વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી
જગદીશ પટેલ
વિશ્વ મજૂર સંસ્થા અને વિશ્વ આરોગ્ય સંસ્થા બંનેએ ભેગા મળી પહેલી વાર કામને કારણે કેટલા કામદારોના મોત વ્યાવસાયિક રોગો અને અકસ્માતોને કારણે થાય છે તેના અંદાજ કાઢયા છે. ૧૭ સપ્ટેમ્બરે તેમણે પોતાનો અહેવાલ જાહેર કરતાં દુનિયા આખીમાં ચર્ચા જામી છે.
કામને સ્થળે વિવિધ જોખમોને કારણે વર્ષે ૧૮.૮૦ લાખ કામદારોના મોત ૨૦૧૬માં થયાનો અંદાજ આ અહેવાલમાં રજુ કરાયો છે. આ અહેવાલમાં ૪૧ જોખમોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. વર્ષ ૨૦૦૦, ૨૦૧૦ અને ૨૦૧૬ના અંદાજ જુદા રજુ કરવામાં આવ્યા છે જેથી સમયની સરખામણીએ પ્રગતિ થઇ કે અધોગતિ તે પણ સમજાય. ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝીસનો આધાર લઇ આ અંદાજો આંકવામાં આવ્યા છે. આ અંદાજો માટે ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર (આઇ.એ.આર.સી)એ જાહેર કરેલ કેન્સરજનક પદાર્થોની યાદી પૈકી માત્ર એવા પદાર્થોની પસંદગી કરવામાં આવી છે જે ગ્રુપ—૧ની યાદીમાં સામેલ છે પણ ગ્રુપ—૨એ સંભવિત કેન્સરજનક પદાર્થોનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેની નિષ્ણાતોએ ટીકા કરી છે. આ જૂથમાં સ્તન કેન્સર અને રાતપાળીને કારણે થતા કેન્સરનો સમાવેશ થાય છે જેનો ભોગ મહિલાઓ બને છે તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
૪૧ પૈકી ૩૯ જોખમો પરંપરાગત પસંદગી પામેલા છે. તે પછી બીજા નવા ૧૬ જોખમોને ઓળખી પસંદ કરવામાં આવ્યા તે પૈકી માત્ર ૨ જોખમોનો આ અહેવાલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ૪૧ જોખમોને કારણે ૨૦૧૬માં જીવનના કુલ ૮.૯૭ કરોડ વર્ષ ગુમાવ્યા (ડીસેબીલીટી એડજસ્ટેડ લાઇફ યર્સ). આ ૧૮.૮૦ લાખ મોત પૈકી ૮૦.૭% મોત જુદા જુદા વ્યાવસાયિક રોગોને કારણે અને ૧૯.૩% મોત કામને સ્થળે કે કામને કારણે થતા અકસ્માતોને કારણે થયા. જે ૮૦.૭% મોત રોગોને કારણે થયા તે બધા બીનચેપી રોગ(નોન-કોમ્યુનીકેબલ ડીસીઝીસ; એનસીડી)ને કારણે થયા એટલે કે ટી.બી, એચ.આઇ.વી કે એવા બીજા ચેપી રોગોને કારણે નહી. હવે આ પ્રકારના રોગો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ ૧૮.૮૦ લાખ મોતમાં સીલીકોસીસ, એસ્બેસ્ટોસીસ, કોલ માઇનર્સ ન્યુમોકોનીઓસીસ કે અન્ય ન્યુમોકોનીઓસીસનો સમાવેશ થતો નથી. કારણ તેના આંકડા મેળવવાની રીતની સમીક્ષા થઇ રહી છે.
