‘મની હાઈસ્ટ’નો નશો ઉતર્યો હોય તો હવે ‘આર્ટ હાઈસ્ટ’ની અવનવી વાતો વિષે જાણો

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

તાજેતરમાં નેટફ્લિક્સ પર ‘મની હાઈસ્ટ’ વેબસિરીઝે ધૂમ મચાવી છે. પૈસો ચીજ જ એવી છે જે માણસના મગજમાં ધૂમ મચાવી દે. એમાંય જો કરોડો રૂપિયાની ઉચાપતની વાત હોય તો એમાં બધાને રસ પડે જ! પણ શું તમે જાણો છો, કે મની હાઈસ્ટની જેમ જ ‘આર્ટ હાઈસ્ટ’નો પણ એક રોચક ઇતિહાસ છે?!

ઘણાને ખબર નથી, પરંતુ ઉચ્ચ કક્ષાની કળાકૃતિઓનું પણ એક મોટું વૈશ્વિક બજાર છે. એમાં ય અમુક કળાકૃતિઓ તો એટલા ઊંચા ભાવે વેચાતી હોય છે, કે માત્ર એક જ કૃતિ વડે કલાકારનું જીવન સફળ થઇ જાય! સ્વાભાવિક છે કે જ્યાં ધનની આવી રેલમછેલ હોય, ત્યાં ચોરીની ઘટનાઓ બનવાની જ! કળાકૃતિ જેટલું દુર્લભ, એની ચોરીની વાત એટલી જ રોચક! આજે એવા જ કેટલાક ‘આર્ટ હાઈસ્ટ’ના રોચક કિસ્સાઓ જાણીએ.

ધ ઘેન્ટ ઓલ્ટરપીસ :

ઇસ ૧૪૩૨માં જેન વેન આઈક હબર્ટ નામના આર્ટિસ્ટ અને એના ભાઈએ ભેગા મળીને આ કળાકૃતિ બનાવેલી. ઓલ્ટરપીસનો અર્થ થાય લાકડાના ટુકડાઓ-પેનલ્સ ઉપર કરેલું ચિત્રકામ. આ પ્રકારના પીસ દેવળમાં મૂકવામાં આવતા હોય છે. ધ ઘેન્ટ ઓલ્ટરપીસમાં કુલ બાર પેનલ ઉપર પેઈન્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ચિત્રો એટલા સુંદર બનેલા કે અનેક વખત એની ચોરી કરવામાં આવી! ઇતિહાસમાં સૌથી વધુ વખત ચોરી થનાર આર્ટવર્ક તરીકેનો રેકોર્ડ ધ ઘેન્ટ ઓલ્ટરપીસના નામે નોંધાયો છે!

નેપોલિયનથી માંડીને હિટલર સુધીના શક્તિશાળી લોકોને આ આર્ટપીસ પર કબજો જમાવવાની મહેચ્છા હતી. નેપોલિયને તો આ આર્ટવર્ક રીતસર ચોરી લીધેલું! એ પછી બન્ને વિશ્વયુધ્ધો દરમિયાન પણ ધ ઘેન્ટ ઓલ્ટરપીસ ચોરી થઇ થઈને એક હાથથી બીજા હાથમાં ફરતું રહ્યું. જો કે ૧૯૩૪ પછી એના વિષે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. આ આર્ટવર્ક બન્યાના પાંચસો વર્ષ પછી, ૧૯૩૪માં બેલ્જીયમના ઘેન્ટ શહેરમાં આવેલ સેન્ટ બેવો કેથેડ્રલ ખાતેથી ઘેન્ટ ઓલ્ટરપીસની એક પેનલ ચોરાઈ ગઈ! એ કોણ ચોરી ગયું, એના વિષે કોઈ માહિતી મળતી નથી. પરંતુ ચોરી થઇ એના થોડા દિવસોમાં કેથેડ્રલના બિશપને એક ખંડણી માંગતો કાગળ મળેલો. એ કાગળમાં ચોરી કરનાર અજાણ્યા વ્યક્તિએ દસ લાખ ફ્રેન્કની (બેલ્જીયમનું ચલણ) માગણી કરેલી! બિશપે આવડી મોટી રકમ આપવાનો ઇનકાર કરી દીધો. એ પછી ચોરાયેલા આર્ટપીસનું શું થયું, એ કોઈ જાણતું નથી! ચોરીના થોડા મહિનાઓ બાદ મરણપથારીએ પડેલા બેલ્જિયમના એક સ્ટોકબ્રોકરે મરતા પહેલા એક ચિઠ્ઠી લખી, “ધ ઘેન્ટ ઓલ્ટરપીસની ચોરી વિશેનું સત્ય માત્ર હું જ જાણું છું.” બસ, આટલી જ માહિતી લખીને એ ભાઈ ગુજરી ગયા, અને ધ ઘેન્ટ ઓલ્ટરપીસની એ પેનલ વિષે ક્યારેય ભાળ ન મળી!

