યે પીનેવાલે ક્યા જાને, પૈમાનોં પે ક્યા ગુજરી હૈ

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

પહેલાંની સરખામણીએ હવે પ્રવાસની વૃત્તિ લોકોમાં અનેકગણી વધી છે, જેમાં ઈન્‍ટરનેટનું મોટું પ્રદાન છે. જાણીતાં-ઓછાં જાણીતાં સ્થળો વિશેની માહિતી, ત્યાં થઈ શકતું ઑનલાઈન બુકિંગ, હોટેલ વિશે તેમાં રહી ચૂકેલા પ્રવાસીઓના અભિપ્રાય જેવી અનેક સુવિધાઓનો લાભ પ્રવાસીઓ છૂટથી લઈ રહ્યા છે. હોટેલનું સ્થાન, તેનો દર, રૂમનું આંતરિક સુશોભન, સ્વચ્છતા અને તેની સેવા વગેરે પરિબળો સામાન્ય રીતે પ્રવાસીઓ ચકાસતા હોય છે. હોટેલ સારી, મધ્યમ કે ખરાબ ભલે રહી, પણ ત્યાંનો કર્મચારી વર્ગ વિનમ્ર, પ્રામાણિક અને કામગરો હોય એવી અપેક્ષા મોટા ભાગના પ્રવાસીઓની હોય છે, જેમાં કશું ખોટું નથી. અલબત્ત, આ કર્મચારીઓ કઈ સ્થિતિમાં કામ કરતા હોય છે એ ભાગ્યે જ કોઈ જાણતું હોય છે કે જાણવામાં રસ ધરાવતું હોય છે.

આ બાબતે એક આવકાર્ય પહેલ સ્પેન દેશમાં થઈ છે. પહેલાં તેની પૂર્વભૂમિકા જાણી લઈએ. સ્પેનની રાજધાની બાર્સેલોનામાં 2014માં લાસ કેલીઝ નામે એક વ્હૉટ્સેપ ગૃપ શરૂ કરવામાં આવેલું. આ ગૃપ મહિલા કર્મચારીઓનું હતું, જે તમામ હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. શૃંખલાબદ્ધ હોટેલોએ ખાસ કરીને હોટેલના સફાઈકામ માટે કાયમી કર્મચારીઓ રાખવાને બદલે સીધેસીધી અન્ય એજન્‍સીઓને કરારબદ્ધ કરવા માંડી હતી. આમ કરવાથી સરકારી ધારાધોરણ અનુસારનું લઘુત્તમ વેતન અને અન્ય લાભ આપવામાંથી હોટેલમાલિકોનો છૂટકારો થઈ જતો હતો. દેખીતું છે કે કર્મચારીઓને આનો વિરોધ હોય, પણ તેમનાં સંગઠનો આ બાબતે કશું પણ કરવામાં સફળ રહ્યાં નહીં. આને પરિણામે આવી મહિલા કર્મચારીઓએ ભંડોળ એકઠું કર્યું અને પોતાની બુકિંગ ઍપ તૈયાર કરાવડાવી, જેના થકી ગ્રાહકો સીધું બુકિંગ કરાવી શકે. આમાં તેમણે હોટેલની સામાન્યપણે જોવામાં આવતી ખાસિયતો ઉપરાંત એ હોટેલના કર્મચારીઓના કાર્યસ્થળની સ્થિતિ, તેમની સાથે માલિકો કેવો વર્તાવ કરે છે વગેરે બાબતોનો સમાવેશ કર્યો.

આમ જોઈએ તો આ તુક્કો કહી શકાય, કેમ કે, કોઈ હોટેલના માલિકો પોતાના કર્મચારીઓ સાથે કેવો વ્યવહાર કરે છે એની સાથે પ્રવાસીઓને શી લેવાદેવા? ઘર છોડીને રખડવાનો આનંદ માણવા અને સુખસુવિધાનો ઉપભોગ કરવા નીકળેલો પ્રવાસી કોઈ હોટેલના કર્મચારીના હિત વિશે શું કામ વિચારે?