૧. જે જુદા જુદા કારણોને કારણે કામદારોના મોત થાય છે તેમાં શીરમોર છે, કામના લાંબા કલાક. આપણા માટે નવું નથી. આપણા ચોકીદારો કે ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કામદારોમાંથી મોટા ભાગના ૧૨—૧૨ કલાક કામ કરતા હોય છે. તેમને માટે આ “સામાન્ય” છે એટલે તેમની સાથે કામના લાંબા કલાકની વાત કરીએ તો કદાચ એ એમ માને કે ૧૪—૧૪ કલાક રોજ કામ કરવાને લાંબા કલાક કહેતા હશે. પણ આ અહેવાલમાં આપેલી વ્યાખ્યા મુજબ અઠવાડિયામાં ૫૫ કલાક કરતાં વધુ કામને કામના લાંબા કલાક ગણવામાં આવ્યા છે. આપણા કાયદામાં રોજના ૮ કલાક ૬ દિવસ માટે એટલે અઠવાડિયે ૪૮ કલાકની જોગવાઇ છે પણ રોજના ૯ કલાક ૬ દિવસ ગણીએ તો ૫૪ કલાક થાય અથવા રોજ ૮ કલાક ૭ દિવસ ગણો તો ૫૬ કલાક થાય. આ અહેવાલ કહે છે કે લાંબા કલાક એટલે કે વધુ પડતું કામ કરવાને કારણે વિશ્વમાં વર્ષે ૭,૪૪,૯૨૪ લાખ કામદારોના મોત થાય છે. લાંબા કલાક કામ કરવાને કારણે હ્રદયરોગ અને મગજના સ્ટ્રોકનું જોખમ હોય છે અને આ મોત તે કારણે થતા હોય છે. સ્ટ્રોકને કારણે ૨૦૦૦માં થયેલા અંદાજીત મોત ૩,૩૪,૭૨૪ હતા તેમાં ૧૯%નો વધારો થઇ ૨૦૧૬માં તે અંદાજ ૩,૯૮,૩૦૬ મોતનો થયો. ૨૦૦૦માં હ્રદયરોગને કારણે મરનારાની સંખ્યા ૨,૪૪,૮૪૪ હતી તેમાં ૪૧.૬%નો વધારો થતાં ૨૦૧૬માં ૩,૪૬,૬૧૮ના મોત તે કારણે થયા.
આ અહેવાલ મુજબ સ્ટ્રોકને કારણે દક્ષિણપૂર્વ એશિયા વિસ્તારમાં ૧,૫૮,૯૯૩ મોત થયા છે જે સૌથી વધુ છે. પ્રતિ એક લાખ વસ્તીએ ૧૧.૩નો દર છે. તે સામે અમેરિકામાં ૧૮,૨૫૪ મોત થયા જે સૌથી ઓછા છે જે પ્રતિ એક લાખ વસ્તીએ ૨.૪નો દર થાય છે. સ્ટ્રોકને કારણે જે મોત થાય છે તેમાં મહિલાઓની સરખામણીએ પુરુષોની સંખ્યા વધુ છે અને યુવાનોની સરખામણીએ વૃધ્ધોની સંખ્યા વધુ છે.
એવુ જ હ્રદયરોગને કારણે થતા મોતમાં જોવા મળે છે. દક્ષિણપૂર્વ એશિયા વિસ્તારમાં (એટલે કે બ્રુનેઇ, બર્મા, કંબોડીયા, તીમોર, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, ફીલીપાઇન્સ, થાઇલેન્ડ, સીંગાપોર, અને વિયેટનામ એ ૧૧ દેશ.) ૧,૫૯,૮૨૪ મોત થયા છે જે સૌથી વધુ છે. આફ્રિકા વિસ્તારમાં સૌથી ઓછા, ૧૬,૯૨૦ મોત નોંધાયા કે અંદાજાયા.
