સાહિત્યકાર સ્વ.ચુનીલાલ મડિયાના આ જન્મશતાબ્દિ વર્ષ નિમિત્તે સ્મૃતિલેખ

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

“આ રૂમમાં કોણ રહે છે ?”

બરાબર ચોસઠ વર્ષ પહેલાં, ૧૯૫૮ના સપ્ટેમ્બરની એક ચઢતી બપોરે જે રુમની બહાર ઉભા રહીને ચુનીલાલ મડિયા નામના મશહુર ગુજરાતી સાહિત્યકારે આ પ્રશ્ન પૂછ્યો હતો, તે જગ્યા તે અમદાવાદની એચ.એલ.કોલેજ ઓફ કોમર્સની હોસ્ટેલનો રુમ નંબર A-9. મડિયા પોતાની એક વખતની માતૃસંસ્થા અમદાવાદની એચ એલ કોલેજ ઓફ કોમર્સમાં મુખ્ય અતિથી તરીકે વ્યાખ્યાન આપીને બહાર નીકળ્યા. એ વખતે અચાનક જ પ્રિન્‍સીપાલ પાસે પોતે જેમાં અઢાર વર્ષ પહેલાં એક વિદ્યાર્થી તરીકે રહી ચૂક્યા હતા એ હોસ્ટલનો રૂમ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. એમની એ ઇચ્છા પૂરી કરવા માટે જ પ્રિન્‍સીપાલે તરત એવા એક મુગ્ધ વિદ્યાર્થીને એમની સાથે મોકલ્યો કે જે આ કોમર્સ કોલેજની સાહિત્યસ્પર્ધાઓમાં વારેવારે ઇનામો જીતી લેતો હતો અને હોસ્ટેલના વાર્ષિક મુખપત્ર ‘પગદંડી’નું સંપાદન પણ કરતો હતો. મડિયા એને સાથે લઈને માત્ર ભૂતકાળનાં મીઠાં  સ્મરણો તાજાં કરવા સામે આવેલી એ હોસ્ટેલ જોવા નીકળ્યા કે જેમાં એ પોતે ૧૯૪૦ની સાલમાં રહેલા હતા.

મડિયા આવીને હોસ્ટેલના ઉપરના માળે આવેલી એક બંધ રૂમ નંબર A 9 પાસે ઉભા રહી ગયા. પૂછ્યું : ‘આમાં અત્યારે કોણ રહે છે ? “

વિદ્યાર્થીના ચહેરા ઉપર રોમાંચ પથરાઈ ગયો. : “ અરે, સાહેબ! એમાં તો હું જ રહું છું. મારા રુમપાર્ટનર છે નટુભાઈ અંબાણી. પણ..’ એણે જરા નવાઇથી પૂછ્યું: “આપ પણ બરોબર આ જ રુમમાં રહેતા હતા?”

મડિયાએ એમનું જાણીતું મધુર સ્મિત કર્યું. બન્ને રુમમાં પ્રવેશ્યા. એમણે  ક્ષણભર મનભરીને એ રુમને અંદરથી જોઈ લીધી. અને તરત જ પૂછ્યું. “કોમર્સ કોલેજની હોસ્ટેલના રુમમાં સાહિત્યના પુસ્તકો ? આ આંકડાના જંગલમાં વળી સાહિત્યનું શોખીન કોણ નીકળ્યું ?”

વિદ્યાર્થીએ કહ્યું, “ હું…..હું વાર્તાઓ લખું છું. કોલેજ મેગેઝીનમાં મને પહેલું ઈનામ મળેલું.”

મડિયાના ચહેરા ઉપર રાજીપો છલકાયો- પુસ્તકોનાં પાનાં ફરરર કરીને ફેરવ્યા. પૂછ્યું, “સરસ, ક્યાંના છો ?”

“જેતપુરનો…”

“એમ!” મડિયાને આશ્ચર્ય થયું: ” હું ધોરાજીનો. આપણે બન્ને એક જ પંથકના ગણાઈએ. હં…. હવે સમજાયું. તમારી બોલીમાં મને સૌરાષ્ટ્રની ખાસ તો આપણા પંથકની સુંગધ આવે છે.”

