સાસુ તો જાણે મા જેવાં પ્રેમાળ બની ગયાં હતાં
નલિન શાહ
ધનલક્ષ્મીના મગજમાં ડહાપણને અવકાશ ભલે ના હોય, પણ ડરની મારી એણે માનસીનો સામનો કરવાના સંજોગો ટાળવાની તકેદારી જરૂર રાખવા માંડી. એને માટે એ સાધવું બહુ સહેલું હતું. કેવળ એટલા માટે કે વગર કારણે વિખવાદ પેદા કરવાનું માનસીના સ્વભાવમાં નહોતું, એનું કાર્યક્ષેત્ર એનું સામ્રાજ્ય હતું. ઘરકામમાં કે રોજિંદા વ્યવહારમાં એ દખલ દેવા નહોતી માંગતી. ભલે ઘરમાં સાસુનો મોભો જળવાતો, જ્યાં સુધી એના પોતાના માર્ગમાં એ નડતરરૂપ થવાનાં પ્રયત્નો ના કરે ત્યાં સુધી સાસુની સત્તાને પડકારવાનું એનું કોઈ પ્રયોજન નહોતું. ધનલક્ષ્મીના મનમાં એટલી દહેશત જરૂર પેદા થઈ હતી કે માનસી સામે એનું સાસુપણું બતાવવા એની સતામણી કરશે તો એને સ્થાનભ્રષ્ટ કરવામાં માનસી એક પળનો પણ વિલંબ કરે તેમ નહોતી. ને હવે તો શંભુ મહારાજે પણ ઘટસ્ફોટ કર્યો તો કે માનસીનાં પુનિત પગલાંએ જ કુટુંબને આપત્તિમાંથી ઉગાર્યું હતું.
બીજે દિવસે સવારે નાનીને ત્યાં જવા માનસી તૈયાર થઈ એના રૂમમાંથી નીકળી. સાસુ સાથે થયેલી બોલચાલ હજી એના મનમાં તાજી હતી એટલે ‘બા હું જાઉં છું’ કહેવાનો શિષ્ટાચાર કરવાની પણ એણે જરૂર ના સમજી. પણ જેવું એણે ઘરનું બારણું ખોલ્યું ત્યાં સાસુનો સાદ કાને પડ્યો, ‘ક્યાં? નાનીને ત્યાં જાય છે?’ ‘હા’ કહીને માનસી ઘરની બહાર પગ મૂકે એ પહેલાં જ ધનલક્ષ્મી બોલી, ‘એક મિનિટ, જરા સાંભળ.’ માનસી થંભી ગઈ.
‘તું જમવાનું શું કરે છે?’ ધનલક્ષ્મીએ ચિંતામગ્ન થઈ પૂછ્યું.
‘ઘણું ખરું બહારથી મંગાવી લઈએ છીએ.’ માનસી બોલી.
‘દીકરા, જરા તબિયતની સંભાળ રાખો, હોટેલ ગમે તેવી સારી હોય ઘરના જેવી ચોખ્ખાઈ તો ના હોય. મહારાજને કહેતા શું થાય છે કે સવારે વહેલાં બે જણનું બનાવી નાખે તો સાથે લઈ જઈ શકે. આટલા ઉજાગરા કર્યા ને પાછું બહારનું ખાવાનું માંદી પડીશ તો નવી ઉપાધિ. આજે ઠીક છે, કાલે હું મહારાજને કહી દઈશ કે તમારા બે માટે વ્હેલું બનાવી દે.’
‘સારું બા’ એટલું બોલી માનસી બહાર નીકળી ગઈ.
પણ એના કાને વિશ્વાસ ના બેઠો, ‘આ ચમત્કાર સર્જાયો કઇ રીતે!’ સાસુ તો જાણે મા જેવાં પ્રેમાળ બની ગયાં હતાં. ‘ગમે તે હોય કાંઈ ભેદ તો છે.’ એને ખાતરી હતી કે વર્ષોથી ઘડાયેલી બુદ્ધિરહિત સાસુ એક રાતમાં તો ના બદલાય! સાસુનો વધુ વિચાર કરી એ સમયનો વ્યય કરવા નહોતી માંગતી. છતાં એ કુતૂહલ સમાવી ના શકી. રાત્રે એણે પરાગને પૂછ્યું ત્યારે એણે વિસ્તારથી શંભુ મહારાજ સાથે સધાયેલા જન્માક્ષરનાં કાવતરાની યોજના વર્ણવી. એણે મા અને શંભુ મહારાજ વચ્ચેના સંવાદો કાન દઈને સાંભળ્યા હતા, તે બધા કહ્યા. માનસીએ હસીને કહ્યું, ‘સારું થયું, વગર કારણે વિખવાદ તો ટળ્યો. શંભુ મહારાજને હજી થોડી લાલચ આપજે ને કહેજે કે બધાના ગ્રહોને કબજામાં રાખે.