૨. એસ્બેસ્ટોસને કારણે થતા એસ્બેસ્ટોસીસનો સમાવેશ આ અહેવાલમાં કરવામાં આવ્યો નથી તે સાચું પણ એસ્બેસ્ટોસને કારણે જુદા જુદા અંગોના કેન્સર થાય છે તેના અંદાજ સામેલ કરવામાં આવ્યા છે. ૧૮૩ દેશના આંકડા એકઠા કરવામાં આવ્યા છે. કુલ મોતના ૧૧.૧% મોત એસ્બેસ્ટોસને કારણે થાય છે. એસ્બેસ્ટોસને કારણે થતા ફેફસાં અને શ્વાસનળીના કેન્સર, અંડાશયના કેન્સર અને સ્વરપેટી (લેરીન્કસ) ના કેન્સર એમ ત્રણ જુદા અંદાજ આપવામાં આવ્યા છે. પણ એસ્બેસ્ટોસને કારણે થતા ગળું, જઠર અને ગુદાના કેન્સરના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેની ટીકા કર્મશીલોએ કરી છે. અન્ય એક અભ્યાસ મુજબ એસ્બેસ્ટોસને કારણે ૨,૩૩,૦૦૦ મોત થતા હોવાનો અંદાજ છે. એક અભ્યાસ મુજબ એસ્બેસ્ટોસને કારણે થતા મેસોથેલીઓમા (ફેફસાંનું રક્ષણ કરતી બહારની કોથળીનું)ના કેન્સરનો ભોગ ૩૮,૮૦૦ બને છે તે પૈકી ૩૫,૦૦૦ કામને કારણે થાય છે પણ આઇ.એચ.એમ.ઇ.ના અભ્યાસમાં આ આંકડો ૨૬,૮૧૯ છે! કર્મશીલોનું માનવું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે ભળવાને કારણે આંકડા ઘટેલા જોવા મળે છે. આ અહેવાલમાં રજુ થયેલા અંદાજ મુજબ એસ્બેસ્ટોસને કારણે થતા મોતમાં સતત વધારો થતો જોવા મળે છે. નીચેનો કોઠો જોતાં આ વાત બરાબર સમજાશે.
કોઠો —૧
રોગ | 2000 | 2016 | ૨૦૦૦ની સરખામણીએ વધારો |
શ્વાસનળી અને ફેફસાંના કેન્સર | 137786 | 177614 | 28.9% |
અંડાશયના કેન્સર | 4519 | 5464 | 20.9% |
સ્વરપેટીના કેન્સર | 2933 | 3299 | 12.5% |
મેસોથેલીઓમાં કેન્સર | 12703 | 23104 | 81.9% |
કુલ | 157941 | 209481 | 32.63% |
૩. આર્સેનિકને કારણે શ્વાસનળી અને ફેફસાંના કેન્સર થઇ શકે અને તે કારણે ૨૦૧૬માં ૭૫૮૯ કામદારોના મોતનો અંદાજ છે. આર્સેનિકનો ઉપયોગ લાકડાની સાચવણ માટેનું રસાયણ બનાવવા માટે, કાચ ઉત્પાદનમાં, દવા ઉદ્યોગમાં, મિશ્રધાતુઓ બનાવવામાં, ચામડું સાચવવા માટેના રસાયણમાં, કેટલાક ખેતી રસાયણોમાં, કેટલાક પિગમેન્ટ અને રંગના ઉત્પાદનમાં થાય છે. કુલ મોતમાં તેનો ફાળો ૦.૪% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૩૪.૩%નો વધારો નોંધાયો છે. ૨૦૦૦માં ૫૬૫૧ મોતનો અંદાજ હતો.
૪. બેન્ઝીનને કારણે ૧૪૫૨ મોતનો અંદાજ છે. ઓટો મિકેનીકસ, કાગળ ઉત્પાદન, સુથારો અને રંગારા, ગુંદર (એડહેસીવ), રસાયણો, પેટ્રોલિયમ, રબર અને જુતા/ચામડાના ઉદ્યોગમાં તેમજ સંશોધન કામમાં તેનો ઉપયોગ થાય છે. તેના સંપર્કને કારણે લોહીનું કેન્સર થાય છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૨૩.૬%નો વધારો નોંધાયો છે. કુલ મોતમાં તેનો ફાળો ૦.૧% છે.
૫. બેરીલીયમને કારણે ૧૬૫ મોત અંદાજાયા છે. તેના કારણે પણ શ્વાસનળી અને ફેફસાંના કેન્સર થાય છે. કુલ મોતમાં તેનો ફાળો ૦.૧% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૬૩.૪%નો વધારો નોંધાયો છે. ૨૦૦૦માં ૧૦૧ મોતનો અંદાજ હતો. ફેબ્રીકેટર, વેલ્ડર, મશીનિસ્ટ, એરોનોટીક ઉદ્યોગ, ઇલેકટ્રોનીક ઉદ્યોગના કામદારોને સંપર્ક થઇ શકે છે.