“સાહેબ!” એમને પૂછવામાં આવ્યું: “પણ આપ આ જ રુમમાં રહેતા તેની કોઈ નિશાની?”

જવાબમાં એમણે જે કહ્યું તે બહુ રમૂજ પ્રેરે તેવું હતું. મડિયા આ કોલેજમાં ૧૯૩૯ના જૂનથી ૧૯૪૪ સુધી ભણ્યા- એને આ હોસ્ટેલમાં રહ્યા. દર વખતે રેક્ટર પાસે એ આ જ રુમ માગી લેતા. કારણ કે એની બારી બહાર રસ્તા ઉપર પડતી હતી અને ત્યાંથી મજેથી બહારનાં દૃશ્યો પલંગમાં બેઠે બેઠે જોઇ શકાતા. સોપારી ખાવાના શોખીન. હોસ્ટેલમાં એની મનાઈ. રેક્ટર અતિ કડક હતા. સુડી પકડાય તોય ‘ફાઈન’  (દંડ) કરે- સોપારીના શોખ પોષવા શું કરવું?” સામેની દુકાનેથી સોપારી લઈ આવે. ઉંબરા અને બારણા વચ્ચે મૂકે અને બારણું જોરથી પછાડે. સોપારીના કટકા થઈ જાય ને મડિયા પોતાનો ચરસ પૂરો કરે. (ચરસ એટલે બંધાણની કક્ષાનો શોખ) રોજ રોજ આ જગ્યાએ ઉંબરા ઉપર કિમીયો અજમાવવામાં આવે. પરિણામે ઉંબરા ઉપર એક ચોક્કસ જગ્યાએ ખાડો પડી ગયો હતો..

એમણે એ ખાડો શોધી કાડ્યો. બોલ્યા, “મડિયાનું આ સ્મૃતિચિહ્ન છે.”

**** **** ****

છ દાયકા વીતી ગયા છે. અર્ધી સદીની ઉપર – હવે પરિસ્થિતીનો નકશો જ બદલાઈ ગયો છે. ૧૯૫૭ થી ૧૯૫૯ એ રુમમાં મારી સાથે વસનાર એવા મારા રૂમપાર્ટનર નટુભાઈ અંબાણી (ધીરુભાઈ અંબાણીના સગા નાના ભાઈ) જીવનભર દોસ્તી નિભાવીને ૧૯૯૯ની પહેલી માર્ચે દુનિયામાંથી વિદાય થઈ ગયા. અમારી એ હોસ્ટેલ હવે ગર્લ્સ હોસ્ટેલ બની ગઈ છે. પહેલાં ગુજરાતી વિશ્વકોશનું કાર્યાલય એના કમ્પાઉન્ડમાં જ બેસતું. ત્યારે એક વાર એની મુલાકાત વખતે અમે પણ મડિયાની જેમ જૂનાં સ્મરણો તાજાં કરવા એક રુમ જોવા જવાનું મન કર્યું, પણ ગર્લ્સ હોસ્ટેલ હોવાના કારણો પ્રવેશ ના મળ્યો. મન મારીને બેઠા રહ્યા. જવાયું હોત તો મડિયાનું ખાડા સ્વરુપનું ‘સ્મૃતિચિહ્ન’ એક વાર જોઈ લેત.

મડિયા પણ અગાઉ ૧૯૬૮ના ડિસેમ્બરની ૨૯મીએ ચાલ્યા ગયા હતા. નહિં તો એ રુમનો રહેવાસી એવો, તમારા જ જેતપુર-ઘોરાજી પંથકનો એવો હું ગમે તેવો પણ લેખક થયો છું એ વાત એમના કાને પડત તો રાજી થાત.