 

ફિલ્મી હાઈસ્ટ : “જેન્ટલમેન, ધીસ ઇઝ અ રોબરી!”

આપણે ફિલ્મોમાં જે દિલધડક ‘હેરાફેરી’ જોઈએ છીએ, એવું જ એક દ્રશ્ય ૧૭ માર્ચ, ૧૯૯૦ના દિવસે બોસ્ટનના વિખ્યાત ઇઝાબેલા સ્ટુઅર્ટ ગાર્ડનર મ્યુઝિયમ ખાતે ભજવાયું. મૂળભૂત રીતે આ મ્યુઝિયમ એક ભવ્ય મેન્શન હતું, જેને પાછળથી મ્યુઝિયમમાં ફેરવી દેવાયેલું. અહીં જગતના અનેક ચિત્રકારોના મોંઘા ભાવના પેઈન્ટિંગ્સ રાખવામાં આવ્યા છે.

૧૭ માર્ચ, ૧૯૯૦ને દિવસે પોલીસની વર્દી પહેરેલા બે વ્યક્તિઓ વટકે સાથ મ્યુઝિયમમાં પ્રવેશ્યા. મ્યુઝિયમના સિક્યોરીટી સ્ટાફને લાગ્યું કે બે પોલીસમેન મ્યુઝિયમમાં ચેકિંગ માટે આવ્યા હશે. પણ થોડી વાર થઇ ત્યાં તો એક ‘પોલીસમેને’ પોતાનું અસલી સ્વરૂપ પ્રકટ કરતા એકદમ ઠંડા કલેજે જાહેરાત કરી, “જેન્ટલમેન, ધીસ ઇઝ અ રોબરી!” (આ વાક્ય પછી બહુ પ્રખ્યાત થઇ ગયેલું.) કોઈ કશું સમજે એ પહેલા આખી પરિસ્થિતિ બન્ને લૂંટારાઓની તરફેણમાં થઇ ચૂકી હતી. સિક્યોરીટી ગાર્ડસને મુશ્કેટાટ બાંધી દેવામાં આવ્યા, અને પેલા બન્ને જણ રેમ્બ્રાંત, વર્મીઅર, માને અને ડેગા જેવા વિખ્યાત ચિત્રકારોની ઢગલેબંધ કળાકૃતિઓ પોતાની કારની ડીકીમાં ભરીને રફુચક્કર થઇ ગયા! જાણે કોઈ ફિલ્મનું દ્રશ્ય ભજવાઈ ગયું હોય એમ અખો ઘટનાક્રમ બની ગયો! ચોરાયેલી કળાકૃતિઓની કિંમત અધધ પચાસ કરોડ ડોલર્સ જેટલી હતી! આવી મોંઘીદાટ કલાકૃતિઓ ક્યાં ગઈ, એ વિષે આજે ત્રણ દાયકા પસાર થઇ ગયા બાદ પણ કોઈ જાણકારી મળી નથી. ઘણા માને છે કે પાછળથી કોઈકે લૂંટને અંજામ આપનાર પેલા બન્ને જણની પણ હત્યા કરી નાખેલી! લૂંટારાઓ કળાકૃતિઓને એમની મૂળ ફ્રેમમાંથી કોતરીને લઇ ગયેલા. એ તમામ ખાલી ફ્રેમ આજે પણ પોતાની કૃતિઓની રાહ જોતી ઇઝાબેલા સ્ટુઅર્ટ ગાર્ડનર મ્યુઝિયમની દીવાલો પર લટકતી જોવા મળે છે. અને હા, આ રોચક ઘટના પરથી ઉતરેલી ડોક્યુમેન્ટરી સીરીઝને નામ આપવામાં આવ્યું છે, “ધીસ ઇઝ અ રોબરી!”

