ભગવાન થાવરાણી
એક ખ્વાજા હૈદર અલી ‘ આતિશ ‘ પણ હતા. ઝૌક, ગાલિબ અને બાદશાહ ઝફરના સમકાલીન અને અઢારમી સદીના ઉત્તરાર્ધના શાયર. એટલા સ્વમાની અને જિંદાદિલ કે એમના કલામમાં દર્દ – ઓ – ગમનો ઉલ્લેખ પણ દીવો લઈને શોધવો પડે ! એ લખનૌના નવાબ વાજિદ અલી શાહના ઉસ્તાદ હતા, જો કે એમની રચનાઓમાં લખનૌની રંગત અને દિલ્હીની ખુશ્બૂ બન્ને મોજૂદ હતા. આતિશ અંતર – જ્ઞાન અને સૌંદર્યબોધના કવિ હતા. એમનો શેર :
બડા શોર સુનતે થે પહલૂ મેં દિલ કા
જો ચીરા તો ઈક કતરા-એ-ખૂં ન નિકલા
અને એમની વિચાર – પ્રક્રિયાનો આ નમૂનો પણ :
બુતખાના તોડ ડાલિયે, મસ્જીદ કો ઢાઈયે
દિલ કો ન તોડિયે, યે ખુદા કા મકામ હૈ
(બુતખાના = મંદિર)
ગેય ગઝલના શોખીનોએ આબિદા પરવીન અને અમાનત અલી ખાન સાહેબે અલગ – અલગ અંદાઝમાં ગાયેલી એમની આ ગઝલ જરૂર સાંભળી હશે :
યે આરઝૂ થી તુજે ગુલ કે રૂ-બ-રૂ કરતે
હમ ઔર બુલબુલ-એ-બેતાબ ગુફતગૂ કરતે
એમની એક ગઝલના મત્લાની નકલ હસરત જયપુરીએ ૧૯૬૭ની ફિલ્મ દીવાનામાં મુકેશ દ્વારા ગવાયેલા ગીતમાં કરી હતી :
ઐ સનમ જિસને તુજે ચાંદ – સી સૂરત દી હૈ
ઉસી અલ્લાહને મુજકો ભી મુહબ્બત દી હૈ
(હસરત સાહેબે બસ ‘અલ્લાહ’ નું ‘માલિક’ કરી દીધેલું. )
એમના જે શેરે મને વિશેષ પ્રભાવિત કર્યો છે તે છે આ :
ખુદા દરાઝ કરે ઉમ્ર ચર્ખ-એ-નીલી કી
યે બેકસોં કે મઝારોં કા શામિયાના હૈ ..
(ચર્ખ-એ-નીલી = ભૂરું આકાશ )
આતિશ સાહેબ દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરે છે તોય કોની ? આપણા બધા ઉપર ફેલાયેલા નીલા આકાશની જે ન કેવળ આપણા જેવાનો શામિયાણો છે પણ એ બધા ગરીબ – બિચારા લોકોના નગ્ન અને જીવતા મઝાર જેવા જિસ્મોની પણ એ ચાદર છે જે મરવાના વાંકે જીવી રહ્યા છે !
ખુદા દરેક યુગમાં એમની દુઆ કબૂલ ફરમાવે ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Wahhhh