પણ આપણે ત્યાં હજુ સાહિત્યકારોની યાદીઓ એમના ગામમાં જ જળવાતી નથી. વર્ષો પહેલાં પી ડી વાઘેલા નામના એક ઉચ્ચ સરકારી અધિકારીએ મને તેડું કરેલું અને એવી જગ્યાઓની યાદી બનાવીને એમને આપવાની વિનંતી કરેલી. પણ હું એ યાદી એમને બનાવી આપું એ પહેલાં તો એમની બદલી થઇ ગયેલી. ગુજરાત સાહિત્ય અકાદમીના હાલના અધ્યક્ષ લેખક-પત્રકાર વિષ્ણુ પંડ્યા એ વિચાર અવારનવાર વ્યક્ત કર્યા કરે છે, પણ એનો અમલ કરવામાં ક્યાં પરિબળો એમને આડે આવે છે તે હું જાણતો નથી. બાકી રાજકોટ-જસદણ વચ્ચે આવેલા નાના એવા ગામ ચાવંડમાં કવિ કાન્ત, તો નજીકમાં જ કૃષ્ણાલાલ શ્રીધરાણીનું જન્મસ્થળ એવું ધોળા જંક્શન પાસેનું ઉમરાળા, ત્યાંથી વીસ જ કિલોમીટર કવિ કલાપીનું લાઠી. ( લાઠીના એ તીર્થસ્થળે અમરેલીના કલેક્ટરપદે જ્યારે પ્રવીણ ગઢવી જેવા વાર્તાકાર સાહિત્યકાર હતા ત્યારે સ્મારક ભવન ઉભું કરેલું). વિરપુર-જલારામમાં તો ધૂમકેતુના શૈશવ અને કિશોરાવસ્થાની સ્મરણમાધુરી તેમના આત્મકથાત્મક પુસ્તક  ‘જીવનપંથક’માં મહેકે છે, જેમાં જેતપુરનો પણ એક આખા પ્રકરણ રૂપે મધુર ઉલ્લેખ છે. ગોંડલ મકરંદ દવે, જામનગર ગુણવંતરાય આચાર્ય. રાજકોટમાં તો અનેક નામી સાહિત્યકારો પાક્યા. પણ ત્યાં ઈન્દુલાલ ગાંધી અને દામુ સાંગાણીની યાદ હજુ ઉવેખાયેલી છે. દામુ સાંગાણીને ભલે હજુ કેટલા ઉન્નતભ્રૂ પંડિતો સાહિત્યકાર ના માને, પણ તેઓ તો જૂની અને નવી રંગભૂમિ વચ્ચેના સેતુ હતા. મને તેમનો ગાઢ પરિચય લેખક સંપાદક પ્ર.રા.નથવાણીને કારણે હતો. આ આખું લિસ્ટ તો લાંબુ થાય. આ રીતે ચુનીલાલ મડિયાનો સંદર્ભ જેતપુર નજીક ધોરાજી શહેરનો.

ચુનીલાલ મડિયાનો ધોરાજીમાં નિવાસકાળ તો જન્મથી માંડીને સત્તર વર્ષ સુધીનો જ. પણ એમની વધુ વાત કરીએ તો ધોરાજીના એક સામાન્ય દુકાનદાર કાલિદાસ જાદવજી (દશા શ્રીમાળી જૈન વણિક)ને ત્યાં 1922માં 12મી ઓગષ્ટે જન્મેલા ચુનીલાલ પાંચ બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા ને તેથી જ એડન વસતા દિયરની ઓફર છતાં માતા કસુંબાબેને તેમને એડન ના મોકલ્યા તે ના જ મોકલ્યા. મડિયા પાંચ વર્ષના હતા અને કસુંબાબહેન વિધવા થયા હતા એટલે એમણે ના પાડી. એટલે એમના પિતરાઈ જયંતિલાલને એડન લઈ જવામાં આવ્યા. ચુનીલાલને ભણવામાં રસ હતો અને એ ધોરાજીની શાળાઓમાં ભણ્યા અને સર ભગવતસિંહજી હાઈસ્કુલમાં ભણીને 1939માં મેટ્રીક પાસ થઈ ગયા.

ચુનીલાલને રસ સાહિત્યમાં હતો. એટલે એમણે તો આર્ટસ ફેકલ્ટી પર પસંદગી ઉતારી, પણ તે ન બની શક્યું, કારણ કે પિતા હયાત નહોતા અને બહેનો ભણવામાં મદદ કરવાની હતી. બનેવીઓની સલાહ કોમર્સ લાઈન લેવડાવવાની હતી. એટલે ચુનિલાલ એ વખતે ગુજરાતની એક માત્ર કોમર્સ કોલેજ એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં દાખલ થયા. સાલ 1939 મહિનો જૂન. રહેવાનું હોસ્ટેલમાં.

