યાઘાત એવો સંભવે છે કે તેમનામાં સ્વતંત્રતાની ભૂખ જાગે અને મૂળભૂત સર્જનશક્તિ માથું ઉચકે. આ બેમાંથી કયો પ્રત્યાઘાત પડશે તે આજુબાજુની આર્થિક, રાજકીય તેમજ નૈતિક પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. પણ એક વાત ચોક્કસ છે કે માનવ સ્વભાવ અને માનવ સમાજ વચ્ચે સંઘર્ષ સંભવી શકે છે. આ સંઘર્ષો કેવી રીતે ઊભા થાય છે અને તેના શા પરિણામો આવે છે તે વિષે આગળનાં પ્રકરણોમાં જોઈશું.
(ક્રમશ:)
[1] (* પ્રયોગ ખાતર એરિક ફ્રોમે કોલેજના કેટલાક વિદ્યાર્થીઓને પૂછેલું કે ધારો કે તમને રેડિયો ટીવી છાપા કે એવા સાધનો વિના પણ સામાન્ય સુખસગવડો અને ખોરાક સાથે ત્રણ દિવસ કોઇ ઓરડામાં એકલા રહેવાનું કહેવામાં આવે તો તમારો શો પ્રત્યાઘાત હશે? ૯૦ ટકા વિદ્યાર્થીઓનો જવાબ આ હતો “અમે તીવ્ર ગભરાટ અનુભવીશું અને આકરી કસોટીમાં મૂકાશું, જેમાંથી છૂટવા અમે ઉંઘી રહેવાનું પસંદ કરીશું”)
શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269
આ લેખની હજુ તો શરૂઆત કરી છે.તેટલા સુધીમાં મને એવી છાપ બંધાઈ ગઈ છે કે હવે મારે આ લેખ અને મૂળ પુસ્તક સાથે રાખીને વાંચવુ જોઈએ. સાથે સાથે હું એવી વિનંતી કરીશ કે બધા લેખો પૂર્ણ થાય પછી આ સંકલનનું મારે spiral કરાવી વીસેક નકલો રસ ધરાવનારને વહેંચવી છે. આ એક પુણ્ય નુ કામ થઈ શકે.એરીક ફ્રોમ લોકોને સમજાય તેવી ભાષામાં કિશોરભાઈ જ લખી શકે.આ અગાઉ ટોલ્સટોયને પણ તેમણે સરસ ભાષામાં સમજાવ્યા છે.