૬. કેડમીયમને કારણે ૪૫૨ મોત અંદાજાયા છે. તેના કારણે પણ શ્વાસનળી અને ફેફસાંના કેન્સર થાય છે. કુલ મોતમાં તેનો ફાળો ૦.૧% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૬૨%નો વધારો નોંધાયો છે. ૨૦૦૦માં ૨૭૯ મોતનો અંદાજ હતો. કેડમીયમ શુધ્ધીકરણ, નીકલ-કેડમીયમ બેટરી ઉત્પાદન, કેડમીયમ પિગમેન્ટ ઉત્પાદન, કેડમીયમની મિશ્ર ધાતુનું ઉત્પાદન, ઝીંક સ્મેલ્ટીંગ, ચોકકસ પ્રકારના સોલ્ડરના કામદારોને સંપર્ક થઇ શકે છે.
૭. ક્રોમિયમને કારણે ૧૦૨૨ મોત અંદાજાયા છે. તેના કારણે પણ શ્વાસનળી અને ફેફસાંના કેન્સર થાય છે. કુલ મોતમાં તેનો ફાળો ૦.૧% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૬૪.૮%નો વધારો નોંધાયો છે. ૨૦૦૦માં ૬૨૦ મોતનો અંદાજ હતો. ફેબ્રીકેટર, વેલ્ડર, મશીનિસ્ટ, એરોનોટીક ઉદ્યોગ, ઇલેકટ્રોનીક ઉદ્યોગના કામદારોને સંપર્ક થઇ શકે છે.
૮. ડીઝલ એન્જીનના ધુમાડાને કારણે ૧૪૭૨૮ મોત અંદાજાયા છે. તેના કારણે પણ શ્વાસનળી અને ફેફસાંના કેન્સર થાય છે. કુલ મોતમાં તેનો ફાળો ૦.૮% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૬૧.૬%નો વધારો નોંધાયો છે. ૨૦૦૦માં ૯૧૧૬ મોતનો અંદાજ હતો. મિકેનીક અને અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગના સુપરવાઇઝર, મેઇન્ટેનન્સના વગેરે કામદારોને તેનો ઘનિષ્ઠ સંપર્ક થઇ શકે છે. એમાં રોડ પર વાહન ચલાવનારા વાહનચાલકો કે પેટ્રોલ પંપ પર કામ કરતા કામદારો, ટોલ નાકાના કામદારો, ટ્રાફિક પોલીસના નામ અહેવાલમાં નથી. એ કામદારોના સંપર્કનું પ્રમાણ જાણવા અભ્યાસો થવા જોઇએ.
૯. ફોર્મલડીહાઇડને કારણે ૭૪૩ મોત અંદાજાયા છે. તેના કારણે પણ શ્વસનતંત્ર (નાક અને ગળું) તેમજ લોહીનું કેન્સર થાય છે. કુલ મોતમાં તેનો ફાળો ૦.૧% છે. ૨૦૦૦ની સરખામણીએ નાક, ગળાને કારણે થતા મોતમાં ૨૬૩થી વધી ૩૨૭ (૨૪.૩%)નો વધારો અને લોહીના કેન્સરમાં ૩૫૦થી વધી ૪૧૬ (૧૮.૯%) નો વધારો નોંધાયો છે. ફેબ્રીકેટર, વેલ્ડર, મશીનિસ્ટ, એરોનોટીક ઉદ્યોગ, ઇલેકટ્રોનીક ઉદ્યોગના કામદારોને સંપર્ક થઇ શકે છે.
૧૦. નીકલને કારણે ૭૩૦૧ મોત અંદાજાયા છે. તેના કારણે પણ શ્વાસનળી અને ફેફસાંના કેન્સર થાય છે. કુલ મોતમાં તેનો ફાળો ૦.૪% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૩૪%નો વધારો નોંધાયો છે. ૨૦૦૦માં ૫૪૪૯ મોતનો અંદાજ હતો. ફેબ્રીકેટર, મશીનિસ્ટ, વેલ્ડર વગેરે કામદારોને સંપર્ક થઇ શકે છે.