સાલવારી પ્રમાણે મડિયા ૧૯૪૪ સુધી એ કોલેજમાં હતા, જે ખરેખર ૧૯૪૩ સુધી જ હોવા જોઈતા હતા. પણ પ્રાપ્ત વિગતો પ્રમાણે તેઓ ૧૯૪૪માં અમદાવાદમાં હતા ત્યાં સુધી તેમણે બી.કોમ પૂરું કર્યું નહોતું. એનો અર્થ એટલો કે તેમણે અભ્યાસમાં વચ્ચે વિક્ષેપ પાડ્યો હોવો જોઈએ. ઈન્ટર કોમર્સમાં હતા ત્યારે ભણતાં ભણતાં જ એમણે અમદાવાદના સ્વ. કકલભાઈ કોઠારીના ‘પ્રભાત’ દૈનિકમાં નોકરી લીધી હતી અને લેખન પણ શરૃ કર્યું હતું. આ જ ગાળામાં તેમણે ઉમાશંકર જોશીના બે વાર્તાસંગ્રહ ખરીદી લીધા. આ સાલ ૧૯૪૦ની. બેમાંથી એક ‘શ્રાવણી મેળો’ વાર્તાસંગ્રહ તેમને બહુ ગમ્યો. પણ બીજો સંગ્રહ વાંચવા માટે હાથ પર લીધો ત્યારે નિરાશ થયા તે એટલા બધા કે દોઢ રુપિયાની કિમતનો એ સંગ્રહ એણે સેકન્ડ હેન્ડ પુસ્તકોની દુકાનમાં પાછો આપી દીધો અને અગીયાર આનાની રોકડી કરી લીધી. હદ તો ત્યારે આવી કે તેમણે આ વાત જરા પણ શેહ-શરમ રાખ્યા વગર ઉમાશંકરને લખી જણાવી ને તેમના બોલાવ્યા અઢાર વર્ષના મડિયા તેમને રૂબરુ મળવા પણ ગયા.

પરિચય વધ્યો. એ પછી કાચી-પાકી વાર્તાઓ લખાતી ગઈ તેમ તેમ મડિયા ઉમાશંકરને બતાવતા ગયા. તેમને ગમી. તેમણે આ જુવાન લેખકનો ચમકારો પારખ્યો ને તેમના જ પ્રયત્નોને પરિણામે ‘ઘૂઘવતાં પૂર’ નામનું મડિયાનું પ્રથમ પુસ્તક ૧૯૪૫માં પ્રગટ થયું, ને તે પછી તરત “ગામડું બોલે છે.”

પણ આ ઉંમરે મડિયા હજુ બી.કોમ. થઈ શક્યા ન હોતા. (જે પાછળથી ૧૯૪૫માં મુંબઈથી સિડનહામ કોલેજમાંથી થયા). પણ દરમિયાન તેમનાં બે પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં હતાં, જે તેમની પ્રબળ સર્જકતાની પ્રતિતી કરાવે તેવી ઘટના બની રહી.

એ પછીની કથા પણ આંકડાની કોઇ ઈન્‍દ્રજાળની નહીં, પણ શબ્દવ્યાપારની જ હતી. બી.કોમ થયા પછી તરત જ તેમણે પત્રકાર તરીકે ‘જન્મભૂમિ’માં નોકરી લીધી. એમની આંતરચેતનામાં સર્જક અને પત્રકાર બન્નેની પ્રતિભા જોડાજોડ વસતી હતી. તેમની એવી સર્જકતા તેમના અખબારી આલેખનમાં પણ મદદરૂપ નીવડી તો પત્રકારિતાએ એમની અભિવ્યક્તિને બહુપરિમાણી અને લાઘવભરી બનાવી. પુસ્તક વિવેચનો પણ તેમણે અખબારી કટારોમાં જ બહુધા કર્યા. હળવા નિબંધો પણ એમાં જ,  જે એમના સાહિત્યપ્રદાનનો આગવો હિસ્સો બની રહ્યા.