****
નાનીની વિદાયને અઠવાડિયું વીતી ગયું હતું. રાજુલ રોજ આવીને માનસી સાથે સારો એવો સમય ગાળતી હતી. એક પણ દિવસ એવો નહોતો વીત્યો જ્યારે નાનીની વાત કરતાં માનસીનાં નેત્રો સજળ ના થયાં હોય. એની યાદ હજી વિસારે નહોતી પડતી. ‘એ ક્યારેય નહીં વિસરાય’ માનસી મનોમન બોલી. મા-બાપ વિહોણી માનસીનું નાનીના સહારે ગુજરેલું બાળપણ, એની હઠો ને નાનીના મીઠા ઠપકા ને લાડ, રાતના ડરામણાં સપનાં ને નાનીની ગોદમાં લપાઈને પામેલી સાંત્વના, એનાં ઉજ્વળ ભવિષ્ય માટે નાનીનો અથાગ પરિશ્રમ ને આપેલો ભોગ એના માનસપટ પર શિલાલેખની જેમ અંકિત થઈ ગયાં હતાં. ‘જ્યારે સુખની પળ માણવાનો મોકો આવ્યો ત્યારે ચાલતાં થયાં.’ આ અફસોસ માનસીનાં જીવનનો અતૂટ હિસ્સો બનીને રહેશે. એક વેળા એના જન્મદિનની ઉજવણીના ફોટા બતાવતાં એણે રાજુલને કહ્યું, ‘મારો દરેક જન્મદિવસ એમણે ઉત્સાહથી ઉજવ્યો હતો. જ્યારે સ્કૂલમાં હતી ત્યારે મારી મિત્રોને પણ આમંત્રી ફંક્શનને એક ભવ્ય રૂપ આપતાં હતાં. હવે મને મારી કોઈ બર્થ-ડેમાં રસ નથી રહ્યો. ‘માનસીની આંખોમાંથી આંસુ સરી પડ્યાં.
‘તું નથી માનતી કે આત્મા અમર છે?’ રાજુલ બોલી. ‘તો પછી તને આવી રીતે દુઃખી થતાં જોઈ એમને શું થતું હશે?’
થોડી વારની ચુપકીદી બાદ માનસીએ હળવાશથી કહ્યું, ‘એક વાર મેં જીદ પકડી કે નાની તમારો બર્થ-ડે મારે ઊજવવો છે.’ તો કહે, ‘મને યાદ નથી.’ મેં બહુ જીદ કરી તો કહે, ‘અચ્છા બાબા, તારી ક્રિસમસ હૉલિડે પતી ગઈ ને. હવે થોડા દિવસ પછી પંદર જાન્યુઆરીએ ઊજવજે.’ જ્યારે એ દિવસ આવ્યો, ત્યારે કેક લેવા જતી વખત મેં પૂછ્યું ‘નાની, કેટલાં કેન્ડલ લાવું?’ તો કહે, ‘કેક કરતાં કેન્ડલ મોંઘાં પડી જાય. બસ એક જ લાવજે.’ એક દિવસ મને કહે, ‘માનસી સાચે જ મારો જન્મદિવસ મને જરાયે યાદ નથી. પંદર જાન્યુઆરીએ ઊજવવાનું એટલે કહ્યું કે એ દિવસ મેં મારી નર્સિંગ કરિયરની શરૂઆત કરી હતી. ૧૯૨૬ની સાલ પણ યાદ રહી ગઈ છે. તે જ દિવસે કે.ઈ.એમ. હોસ્પિટલ શરૂ થઈ ને તે જ દિવસે હું નર્સ તરીકે ત્યાં દાખલ થઈ. કેટલી શાંતિના એ દિવસો હતા. ૧૨૫ ખાટલાથી શરૂ થયેલી એ હોસ્પિટલ!’ અને બે હાથ પહોળા કરીને જાણે કોઈ બાળકને સમજાવતાં હોય તેમ મને કહેતાં, ‘આજે તો અધધધ કેટલી વિશાળ થઈ ગઈ છે. બધી શાંતિ હણાઈ ગઈ છે. સાચું કહ્યું, ત્યાં સેવા કરતાં જે આશીર્વાદ મને મળ્યા છે, જે આત્મીયતા મેં અનુભવી છે એણે મને તને ઉછેરવા ઘણું બળ આપ્યું છે. એ યાદો એક સંપત્તિની જેમ મારા મનમાં સચવાઈ રહી છે. હવે તું મોટી થઈને જલદી ડૉક્ટર થા એટલે તારી માને આપેલાં વચનનો ભાર મારા માથા પરથી ઊતરે.’
‘રાજુલ’, માનસી એ વિષાદપૂર્ણ સ્વરમાં ઉચ્ચાર્યું, ‘મને હવે ખાતરી થાય છે કે હજી હું ડૉક્ટર ના થઈ હોત તો એ આશામાં નાની હજી પણ જીવતાં હોત.’
‘માનસી, કોણ કહી શકે કે આ ન હોત તો શું હોત? એટલે જે નજર સામે છે એ સ્વીકાર્યે જ છૂટકો.’ એટલું બોલીને રાજુલ માનસીનો હાથ થામી બેસી રહી. થોડી વારે વાત બદલતાં એણે કહ્યું, ‘માનસી, તારે આ શોકમગ્ન વાતાવરણમાંથી બહાર આવવાની જરૂર છે. કહેતી હોય તો ચાર દિવસ પછી, એટલે કે શનિવારે, આપણે ગામ જઈએ. જુદાં વાતાવરણમાં જરા સારું લાગશે.’
માનસીએ હકારમાં ડોકું હલાવ્યું.