૧૧. પોલીસાયકલીક એરોમેટીક હાયડ્રોકાર્બનને કારણે ૩૮૮૧ મોત અંદાજાયા છે. તેના કારણે પણ શ્વાસનળી અને ફેફસાંના કેન્સર થાય છે. કુલ મોતમાં તેનો ફાળો ૦.૨% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૫૯.૮%નો વધારો નોંધાયો છે. ૨૦૦૦માં ૨૪૨૮ મોતનો અંદાજ હતો. કોલસાનું ગેસીફિકેશન, એલ્યુમિનીયમ ઉત્પાદન, કોકનું ઉત્પાદન, ડામર પાથરનાર કામદારોને સંપર્ક થઇ શકે છે.
૧૨. સીલીકા પણ કેન્સરજનક પદાર્થ છે. તેને કારણે થતા કેન્સર (સીલીકોસીસ નહી) ૪૨,૨૫૮ મોત અંદાજાયા છે. તેના કારણે પણ શ્વાસનળી અને ફેફસાંના કેન્સર થાય છે. કુલ મોતમાં તેનો ફાળો ૨.૩% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૩૨.૪%નો વધારો નોંધાયો છે. ૨૦૦૦માં ૩૧,૯૧૦ મોતનો અંદાજ હતો. સિરામીક કામદારો, પથ્થર તોડવાનું કામ કરતા કામદાર, સેન્ડ બ્લાસ્ટીંગ કરતા કામદાર પર તેનું જોખમ છે.
૧૩. ગંધકના તેજાબને કારણે ૨,૫૬૪ મોત અંદાજાયા છે. તેના કારણે પણ શ્વાસનળી અને ફેફસાંના કેન્સર થાય છે. કુલ મોતમાં તેનો ફાળો ૦.૧% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૧૫.૧%નો વધારો નોંધાયો છે. ૨૦૦૦માં ૨,૨૨૭ મોતનો અંદાજ હતો. અગ્નિશમન દળના કામદાર, ઓટો ઉદ્યોગ, સાંદ્ર અકાર્બોદીત તેજાબનું ઉત્પાદન, પ્લમ્બર, સ્ટીલ ઉદ્યોગમાં ધાતુઓની પ્રક્રિયા કરનાર કામદારને માથે જોખમ.
૧૪. ટ્રાયકલોરોઇથીલીનને કારણે ૨૫ મોત અંદાજાયા છે. તેના કારણે પણ કીડનીના કેન્સર થાય છે. કુલ મોતમાં તેનો ફાળો ૦.૧% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૩૧૬.૭%નો વધારો નોંધાયો છે. ૨૦૦૦માં ૬ મોતનો અંદાજ હતો. આ રસાયણ એક દ્રાવક છે અને ધાતુઓની સપાટી પરથી તેલ અને ગ્રીઝને સાફ કરવામાં તેનો ઉપયોગ થાય છે. તે શ્વાસ દ્વારા અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે.
૧૫. જેને કારણે દમ કે અસ્થમા થઇ શકે તેવા પદાર્થોને કારણે ૨૯,૬૪૧ મોત અંદાજાયા છે. કુલ મોતમાં તેનો ફાળો ૧.૬% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૧૬%નો ઘટાડો નોંધાયો છે. ૨૦૦૦માં ૩૫,૨૯૩ મોતનો અંદાજ હતો. રંગકામ કરનારા, કેમિકલ ફેકટરીના કામદારો, વેલ્ડરો અને પશુઓ સાથે કામ કરનારા કામદારોને માથે જોખમ. કેટલાય રાસાયણિક અને જૈવિક પદાર્થો એવા છે જેને કારણે અસ્થમા થઇ શકે.
૧૬. કામને સ્થળે રજકણો, વાયુઓ અને ધુમાડાને કારણે ૪,૫૦,૩૮૧ કામદારોના મોત થતા હોવાનો અંદાજ આ અહેવાલમાં મુકાયો છે. કુલ મોતમાં તેનો ફાળો ૨૩.૯% છે. ૨૦૦૦ની સરખામણીએ તેના કારણે થતા મોતમાં ૪.૯%નો ઘટાડો નોંધાયો છે. ૨૦૦૦માં ૪,૭૩,૭૨૫ મોતનો અંદાજ હતો. કામના તમામ સ્થળોમાં રજકણો, વાયુ અને ધુમાડાનું જોખમ હોય છે. તેને કારણે ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડીસીઝ (સી.ઓ.પી.ડી.) (દમ જેવો રોગ) થાય છે.