૧૯૪૬માં એમનું નિષ્ફળ જવા સર્જાયેલું પ્રથમ લગ્ન થયું. કશી પણ કડવાશ વગરનું એ માનસિક કજોડું હતું. એમાંથી એમને છેક સાત વરસે છૂટકારો મળ્યો. અને એ પછી ત્રણ વરસે એમને જેમની સાથેના બાર વર્ષના લગ્નજીવનમાં અપાર સુખ અને ત્રણ સંતાનો પ્રાપ્ત થયા તેવાં દક્ષાબહેન મહેતા સાથે લગ્ન થયાં. એ લગ્નમાં પણ આડકતરી રીતે ઉમાશંકર જોશી જ નિમિત્ત બન્યા. ઉમાશંકર તો દક્ષાબહેનને એ પાંચ વરસની બાળકી હતાં ત્યારથી જ ઓળખતાં હતાં. ૧૯૩૨માં જન્મેલાં દક્ષાબહેન શ્રીમતી જ્યોત્સ્નાબહેન ઉમાશંકર જોશીના સગા મામાની દિકરી થાય. દક્ષાબહેન સુસંસ્કૃત બ્રાહ્મણ કુટુંબનું સંતાન એટલે વાંચવા-ગાવાના સંસ્કાર નાનપણથી જ. ઉમાશંકરના ઘેર મડિયાનો આવરોજાવરો અને એમાં જે પ્રણયભાવ જાગ્યો તે પરિણયમાં પરીણમ્યો. કુટુંબનો કોઈ વિરોધ નહીં. બલકે દક્ષાબહેનનાં બા લીલાવતીબહેને જ આ લગ્ન કરાવી આપેલું. લગ્ન પછી મડિયાની હયાતીમાં દક્ષાબહેનને ક્યારેય તેમની સાથે ધોરાજી જવાનું ના થયું. મુંબઈમા જ વાલકેશ્વર, તીન બત્તી વિસ્તારમાં ‘ચંદ્રલોક’ બિલ્ડીંગમાં જ રહેવાનું બન્યું. ૧૯૫૮માં પુત્ર અપૂર્વનો જન્મ (જે હાલ અમદાવાદમાં સુવિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ છે.) ૧૯૬૧માં પુત્રી પૂર્વીનો જન્મ કે જેમના લગ્ન મુનીર ઝવેરી નામના આર્કિટેક્ટ- એન્જિનીયર સાથે થયા. ૧૯૬૪માં પુત્ર અમિતાભનો જન્મ જે એક નામાંકિત ચિત્રકાર અને કલામર્મજ્ઞ છે. ત્રણે સંતાનો પિતાની સાહિત્યિક મહત્તાને બરાબર સમજનારા અને એને માટે ગૌરવ અનુભવનારા છે. દક્ષાબહેન સાથે ભાઈ અમિતાભ રહે છે. (23, કામેશ્વર ટિવન્સ, મણેકબાગ પાસે, શ્યામલ ચા. રસ્તા પાસે, અમદાવાદ. 380015. ફોન +91 79-26621056  અને મોબાઇલ +91 997988 2860.)

સંતાનો સાથે મડિયા

૧૯૫૦માં જ મડિયા યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ફર્મેશન સર્વિસમાં જોડાઈ ગયા હતા, જ્યાં તેમણે ૧૯૬૨ સુધી સેવાઓ આપી હતી. ઘેરથી બસમાં જતા. ગાડી તો નોકરી છોડ્યા પછી લીધી. ભાગ્યે જ ડ્રીંક્સ લેતા. મડિયાને સોફામાં આડા પડીને, તલ્લીન થઈને લખવાની ટેવ હતી. લેખન દરમ્યાન વારંવાર બ્લેક કોફી લેવાનું એમને ગમતું.

