લુત્ફ-એ-શેર: મણકો # ૭૨

ભગવાન થાવરાણી

ચાલો, એક વાર ફરીથી પાછા ફરીએ વીતેલી શતાબ્દીઓ તરફ અને પડતાલ કરીએ એ શાયરોની જે ઉર્દૂ શાયરીના પાયાના પત્થરો છે. આવા શાયરોમાં આપણે અત્યાર સૂધી આચમન કરી ચૂક્યા છીએ મીર, ઝૌક, ઝફર, દાગ, ઈકબાલ, મોમિન અને ગાલિબ જેવા દિગ્ગજોનું. આજે જોઈએ જનાબ નઝીર અકબરાબાદી સાહેબનો કસબ. નઝીરનો જન્મ અઢારમી સદીના પૂર્વાર્ધમાં થયો. એ મીર અને સૌદાના સમકાલીન હતા. એમને ઉર્દૂ નઝ્મના જનક માનવામાં આવે છે. કહેવાય છે કે એમણે કુલ બે લાખ પંક્તિઓ લખી ( જેમાંથી છ હજાર સચવાઈ છે ). એમની ખાસિયત છે એમની ભાષા જે વિશુદ્ધ ઉર્દૂ નહીં પરંતુ બોલચાલની હિંદુસ્તાની જબાન છે. એમની મહાન અને લાંબી રચના  ‘ બંજારાનામા ‘ ની કેવળ ચર્ચા કરવી હોય તો આવા અનેક આલેખ જોઈએ. એ દીર્ઘ રચનાની ધ્રુવ – પંક્તિનો ઉલ્લેખ કરી સંતોષ માનીએ :

સબ ઠાઠ પડા રહ જાવેગા
જબ લાદ ચલેગા બંજારા ..
એમના શેરો તરફ વળીએ. એમની સાદગી જૂઓ :
બાગ મેં લગતા નહીં સેહરા સે ઘબરાતા હૈ દિલ
અબ કહાં લે જા કે બૈઠેં ઐસે દીવાને કો હમ ..
અને આ તીર :
કમાલે   ઈશ્ક   ભી   ખાલી   નહીં   તમન્ના   સે
જો હૈ ઈક આહ તો ઉસકો ભી હૈ અસર કી તલબ
સંભવ છે, આ શેરમાંથી પ્રેરણા લઈને ગાલિબે  ‘ આહ કો ચાહિયે ઈક ઉમ્ર અસર હોને તક ‘ લખ્યું હોય.  નઝીર સાહેબનો આ રમતિયાળ શેર પણ જોઈએ :
થા  ઈરાદા  તેરી  ફરિયાદ  કરેં હાકિમ સે
વો ભી ઐ શોખ તેરા ચાહને વાલા નિકલા
પરંતુ હું ફિદા છું એમણે કહેલ આ વાત પર :
કિસ કો કહીએ નેક ઔર ઠહરાઈએ કિસ કો બુરા
ગૌર  સે  દેખા  તો  સબ  અપને  હી  ભાઈબંદ હૈં ..
 
વાત ધ્યાનથી વિચારવા જેવી છે. આ મહાભારતકારનો વિષાદ – યોગ છે કેવળ બે મિસરામાં સમાવિષ્ટ !  લોકો ખરાબ છે તો હું વળી ક્યાંનો સારો અને જો હું સારો તો બીજા પણ એટલા ખરાબ થોડા છે !

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

1 thought on “લુત્ફ-એ-શેર: મણકો # ૭૨

Leave a Reply

Your email address will not be published.