કેનેડાની ઐતિહાસિક ચોરી :

૪ સપ્ટેમ્બર, ૧૯૭૨. મધ્યરાત્રિનો સમય વીતી રહ્યો હતો. કેટલાક લોકોએ એક મકાનના છાપરામાં સૂર્ય પ્રકાશ માટે બનાવવામાં આવેલી બારી તોડીને અંદર પ્રવેશ કર્યો. આ મકાન એટલે કેનેડાનું પ્રખ્યાત ‘મોન્ટ્રિયલ મ્યુઝિયમ ઓફ ફાઈન આર્ટ’. અહીં અનેક કિંમતી કળાકૃતિઓ અને ચીજવસ્તુઓ મોજૂદ હતા. મ્યુઝિયમમાં ઘુસેલા પેલા ચોરોની ગેંગે સૌથી પહેલું કામ મ્યુઝિયમના ગાર્ડસને પકડીને બાંધી દેવાનું કર્યું. ત્યાર પછીની ૩૦ મિનીટ્સમાં આ ચોરોએ ૩૯ જેટલી કિંમતી જ્વેલરી અને વિશ્વવિખ્યાત ચિત્રકારોના ૧૮ પેઈન્ટીંગ્સ તફડાવી લીધા! એ જમાનામાં આ બધાની કિંમત ૨ મિલિયન ડૉલર્સ જેટલી હતી. (આજની તારીખે આ આંકડો ૨૦મિલિયન ડૉલર્સ જેટલો થાય!)

એવું કહેવાય છે કે મ્યુઝિયમના ટ્રસ્ટીઓએ પાછળથી ચોરોને અમુક રકમ ચૂકવીને કેટલીક કળાકૃતિઓ અને દાગીના પાછા મેળવી લીધા, પણ મોટા ભાગની મત્તાનો ક્યારેય પત્તો ન લાગ્યો. સ્થાનિક પત્રકારોના કહેવા મુજબ આ આખી ઘટનાને અંજામ આપવામાં મોન્ટ્રિયલની માફિયા ગેન્ગસનો હાથ હતો. થયું એવું કે જે કળાકૃતિઓની ચોરી કરવામાં આવેલી, એ એટલી પ્રખ્યાત હતી, કે પેલા માફિયાઓ એને વેચવા જાય તો સો ટકા પોલીસના હાથે ઝડપાઈ જાય! આથી માફિયાઓએ પોતાની જાન છોડાવવા મોટા ભાગની કળાકૃતિઓનો નાશ કરી નાખ્યો હોવાનું મનાય છે!

આને ચોર કહેવા કે ‘કળાપ્રેમી સમાજસેવક’?!

અમુક વાર કેટલાક રમૂજી કિસ્સાઓ પણ ધ્યાન ખેંચી જાય છે. થયું એવું કે ૨૩ એપ્રિલ, ૨૦૦૩ના દિવસે માન્ચેસ્ટરની આર્ટ ગેલેરીમાં મુકાયેલા ચિત્રો પૈકીના સૌથી પ્રખ્યાત એવા ત્રણ ચિત્રો ચોરાઈ ગયા! આ ચિત્રો વિન્સેટ વાન ગોગ, પાબ્લો પિકાસો અને પોલ ગુગીન જેવા પ્રખ્યાત ચિત્રકારો દ્વારા બનાવાયેલા હતા. આ ચિત્રોની કુલ કિંમત આઠ મિલિયન ડૉલર્સ જેટલી થતી હતી! સ્વાભાવિક રીતે જ આવડી કિંમતી ચીજો ચોરાઈ, એટલે મ્યુઝિયમના અધિકારીઓની તો ઊંઘ હરામ થઇ જાય. જો કે સદનસીબે આ તમામ ચિત્રો બે દિવસ બાદ મળી આવ્યા. જોવાની ખૂબી એ હતી કે ચિત્રોની ચોરી કરનાર વ્યક્તિએ આ ચિત્રો એક પબ્લિક ટોઈલેટમાં મૂકી દીધેલા, જ્યાંથી પોલીસે રિકવર કર્યા!

બહાર જોખમ ખેડીને જેની ચોરી કરી હોય, એવી કિંમતી ચીજોને કોઈ શા માટે આમ પબ્લિક ટોઈલેટમાં રઝળતી મૂકી જાય? ટોઈલેટમાં એક કાર્ડબોર્ડ ટ્યુબની અંદર મુકાયેલા આ ચિત્રો પાસે ચોરભાઈએ પોતાની લાગણી દર્શાવતી નોટ મૂકી હતી. “અમારો ઈરાદો કંઈ કિંમતી ચિત્રોની ચોરી કરવાનો નહોતો. અમે તો માત્ર મ્યુઝિયમની સિક્યોરીટીમાં રહેલા છીંડા ઉજાગર કરવા માંગતા હતા.”