સાહિત્યની કારકિર્દીમાં ૧૯૫૧માં નર્મદ સુવર્ણચંદ્રકનો ઝળહળાટ ભળ્યો. નાટક, નાટ્યસંગ્રહ (રંગદા) વગેરેને તો ઈનામો મળ્યા જ. પણ ૧૯૫૪માં આંતરરાષ્ટ્રિય ફલક પર નામ ઝળક્યું. ‘ધ ન્યુ ન્યુયોર્ક’ હેરલ્ડ ટ્રીબ્યુનની વાર્તા હરિફાઈમાં પહેલું ઈનામ મળ્યું. ૧૯૫૬માં લગ્ન થયા ને તે જ વરસે વાર્તાસંગ્રહ ‘તેજ અને તિમીર’ને મુંબઈ સરકારનો એવોર્ડ મળ્યો. ૧૯૫૭માં માત્ર પાંત્રીસ વરસની ઉમરે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો. તેમણે ૧૯૬૩થી ૧૯૬૮‘રુચિ’ માસિક પણ સરસ રીતે ચલાવ્યું.

ઈજિપ્તના પ્રવાસે મડિયા

મડિયાએ બાર જેટલા તો વાર્તાસંગ્રહો આપ્યા. સંપાદનોનાં પુસ્તકો તો અલગ. તેર નવલકથાઓ ત્રણ લાંબા નાટકોના સંગ્રહો ઉપરાંત ચાર એકાંકી સંગ્રહો ઉપરાંત નિબંધો, પ્રવાસ,  વિવેચનો, કવિતા, જીવનચરિત્રો આપ્યાં. છેંતાલીસ વર્ષનું આયુષ્ય અને પચાસ ઉપરાંત પુસ્તકો. મડિયા કથાનકો અને ચિત્રાત્મકતા(વિઝ્યુઆલીટી)ના લેખક હતા એટલે તે કળા ફિલ્મના માધ્યમને બહુ માફક આવતી.

સોહરાબ મોદીએ મડીયાની વાર્તા ‘વેળાવેળાની છાંયડી’ ઉપરથી ૧૯૬૯માં ‘સમય બડા બલવાન’ ફિલ્મ બનાવી. તો ગુજરાતીનું પ્રથમ રંગીન ચિત્ર ‘લીલુડી ધરતી’ પણ મડિયાની એ જ નામની નવલકથા ઉતર્યું. ટૂંકી વાર્તા ‘અભુ મકરાણી’ ઉપરથી કેતન મહેતાએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ ‘મિર્ચમસાલા’ બનાવી હતી. એ ઉપરાંત પણ અંત:સ્રોતા વાર્તા પરથી ‘મારી હેલ ઉતારો રાજ’ ફિલ્મ બની તો ‘પાવક જ્વાળા’ ઉપરથી ટેલિફિલ્મ બની.

અભિનેતા દિલીપકુમાર સાથે મડિયા

**** **** ****

ઈન્ડિયન પી.ઈ.એન.ના વાર્ષિક અધિવેશનનું પૂર્ણાહૂતિ વ્યાખ્યાન મડિયાએ ૧૯૬૮ના ડિસેમ્બરની ૨૯મીએ આપ્યું. રવિવારનો દિવસ હતો. ખુશવંતસિંગ, કાકા કાલેલકર, જેવા મહાનુભાવો સાથે ભોજન લીધું. તે પછી ‘રુચિ’નું સાહિત્યપાનું તૈયાર કર્યું. પછી નગરપાલિકાએ યોજેલા મિલનમાં ગયા ને પછી તેમના સાસુને ત્યાં ગયા. એમના પરમ મિત્ર નિરંજન ભગત, છગનલાલ જાદવ અને ભાનુભાઈ ત્રિવેદી એમને રાતે અમદાવાદ કાળુપુર સ્ટેશને ગુજરાત મેલ પર વળાવી આવ્યા. તે દિવસે જ શહેરમાં ડોક્ટર્સ કોન્ફરન્સપૂરી થવાથી એ બોગીમાં ડૉક્ટરો પણ ઘણા હતા. પણ ટ્રેન ઉપડી અને મણિનગર સ્ટેશન સુધી પહોંચતામાં હૃદયરોગનો તીવ્ર હુમલો અને સાથેના હમસફર ડોક્ટરની તત્કાલ સારવાર છતાં મડિયાએ દેહ છોડ્યો. રાતના પૂરા દસ પણ થયા નહોતા. મણિનગર સ્ટેશને દેહને ઉતારવામાં આવ્યો. સત્વરે અમદાવાદમાં બધાને ખબર અપાઈ – પછી એમના પરિવારને ખબર કેવી રીતે આપવી એ વિકટ પ્રશ્ન હતો.