આ ગૃપનાં પ્રવક્તા વાનિઆ આરાનાના જણાવ્યા અનુસાર તેઓ પ્રવાસનને એક નવા યુગમાં લઈ જવા ઈચ્છે છે કે જ્યાં લોકોના કાર્યસ્થળની સ્થિતિ અને તેમની સાથેનો માનવીય વર્તાવ આર્થિક હિતોથી પણ ઉપર હોય. આ ગૃપના માપદંડ અનુસાર હોટેલોએ વેતન અને કાર્યસ્થળની સ્થિતિ અંગેની રાષ્ટ્રીય સમજૂતિનું તેમજ તદુપરાંત સ્વાસ્થ્ય અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. એ હોટેલમાં સમાન વેતન નીતિનો અમલ તથા નબળા વર્ગના લોકોને તેમજ પરિચારિકાઓને કામે રાખવાં જરૂરી છે.

શૃંખલાબદ્ધ હોટેલો સામે આ જૂથની મુખ્ય ફરિયાદ કામ માટે અન્ય એજન્‍સીઓને કરારબદ્ધ કરવા સામે છે. આ એજન્‍સીઓ પછી આ કર્મચારીઓને સફાઈ કર્મચારીઓ તરીકે રોકે છે, અને રાષ્ટ્રીય વેતનનીતિ અંતર્ગત તેમને પરિચારિકાઓ કરતાં પણ ઓછું વેતન ચૂકવે છે. છેક હમણાં સુધી આ હોટેલો પોતાની પરિચારિકાઓને કર્મચારી તરીકે નીમતી જ હતી, અને તેમને પ્રતિ સપ્તાહ ચાલીસ કલાક લેખે મહિને બારસો યુરોનું વેતન તેમજ માંદગી તથા પ્રસૂતિના લાભ પણ આપતી હતી. બહારની એજન્‍સીઓ એટલું જ વેતન આપે એવું અમુક કિસ્સામાં બને તો પણ એમાં છ કલાકની પાળી દરમિયાન સરેરાશ 25 થી 30 રૂમની સફાઈ કરવાની આકરી શરત હોય છે, જે સામાન્ય સંજોગોમાં શક્ય નથી. આ કાર્યભારને પહોંચી વળવા માટે કર્મચારીઓએ વિના વેતને રોકાઈને કામ કરવું પડે છે, અને એમ કરવામાં તેઓ નિષ્ફળ જાય તો તેમને તગેડી મૂકવામાં આવે છે.

આ જૂથમાં સ્પેનિશ ઉપરાંત લેટિન અમેરિકા, પૂર્વ યુરોપ અને આફ્રિકાથી આવેલી દેશાંતરિત મહિઓલાઓ સભ્ય છે. હોટેલમાલિકો આફ્રિકન મહિલાઓને વધુ પસંદ કરે છે, કેમ કે, તેઓ અંગ્રેજી બોલી શકે છે. આ ઉપરાંત એકલમાતાઓ તેમની પહેલી પસંદ હોય છે, કારણ કે તેમનું શોષણ કરવું સહેલું છે.

હોટેલઉદ્યોગ ક્ષેત્રે પ્રવર્તી રહેલી આવી પરિસ્થિતિમાં વૈશ્વિક મહામારીએ જાણે કે પડ્યા પર પાટુનું કામ કર્યું. હજી હોટેલો આ માપદંડને અનુસરે છે કે કેમ એ બાબતે તેમનો સંપર્ક થઈ રહ્યો છે. આરાનાનું કહેવું છે: ‘લોકોને હું એટલું જ કહીશ કે તમે હોટેલની તલાશમાં હો તો એવી હોટેલ શોધજો કે જ્યાં કાર્યસ્થિતિ માનવીય હોય. તેમજ શોષણ અંગે પણ વિચારજો. કર્મચારીઓને છૂટા કરીને કામ બહારની એજન્‍સીઓને સોંપવાને લઈને અમારા ભાગે બિમારી, અતિશય બોજો અને સરવાળે સામાજિક તેમજ આર્થિક ગરીબી જ આવી છે.’