૧૭. અવાજને કારણે કોઇ મોત થતા નથી પણ ૮૧.૬ લાખ જીવન વર્ષ ગુમાવાય છે. ૨૦૦૦ની સરખામણીએ તેમાં ૩૮%નો વધારો નોંધાયો છે. અનેક વ્યવસાયોમાં તેનું જોખમ રહેલું છે.
૧૮. કામને સ્થળે થતા અકસ્માતોમાં થતા મોતની સંખ્યા ૩,૬૩,૨૮૩ અંદાજાઇ છે. કુલ મોતમાં તેનો ફાળો ૧૯.૪% છે. આમાં ૬ પ્રકારના રોડ અકસ્માત, ઝેરી અસર, ઉપરથી પડવું, આગ, ગરમી અને ગરમ પદાર્થો, ડૂબી જવું, યાંત્રિક દબાણ/ધકકો (તેમાં શસ્ત્રોને કારણે થતા અકસ્માત, અન્ય યાંત્રિક દબાણ/ધકકા, શ્વાસનળીમાં કોઇ વસ્તુ ફસાઇ જવી, શરીરના અન્ય કોઇ ભાગમાં કોઇ વસ્તુ ફસાઇ જવી જેવા કારણો જુદા પાડેલા છે), ઇરાદા વગર થતી અન્ય ઇજાઓ (તેમાં બીનઝેરી પ્રાણી સાથેનો સંપર્ક, ઝેરી પ્રાણી સાથેનો સંપર્ક અને અન્ય ઇરાદા વગરની ઇજાઓનો સમાવેશ થાય છે). મોટા ભાગના જોખમોમાં મૃત્યુમાં ઘટાડો જોવા મળે છે.
કોઠો —૨
મુખ્ય જોખમ | કારણ | ૨૦૦૦ના મૃત્યુના અંદાજ | ૨૦૧૬ના મૃત્યુના અંદાજ | ફેરફાર | વધારો/ ઘટાડો |
રોડ અકસ્માત | પગે ચાલીને જનારના મોત | 78790 | 72152 | 8.4% | ઘટાડો |
સાયાકલા પર જનારના મોત | 10915 | 12018 | 10.1% | વધારો | |
મોટર સાયકલ પર જનારના મોત | 41945 | 48151 | 14.8% | વધારો | |
મોટર વેહિકલ (બસ, કાર, ટ્રક વી.) પર જનારના મોત | 67879 | 76946 | 13.4% | વધારો | |
રોડ પર અન્ય મોત | 1764 | 1859 | 5.4% | વધારો | |
વાહતુકાની અન્ય ઈજા | 21597 | 16864 | 21.9% | ઘટાડો | |
ઝેર ચડવું/અસર | કાર્બન મોનોક્સાઈડનું ઝેર | 7408 | 3772 | 49.1% | ઘટાડો |
અન્ય પદાર્થોનું ઝેર | 10477 | 5330 | 49.1% | ઘટાડો | |
ઉપરથી નીચે પડવું | 36808 | 34996 | 4.9% | ઘટાડો | |
આગ,ગરમી અને ગરમ પદાર્થ | 16002 | 10234 | 36% | ઘટાડો | |
ડૂબી જવું | 33135 | 26281 | 20.7% | ઘટાડો | |
યાંત્રિક દબાણ/ધક્કો | શસ્ત્રોને કારણે થયેલા બિનઈરાદાપૂર્વકના મોત | 6348 | 5079 | 20 % | ઘટાડો |
અન્ય યાંત્રિક દબાણ | 21308 | 17406 | 18.3 % | ઘટાડો | |
ફેફસામાં પ્રવાહી કે અન્ય વસ્તુ ફસાઈ જવાને કારણે થતા મોત | 8470 | 7831 | 7.5 % | ઘટાડો | |
શરીરના અન્ય ભાગમાં બહારની વસ્તુ જવાને કારને થયેલા મોત | 794 | 649 | 18.3 % | ઘટાડો | |
ઈરાદા વગરની અન્ય ઈજાઓને કારણે થયેલા મોત | બિન ઝેરી પ્રાણી સાથે સંપર્ક | 1495 | 1213 | 18.9 % | ઘટાડો |
ઝેરી પ્રાણી સાથે સંપર્ક | 9261 | 6359 | 31.3 % | ઘટાડો | |
ઈરાદા વગરની અન્ય ઈજાઓને કારણે થયેલા મોત
|
21478 | 16138 | 24.9 % | ઘટાડો | |
કુલ | 395874 | 363283 | 8.2% | ઘટાડો |