અંતે એ ફરજ મુંબઇ રહેતા મિત્ર વાડીલાલ ડગલીએ નિભાવી – રૂબરુ આવીને દક્ષાબહેનને રાતે બાર સાડા બારે ઉઠાડ્યાં-, “મને હમણાં ઉમાશંકરભાઈનો ફોન આવ્યો છે કે મડિયાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને તમારે અમદાવાદ જવાનું છે. હું તમારી પ્લેનની ટિકિટની વ્યવસ્થા કરું છું અને એ નક્કી થશે એટલે હું સવારે આવીને તમને લઈ જઈશ.’ દક્ષાબહેનને કોઇ અમંગળ કલ્પના તો નહોતી જ. એમણે માન્યું કે એ માંદા જ હશે.

એ સવારે આવીને અમને લઇ ગયા. પણ રસ્તામાંય વાડીલાલ ગંભીર રહ્યા.  જરા સરખી પણ ખબર પડવા દીધી જ નહિં.

પછી અમદાવાદ એરપોર્ટ પરથી આવતા હતા ત્યારે રસ્તામાં ઉમાશંકરે આ સમાચાર આપ્યા અને દક્ષાબહેન આઘાતથી શૂન્યમનસ્ક થઇ ગયાં. એમનાં બાનું ઘર પરિમલ ગાર્ડન પાસે ‘શાંતિસદન’માં હતું. મડિયાના દેહને ત્યાં લઈ ગયેલા. દક્ષાબહેને એમના અંતિમ દર્શન કર્યા અને પછી વાડીલાલના સ્મશાનગૃહમાં એમને લઈ ગયા. છોકરાઓને ગવર્નરને ત્યાં લઈ જઈને ત્યાં જ રાખેલા. એટલે છોકરાંઓ છેલ્લા દર્શનથી વંચિત રહી ગયા.

અગાઉ મડિયાને શ્વાસ ચડતો, પણ ક્યારેક જ. વજન વધારે હતું અને એ ઉતારવાના સતત પ્રયત્નોને કારણે ઠીક ઠીક પાતળા પણ થઈ ગયા હતા ને છતાં આ ?

એટલે તો અમદાવાદમાં આવીને એમના અંતિમ દર્શન વખતે દક્ષાબહેનથી સહજ ઉદગાર થઈ ગયો : “આવું ના હોય !”

પણ એક જ ક્ષણમાં મોતને ગળે લગાડનાર સ્વ.ચુનીલાલ મડિયાએ આનો જવાબ એક સોનેટની આ બે પંક્તિઓમાં આગોતરો આપી જ દીધો હતો

“ચહું જ મરણ ઉઘરાવવા એક હપ્તા વડે
બિડાય ભવ-ચોપડો, કરજમાં ન કાંધાં ખપે.”

(કાંધા = હપતા)

**** **** ****

તેમના દેહાવસાન પછી ધોરાજી જઈને રહેવાનો તો આમેય કોઈ પ્રશ્ન જ નહોતો. પિતરાઈઓને જરુર હતી. એટલે એ કડીયાવાડવાળું મકાન એમને પ્રતિક કિંમતે વેચી દીધું.

એ પછી આડત્રીસ વરસે, છેક ૨૦૦૬ના ડિસેમ્બરની ત્રીસમીએ એમણે, પરિવાર સાથે એક તીર્થ લેખે એ ઘરની મુલાકાત લીધી. નિમિત્ત એ કે ધોરાજીના સાહિત્ય અને સંગીતરસિક એવા સ્વ. અરવિંદ પટેલે પોતાના શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ, ધોરાજીના ઉપક્રમે ૨૦૦૬ના ડિસેમ્બરની ૨૯ અને ૩૦મીએ બે દિવસના ‘ચુનીલાલ સ્મૃતિપર્વ’નું અદભુત આયોજન કરીને અને શહેરના એક ચોકમાં એમનું સ્મારક ઉભું કરીને પોતાના શહેરના એ  સંસ્કારપુરુષનું તર્પણ કર્યું. એ અવસરે તેમના પરિવારજનોને ધોરાજી નિમંત્રીને બહેન દક્ષાબહેનનું પણ બહુમાન કર્યું.