એટલે કે આ પ્રયાસ હજી અખતરાના સ્તરે છે. તેના સફળ થવાનો મોટો આધાર હોટેલમાલિકો પર નહીં, પણ પ્રવાસીઓ પર, બલ્કે પ્રવાસીઓની સંવેદનશીલતા પર છે. ઈન્‍ટરનેટ પર ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પો વચ્ચે સૌથી કિફાયતી સોદો શોધતા પ્રવાસીઓ શું આ મુદ્દે થોડી વધુ રકમ ચૂકવવા તૈયાર થાય એમ બને? આ મુદ્દો ખરેખર તો માનવતાનો પણ નથી, બલ્કે મૂળભૂત હકોનો છે. પ્રવાસીઓનું વલણ આ મુદ્દે કેળવાય અને બદલાય એવી આશાને આધારે આ મહિલાઓએ આ સાહસ આદર્યું છે.

અલબત્ત, એટલું યાદ રાખવું રહ્યું કે આ વાત સ્પેનની છે. આવા વિકસીત ગણાતા દેશમાં કર્મચારીઓના મૂળભૂત હકની આ સ્થિતિ હોય તો હાડોહાડ વર્ગભેદની માનસિકતા ધરાવતા આપણા દેશમાં પરિસ્થિતિ કેવી ગંભીર હશે એ ધારવું અઘરું નથી. આવી પરિસ્થિતિની સ્વિકૃતિ જ એ હદની છે કે એના વિશે વિચાર સુદ્ધાં આપણને આવતો નથી. આપણી તમામ સંવેદના આપણે કોમી લાગણીઓ પૂરતી જ મર્યાદિત કરી દીધી હોવાથી આવી બાબતે આપણું રુંવાડુંય ફરકી શકતું નથી. આને પણ વિકાસની જ નિશાની કહેવાય.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦- ૦૯–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

3 thoughts on “યે પીનેવાલે ક્યા જાને, પૈમાનોં પે ક્યા ગુજરી હૈ

 1. બહારની મેનપાવર એજન્સીઓ પોતે પણ શોષણ કરે છે. આપણા દેશમાં તો ન્યૂનતમ વેતન કોન્ટ્રેકાર લઈ જાય અને એમાંથી દસ-વીસ ટકા કાપીને કામદારને ચૂકવે છે.એટલે એનું શોષણ બે રીતે થાય છે.

 2. સરસ માહિતી સભર લેખ. પૈસા કમાવાની જરૂરિયાત અને માનવતા. મલિક અને મજુર એ બન્ને ને કમાવું છે. કામદારનું શોષણ અને તેના હક્કો.
  આભાર બીરેન ભાઈ
  બીજી પણ એક વાત ધ્યાન પાર લાવું . ઓન લાઈન બુકિંગ માં શરતો ધ્યાન પૂર્વક વાંચવી જરૂરી છે.
  મોટા ભાગની પરદેશની હોટલો ક્રેડિટ કાર્ડ સ્કેન કરે . એ નંબર મેમરી માં રહે. ટીપ અને સફાઈનો અને રૂમના ફ્રીઝ માં રહેલી વસ્તુ નો
  ખર્ચ જયારે રૂમ નું ચેક આઉટ કરો ત્યારે તમારા ખાતામાં ચઢાવે . અમને આ અનુભવ અમને ઘણીવાર થયો છે .

 3. આપણે જે કોઈ સુવિધાઓ ભોગવીએ છીએ -એ પછી હોટેલની હોય કે હોસ્પિટલની -તેમાં કોઈનું ને કોઇનું શોષણ થતું જ હોય છે

Leave a Reply

Your email address will not be published.