લો બોલો, જે શહેરમાં આવા કળાપ્રેમી ‘સમાજસેવકો’ હોય, એ શહેર કેટલું નસીબદાર ગણાય! પોલીસને આ સમાજસેવી ચોરો કોણ હતા, એ વિષે આજની તારીખે ય કોઈ કડી મળી નથી!

મોનાલિસાનો ‘દેશપ્રેમી’ આશિક

ઘણીવાર લાગણીઓ એટલી હાવી થઇ જતી હોય છે, કે માણસ ન કરવાનું કરી બેસે! આવું જ કંઈક લિઓનાર્ડો દ’વિન્સીની વિશ્વવિખ્યાત કલાકૃતિ મોનાલિસાના સંદર્ભમાં બનેલું. પેરિસના લૂવ્ર મ્યુઝિયમમાં મૂકાયેલું મોનાલિસાનું પેઈન્ટિંગ મુલાકાતીઓ માટે હંમેશથી આકર્ષણનું કેન્દ્ર હોય છે. એકાદ સદી પહેલાની આ વાત છે. એ સમયે પેરુગિયા નામનો એક વ્યક્તિ લૂવ્ર મ્યુઝિયમમાં નોકરી કરતો હતો. પેરુગિયા મૂળ ઇટાલીનો હતો. મોનાલિસાનો સર્જક લિઓનાર્ડો દ’ વિન્સી પણ ઇટાલિયન હતો. પેરુગિયા દ્રઢપણે માનતો હતો કે ફ્રાન્સનો સમ્રાટ નેપોલિયન મોનાલિસાની કૃતિ ઇટાલીથી ચોરીને ફ્રાન્સ લઇ આવ્યો છે, જે લૂવ્ર મ્યુઝિયમ ખાતે મૂકવામાં આવી છે. હકીકતે પેરુગિયાની આ ધારણા ખોટી હતી, પણ એને તો દેશપ્રેમનો પારો ચઢેલો. એટલે એણે નક્કી કર્યું કે ગમે એ ભોગે મોનાલિસાની વિખ્યાત કૃતિને ફરીથી પોતાના દેશ ઈટલી લઇ જવી! લૂવ્ર મ્યુઝિયમ ખાતેની નોકરી દરમિયાન એક દિવસ લાગ જોઈને પેરુગિયાએ મોનાલિસાનું ચિત્ર ફ્રેમમાંથી બહાર કાઢી લીધું, અને પોતાના વસ્ત્રો હેઠળ છુપાવીને મ્યુઝિયમની બહાર લઇ ગયો. એ જમાનામાં સીસીટીવી તો હતા નહિ. એટલે છેક બીજા દિવસે એક મુલાકાતીએ મોનાલિસાના ચિત્ર વિષે પૃચ્છા કરી ત્યારે બધાનું ધ્યાન ગયું કે મોનાલિસાબહેન તો પેરુગિયા સાથે ઇટલીના પ્રવાસે ‘ઉપડી’ ગયા છે! જો કે ચોરીની ખબર વીજળીવેગે ફેલાઈ ગયા બાદ ફ્રાન્સની સરહદો તાત્કાલિક ધોરણે સીલ કરી દેવાઈ. પરિણામે પેરુગિયા ઇટલી જઈ ન શક્યો. આખરે ૨ વર્ષની રઝળપાટ પછી એનો દેશપ્રેમનો જુસ્સો કદાચ ઉતરી ગયો હશે, એટલે પેરુગિયા મોનાલિસાનું ચિત્ર વેચીને રોકડી કરી લેવાના ઈરાદે બીજા એક મ્યુઝિયમમાં ગયો, જ્યાંથી પોલીસે એની ધરપકડ કરી અને મૂળ કળાકૃતિ કબજે કરીને લૂવ્ર મ્યુઝિયમમાં ફરી મોકલી આપી!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

3 thoughts on “‘મની હાઈસ્ટ’નો નશો ઉતર્યો હોય તો હવે ‘આર્ટ હાઈસ્ટ’ની અવનવી વાતો વિષે જાણો

  1. Very good historical information on stealing of famous art work.
    Money Heist serial is on money but historical ART are invaluable.
    Thanks for this information.

Leave a Reply

Your email address will not be published.