૧૯. કામને સ્થળે કામ કરવાની પરિસ્થિતિને કારણે, અંગભંગી અને વજન ઉંચકવાને કારણે અથવા અમુક ચોકકસ સ્નાયુનો જ સતત વધુ પડતો ઉપયોગ થવાને કારણે હાડકાં અને સ્નાયુઓની તકલીફ થાય છે જેમાં પીઠ અને બોચીનો દુ;ખાવો થાય છે. તેને ઇર્ગોનોમીક ફેકટરને કારણે થયેલી ઇજા કહેવાય છે. તે કારણે મોત થતા નથી પણ ૧.૦૨ કરોડ જીવન વર્ષ ગુમાવાય છે. ૨૦૦૦ની સરખામણીએ તેમાં ૨૦.૧%નો વધારો નોંધાયો છે. અનેક વ્યવસાયોમાં તેનું જોખમ રહેલું છે. ખાસ કરીને કોમ્પ્યુટર પર બેસીને કામ કરવાને કારણે બોચીની ઇજા થાય છે. તે ઉપરાંત ખેતી, બાંધકામ, વાહનવ્યવહાર, ઉત્પાદન, હોટલ અને રેસ્ટોરાં, હોસ્પિટલ અને સામાજીક કામ, ખાણ કામ વગેરે મહત્ત્વના ક્ષેત્ર છે જેના કામદારો પર આ જોખમ રહેલું છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ પણ અધૂરા અંદાજ છે. ખરા આંકડા આથી ઘણા વધુ હશે. નિષ્ણાતોની ટીકા માટે આપણે બીજો સ્વતંત્ર લેખ કરવો પડે.
આ સાથે ત્રણ લિંક આપી છે જેમાંથી પહેલી લિંક પ્રેસ રીલીઝની છે. બીજી લિંક અહેવાલની છે અને ત્રીજી લિંક પર કલીક કરતાં વિશ્વનો નકશો દેખાશે તેમાં જમણી બાજુએ જોખમો, રોગો, લિંગ, ઉંમરના ડ્રોપડાઉન મેનુ દેખાશે. તેમાં તમારે જે દેશની માહિતી મેળવવી હોય ત્યાં કર્સર મુકવું અને ડ્રોપડાઉન મેનુમાં જે માહિતી જોઇતી હોત તે પસંદ કરતાં અહેવાલમાં સામેલ જે તે દેશની માહિતી મળી શકશે.
- http://www.ilo.org/global/about-the-ilo/newsroom/news/WCMS_819705/lang–en/index.htm
- http://www.ilo.org/wcmsp5/groups/public/—ed_dialogue/—lab_admin/documents/publication/wcms_819788.pdf
- https://who-ilo-joint-estimates.shinyapps.io/OccupationalBurdenOfDisease/
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M-+91 9426486855
What is scientific base & analysis of 7 plus lakhs deaths due to long working hours?
Thank you, Mahesh, for the question. Long working hours lead to heart disease and brain stroke leading to death. ILO and WHO have jointly worked to collect data from over 100 countries. They have published a technical report on the methodology and tools. I have downloaded it but not yet gone through it yet. I believe you can get all the information from that report. As explained basis of this report is the Global Burden of diseases which is published by WHO at regular intervals. As criticized there are many factors that have not been considered yet. Actual figures must be many more.