ધોરાજીમાં ચુનીલાલ મડિયાના નામે ચોકનું લોકાર્પણ
‘મડિયા સ્મૃતિપર્વ નિમિત્તે’ ધોરાજીમાં મધુ રાય (ડાબે), રજનીકુમાર પંડ્યા, દિનકર જોશી (છેક જમણે, અડધા દેખાતા)

 

નોંધ

તેમના વિપુલ સાહિત્યસર્જનમાં વીસ જેટલી નવલકથાઓ, અગીયાર નવલિકાસંગ્રહો, સાત નાટકો. સોનેટ સંગ્રહ એક ઉપરાંત ચરિત્રો, પ્રવાસકથાઓ અને અનેક સંપાદનોનો સમાવેશ થાય છે.


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

12 thoughts on “સાહિત્યકાર સ્વ.ચુનીલાલ મડિયાના આ જન્મશતાબ્દિ વર્ષ નિમિત્તે સ્મૃતિલેખ

 1. આભાર વડીલ શ્રી, આવી અજાણી માહિતી આપના સિવાય ક્યાંથી મળે ! સ્વ. મડિયા ની આ વિગત મારા જેવા ઘણા માટે સાવ અજાણી હશે.
  સત સત વંદન આપને

 2. બહુજ વિસ્તૃત અને માહિતી તથા સંવેદના સભર લેખ. 🌹

 3. સ્વ.ચુનીલાલ મડિયા વિશે અજાણી માહિતી મળી દિલીપ કુમાર સાથે નો ફોટો આકર્ષક છે.રસપ્રદ માહિતી લેખ વાંચવો ગમ્યો

 4. ખૂબ સરસ પરિચય અને વિગતસભર આલેખન માટે ધન્યવાદ!
  આપનું લેખન હંમેશા માહિતી સભર અને જરાય કોરું કોરું નહી, વંદન! 💐

 5. સત્ સત્ વંદન. ચુનીલાલ મડિયાના જીવન વિશે આવી સરસ અને આટલી ઊંડાણભરી જાણકારી આપવા બદલ ખૂબ ખૂબ આભાર સર. ખાડાવાળા સ્મૃતિચિન્હનો પ્રસંગ ખૂબ ગમ્યો.🙏

 6. વાહ.ખૂબ મજા આવી વાંચવાની.તમારી કલમ એવી છે કે વાંચકને જકડી રાખે.ચુનીલાલ મડીયાના જીવનકવન વિશે સરસ જાણી આનંદ આશ્ચર્ય ને આઘાત (એમનૂં મૃત્યુ જે રીતે થયું એથી)અનુભવ્યા.મડીયા વધુ જીવ્યા હોત તો આથી વિપુલ સાહિત્ય મળત.
  તમારી સાચવણી પણ કાબિલે તારીફ છે,પગદંડીને કેવું સાચવ્યું છે.વાહ.ખૂબ રસપ્રદ લેખ .ધન્યવાદ.ધોરાજીમાં મડીયાના નામનો માર્ગ છે.એ માર્ગ પરથી એકવાર પસાર થવાનું બનેલું.

 7. આશા રાખું છુ ભવિષ્યમાં પણ આવી સરસ બીજા નામી અનામી લેખકોની સાહિત્યકારો ની જીવન કવન વિશે રસપ્રદ સ્મૃતિ વાંચવા મળશે
  ખૂબ રસપ્રદ લેખ. અમારા જેવા વાચકો માટે ઉત્તમ
  ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ

 8. ૫૦-૬૦વરસ પહેલા ની ઘટનાઓ, ફોટા સાથે રજૂ કરવી આપના સિવાય શક્ય નથી.ગજબનો, અદ્ભૂત, સ્મૃતિ-દસ્તાવેજનો ખજાનો ધરાવો છો.અમને ઘણું જાણવા મળે છે.ખુબ મજા આવે છે.આભાર , આભાર, આભાર.

Leave a Reply

Your email address will not be published.